1.46 - ભૂમિથી ઊગવાની ઉમ્મર, બોલ કશું કે હું ઊભો છું / હેમેન શાહ


ભૂમિથી ઊગવાની ઉમ્મર, બોલ કશું કે હું ઊભો છું,
કૌતુક થાતું ઝરમર ઝરમર, બોલ કશું કે હું ઊભો છું.

એક નદીને કાંઠે જાતાં ગાડામાં ઠલવાયો સૂરજ,
પ્રગટાવી ખળખળતાં ઝુમ્મર, બોલ કશું કે હું ઊભો છું.

ત્યાગ કરું છું હું શ્રદ્ધાની અવાક્ ઊભી વનરાઈનો,
તું ટહુકો થઈ યા થઈ મર્મર, બોલ કશું કે હું ઊભો છું.

એકલતામાં આવર્તન છે લયની શાંત સપાટી પરનાં,
કોણે આ ફેક્યું છે ઝાંઝર? બોલ કશું કે હું ઊભો છું.

મનમાં કોઈ ભીંતની પાછળ કંઈ ખખડ્યું છે, હું જાણું છું,
માણસ હો કે હો તું ઈશ્વર, બોલ કશું કે હું ઊભો છું.


0 comments


Leave comment