3.1.1 - રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   કવિતાના સર્જનનો મૂળસ્રોત કવિપ્રતિભા, પણ કવિપ્રતિભા કંઈ શૂન્યાવકાશમાં પ્રગટતી કે કામ કરતી હોતી નથી. કવિનાં આંતર-બાહ્ય સંયોગો, પરંપરાઓ, કાવ્યવિચારણાઓ આદિ પરિબળો તેમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રભાવક અસર કરતાં હોય છે. દરેક કવિનું કાવ્યવિશ્વ અન્ય કવિઓથી જુદું પડતું હોય, તો તેમાં તેની નિજી પ્રતિભા કારણભૂત હોવાનું પારખી શકાય. પણ તે સાથે તેની કવિતા જે પરિવેશમાં શ્વસી રહી હોય તે પરિવેશની પણ તેના વિશેષમાં મહત્વની ભૂમિકા રહેલી હોય છે. કવિઓ પાસે પોતાની કવિતાની વિભાવના સ્પષ્ટ હોય, કે કવિ સભાનપણે અમુક કાવ્યવિભાવનાઓને અનુસરતો હોય, એવું હંમેશાં જોવા મળતું નથી. અનેક કવિઓની બાબતે એવું જેવા મળે છે કે તેમણે પોતાને ઇષ્ટ કવિતાની વિભાવના રચી હોતી નથી. છતાં તેમની સમગ્ર કવિતામાંથી તેમની કવિતાની ખોજ અને ગતિવિધિનો અણસાર મળી રહે છે. પરંતુ કોઈપણ યુગની કાવ્ય વિચારણા, સાંસ્કૃતિક પરિસ્થિતિ કે અન્ય યુગબળોની સાથે તેની એકાકી કાવ્ય પ્રવૃત્તિનો તાળો મેળવી શકાય નહિ. છતાં, કોઈ એક આખાય યુગની કાવ્ય પ્રવૃતિને સમગ્રતયા લક્ષમાં રાખીએ ત્યારે તે સમયની કવિતાને તત્કાલીન સાંસ્કૃતિક, સાહિત્યિક વિચારધારાઓ સાથે ક્યાંક કોઈક સીધો જીવંત સંબંધ છે તેનો મદાર બાંધી શકાય ખરો. એ જ રીતે કોઈ પણ કવિની કવિતામાં જે વિશેષ છતો થાય છે, તેનું રહસ્ય સમજાવવાનું મુશ્કેલ હોય તો પણ તેની કાવ્યઘટનાનો ખુલાસો અમુક અંશે તેની પાછળ રહેલી પરંપરાઓમાંથી મળી આવે એમ બને. આમ તો, કવિતાનું સર્જન, પેઢીએ પેઢીએ નવા નવા રૂપો પ્રગટ કરી આપે છે. પરંપરાઓનું એમાં અમુક અનુસંધાન પણ હોય છે, તો કવિપ્રતિભા દ્વારા સિદ્ધ થતા નવાન્મેષો પણ એમાં જોવા મળે છે. ભાષા, શૈલી, સ્વરૂપની સાથે કશુંક વિઘટન અને નવ-ઘટન એમાં સતત ચાલતું રહે છે. જૂની, લપટી પડી ગયેલી કે જીર્ણ મૃતભાષાને સ્થાને કવિ પોતાની જીવંત બળુકી પ્રતિભાના બળે નવી પ્રણાલિકાઓનું નિર્માણ કરે છે, એ હકીકત લક્ષમાં રાખીએ તો કવિતાનું સર્જન પરંપરા સાથે કેવી રીતે જોડાયેલું છે, અને પરંપરાને કેવી રીતે તે નવજીવન અર્પે છે. તેનો અંદાજ આવી શકે. રાવજીની કવિતાનાં રહસ્યો ઉકેલવા મથીએ છીએ ત્યારે અને તેની કવિતાનો વિશેષ સમજવા ચાહીએ છીએ, ત્યારે તેની કવિતાની પશ્ચાદભૂમિમાં પડેલી ગુજરાતી કવિતાનો વિકાસ નજરમાં રાખવાનું ઉપકારક નીવડે.

