1 - आમુખ / अનુમુખ (Pre/Postface) / અંગગતછવિ / જયેન્દ્ર શેખડીવાળા


મારામાં ઉછરતા કવિને તેના જન્મકાળથી જ કળા, ભાષા અને જીવનમુદ્રાઓના તળિયા સુધી પહોંચવામાં રસ પડવા માંડેલો, આ રસસાગરની તળશોધ માટે રવીન્દ્રનાથ, શરદબાબુ, મુક્તિબોધ, ફણીશ્વરનાથ ‘રેણુ’, ‘અમૃતા પ્રીતમ, જરાસંઘ, પન્નાલાલ પટેલ, સુરેશ જોશી, રાવજી પટેલ ઈત્યાદિમાં સક્રિય ડૂબકીઓ મારતા મારા કવિનું ચેતનવિશ્વ કશાક દિશાચિંધણને પામવા, કશાક સંકતને ઉકેલવા, કશીક અમૂર્ત, પારદર્શી જિવાતિભૂતતાને સમજવા તત્પર થઈ ઊઠયું ત્યારે રાવજીનો શબ્દ મારા કવિને મન માત્ર તેનો સર્જનસ્થ શબ્દ ન રહેતાં અનેકસ્તરીય, વાયવ્ય, વ્યાપક, અનંત જીવનદ્રવ્ય તરફના સક્રિય-સંકેતો રચી આપતી વિ-જ્ઞાન પ્રયોગશાળા બની ગયેલો. રાવજીની આ સજકીય પ્રયોગશાળામાં રાવજીના શબ્દમાં રૂપાયિત થયેલાં જીવનમાત્રનાં સૂક્ષ્મતમ સંવેદનવિશ્વો, અસ્તિત્વીય ગૂઢપ્રદેશો અને માનવજીવનનાં એકાંધિક સ્તરોમાં વૃત્તાવૃત્ત પ્રવૃત્ત ચેતનાનાં રહસ્યમય ક્રિડારૂપોને જોવા, સમજવા, માણવા, જાણવા અને નાણવાની મને તક મળી. મારી કવિચેતનાની સાથે આ બધામાંથી મારી અંદરની વિવેચક ચેતના પણ પસાર થઈ રહી હતી. જેણે અહીં અપ્રસ્તુત એવાં ઘણાં બધાં કારણોસર ગુજરાતી વિવેચનાને અનિવાર્યપણે અર્ધસ્વીકૃત કરી નાખેલી; પરિણામે કળાનું મનનોપલબ્ધ તત્ત્વજ્ઞાન ચેતનાના સ્તરેથી કૃતિમૂલવણી માટેનાં પોતાનાં ઓજારો તૈયાર કરવા માંડેલું. આ ઓજારોએ રાવજીના શબ્દ સાથે જે પ્રતિક્રિયા-પ્રતિભાવો અને સંકેતનો રચ્યાં તે પ્રથમ મહાનિબંધ રૂપે અને હવે ‘અંગગત છવિ’ અને ‘કથેતિ’ રૂપે બે ગ્રંથોમાં આપની સમક્ષ છે.

આ દીર્ઘ કાળપટ્ટ પર પથરાયેલી પ્રક્રિયાના વિરામ સ્થાનો લેખે કેટલાક સજીવો હંમેશા સાથે રહ્યા છે. આભાર.

