3.1.1.1 - પ્રહલાદ પારેખ / રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
   પ્રહલાદ પારેખના કાવ્યસંગ્રહ ‘બારી બહાર’ (૧૯૪૦)ના પ્રકાશનથી ગાંધીયુગનો ઉત્તરકાળ નવીન કવિતાની તાજગીથી મહેકી ઊઠ્યો. સમગ્ર ગુજરાતી કવિતા ઉપર જાણે સૌંદર્યલુબ્ધ ચેતનાની લહર ફરી વળી, સંદેશવાહક ઘોંઘાટો જાણે શમી ગયા, અને લયબદ્ધ કાવ્યનર્તનનો આરંભ થયો. તેથી જ ઉશનસ્ નોંધે છે કે ‘બારી બહારથી ગાંધીયુગોત્તર ગુજરાતી કવિતાનું મંગલાચરણ થયું’ (‘મૂલ્યાંકનો’ લે. ઉશનસ્, પ્રકા. કુમકુમ પ્રકાશન, અમદાવાદ, પૃ.૧૯૦) ઉશનસ્ ની આ નોંધ માત્ર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ નહિ, સર્જકતાની દિશા અને ગતિની બાબતમાં પણ પલટાયેલી પરિસ્થિતિની સૂચક છે. ‘બારી બહાર’ના પ્રાગટ્ય સમયે, ગાંધીવાદી ગુજરાતી કવિસમૂહ જ્યારે ગાંધી-ચિંતન, વિશ્વશાંતિ અને દીનજનવાત્સલ્યથી ઊભરતી સમાજાભિમુખ, પ્રતિબદ્ધ કવિતાના રાજમાર્ગ ઉપર વિચરતો હતો, ત્યારે પ્રહલાદ પારેખે આનંદ/નિજાનંદ/કાવ્યાનંદના માર્ગે આ સૌંદર્યબોધથી ભર્યો ભર્યો ટહુકો વહેતો મૂક્યો. જે ગુજરાતીની ‘નવીનતર’ કવિતાના ‘વૈતાલિક’ સમો હતો.

   સૌંદર્યરાગની તારસ્વરે થયેલી ઉપાસના ‘બારી બહાર’ ને ગાંધીયુગીન કવિતાથી અલગ તારવી આપતું તત્વ છે. માનવપ્રેમનું ગાન હોય કે પ્રકૃતિમયતાનો આલાપ હોય, કવિને તો ઇષ્ટ છે સૌંદર્યબોધ, અને તે દ્વારા પ્રગટતો કાવ્યાનંદ, સ્વાભાવિક રીતે જ, સૌંદર્યરાગનાં કાવ્યશિલ્પ કોતરવા માટે કટિબદ્ધ થયેલી સર્જકચેતના આંતરમુખ હોય, અને તેથી કાવ્યમાં બાહ્ય તથ્યોની અપેક્ષાએ અંગત અનુભૂતિઓ અને લાગણીઓને સ્થાન મળે, યા આવી કવિતા સનાતન મનુજભાવોની સંકુલ રમણાઓ સાથે સંકળાયેલી હોય, તેથી કરીને ય સામા છેડે વહેતી બહિર્મુખ સમાજાભિમુખતાનાં વહેણોથી સાવ અલગ તરી આવે. આ અલગ પડવાની પ્રક્રિયાને ઉમાશંકર જોશી ‘નીતર્યા પાણી’ના ગુણવાળી કવિતા તરીકે ઓળખાવે છે. પ્રહલાદનું આ શુધ્ધ કવિતા નિપજાવવા તરફનું વલણ દૂરગામી અસરો નિપજાવનારું નીવડ્યું. ગુજરાતી કવિતાનું આ નવ્ય પ્રસ્થાન કંઈક અંશે ગાંધીયુગીન બહિર્મુખતા અને પ્રતિબધ્ધતા સામેના પ્રત્યાકોશ અને પ્રહલાદે ઝીલેલા કવિતાપ્રભાવના કારણરૂપ હતું. તેથી આ કવિતા ગાંધીયુગીન સામાજિકતાની અપેક્ષાએ વૈયક્તિકતાને તાકે છે.

