1.48 - હૃદય, મન પછી આ થયું સ્થાન છેલ્લે / હેમેન શાહ


હૃદય, મન પછી આ થયું સ્થાન છેલ્લે,
સજળ આંખમાં મેં કર્યું સ્નાન છેલ્લે.

કશું છોડી દઈને જવું ક્યાં સરળ છે?
કર્યા'તાં ઘણાં મેં સમાધાન છેલ્લે.

કહ્યું કંઈક, પણ સાંભળી હું શક્યો ના,
હતું કાચ જેવું દરમિયાન છેલ્લે.

વિના સ્વાદ, દૃષ્ટિ, શ્રુતિ, સ્પર્શ કે ગંધ,
અનુભવશું તોયે હવામાન છેલ્લે.

હશે, તો હશે એક સંપૂર્ણ સ્ત્રી એ,
કે મૈથુનનું મળશે ખરું જ્ઞાન છેલ્લે.


0 comments


Leave comment