2.3 - (અ) રાવજી પટેલ : જીવન / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોતાં થોડાક એવા સર્જકો પ્રાપ્ત થાય છે જેમનાં સર્જનો તેમના જીવનસંદર્ભ સિવાય અપૂર્ણ લાગ્યા કરે. એમ પણ કહી શકાય કે આ સર્જકોનો જીવનસંદર્ભ, તેમની કૃતિઓને એક વિશેષ પરિમાણમાં ઉઘાડી આપે છે. કાન્ત, કલાપી, પન્નાલાલ પટેલ અને રાવજી પટેલ આવી ઘટનાઓનાં વિરલ ઉદાહરણ છે. અલબત્ત, રાવજીના જીવનનો તેનાં સર્જનો સાથેનો સંદર્ભ, કાન્ત અને કલાપી યા અન્ય ગુજરાતી કવિઓના જીવનસંદર્ભની અપેક્ષાએ, ભિન્ન સ્તર અને કક્ષાનો રહ્યો છે. કાન્ત અને કલાપીની કૃતિઓમાં તેમનું જીવન સૂફી-ફિલસૂફીના સ્વાંગે અભિવ્યક્ત થયું છે, જ્યારે રાવજીએ જીવનતત્વને કળાતત્વમાં રૂપાંતરિત કરવા સીધો મુકાબલો અનુભવ્યો છે. જીવનની પ્રત્યેક સ્થિતિ અને પરિસ્થિતિએ પ્રતિપળ રાવજીને ડહોળ્યો છે, ડખોળ્યો છે અને એક સ્થિતિ એવી આવી કે - ‘રાવજીને તો જીવવું હતું પણ દર્દ તેની પાછળ પડી ગયું હતું. બદલાતી નોકરીઓ-મિજાજી, બેફિકરાઈ, આ બધામાં દર્દ જોર કરતું ગયું. અને પછી તો રાવજી અને દર્દ એક થઈ ગયા.’ (‘કવિતા + રાવજી + મૃત્યુ’, લે. આનંદ મહેતા, ‘ફૂંક’ અનિયતકાલિક, વર્ષ બીજું, અંક ૯-૧૦) બિનસલામતીની ભીતિ એને સતત પીડતી રહી છે. એની આ પીડા સાથેની ઘનીભૂતતાએ એની કૃતિઓમાં રાવજીત્વનો સંચાર કર્યો. તેથી જ કદાચ તેને સાહિત્યના ઇતિહાસની ઘટના તરીકે ઓળખાવતાં શ્રી રઘુવીર ચૌધરી કહે છે : ‘સાહિત્યના ઇતિહાસમાં આ એક એવી ઘટના છે જેની સરખામણી શોધવા છેક કલાપીના કાળ સુધી જવું પડે. કલાપી છવ્વીસ વર્ષને પાંચ માસ જીવ્યા, રાવજી અઠ્ઠાવીસ વર્ષને નવ માસ. કલાપીનો મુખ્ય અનુભવ પ્રેમનો છે, પ્રેમના સ્વીકારમાં રહેલા જોખમનો છે. રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે. ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે. એક રાજા અને બીજો રંક, પણ કવિતાના દરબારમાં બન્નેનાં આસન અડોઅડ છે’. (‘અંગત’, પ્રાસ્તાવિક : રાવજીની કવિતા, લે.રઘુવીર ચૌધરી) ગુજરાતી કવિતાને ઉચ્ચ આાસને બિરાજેલા આવા કવિના જીવનમાં ડોકિયું કરવાથી તેનાં સર્જનોની પ્રમાણભૂતતા અને અંતરંગતા ઉપર સારો એવો પ્રકાશ પડી શકે. સર્જકના અંતરંગ ઉપર તેના જીવન અને આસપાસના વિશ્વનાં કેવાં બિંબ-પ્રતિબિંબ અંકાયાં છે તેનો દસ્તાવેજ તેનાં સર્જનોમાંથી અવશ્ય મળી આવે, એટલું જ નહિ, સાથોસાથ વાસ્તવિક જીવનમાં બનેલી, અનુભવેલી ઘટના કે પ્રસંગ જ્યારે કળારૂપ પામે છે, ત્યારે તેમાં કેવાં પરિવર્તનો આવે છે તે, તેમજ આ રૂપાંતરાગ સર્જક કેવીક સર્જકતાથી સાધી શકે છે તે, જોવાનું ઔત્સુક્ય પણ આવો અભ્યાસ કરવા પ્રેરે છે. તો જોઈએ રાવજીના જીવનની ઝલક.

   રાવજીના જીવનનો એક શ્વાસે ઉપલક પરિચય આપતાં આનંદ મહેતા કહે છે : ‘એ (રાવજી) ૧૫મી નવેમ્બર '૩૯માં આણંદ પાસેના ગામ ભાટપુરામાં જન્મ્યો. એનું વતન ડાકોર પાસેનું વલ્લવપુરા. ડાકોર અને અમદાવાદમાં રહી એ ભણ્યો- એસ.વાય.બી.એ. સુધી. એ આગળ ભણે એ પહેલા ક્ષયમાં સપડાયો. આણંદમાં રહી સારવાર કરી, સાજો થયો અને પાછો અમદાવાદમાં આવી જીવવા લાગ્યો. જીવેલું લખવા લાગ્યો. પણ ક્ષય તેની સાથે રહેવા માગતો હતો. એ ફરી ક્ષયમાં પટકાયો, ને સોનગઢ પાસેના અમરગઢ ક્ષય ચિકિત્સાલયમાં સારવાર માટે ગયો. ક્ષય હતો ને ડાયાબિટીસ પણ રાવજીની સાથે થયો. ‘૬૭માં તો આ બધાથી એ અર્ધપાગલ જેવો થઈ ગયો. એને વલ્લવપુરા પહોંચાડવામાં આવ્યો. એ ત્યાં રહ્યો પણ ફરી ડાયાબિટીસનો ઊથલો થયો ને એને અમદાવાદની વાડીલાલ હૉસ્પિટલમાં દાખલ કરાયો. દશેક દિવસે વાડીલાલમાંથી એને ઘેર આવ્યો. આ પછી ચોથા દિવસે એને યુરેમિયા થયો. એ પાંચ દિવસ સુધી બેભાન રહ્યો, અને ૧૦ ઓગસ્ટ, ’૬૮ના પરોઢિયે તો ચાલી નીકળ્યો, કવિતાનો એ તેજસ્વી તારક ખરી ગયો.’ ((‘કવિતા + રાવજી + મૃત્યુ’, લે. આનંદ મહેતા, ‘ફૂંક’ અનિયતકાલિક, વર્ષ બીજું, અંક ૯-૧૦) પૃષ્ઠ.૧) આનંદ મહેતાના આ ખંડકનું એન્લાર્જમેન્ટ કરતાં તેમાં પીડાનાં પગલાંની રજોટી ઊડતી દેખાય છે.

   મૂળે વલ્લવપુરાની નજીકમાં જ આવેલા થામણા ગામેથી આવેલા રાવજીના પૂર્વજોમાં ભગવાનભાઈથી આગળના પૂર્વજો વિશે કંઈ માહિતી પ્રાપ્ત થતી નથી. પરન્તુ ભગવાનભાઈ પછીનું વંશવૃક્ષ નીચે પ્રમાણે છે :
રાવજીની વંશાવલિ :


   રાવજી તેમના મોસાળ ભાટપુરા, તા.આણંદમાં જન્મેલા. તેમનાં માતા પક્ષે તેમના મામા બબુભાઈ સાથે તેમનું સ્વભાવ તેમજ જીવનવિષયક સામ્ય આશ્રર્ય જગાડે તેવું છે. બબુભાઈને પણ ટી.બી. હતો. સ્વભાવે તે પણ રાવજી જેવા જ આકરા. તેમને પણ એક જ સંતાન ! રાવજીનાં માતાના કહેવા અનુસાર રાવજી મામા બબુભાઈ પર પડેલા. બબુભાઈનું અવસાન પણ ૩૦-૩૨ વર્ષની ઉમરે થયેલું.

