1.47 - સપનાંઓ જોઈ જોઈને હું અસ્તવ્યસ્ત અહીં / હેમેન શાહ


સપનાંઓ જોઈ જોઈને હું અસ્તવ્યસ્ત અહીં,
સાકાર થઈ શકે ન એવો બંદોબસ્ત અહીં.

કિલ્લો આ રાતનો તમે જીતી નહીં શકો,
એકે કિરણનું દોરડું ક્યાં છે દુરસ્ત અહીં ?

દ્રુત તાલમાં આરોહને આંબી લીધા પછી,
બટકી ગઈ છે કેટલી સરગમ પ્રશસ્ત અહીં.

મોકો ચૂક્યાનો રાખવો અફ્સોસ શું હવે?
વેઈટિંગ રૂમ જેવી છે દુનિયા સમસ્ત અહીં.

કરુણાંતિકા હું કોઈ પણ વાંચું છું બેસીને,
ઊજવું બીજી કઈ રીતે પંદર અગસ્ત અહીં?


0 comments


Leave comment