   ઈ.સ. ૧૯૪૦ પછીની ગુજરાતી કવિતા એક નવું જ સ્થિત્યંતર અનુભવે છે. પુરોગામીઓમાંથી પોષક રસ મેળવીને, સામાજિક સંપ્રજ્ઞતા સાથે વિકસતી કવિતાનો પ્રવાહ અચાનક જ મંદ પડી જાય છે, જ્યારે સૌંદર્યાભિમુખ શુદ્ધ કવિતા પ્રગટાવવાનું વલણ પ્રબળ બનતું જાય છે. ગાંધીજીની હત્યા, સ્વાતંત્ર્ય ટાણે જ ફાટી નીકળેલાં ભયંકર કોમી હુલ્લડો તથા ત્યાર બાદ વિકસતાં જતાં બિહામણાં મહાનગરો અને ભાંગતી જતી ગ્રામસંસ્કૃતિ તથા ઔદ્યોગીકરણને કારણે પલટાયેલી જીવનસ્થિતિ-પરિસ્થિતિ પ્રતિ સૌંદર્યાભિમુખધારાના કવિઓ ઉદાસીન રહ્યા. પરિણામ સ્વરૂપે કવિતા ઉપરનો વાસ્તવવાદ અને ગાંધીવાદનો પ્રભાવ ઓસર્યો, અને રવીન્દ્રનાથ સૌંદર્ય-ચિંતન મઢી કવિતાનો પ્રભાવ વધ્યો. અલબત્ત, આ કાળના કવિઓની કાવ્યપ્રવૃત્તિ જોતાં, આ પ્રવાહભેદને જલ સખ્ત વિભાગોમાં વહેચી શકાય નહિ. ગાંધી કે વાસ્તવવાદનો પુરસ્કાર કરતા સુન્દરમ્ કે ઉમાશંકર જોશીની ઘણી કવિતાઓમાં સૌંદર્ય અને ચિંતનનો નિર્મળ આવિષ્કાર થયેલો જોવા મળે છે. અર્થાત્ ગાંધીવાદ કે વાસ્તવવાદથી પ્રભાવિત કવિઓ પણ સૌંદર્યોપાસના કરતા જેવા મળે છે. તેમ સૌંદર્યદર્શી કવિઓ પણ ક્યારેક ક્યારેક ગાંધીવાદ કે વાસ્તવવાદનો પુરસ્કાર કરતી કૃતિઓ સર્જે છે. તાત્પર્ય એટલું જ કે, આ સમયગાળો અતિસંકુલ અને સેન્દ્રિય સર્જકતાનો છે. તેમાં શુદ્ધ કાવ્યસૌંદર્યની નિષ્પત્તિ જોઈ શકાય છે, તો સામાજિક સંચલનો ઝીલતી અદ્યતનતા પણ જોઈ શકાય છે. અલબત્ત, કવિતાસર્જન પ્રતિની સભાનતા અને સંરચનાત્મક જાગૃત અભિગમ આ ગાળાના કવિઓનું સામાન્ય લક્ષણ/વલણ રહ્યું છે. પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, પૂર્વ-નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર વગેરે કવિઓએ સૌંદર્યરાગની કવિતા કરી છે, તો ઉત્તરકાલીન નિરંજન ભગત, હસમુખ પાઠક, નલિન રાવળ વગેરે કવિઓએ નગરજીવનની મહામારીથી ક્ષુબ્ધ મનુષ્યનાં એકલતા, સંત્રાસ અને પાશવતા, લુપ્ત થતી જતી માણસાઈ, અને માણસનાં હિંસ્ન, વિકરાળ રૂપોની કવિતા કરી છે.

   રાવજીના પ્રવેશ પૂર્વ અલ્પકાળે પ્રવેશીને સ્થિર થતા જતા લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, આદિલ મન્સુરી, રાજેન્દ્ર શુકલ, ગુલામ મહોમ્મદ શેખ, સુરેશ જોષી વગેરે કવિઓની કવિતામાં પણ ખોવાયેલી આત્મ-અભિજ્ઞા, મૂલ્યહાસ, સામ્પ્રત મનુષ્યજીવનની વિસંવાદી, દારુણભીષણ, કરુણસ્થિતિ અને તદ્દફલિત યાતનાઓ અને વેદનાઓ તેમજ ફલાર્થે પ્રગટેલી હતાશા, નિરાશા, છિન્નભિન્નતા, સંત્રાસ, વિતૃષ્ણાનું દાર્શનિક-મનોવૈજ્ઞાનિક નિરૂપણ થતું જેવા મળે છે.

   રાવજીની કવિતાની પૂર્વપીઠિકા રૂપ આ કવિઓની કવિતાપ્રવૃત્તિનો સહેજ બારીકીથી અભ્યાસ કરતાં આ ગાળામાં ઉદ્દભવેલાં નવાં કાવ્યવલણો અને પ્રહલાદ, રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હસમુખ, નલિન જેવા કવિઓની કવિતાએ રાવજીનું કવિકાઠું ઘડવામાં કેવા ફાળો આપ્યો છે તે સમજવું સરળ થઈ પડશે. વળી, તેના સમકાલીન કવિઓની કવિતાનું સામૂહિક સમાલોચન પણ રાવજીને સમજવામાં એટલું જ અર્થપૂર્ણ બની શકે તેમ હોવાથી, હવે આ અનુગાંધીયુગીન કવિઓની કવિતાપ્રવૃતિનો રાવજીના સંદભાર્થે અભ્યાસ કરીએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment