1.56 - સપનું જ એક બચ્યું દિવસની તોડફોડમાં / હેમેન શાહ


સપનું જ એક બચ્યું દિવસની તોડફોડમાં,
છેવટ નગર સૂતું અભિનેત્રીની સોડમાં.

પ્રત્યેક વયસ્ક ધ્યેયનું જૌહર થતું રહે,
સૌ નિસ્સહાય, પોતપોતાના ચિતોડમાં.

પાણીની જેમ જિંદગી શોધી લે છે સતહ,
યાને ગુમાઈ જાય છે એંશી કરોડમાં.

એકાદ મહાપુરુષ, પછી અફીણી અંધકાર –
બીજું ન કંઈ યે આખી પેઢીના નિચોડમાં.

આવી શક્યાં ન કામ ત્યાં ટેકાનાં લાકડાં,
ભાંગી જવું, મળ્યું હતું આ મનને ખોડમાં.


0 comments


Leave comment