1.57 - ના હજી છે કશું ય તય, પછીની વાત પછી / હેમેન શાહ


ના હજી છે કશું ય તય, પછીની વાત પછી;
કરશું જ્યારે મળે સમય, પછીની વાત પછી.

હાલ તો છે ગુલાબી વય, પછીની વાત પછી;
ખેર ! ચર્ચાનો છે વિષય: પછીની વાત પછી.

લ્હેરખી રાહ ક્યારની જુએ કે - તડકાનો
થાય પૂરો પ્રલંબ લય, પછીની વાત પછી.

સૂર અહીં કોઈ મેળવે ઉજાસના કિન્તુ,
દૂર વન-વન છે ધૂમ્રમય, પછીની વાત પછી.

આ પ્રદૂષિત મહાનગર મહીં હજી ક્યારેક,
પાંગરે છે નવો પ્રણય, પછીની વાત પછી.


0 comments


Leave comment