1.45 - શેરપાની સજાગ જ્યાં સુધી નજર પ્હોંચે / હેમેન શાહ


શેરપાની સજાગ જ્યાં સુધી નજર પ્હોંચે,
એથી તો ક્યાંય દૂર આ બરફના સ્તરે પ્હોંચે.

શ્વેત પાનું ફરે સહજ, વિશાળ પુસ્તકનું,
એમ ઉદ્દીપ્ત હિમપ્રપાતની લહર પ્હોંચે.

કોઈ બાળકની ઠંડી લાશ જેમ થીજેલા,
સ્તબ્ધ ઝરણાંને મારા લોહીની અસર પ્હોંચે.

કિન્નરીનો પીડાથી દેહ રાતભર કાંપે,
ત્યારે પ્રસવતી સૂર્યતા ક્ષિતિજ પર પ્હોંચે.

આ બરફને કઠોર સૂર્ય નાખે ઊતરડી,
તો જ જૂઠી ત્વચા નીચે કશી ખબર પ્હોંચે.


0 comments


Leave comment