3.1.1.4 - પ્રિયકાન્ત મણિયાર / રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
   પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર-નિરંજનની પેઢીમાં જન્મેલા જ નહિ, તે પેઢીની આબોહવાનો એક અવિચ્છિન્ન અંશ બની ગયેલા કવિ છે. તેમની પાસેથી ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘સ્પર્શ’, ‘સમીપ’, ‘પ્રબલગતિ’ અને બે મરણોત્તર સંગ્રહો ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ પ્રાપ્ત થાય છે. તેમની સમગ્ર કવિતા પ્રવૃત્તિ જોતાં જણાય છે કે રાજેન્દ્રનો સૌંદર્યબોધ અને નિરંજનનો માનવતાબોધ ઉભય તેમની કવિતાવૃત્તિમાં કલેવર પામ્યા છે. અને વધારે ઘનીભૂત થયા છે. કાવ્યની ઈબારત પ્રતિની તેમની સૂક્ષ્મ અને કેળવાયેલી સમજને કારણે અનેકાનેક કાવ્યસ્વરૂપોને તેની વિશુદ્ધતા સાથે તેમણે ખેડ્યાં છે. અને તેમાં નવાં પરિમાણોના ઉમેરા કર્યા છે. અદ્યતન થવા મથતી ગુજરાતી કવિતાને પ્રતીકવાદિતાથી મઢવાનો પણ તેમણે સફળ ઉદ્યમ કર્યો છે. સાથોસાથ માનવતાવાદથી અનુપ્રાણિત થયેલી અને સામાજિક ચેતનાથી પુષ્ટ થયેલી રચનાઓ પણ તેમણે આપી છે. પ્રણયની વિલક્ષણ, વિરલ સંવેદનાઓ, અને કામાવેગજનિત આવેગાત્મક અનુભૂતિઓને પણ તેમણે બળપૂર્વક આલેખી છે. આદિમતા અને કાલસંપ્રીતામાંથી પ્રગટતાં વેદન-સંવેદનોને પણ તેમણે કવિતામાં સુચારુ અભિનિવેશમાં આકારબદ્ધ કર્યા છે. આમ, પ્રિયકાન્તની પ્રવૃત્તિ અનેક નવી દિશાઓ ઉઘાડનારી અને પરિપાટીને પરિપુષ્ટ કરનારી બની રહે છે.

   ‘પ્રતીક’ પ્રિયકાન્તનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, તે અનુગાંધીયુગીન કવિતામાં એક નવીનતાપૂર્ણ તાજગી અને કાવ્યકલાકૌશલનો અનુભવ કરાવે છે. તાજગી, રમણીયતા, લાધવ અને પ્રતીકાત્મક નિરૂપણને કારણે સંગ્રહની કૃતિઓ અનવદ્ય બની છે.
ક્યાંક
ભૂલી પડી આવે હવા બસ, તૃણ નથી
ચોમેર માંયે, તપ્ત કણ છે રંતના, તડકો પડ્યો,
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !
(‘પ્રતીક’, પૃ.૨૨)
   ગાયના પૌરાણિક અને લોક-સાંસ્કૃતિક સંદર્ભને પ્રતીક દ્વારા કવિ અહીં જીવંત અને સ્પર્શક્ષમ રૂપ આપે છે. મર્મ અને વ્યંગની સૂક્ષ્મ ધારની સાથોસાથ વાસ્તવના વરવા અને કરાલ રૂપને પણ છતું કરી આપે છે. કવિનું સંવેદન આવી વ્યાપક ભૂમિકાએ વિચરે છે તો પ્રણયની વિવિધ અવસ્થાઓને પણ તેઓ પ્રતીકાત્મક પરિમાણ આપી શકે છે તેથી જ ‘પ્રતીક’ની પ્રતીકાવલિ આપ્ત પ્રણયાનુભૂતિઓ સાથે જોડાયેલી રહેતી જોવા મળે છે. વળી, આ સંવદનો, આ પ્રતીકોને પોતાના કવિકર્મવિશેષ અને પ્રવાહી ભાષાપોત દ્વારા કવિ વિશેષ ઉઘાડે છે. ‘પ્રતીક’માં ઉઘાડનો આહલાદ વર્તાય છે.

   ‘અશબ્દ રાત્રિ’ ‘પ્રતીક’ની કવિતાથી તદ્દન ભિન્ન એવું બહિર અને તેનાથી આમૂલ કાયાકલ્પ ધરાવતું કાવ્યવિશ્વ પ્રગટાવે છે. વિષયની દૃષ્ટિએ જોતાં બહિર જગતનાં ‘લોકન’-અવલોકન અને સંસ્પર્શને લીધે ઊઠતાં સંવેદન-સંચલનોની વિશિષ્ટ છાપો કવિએ અહીં મુદ્રિત કરી છે. સાથે જ, હરિગીત, ઝૂલણા, મનહર આદિની ભાવાનુરૂપ પ્રયોજના પણ આકારી છે. વસ્તુ અને અભિવ્યક્તિ વચ્ચેનો એક સુશ્લિષ્ટ ઘાટ આકારિત થતો જોઈ શકાય છે. પરિણામ સ્વરૂપ ‘અશ્વ’ ‘હાથી’ ‘અશબ્દ રાત્રિ’માં ‘એકલ’ જેવી કૃતિઓમાં સેન્દ્રિય, સંકુલ પ્રતીકાત્મક કાવ્યનિષ્પતિ થતી અનુભવાય છે. ટૂંકમાં, બહિર જગતની વિસંવાદિતા, વિચ્છન્નતા, વિચિત્રતા અને આ સૌ વચ્ચે ઊભેલા માનવીનાં એક ચિત્રો કવિ પ્રતીકાત્મક બાની અને વેધક, જીવંત, સ્પર્શક્ષમ અભિવ્યકિત દ્વારા દોરી આપે છે.

   ‘સ્પર્શ’ સંગ્રહમાં ગીતોની માત્રા વધે છે તો સાથે જ છંદોબદ્ધ રચનાઓ પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ‘હું’ ના જુદાં જુદાં રૂપોની રમણાને કવિએ અહીં અનેક કાવ્યોમાં નિરૂપી છે. એક ઉદાહરણ જોઈએ.
પથના દીપના તેજ ઢોળામાં જલના સમી
ઘડીક ઠીંગણું રૂપ લાવતી પ્રમાણમાં,
ઓચિંતી વધતી કિંતુ લાંબા કો સપિયા સમી,
એકી સાથે ધરે રૂપ ત્રણ કે ચારથી વધુ,
મુખ્યત્વે આકૃતિ માત્ર, ઈન્દ્રિયોનું કશું નહીં.
(‘સ્પર્શ’)
   ‘સંયોગ’ કાવ્યમાં સ્ત્રી-પુરૂષ કામકેલિનું પ્રતીકાત્મક રીતે કરેલું આલેખન પ્રિયકાન્તની ઊંચી સર્ગશક્તિનું દ્યોતક છે. ‘હાડકું’ ‘નદી કાંઠે હાથ’ તેમની વિલક્ષણ કલ્પનાશક્તિ અને ‘ગાલ્લું’ યા ‘રાત્રિ’ જેવી રચનાઓ ઉડ્ડયનશીલ કવિપ્રકૃતિની પરિચાયક રચનાઓ છે.

   પ્રિયકાન્તનાં ગીતોની મધુરિમા અહીં સતત ફોરતી અનુભવાય છે. ઋજુમધુર કલ્પનો, ઉલ્લાસવંતી સંવેદનાઓ, વિવિધ પ્રણય અવસ્થાઓમાં પ્રગટતી લાગણીઓને આ ગીતોએ મધુરાં નિતર્યા રૂપ આપ્યાં છે.

   ‘સમીપ’ કાવ્યસંગ્રહમાં કવિએ તેમની મોટાભાગની પ્રકૃતિ કવિતાને સંગ્રહી છે. પ્રકૃતિનાં અનેકવિધ તત્ત્વો અને તેની વિવિધ રમણાઓની રમ્યતાને કવિની કલમે કાવ્યસ્થ કરી છે. ફૂલો, પાંદડાં, ઝાડ, પંખી, આભ, જળ, મત્સ્ય, સમીર, સૂર્ય વગેરે પ્રાકૃતિક તત્વોને કવિએ અપૂર્વ નિસ્બતથી પ્રયોજ્યાં છે.

   ‘પુષ્પ’ નામના કાવ્યના આરંભમાં કવિ કહે છે :
માટીમાંથી સૂર્ય નીકળતો બ્હાર
ફૂલ થઈને !
(‘સમીપ’, પૃ.૨)
   તો ‘સવાર’ કાવ્યમાં ‘સવાર’ની અછૂતી કલ્પના કવિના હાથે કેવું રમ્ય-ચારુ રૂપ ધરે છે !
પ્હેલવારકી પનિહારીને ઘડે
કૂપવારિમાં સૂતા તારલા
ફરી આભલે ચડે.
(‘સમીપ’ , પૃ.૮)
   આમ, ‘સમીપ’ કવિની પ્રકૃતિચિત્રમાલા અને પ્રકૃતિકેન્દ્રિ સંવેદનોનાં રમ્ય ઉદાહરણો પૂરાં પાડે છે. રાવજીમાં લોહી રૂપ થઈ ગયેલી પ્રકૃતિ પ્રિયકાન્ત સાથે કેવી મજ્જાગત તંતુઓથી જોડાયેલી છે તેનો આ સંગ્રહનાં કાવ્યોની પાર નીકળતાં ખ્યાલ આવશે.

