1.55 - એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે? / હેમેન શાહ


એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે?
એકવચન પ્હેલો પુરુષ ત્યાં વચ્ચે આવી જાય છે.

એ પુનઃ સર્જાય છે, ને પુનઃ ભૂંસાય છે,
આ સનાતન અર્થહીનતા તમને કંઈ સમજાય છે?

બદસૂરત ચહેરાઓની મધ્યે હજુ જીવ્યા કરો,
જીવ લાંબા કૂદકાને મારતા અચકાય છે.

રંકની ચાદર સમી જે ક્યારની ફાટી ગઈ,
એ કથાના ક્યાં હજી પણ તાંતણા રુઝાય છે?

પાંખ સંકોરીને બેઠું રણ હથેળીની ઉપર,
આંગળીમાં કાફલાઓ ત્યારથી અટવાય છે.


0 comments


Leave comment