   પ્રહલાદના ‘બારી બહાર’ અને ‘સરવાણી’ સંગ્રહોની કવિતા-સમૃદ્ધિ જોતાં જણાશે કે તેમની કવિતાની અપૂર્વતા અને કાવ્યવિશેષ તેમનાં વૈયક્તિકતા, વિષયચયન અને નિરૂપ્ય વિષયની શુદ્ધ કાવ્યશિલ્પ કંડારતી નિરૂપણરીતિમાં રહેલાં છે. પ્રહલાદ પ્રકૃતિગત તત્વો અને પ્રાકૃતિક રૂપો-જેવાં કે પુષ્પો, ઘાસ, વર્ષા, સમુદ્ર, સૂર્યોદય, અંધકાર વગેરેનું-તેમની અનેક કૃતિઓમાં આવર્તનાત્મક આલેખન કરતાં રહે છે. પ્રકૃતિ તરફનો તેમનો ઉત્કટ ભાવાનુરાગ સ્પંદિત થતા તેમનું સૌંદર્યલુબ્ધ કવિચિત્ત ઝંકૃત થઈ ઊઠે છે. તેમનું સમગ્ર ઈન્દ્રતંત્ર સેન્દ્રિય ભાવાનુભવ કરે છે, અને પ્રકૃતિનું આ આકંઠ ભાવન વિધવિધ ઇન્દ્રિયો દ્વારા શોષાઈને ઇન્દ્રિયગ્રાહ્ય રૂપોની રમણા રચે છે, જે સેન્દ્રિય કાવ્ય રૂપ પામે છે. આ આખીય રચના પ્રક્રિયા નવીનતર કવિતાની અપૂર્વ લાક્ષણિકતા છતી કરે છે. તો ભાવક ઉપર ભૂરકી નાખી તેને વશીભૂત કરતું તેમની કવિતાનું અન્ય લક્ષણ છે : પ્રકૃતિગત રહસ્યમયતાનું ચમત્કૃતિપૂર્ણ નિરૂપણ. નિસર્ગનાં ભવ્ય, અપરિમેય રૂપો અને અનાદિ તત્વોની ભેદી બારીક હિલચાલ, અને તેની ગતિવિધિનાં કવિહૃદયનાં અતાગ ઊંડાણોમાં પ્રગટતાં સ્પદનોનાં અનુકંપનો દ્વારા ઝીલીને તેનું મૌગ્ધ્ય, કૌતુકપૂર્ણ અને જીવંત હદ્ય નિરૂપણ કરે છે. ‘બારી બહાર’ અને ‘સરવાણી’નાં અનેકાનેક કાવ્યોમાં પ્રકૃતિનાં આવાં અનવદ્ય ક્ષણ-ચિત્રોનું ગતિશીલ અને સહજ ચિંતનસિક્ત આલેખન થયું છે : જેમ કે
હલે પવન : ઝાડવા, જળ બની જતાં ચંચલ
વિહંગ ટહુકી ઊઠે, પરમ તેજ ઉલ્લાસમાં
(‘સરવાણી’, પૃ.૩૭)
* * * * *
આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો
આજ સૌરભ ભરી રાત સારી.
(‘બારી બહાર’, પૃ. ૭૪)
* * * * *
પ્રકાશનાં પુષ્પો ભરીને
છાબે,
હશે કોઈ ગઈ અહીંથી.
   પ્રહલાદ પારેખનાં પ્રણયકાવ્યો પણ તેમનાં પ્રકૃતિચિંતન કાવ્યો સદ્દશ સમૃદ્ધિ ધરાવે છે. તેમણે સનાતન માનવભાવો અને પ્રણયજન્ય સૂક્ષ્મ સંવેદનો બારીકીપૂર્વકનું નકશીકામ કરીને આલેખ્યાં છે. તેમને પ્રણયાલેખનમાં પ્રગલ્ભ, આવેગાત્મક પ્રણયોન્મેષોને સ્થાને ગોપિત પ્રણયકેલિની રમણરમણાઓ, મૌગ્ધ્ય, ઉપાલંભ, વિસ્મય, રોમાંચ તથા સ્વસ્થ, પુષ્ટ વિરહનું આલેખન વિશેષ ફાવે છે. હૃદયસ્થ ભાવનિર્ઝરીઓનું સ્ફટિકમય, મંથર આલાપાત્મક નિરૂપણ કવિનાં અધઝાઝેરાં પ્રેમકાવ્યોમાં હદ્ય, જીવંત અને ચિત્રાત્મક રૂપમાં થયેલું છે. આત્મસંવાદ રૂપે ચિત્રિત થયેલો ચિરંતન પ્રેમભાવ કવિની ઘૂંટાયેલી શબ્દશ્રી દ્વારા અભિવ્યક્તિના ઉત્તમ ઉન્મેષો પ્રગટાવી આપે છે. તેમના ‘વિદાય’ કાવ્યની કેટલીક પંક્તિઓ જોતાં આ વાત સમજાશે :
કદી નહિ કહું મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે.
* * * * *
છતાંય સ્મરણો ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.
