1.53 - લલકારો નહિ રાગ દીપકની બંદિશ જ્યાંત્યાં / હેમેન શાહ


લલકારો નહિ રાગ દીપકની બંદિશ જ્યાંત્યાં,
કેવળ સળગી શકવાની ગુંજાઈશ જ્યાં, ત્યાં.

આડે પડખે પહાડ પડ્યો એને ઢંઢોળો,
પગ પેસારી વૃક્ષ ગયાં અડતાલીશ જ્યાંત્યાં.

વહેમ પડે છે સુંદરતા કે કદરૂપતાનો,
સામે આવે છે બુરખાની સાઝિશ જ્યાં, ત્યાં.

સ્વાધીનતાથી આળસ ખાતા છોડને બદલે,
‘બૂકે’માં ફૂલોની શિક્ષિત કુર્નિશ જ્યાંત્યાં.

એ તૂટવાનો સ્વાભાવિક ડર સૌને લાગે,
કૈંક રકાબી શિર પર હોય અહર્નિશ જ્યાં, ત્યાં.


0 comments


Leave comment