મારી અમૂંઝણો વચ્ચેથી અત્યંત ખુશનુમા રીતે, લાગણી અને પ્રેમ નિતરતી આંખોને અજવાળે રાહ ચીંધતા મારા માર્ગદર્શક પ્રિયવડીલ ડૉ. પ્રમોદકુમાર પટેલની છબી, રોષ, રીષ, હુંફ, પ્રેરણા અને છટકાં ગોઠવી મહાનિબંધ પૂરો કરાવવાના કીમિયા કરતી મારી પત્ની કપિલાની છબી: રાવજીની કૃતિઓની સાચવણી અને પપ્પાને ખલેલ ન પડે તે માટે નાન્લા નાન્લા ઉપાયો કરતા કબીરની છબી અને મારા મુકાદમ જેવા પણ અત્યંત સ્નેહાળ કર્મઠ વિદ્યાર્થીમિત્ર દક્ષેશ ઠાકરની છબી- આ બધી છબીઓની ઝિલઝિલાહટ વચ્ચે ડૉ. જગદીશ પટેલ, શ્રીમતિ જયશ્રીબેન દવેની ટકોરોના ધ્વનિ, ચણા યા લીંબું પાણીનાં હેતસેવનની છાયા ધરનાર શ્રીમતિ સવિતાબેન પ્ર. પટેલનો હેતુપુર: સરનો શૂન્ય પદધ્વનિ આ ક્ષણે મને સદાનો ઋણી બનાવે છે.

ડૉ. ચીનુ મોદી, ડૉ. મફત ઓઝા, ડૉ. ચિમનલાલ ત્રિવેદી, ઉસ્માન પઠાણ, રાવજીના ભાઈઓ રમણભાઈ પટેલ, મનુભાઈ પટેલ તથા મિત્ર ચતુરભાઈ સોલંકીએ સહૃદયતા દાખવીને રૂબરૂ મુલાકાતો આપી તે બદલ તેમનો અત્યંત ઋણી છું. શ્રી પુરુરાજ જોશી, શ્રી ઈન્દુપુવાર, શ્રી ડૉ. શિરીષ પંચાલ, શ્રી સિલાસ પટેલિયા એ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવી આપી તે માટે તેમનો પણ ઋણી છું.

કનુ પટેલ, ચતુર પટેલ, અજિત ઠાકોર, મણિલાલ હ. પટેલ, જયદેવ શુકલા, વિનોદ જોશીએ અનેક રીતે મિત્રધર્મ બજાવ્યો છે. એટલે એમનો આભાર નહીં માનું, પણ આભાર માનવો જ પડે તેવું કામ તો મિત્ર શ્રી નટુભાઈ પારેખે લશ્કરી ઢબે મહાનિબંધ ટાઈપ કરીને અને શ્રી ભદ્રેશ સરૈયાએ તે જ રીતે આવરણ તૈયાર કરી, બાઈન્ડિંગ કામ પૂરું કરવાનું કર્યું છે. તે બદલ આભાર તેમને ન ગમે છતાં માનવો જ રહ્યો.

હવે આજે જ્યારે ગ્રંથાકારે આ મહાનિબંધ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનો ઋણ સ્વીકાર કરી, શ્રી કિરીટ દૂધાત તથા શ્રી હર્ષદ ત્રિવેદીનો આભાર માનું છું. ઉપરાંત શ્રી અમૃતભાઈ ચૌધરીએ પ્રકાશન ઉમંગ દર્શાવી મારા પર ઋણ ચડાવ્યું છે તે આભારસહ સ્વીકારું છું.

મુ. જશવંત શેખડીવાળા અને ડૉ. નરેશ વેદની હૂંફ અને લાગણી અને ગૂંચાઢયતામાં પથપ્રદર્શન કરવા બદલ તેમનો આભારી છું. નિર્વ્યાજ પ્રેમ, હુંફ, લાગણીથી આ પ્રકાશન માટે બારણે ટકોરા મારવા બદલ ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ, દત્તાત્રેય ભટ્ટ, રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ, વર્ષા રોહિત તેમજ ડૉ. પિનાકીનિ પંડયાનો આભારી છું.

જેમણે જેમણે આ બન્ને ગ્રંથો માટે વરસો સુધી તકાદા કર્યા છે તેવા મારા સર્જક-વિવેચક-ભાવક-વાચકોનો આ ક્ષણે ઋણભાવ વ્યકત કરું છું.0 comments


Leave comment