   ઈ. સ. ૧૯૩૯ નો સમય. વલ્લવપુરા ગામમાં અત્યંત નિર્ધન કુટુંબમાં રાવજી જન્મેલા. જન્મ વખતે કુટુંબ તેમ ગામ સમસ્તની સ્થિતિ વણસેલી. ચોતરફ અભણતા અને નિર્ધનતાનું રાજ. પાંચ-પચાસ કૃષક કુટુંબો કાળી-મજૂરીને અંતે બે ટંકનો રોટલો મેળવે. લોકો ભજનકીર્તન અને કૃષિજીવન સાથે ધબકે. વળી, રાવજીનું કુટુંબ લીંગડાવાળા પ્યારેલાલ પંડિતનું, જે પ્રણામી ધર્મના ગુરુ હતા, તેમનું અનુયાયી હતું. વલ્લવપુરાના જૈફ રઈજીભાઈ ભાઈજીભાઈ પટેલ (જેમણે રાવજીને જન્મથી મૃત્યુ સુધીની વિવિધ અવસ્થાઓમાં જોયા છે તેમના) જણાવ્યા અનુસાર-રાવજીના પિતા છોટાભાઈ ભજનિક હતા. એ વલ્લવપુરાની આજુબાજુનાં ગામડાંમાં રાત્રે પગપાળા ભજનમંડળી લઈને જતા. એમનો ધર્મ પ્રણામી હતો.’ (જુઓ. પરિશિષ્ટ - ૧) પણ ત્યારે રાવજીની ઉમર પાંચ-સાત વર્ષની. રઈજીભાઈના કહેવા પ્રમાણે રાવજી નાના હતા ત્યારે બાપુ (પિતાજી છોટાભાઈ) સાથે ભજનમાં જતા. બેચરી, લીંગડા વગેરે જતા. (જુઓ. પરિશિષ્ટ - ૧) આમ રાવજીના શૈશવ સુધી જઈને જોઈએ તો ગાનના લય, શબ્દની સંગત, અને મર્મનાં રહસ્યો તેની ચિત્તસૃષ્ટિમાં બહુ પહેલેથી જ બીજ રૂપે પડી ચૂક્યાં હતાં. તો ગરીબાઈ અને કૃષકજીવન સાથેનો નાભિ-નાળનો સંબંધ પણ બાળપણથી જ સ્થપાઈ ગયો હતો. વળી રાવજીનું કવિકાઠું બાંધનારી સંવેદનશીલતા અને કશીક જવાબદારીના તીવ્ર ભાનની રેખાઓ પણ તેમની બાલ્ય વયમાં જ અંકિત થવા માંડી હતી.

   રાવજીને બાળપણથી જ કવિતાપ્રતિ આકર્ષણ હતું. તે પોતાના ખેતરમાં જાય અને અન્યનાં લખેલાં જોડકણાં યા ગીતો ગાય, અને ક્યારેક તેમાં પોતાની પંક્તિઓ પણ જોડતા. આ સિસૃક્ષા વૃત્તિની સાથોસાથ આંતર-બાહ્ય અનુભવને અત્યંત તીવ્રતાથી પ્રમાણવાની/ માણવાની શક્તિ પણ તેમનામાં બાલવયમાં જ અંકુરિત થતી જોવા મળે છે. રાવજી ડાકોર ભણવા જતા. રસ્તામાં સૂઈ ગામથી એક વૃદ્ધા ડાકોર કશેક કામે જતાં. ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસો, રાવજીની નજર ઉઘાડપગી વૃદ્ધાનાં શેકાતા પગ ઉપર. એમણે પોતાની ચંપલ કાઢીને એ વૃદ્ધાને દઈ દીધી. પોતે વડનાં પાંદડા પગે બાંધ્યાં. પ્રસંગ આમ નાનો લાગે છે. પરંતુ એમાં સહેજ ઊંડા ઊતરતાં જણાય છે કે એમાં રાવજીના જીવનની ઘણી બધી લાક્ષણિક મુદ્રાઓ સંચિત થયેલી છે. રાવજી ઉપર હંમેશાં બૌદ્ધિક તંત્રની અપેક્ષાએ ભાવતંત્રે-પ્રાબલ્ય ભોગવ્યું છે. ગરીબાઈનો અહેસાસ તેમના મૂળનો અહેસાસ છે. ડો.મફત ઓઝા તેમની મુલાકાતમાં કહે છે તેમ-‘રાવજીને હંમેશાં ગરીબોની ચિંતા થતી. આમ એ કાંઈ વિચારક કે ચિંતક નહોતો. પણ એ હંમેશાં વિચાર્યા કરે કે આ જેને બે ટંક ખાવા મળતું નથી એનું શું ?" (જુઓ. પરિશિષ્ટ - ૧) રાવજીનો આ પ્રશ્ન તેના ચિત્તતંત્રને સતત ધમરોળતો રહ્યો છે. તેમ માનવજાતિ તરફ તેનો પ્રબળ અનુરાગ હતો તે વાત પણ ઉપરોક્ત પ્રસંગમાંથી ફલિત થાય છે.