(‘બારી બહાર’, પૃ.૧૪૫)
   પ્રહલાદની છાંદસ રચનાઓ હોય કે ગીતો, ઉશનસ્ ના મતાનુસાર ‘આટલા ઘૂંટાયેલા છંદો કાન્ત પછી એમના જ છે, આટલાં ઘૂંટાયેલાં ગીતો પણ એમની પૂર્વે વિરલ જ છે.’ (‘મૂલ્યાંકનો’ લે. ઉશનસ્, પ્રકા. કુમકુમ પ્રકાશન, અમદાવાદ, પૃ.૧૯૦) છાંદસ રચનાઓમાં તેઓ ઇન્દ્રિયગ્રાહયતાના ગુણ વડે ભાવોને કલાઘાટ બક્ષે છે, અને તેમ કરવા પ્રયોજિત છંદોમાં તત્સમ્ શબ્દપ્રયોગો, બોલચાલની ભાષાના પ્રયોગો કરે છે અને અપૂર્વ વણસંયોજન સાધે છે. જેઓ :
એની ધરી અંતરમાં સ્મૃતિને
ચાલ્યો ફરી હું ઘરની દિશામાં
સ્મૃતિના નશામાં.
('બારીબહાર’, પૃ.૮૧)
   જોયું ?- ‘ધરી અંતરમાં સ્મૃતિને’ જેવી તત્સમ્ પદાવલી સાથે ‘ચાલ્યો ફરી હું ઘરની દિશામાં/સ્મૃતિના નશામાં’ જેવી બોલચાલની લઢણવાણી તદભવ ભાષા પ્રયોજના કેવી-નહિ સાંધો, નહિ રેણ-થઈ ભળી જાય છે. વળી ‘ધરી’ -‘ફરી’, ‘દિશામાં' - ‘નશામાં’ જેવા આન્તરપ્રાસોનું માધૂર્ય કવિ છોગામાં આપે છે. એક અન્ય ઉદાહરણ જોઈએ :
વિભાવરી, તારક સર્વ ગૂંથી
અંધાર રંગી નિજ ચૂંદડીમાં
સેથો રચીને નભગંગ કેરો,
ધરી શશિપુષ્પ પ્રફુલ્લ, વેણીમાં
(‘બારી બહાર’, પૃ.૮૩)
   આ પંક્તિઓમાં ‘વિભાવરી સર્વ તારક ગૂંથી’ સાથે ‘અંધાર રંગી ચૂંદડી' યા ‘શશિપુષ્પ પ્રફુલ્લ’ સાથે ‘વેણીમાં’ જેવા વિન્યાસો કવિકર્મ કૌશલના દ્યોતક બને છે.

   પ્રહલાદનું, ગીતો અને સોનેટોની જેમ, દીર્ધકાવ્યોમાં પણ મહત્વનું પ્રદાન રહેલું છે. રવીન્દ્ર - પ્રભાવથી જ્યાં જ્યાં તેઓ મુક્ત રહ્યા છે, ત્યાં ત્યાં ગીતોમાં તળપદી લોકબોલીના લહેકા-લટકા, સોંસરી હદ્ય ભાષા, રસળતી પ્રવાહી લયછટાઓ, અને ઋજુ-મધુર તાજગી પૂર્ણ કલ્પનો દ્વારા સંઘેડા-ઉતાર નકશીકામ કરી શક્યા છે, તેમ દીર્ધકાવ્યોમાં પણ રવીન્દ્ર-પ્રભાવથી કવિ જ્યાં જ્યાં અલગતા કેળવી શકયા છે, ત્યાં ત્યાં મૌલિક ચિંતન આપી શકયા છે, અને નિજી પ્રભાવ ઉભો કરી શક્યા છે. ‘સરવાણી’ સંગ્રહિત ઋતુગીતોની આબોહવા જ જુદી છે, ભૃગુરાય અંજારિયા આ ગીતોની વિશેષતા અને મૂળિયાં ‘શાંતિનિકેતન’ના વર્ષાઉત્સવોમાં જુએ છે. છતાં તેમાંથી પ્રગટતી કવિની મૌલિકતા અછતી રહી શકતી નથી. દા.ત.
શુષ્ક ધરા, આજે !
નિર્ઝર, સરવર, સરિતા માઝે,
તરંગ ગીત ન બાજે !
(‘સરવાણી”, પૃ.૫)
   જેમ ગીત અને દીર્ઘકૃતિઓમાં તેમ સોનેટ રચનાઓમાં પણ કવિ તેમની નિજી પ્રતિભાના બળે મનુજ હૃદયના વિધવિધ ભાવોનું કલાત્મક લયછંદાભિધાન કરી શક્યા છે.

   આમ, પ્રહલાદ પારેખની સમગ્ર કવિતાપ્રવૃત્તિ ઉમાશંકર સૂચિત સૌંદર્યલુબ્ધતા અને તે નિમિત્તે શુદ્ધ કવિતા પ્રતિના પ્રસ્થાનનો આલેખ બની રહે છે. રાવજીની કવિતામાં ‘નર્થ’-પ્રાપ્તિ સુધી પહોંચેલી શુદ્ધ શબ્દોપાસના અને શુદ્ધ કવિતાનો તારસ્વર પ્રહલાદથી પ્રારંભાયેલી શુદ્ધ સૌંદર્યનિબદ્ધ કવિતા ઉપાસનાની ચરમ સીમા છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment