3.1.1.2 - રાજેન્દ્ર શાહ / રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
   પ્રહલાદ પારેખના સમર્થ અનુગામીઓમાં રાજેન્દ્ર શાહ અતિ મહત્વના કવિ છે. તેમનું મહત્વ બે રીતે આંકી શકાય તેમ છે. એક તો, તેઓ પ્રહલાદ પરંપરાના પ્રભાવક પુરસ્કર્તા છે. અને બીજું કે તેઓ આ સૌંદર્યાનુરાગી, કવિતાના, સંમાર્જક, સંવર્ધક અને સંરચયિતા છે. ગુજરાતી કવિતાની અંતરંગતાને પોતાની શબ્દશ્રીથી નવપલ્લવિત કરવામાં તેમજ તેને સુબદ્ધ સ્વરૂપ આપવામાં તેમનું નોંધનીય યોગદાન રહ્યું છે.

   રાજેન્દ્ર શાહે ‘ધ્વનિ’ ‘આાંદોલન’ ‘શ્રુતિ’ ‘મોરપીંછ' 'શાન્ત કોલાહલ’ ‘ચિત્રણા’ ‘ક્ષણ જે ચિરંતન’ ‘વિષાદને સાદ’ ‘મધ્યમા' ‘ઉદગીતિ’ જેવા દસેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તે ઉપરથી ખ્યાલ આવશે કે તેઓની કાવ્યભૂમિ કેટલી ફલવંતી છે. તેમના સંગ્રહોનો અભ્યાસ કરતાં કવિના બલિષ્ટ સર્જક-કાઠાનો અનુભવ થાય છે. પ્રણય, પ્રકૃતિ, ચિંતન, માનવ અસ્તિત્વનાં પરારૂપો, અધ્યાત્મ વગેરે વિષયોનાં વિવિધ સ્તરીય સંકુલ સંવેદનોનું તેમણે હદ્ય નિરૂપણ કર્યું છે. તેમ ગીત, સોનેટ, ગઝલ, દીર્ધકાવ્ય, સંવાદકાવ્ય, બાલકાવ્ય જેવાં અનેક સ્વરૂપો પણ કૌશલ્યપૂર્ણ રીતે ખેડ્યાં છે.

   રાજેન્દ્રની સિસૃક્ષાનો પ્રથમ ફણગો, પ્રહલાદની જેમ, ગીત રૂપે પ્રગટ્યો અને ત્યારથી માંડીને આજ સુધી તેમની કાવ્યાત્રાનો તે સહપાન્થી બની રહ્યો. તેમની વિપુલ ગીતરાશિ જોતાં જણાઈ આવશે કે ગીત તેમની કાવ્યસૃષ્ટિનું એક ઉન્નત ભવ્ય શિખર છે. તેમની ગીતરચનાઓમાં આકાર અને અંતઃસત્વની અવિનાભાવતા, અનુભૂતિની તીવ્રતા અને અભિવ્યક્તિની સહજતા, અનન્ય લયસૂઝ અને નિરૂપણની સજ્જતા, તથા ધીરુ પરીખ નોંધે છે તેમ, ‘ભાવ પક્ષે જે સાહજિક, સમર્થ સ્પંદનોદ્રેક છે. અને કલા પક્ષે જે સજ્જતાજન્ય સભાનતા છે.’ (‘રાજેન્દ્ર શાહ’ ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી – ૫’, લે.ધીરુ પરીખ, પ્રકા.કુમકુમ પ્રકાશન, અમદાવાદ,પૃ.૧૪) તે-સંતર્પક પરિણામો નિપજાવવા માટે કારણભૂત છે.

   પ્રણય, પ્રકૃતિ અને સાહજિક ચિંતન-અધ્યાત્મ જેવા ચિરંતન વિષયો જેમ અન્ય કાવ્યસ્વરૂપોમાં તેમ તેમની ગીતરચનાઓમાં પણ આવિર્ભાવ પામ્યા છે. પ્રણયની ઉન્માદક પ્રગલ્લભતા, મૌગ્ધ્યની મીઠાશ અને અલ્લડપણું તેમનાં ગીતોમાં મધુરપ ખેરવે છે. જેમકે –
ચઈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ
વનની વનરાઈ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે બોલ
('ધ્વનિ’, પૃ.૧૧૪)
   જગજૂના વિષયોની અભિવ્યક્તિ માટે સારો કવિ હંમેશાં નવીનતમ તરાહની ખોજમાં રહે છે. રાજેન્દ્ર પણ પોતાની પ્રતિભાના બળે ગુજરાતી ગીતોને ગુજરાતીપણું અકબંધ રાખી રાજસ્થાની ફાગ ગીતોની લઢણો પહેરાવવામાં સફળ રહ્યા છે. તેમણે રચેલાં આ ફાગ ગીતોમાં તેમની ગીતકવિ તરીકેની અલગ મુદ્રા ઊપસી આવતી જોઈ શકાય છે.
હો સાંવર થોરી અંખિયન મેં
જેબનિયું ઝૂકે લાલ
નાગર સાંવરિયો
મોરી ભીંજે કોરી ચૂંદરિયાં
તું એસો રંગ ન ડાલ
નાગર સાંવરિયો
(‘ધ્વનિ’, પૃ.૧૩૮)
   પ્રણયની વિભિન્ન ભાવમુદ્રાઓને અને અનેકાનેક સંવેદન છટાઓને જેમ તેમનાં વિશિષ્ટ પરિમાણો દ્વારા કવિ પ્રગટાવી શક્યા છે. તેમ પ્રકૃતિનાં અનવદ્ય રૂપો અને તેનાં કલ્પનાસભર મૂર્ત ભાવશિલ્પોને પણ તેઓ કાવ્યદેહ આપી શક્યા છે. પ્રકૃતિના અવલંબને તેમણે પ્રણયપોષણા ગાઈ છે, તો ક્યારેક વિશુદ્ધ પ્રાકૃતિક રૂપોની અહોતા અને તદ્દરૂપતાને કવિએ ગીતોમાં નિબદ્ધ કરી છે. તેમના ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં એકાધિક સ્થાનોએ તેમણે વિવિધ ઋતુઓને ગીતસ્થ કરી છે. અલબત્ત, તેમાં રવીન્દ્રશાઈ લઢણો અને બંગાળી બાઉલરીતિનું અનુસરણ તુરત જ પરખાઈ આવે છે. છતાં ‘શરદરાત્રિ'નુ મધુરિમ ચિત્ર હોય કે વૈશાખનું કરાલ ગ્રીષ્મ રૂપ હોય, કવિના સજીવારોપણ દ્વારા અમૂર્તને તાદશ્ય કરી આપતી સર્ગશક્તિ અવશ્ય પ્રગટી આવે છે. કવિનું પ્રકૃતિ-ચિત્ર જોઈએ :
ઝર ઝર ઝર ઝર
વન ભૂમિ-પથે પાન ખરે
જૂનાં જીરણ ને જર્જર
જીવનહીનને પરહરો
બોલે રમતો મલય હવા
ડાળીએ ડાળીએ કોળતી કૂંપળ
રંગ ખીલે અવનવા
ઊઘડતાં નવ જોબનની મધુ
ગંધ ઊડે થળથળ.
('સંકલિત કવિતા’ પૃ.૧૩૪)
   કવિને પ્રકૃતિનાં આદિ રૂપોનું અનન્ય ખેચાણ રહ્યા કર્યું છે, તેથી તેમની કવિતા આદિમ પ્રાકૃતિક પરિવેશ સાથે આપણો ચિત્તલય સાધી આપવામાં સફળ રહે છે. વળી કવિ શુદ્ધ કવિતા નિપજાવવાની પ્રક્રિયામાં આલંબન અને ઉદ્દીપન વિભાવ તરીકે પણ પ્રકૃતિને સહજ જ ઉપયોગી શકે છે. શ્રી ધીરુ પરીખ નોંધે છે તેમ, ‘આ સિવાય પણ એમણે પ્રકૃતિનો એક અન્ય રીતે ઉપયોગ કર્યો છે, અને તે રીત છે પ્રકૃતિને ચિંતનના વાહન બનાવવી તે' (‘રાજેન્દ્ર શાહ’ ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી – ૫’, લે.ધીરુ પરીખ, પ્રકા.કુમકુમ પ્રકાશન, અમદાવાદ,પૃ.૧૪) એક ઉદાહરણ દ્વારા આ બાબતે વધુ સ્પષ્ટ થઈએ.
હરી તારા ઓરડાનાં હજી બંધ બારણાં હોજી
હરિ એને પડદાની આડ,
નયનને તિમિરની વાડ,
ક્યારે રે મંગળ વેળ આવશે
ધરશે તેજનો ઉધાર ?
કાળના અવધાને માંડી ધીરણા હોજી
(‘ધ્વનિ’, પૃ.૧૫૧)
   પ્રકૃતિના આલંબને પ્રાકૃતિકતાથી ય આગળ જઈને ઈશ્વરીતત્વની આરતને પણ તેમણે ગીતબદ્ધ કરી છે. આત્મા અને પરમાત્માની ઘટઘટમાં થતી ઝાંખીનું રહસ્યવાદી નિરૂપણ તેમની પાસેથી ચિત્તાકર્ષક રૂપમાં મળે છે.

   આમ, તેમનાં ગીતો મનુજ હૃદયના અંતઃસ્તલમાં વિચરતા અનવદ્ય ભાવોની ઝાંખી કરાવે છે. આવા અનોખા ભાવ-વિશ્વની અભિવ્યક્તિ અર્થે તેઓ ચતુષ્કલ, પંચકલ, ષટ્કલ, સપ્તકલ, ચષ્ટકલ સુધીનાં વિવિધ લયાવર્તનોની કેલિડોસ્કોપીક ભાત આકારે છે. તો આપણા લોકલયો, રાજસ્થાની અને બંગાળી લયો, વ્રજિય કાકુઓ, આદિવાસી મનોગતના પ્રતિબિંબ સમા લહેકાઓ પણ તેમણે આબાદ પ્રયોજ્યા છે. ટૂંકમાં કહી શકાય કે વિષય અને નિરૂપણ પરત્વે ગુજરાતી ઊર્મિકવિતામાં ગીતનું મુલાયમ મખમલી પોત રાજેન્દ્રના હાથે ચિંતનસિક્તતા અને ઘટ્ટતા પામે છે.

   ગીતની જેમ સોનેટ પણ રાજેન્દ્રનું પ્યારું સ્વરૂપ છે. તેમની સોનેટ રચનાઓ તેમની સર્ગશક્તિનું એક અન્ય ભવ્ય શિખર છે. ઠાકોરચીંધી પ્રયોગશીલતાની કેડીઓ આગળ વધીને, સોનેટ વિકાસની કેડીએ તેઓ આગળ વધ્યા છે. સોનેટના કલાસ્વરૂપને તેમણે ગુજરાતી સોનેટ કવિતાના ઇતિહાસમાં મહત્વના સીમાચિહ્ન તરીકે પ્રસ્થાપિત કરી આપ્યું છે. તેમણે સંખ્યા અને સત્વની દૃષ્ટિએ માતબર સોનેટ રચનાઓ આપી છે. સો-સવાસો ઉપરાંતની સોનેટરચનાઓ સંખ્યાની દૃષ્ટિએ, તેમની કાવ્યરાશિનો મોટોભાગ રોકે છે, તો, તેમની સોનેટરચનાઓ કલાસમૃદ્ધિના નમૂનારૂપે સ્થપાય છે. પ્રણય, પ્રકૃતિ, ચિંતન જેવા અનેકાનેક વિષયોથી ગહન ગંભીર સોનેટને તેમણે શણગાર્યું છે. તેમના પ્રણય વિષયક સોનેટમાં પ્રેમની મધુરતા અને દામ્પત્યની પ્રસન્નતા તેમજ મિલનાન્તે વિરહ અને વિરહાન્તે મિલનની રાગાવેગપૂર્વક રજૂઆત થઈ છે. સ્વરૂપે શુદ્ધ પ્રકૃતિ વિષયક કહી શકાય તેવાં સોનેટો તેમની પાસેથી પ્રમાણમાં ઓછાં મળે છે. તેનું એક કારણ એ છે કે તેમનું ચિંતન હમેશા પ્રકૃતિને આલંબન બનાવીને જ પ્રગટે છે. છતાં જે પ્રકૃતિ સોનેટો મળે છે, તેમાં પ્રકૃતિનાં વિવિધ રૂપો, તેની નૈસર્ગિક છટાઓ અને બદલાતાં પરિમાણોનું જીવંત, ચિત્રાત્મક અને ગતિશીલ નિરૂપણ કવિ કરે છે. પ્રભાત, મધ્યાહન, સંધ્યા, રાત્રિ અને તેના પ્રહારોના સૂક્ષ્મ સંચલનોની કવિ કેલિડોસ્કોપીક ભાત ઉપસાવે છે. વળી, સંસાર, સૃષ્ટિ અને આત્માના ચિંતનને સોનેટ રચનાઓ દ્વારા જ કવિ અભિવાચા આપી શક્યા છે.

   નિરૂપણ પરત્વે જોતાં રાજેન્દ્રે બહુધા શેકસપિયરશાઈ સોનેટ રચવા તરફ અભિનિવેશ દાખવ્યો છે. છંદ વિધાન પરત્વે પણ તેઓએ સુપેરે છંદકર્મ કર્યાનું અનુભવાય છે. તેમણે કરેલા છંદમિશ્રણો, પંક્તિઘટકોમાંની અનિયંત્રિતતા અને ભાવપોષક દ્રુતવિલંબિત લયચાલની પ્રયોજના જોતાં તેમના છંદકૌશલની અનન્યતાનો અવશ્ય ખ્યાલ આવશે. ‘આયુષ્યના અવશેષે’ સોનેટમાલા જોઈ તેમના આવા સમુચિત છંદકર્મ સંદર્ભે બળવંતરાય ઠાકોરે ઉચિત જ કહ્યું છે કે રાજેન્દ્ર શાહે ‘વૃદ્ધ માણસના મનનો લય આબાદ પકડ્યો છે.’

   ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ માં વૃદ્ધત્વને કારણે કંપતી કાયા અને જૂની ડમણીનું ખોડગાવું આરોહ-અવરોહયુક્ત વર્ણોની ગોઠવણી દ્વારા કવિ તાદશ્ય કરે છે. આમ, તેમની સોનેટ રચના ગુજરાતી સોનેટ કવિતાને એક ડગલું આગળ ધપાવે છે.

   રાજેન્દ્રની ગીત-સોનેટ રચનાઓ બાદ કરતાં તેમની સિસૃક્ષાનો મોટો ભાગ તેમની વિચાર- ઊર્મિ- ચિંતનપ્રધાન, નાટ્યાત્મક આલેખનવાળી સંવાદકાવ્ય પ્રકારની દીર્ઘરચનાઓ, ‘રામ વૃન્દાવની’ના નામે રચેલી ગઝલો રોકે છે. ‘શ્રાવણી મધ્યાહને’ 'વિજન અરણ્યે’ ‘ચલો પ્રિયે’ ‘શાન્ત કોલાહલ’ ‘ક્ષણ જે ચિરંતન’ ‘વિષાદને સરાદ’ વગેરે તેમની પ્રમાણમાં દીર્ધ એવી ચિંતન કવિતાઓ છે. જેમાં તેમના કવિ જીવનના ઋતાત્મક સંસ્કારો કાવ્યરૂપ પામ્યા છે.

   આમ, રાજેન્દ્રની કવિતાનું અવલોકન કરતાં કહી શકાય કે તેમાં સુમધુર સંવનનથી આરંભાતી કાવ્યયાત્રા આત્મ-અભિજ્ઞા પામીને કવિને અંગતતા દ્વારા અંગતતાનો છેદ ઉડાડી વિરાટ સંવેદનવિશ્વની ઝાંખી કરાવે છે. રાવજીની "Personal inner voyage' જેવી કૃતિની પૂર્વ-સંધાન બતાવતી રાજેન્દ્રની રચનામાં તેમની નિજી આંતરયાત્રામાં જોઈ શકાય. રાજેન્દ્રમાં બહુધા આધ્યાત્મબોધ અને કવચિત્ અસ્તિત્વબોધનું દર્શન કરાવતું સંવેદનવિશ્વ પછીથી રાવજીમાં અસ્તિત્વબોધનું વિસ્ફોટ કેન્દ્ર બની જાય છે. અને રાજેન્દ્ર જેટલી જ બલકે તેનાથી અગણિત ઝડપે અસ્તિત્વનાં આંતરસ્તરોમાં ફરી વળી વિસ્તરતું આ કેન્દ્ર ગુજરાતી કવિતાને અપૂર્વ અને નૂતન પરિમાણોથી વિભૂષિત કરે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment