1.52 - છે વ્યસ્ત હાથ ફાઈલો ને પેપરનેટ પર / હેમેન શાહ


છે વ્યસ્ત હાથ ફાઈલો ને પેપરનેટ પર,
આત્મા તો દૂર ક્યારનો ભટકે રહેંટ પર.

ક્રોસિંગ પર માહીમના માગે શહેર ભીખ,
સૂએ છે વાળી ટૂંટિયું એ ચર્ચગેટ પર.

હડતાલમાં કુટુંબીઓ દેખાય છે અલગ,
વિકરાળ મોઢા કોઈએ સાંધ્યા હો પેટ પર.

લાગેલ ચુસ્ત કરફ્યુની પરવા કર્યા વિના,
વરસી ગ્યું એક ઝાપટું મુંબઈના બેટ પર.

જોઉં શહેરને ધીરે હું રાખ થઈ જતું,
મક્કમ છે હોઠ કોઈના આ સિગરેટ પર.


0 comments


Leave comment