   રાવજી વલ્લવપુરાથી ડાકોર ભણવા જાય. બાળપણમાં ભજનમંડળીએ પોષેલો શબ્દસંસ્કાર હવે તેમને ડાકોરના પુસ્તકાલય ભણી વાળે છે. એક શિક્ષક તેમના પથદર્શક બને છે. અને વાચન માટેની જિજ્ઞાસા પોષે છે. અગડંબગડં કવિતાઓ સુધારે છે. પણ આ બધું અત્યંત અસ્પષ્ટ અને ઘૂંધળું. રાવજીની સર્જનાત્મકતાને દિશા સાંપડી તેમના અમદાવાદ નિવાસ પછી. અમદાવાદની હાઈસ્કૂલમાં ભણવાની લગનીને લીધે રાવજી પોતાના કાકા ચતુરભાઈને ત્યાં અમદાવાદ ભણવા માટે જાય છે. આ ક્ષણથી જ રાવજીમાં સંઘર્ષનાં બી રોપાય છે. ગરીબીની ભીષણતામાંથી છૂટવા અને પોતાના કુટુંબને છોડાવવાના ભગીરથ પ્રયાસ રૂપે તે ભણીગણીને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા ચાહે છે. આ જ કારણસર એ કદાચ અભ્યાસને બહાને અમદાવાદ આવ્યો છે. ભીતરમાં સ્થિતિ સામેનો એક આક્રોશ એણે દબાવી રાખ્યો છે. અમદાવાદમાં તો આ સ્થિતિ રાવજીને ખોદવાનું શરૂ કરે છે. પરિસ્થિતિ તેની સામે કોદાળો ઉગામે છે. ડૉ.ચિનુ મોદી કહે છે તેમ, ‘અને આમ તો એ બિચારો એના કાકાને ત્યાં રહેતો હતો. અને એ પોલીસ ઈન્સ્પેક્ટર એટલે બહુ કડક માણસ. અને એની (રાવજીની) પાસે રામા જેવું જ કામ કરાવડાવે. પછી એ મને મળે તો ખાવાનાં ઠેકાણાં ન હોય.’ (જુઓ. પરિશિષ્ટ - ૧) ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં આત્મસભાનતામાંથી પ્રગટેલાં સ્વાભિમાન અને ખુદ્દારી પરિસ્થિતિ સામે વિદ્રોહ કરે તે ય સ્વાભાવિક છે. પણ તેના આ વિદ્રોહની અભિવ્યક્તિ માટે તેની પાસે સર્જનાત્મકતાથી વિશેષ કંઈ જ નહોતું. સર્જન એને મન પોતાની જાતની અભિવ્યક્તિ અને અભિજ્ઞા બની રહ્યું. તેથી જ રાવજી પોતાની ઓળખ આપતાં કહે છે : 'હું તો ઇન્દ્રવર્ણ કવિતાનો પુંજ/લયમાં લપેટી મને/નીસર્યો છું યોનિબ્હાર.’

   રાવજીની તરુણાવસ્થા અનેકવિધ દિવાસ્વપ્નો સેવતા પસાર થઈ. ખેતર, ગામ, કુટુંબ બધાંને માટે એને કંઈક ને કંઈ કરવું હતું. એની ઝંખનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને જાણે તેને લઈ પાંખો ફૂટે છે. પરિસ્થિતિને તળેઉપર કરી નાખવા જાણે એ મથે છે. નોકરીઓ સ્વીકારે છે, નોકરીઓ તરછોડે છે. તેની સાથે જ ભણીગણીને કૉલેજમાં અધ્યાપક થવાની ખેવનાનો ભ્રૂણ અંતરમાં જતનપૂર્વક ઉછેરે છે. સ્વમાનના ભોગે ક્ષણેય ન જિવાય તેવી ટેકીલી જીવનશૈલી આચારમાં મૂકે છે. મિલનો મુકાદમ પોતાની જગ્યાએ અન્યને રાખવા માગે છે તેવી જાણ થતાં જ તે પોતે માર્ગ મોકળો કરી આપે યા છાપાના માલિકને પોતાના અસ્તિત્વની જાણ જ ન હોય તો તેના માટે શા સારુ પરસેવો પાડવો? એવાં એવાં કારણોસર તે સાલસતાપૂર્વક નોકરી છોડે છે. વળી, કાકાનું ઘર છોડીને ગુજરાત કૉલેજ સામેના મેદાનમાં સૂઈ રહેવાં જેવાં પરાક્રમો પણ તે કરતો હતો. તેમની પાસે જીવવાનું પોતાનું લૉજિક હતું. જેને તે પોતે પૂરેપૂરું જાણતો હતો. તેથી જ ક્યારેક તેનું વર્તન વ્યવહારજગતના વ્યવહારડાહ્યા પુરુષોને સમજાતું નહોતું. પોતાની આાંતરસૃષ્ટિનાં સંવેદનોની માવજત કરવામાં એ કશીય કસર છોડતો નહિ. કદાચ, તેથી જ ચિનુ મોદી કહે છે તેમ, ‘એનામાં વ્યવહાર જ્ઞાન નહિ. જે વ્યવહારજ્ઞાન રાખ્યું હોત તો આ માણસ જીવી ગયો હોત. આ શહેર સાથે એને ફાવ્યું જ નહિ, બાકી ગામડેથી તો અમે બધાયે આવેલા છીએ. હું (ચિનુ મોદી), લાભશંકર, રઘુવીર બધા જ ગામડેથી આવેલા છીએ. એટલે અમદાવાદ શહેરમાં કોઈ જન્મ્યા જ નહોતા. પણ એ અહીંયાં કોઈ રીતે એડજેસ્ટ ન થઈ શક્યો. શહેર, શહેરનું વાતાવરણ અને શહેરીકરણ એ એનામાં આવ્યું જ નહિ. એણે સોફિસ્ટિકેટેડ થવું પડે, જે શહેરમાં રહેવું હોય તે બહુ જરૂરી ગણાય. કેમકે ગામડું અને શહેર - આ બન્ને વચ્ચે બહુ મોટો ભેદ છે તે ભેદ એ સમજ્યો જ નહિ, અને એને સમજવો જ નહોતો..' (જુઓ. પરિશિષ્ટ - ૧) આ ભેદ ન સમજવા માગતા, ઉષ્મા અને હુંફની વચ્ચે જીવવા માગતા રાવજીને કઠોર શહેરીસભ્યતા અને વાતાવરણે ગૂંગળાવી દેવાની અથાક કોશિષો કરી. આર્થિક રઝળપાટોની વિવશતાભરી એકલતા રાવજીને મૂળ સોતો ઝંઝેડવા મંડી. સતત બદલાયે જતી નાની નાની નોકરીએ અને મિત્રોને આધારે ગાડું ગબડાવ્યે જતો કવિ રાવજી અંતરથી ઉઝરડાતો જાય છે, અને એના આ ઉઝરડાઓનો આલેખ તેનાં સર્જનોમાં આપતા જાય છે.

   દૂરનું ટપકું દેખાતો ક્ષય રોગ હવે નજીકના પહાડનું સ્વરૂપ પ્રગટ કરવા મંડ્યો હતો. એક બાજુ ક્ષય રાવજીનાં ફેફસાંને ચાવી રહ્યો હતો. તો બીજી બાજુ વિષમ પરિસ્થિતિઓ તેનાં મન-મસ્તિષ્કને ચગડોળે ચડાવી રહી હતી. આર્થિક બેહાલી અને અમદાવાદમાં જ્યાં રહેતા હતા તે કાકાના ઘરનાંઓનું ઉપેક્ષાભર્યું વલણ તેને ખોતરી રહ્યાં હતાં. તેની પાસે ન તો દવા કરાવવાના પૈસા હતા, ન તો ખાવા માટે મૂઠી ધાન હતું. ન તો રહેવા માટે કોઈ પોતીકું લાગે એવું સ્થળ હતું. પરિણામે એ એક અલગ પડી ગયેલા દ્વીપની જેમ જીવવા લાગ્યો હતો. અલબત્ત, તેમાં ક્યાંક ક્યાંક જોવા મળતી મિત્રોની લાગણીનું તેને આશ્વાસન હતું. શ્રી ચિનુ મોદી કહે છે તેમ- ‘પછી પાલડીના જ ઘરે અમે રહેતા હતા ત્યારે એને ટી.બી.ની શરૂઆત થઈ ગયેલી. ત્યારે મને રોજ ચાર આના વાપરવા મળે. અને, આમ તો એ બિચારો એના કાકાને ત્યાં રહેતો હતો અને એ પોલીસ ઈન્સ્પેકટર એટલે બહુ કડક માણસ. અને એની પાસે રામા જેવું જ કામ કરાવડાવે. પછી એ મને મળે તો એના ખાવાનાં ઠેકાણાં ન હોય એટલે એક આનાની બ્રેડ હું લઉં એના માટે અને પાલડી પાસે જ એક નાનકડા ઓટલા જેવું છે એ ઓટલા પર બેસીને એ બ્રેડ ખાય. એ રોજનો ક્રમ થઈ ગયેલો’ (જુઓ. પરિશિષ્ટ - ૧) વળી આવી પરિસ્થિતિમાં રાવજી પરણે છે. પરંતુ પરિસ્થિતિવશ દામ્પત્યજીવન ભોગવી શકતો નથી. એ સતત એક અજંપાભરી પરિસ્થિતિ અને માનસિક દબાણો વચ્ચે જીવ્યે રાખે છે, અને જીવનની ઉબળ-બાબળતાને શબ્દસ્થ કરતો રહે છે. જીવનમાં વણતોષી રહેલી ઝંખનાઓ તે સાહિત્યસર્જન દ્વારા પૂરી કરવા મથે છે. પોતાની ‘વૃત્તિ’ નવલકથા તો તે નોબેલ પારિતોષિક માટે યોગ્ય ઠરે તેવા ખ્યાલ સાથે એ રચતો હતો. બીજી બાજુ રોગ અને નિર્ધનતા એક સાથે વકરતાં જતાં હતાં. અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં સારવાર કરાવી પણ તે સારવાર તરફ અને ક્ષયના રોગ માટે અનિવાર્ય પરેજી પાળવા તરફ હંમેશાં દુર્લક્ષ સેવતો હતો. ચિનુ મોદી કહે છે તેમ, ‘એને જે કાંઈ ચરીઓ (પરેજીઓ) પાળવાની આવે એ કશી પાળે નહિ, એ ભજિયાં ખાવાની ના પાડ્યા છતાં ભજિયાં ખાઈ આવે.’ (જુઓ. પરિશિષ્ટ - ૧) આવી નિષ્કાળજીઓ કદાચ જીવનને માણી લેવાની તેની ધખનાઓનું પરિણામ હોઈ શકે. આણંદના ક્ષય ચિકિત્સાલયમાં રાવજીએ સારવાર લીધી અને ત્યાંજ ‘અશ્રુઘર’ રચી, અને હૉસ્પિટલના વાતાવરણને, તેના ધબકારને અને તેના પરિવેશને પોતાના સંદર્ભે તેમણે સજીવ કર્યો. હોસ્પિટલના ચપરાશી કે સ્વીપર સાથે એ હંમેશાં માનાર્થે જ વર્તતા. જેની સૌને નવાઈ લાગતી. એ સંદર્ભે તેમની સાથે ક્ષય ચિકિત્સાલયમાં તેમની સાથે રહેલા શ્રી ઉસ્માન પઠાણ કહે છે, ‘રાવજી જ્યારે એમ કહે છે કે ‘પાણી આપશો’ ત્યારે એ પેલી બાઈને કે પેલા ભાઈને મશ્કરીરૂપ લાગતું. એ બાઈ તો એમ કહેતી કે પેલો ટેભલો આવ્યો છે ને તે મને આવું કહે છે, પણ એને બિચારીને ખબર નહોતી કે આ માણસ તો ભદ્ર સમાજમાંથી આવ્યો છે. તે તુંકારો કરવો પણ જાણતો નથી. એના સંસ્કારો એવા છે.’ (જુઓ. પરિશિષ્ટ - ૧) આ વાતનો પડઘો તેની નવલકથા ‘ઝંઝા’ના આરંભમાં પડતો દેખાય છે.

