1.42 - જોઉં તને ને ગઝલો સ્ફૂરે, હિપ હિપ હુર્રે / હેમેન શાહ


જોઉં તને ને ગઝલો સ્ફૂરે, હિપ હિપ હુર્રે,
વીત્યાં વર્ષો તુજ વિણ ઝૂરે, હિપ હિપ હુર્રે.

રાત પડે તો ચાંદા જેવી તારી ખુશ્બૂ,
ફૂટે અંકુરે અંકુરે, હિપ હિપ હુર્રે.

સન્નાટાના પથરાયેલાં મેદાનોમાં,
સંગીત વાગે હળવે સૂરે, હિપ હિપ હુર્રે.

દંતકથાને અંતે ઘેરું અંધારું છે,
ટમટમ થાતો દીવો દૂરે, હિપ હિપ હુર્રે.

દિવસ આખો હું નૌકાને ઘડવા બેસું,
રાતે કોઈ દરિયો પૂરે, હિપ હિપ હુરે.


0 comments


Leave comment