   મૃત્યુની નજીક ઢસડાતો જતો રાવજી જીવનના અંતકાળમાં જાણે ચેતો-વિસ્ફોટને કારણે વિક્ષુબ્ધિનો અનુભવ કરે છે. કપડાંલત્તાંનું ભાનસાન પણ ભૂલી જાય છે. સતત પ્રલાપો કર્યા કરે છે. અને સમયકસમયનું કંઈ લખ્યા કરે છે. તેની આ અવસ્થાને કોઈ મહા વિસ્ફોટની અવસ્થા સાથે સરખાવી શકાય. પાંચેક દિવસના નિર્ભાનપણા બાદ દશમી ઓગષ્ટ, ૧૯૬૮ના પરોઢિયે રાવજીએ દેહ છોડ્યો, રાવજી અક્ષરરૂપે જ રહી ગયો.

   રાવજીના સમગ્ર જીવન ઉપર આછો દૃષ્ટિપાત કરતાં અનુભવાય છે કે રાવજી અનેકવિધ વિરોધાભાસો અને વિસંગતિઓની વચ્ચે જીવ્યો છે. અપ્રાપ્યની ઝંખના અને પ્રાપ્યની અનિશ્ચિતતા વચ્ચે તે સતત રિબાતો રહ્યો છે. વળી, અંતરના ધરાતલ ઉપર સૂસવતા પ્રલબ એકાંત અને એકાકીપણાને તે ઝેલતો રહ્યો છે. જીવનને પામી લેવાની ધખના અને મૃત્યુની ઉપસ્થિતિની વચ્ચે તે રહેંસાતો રહ્યો છે. તેને અનુભવાતી અધૂરપ તે સતત તેના શબ્દમાં ઠાલવતો રહ્યો છે. આટઆટલી વિષમતાઓ પછી પણ રાવજીને મનુષ્યજાતિ અને સર્જન વ્યાપારમાં શ્રદ્ધા રહી છે. કદાચ, તેથી જ રાવજી જીવનમાં તેમ કવિતામાં ધબકારપૂર્વક જીવન જીવી ગયો.

   રાવજીએ તેનાં સર્જનોમાં જીવનના નિજી સત્વશીલ અનુભવોનું કળામય રૂપાંતરણ સાધ્યું છે. કોઈ તૈયાર ફિલસૂફી નહિ, કોઈ વાદ કે વિચારસરણીનું અનુકરણ નહિ યા કોઈ પરંપરાનું આંધળું અનુસરણ નહિ, એવી સ્થિતિમાં એક મનુષ્ય તરીકેની આ વિશ્વ સાથેની તેની આંતરક્રિયાઓમાંથી પ્રાપ્ત થતા અનુભવપિંડોનું અત્યંત ઋજુ સંવેદનશીલતાપૂર્વકનું રૂપાંતરણ તે પોતાનાં સર્જનોમાં સાધે છે. તેથી જ કાન્ત કે કલાપી કરતાં જીવન અને સર્જનનું તે વધારે વ્યાપક અને ઊંડુ પરિમાણ પ્રગટાવે છે. રાવજીના કેટલાક જીવનસંદર્ભો અને કૃતિસંદર્ભોની તપાસ કરતાં આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
(ક્રમશ :...)


0 comments


Leave comment