   ‘પ્રબલગતિ’ પ્રિયકાન્તનો ચીલો ચાતરીને ચાલતો સંગ્રહ છે. ચીલો ચાતરીને એટલા માટે કે પ્રિયકાન્ત અહીં પોતાનું ભાષાકીય ભૂતળ બદલે છે. એક નવી જ કાવ્યભાષા રચવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેમના આવા પ્રયાસ પાછળ તેમનો અમેરિકાનો પ્રવાસ કારણભૂત હોય એમ પણ બને. અમેરિકાના પ્રવાસ દરમિયાન અને પછીની કેટલીક કૃતિઓ અહીં સંગ્રહાઈ છે. ‘પ્રબલગતિ’માં, તેથી જ બહુધા અમેરિકાનાં સ્થળો વિશેની રચનાઓ, જેની પીઠિકામાં અમેરિકાનું જનજીવન છે તેવા સમયને આલેખતી કૃતિઓ-અને ત્યાં અનુભવેલા પ્રસંગોનું નિરૂપણ કરતાં કાવ્યોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. વળી, સ્વદેશાગમને થયેલી ભવ્ય અનુભૂતિઓ પણ સંગ્રહાઈ છે. ઉમાશંકર નિર્દિષ્ટ માનવતાવાદ અહીં વધુ કાવ્યાત્મક ઘાટઘૂટ ધારણ કરે છે (અલબત્ત, ક્યાંક ક્યાંક તે બોલકો બની જતો ય લાગે છે.).

   ‘ન્યૂયોર્ક-એક હરણ’ જેવી રચનામાં ભૌતિકતા તરફની અમેરિકાની હરણફાળનું પ્રતીકાત્મક રીતે કલાપૂર્ણ નિરૂપણ થયું છે.
એની એટલી ગતિ એટલી ગતિ
પૃથ્વી તો પાર કરી
આકાશે ય ઓછું પડે છે-આ જુઓને ચંદ્રમાય
એમાં પગલાં પડ્યાં –
(‘પ્રબળ ગતિ’, પૃ.૧૭)
   ‘ઈશુની ઉક્તિ’ અને ‘એ લોકો’ જેવી કૃતિઓમાં કવિનો વિદ્રોહી સૂર તારસ્વરે ઝળકે છે. આમ, ‘પ્રબલ ગતિ'ની અવલોકના કરતાં તુરત જ કળાઈ આવશે કે પ્રિયકાન્તનો રંગદર્શી સૂર પ્રૌઢિ તરફ વળે છે.

   ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ કવિના મરણોત્તર કાવ્યસંગ્રહો છે. ‘વ્યોમલિપી’માં મુખ્યત્વે કવિની અછાંદસ રચનાઓ સંકલિત થઈ છે. પ્રણય, ચિંતન, કાળ-ચિંતન અને કવિતાને લક્ષ કરી, કવિ અહીં પ્રૌઢિપૂર્વક વ્યક્ત થયા છે. અસ્તિત્વનાં તળ તોડતી સંવેદનાઓને તેમણે કળાપરક પરિવેશ આપ્યો છે. અછાંદસની કાવ્યભાષા ચોક્કસ સૂક્ષ્મ તંતુઓને સાંધતી, સૂક્ષ્મ આકારોનું નિર્માણ કરતી કાવ્ય ભાષા છે. અલબત્ત, કયાંક તેઓ સ્વપ્રતિબદ્ધતાના ભોગ બન્યા છે.

   ‘લીલેરો ઢાળ’ તેમની ગીત રચનાઓનો સંગ્રહ છે. જેમાં તેમણે તેમના ઉલ્લાસના સ્થાયીભાવને મન મૂકીને ગાયો છે. રાધા અને કૃષ્ણને નિમિત્ત બનાવીને પ્રકૃતિની સંગતિમાં કવિએ હદ્ય અને મનોહર રીતિમાં રતિરાગ આલાપ્યો છે. તેમનાં ગીતોની સુચારુતા અને લય કમનીયતાની દૂરગામી અસરો પડી છે.

   પ્રિયકાન્તની સમગ્ર કાવ્યપ્રવૃત્તિ જોતાં જણાશે કે પ્રિયકાન્તને ગઝલ અનુકૂળ પડી નથી છતાં તેમણે તે ખેડી છે. ગીત પ્રિયકાન્તની કલમને અને પ્રિયકાન્તની કલમ ગીતને શોભાવી ગઈ છે. અછાંદસ રચનાઓએ તેમને પ્રૌઢ અને ઠરેલ કવિ તરીકે સ્થાપી આપ્યા છે. કહી શકાય કે સૌંદર્યોપાસના અને માનવપ્રેમ બેઉને તેમણે પોતાના વિપુલ સર્જન રાશિના બે ધોરિડા માનીને, તે થકી ખેડ કરીને ગુજરાતી કવિતાને અપૂર્વ પાક આપ્યો છે.

   રાવજીની કવિતાના પ્રચ્છન પ્રવાહો જોતાં પ્રિયકાન્તે ખેડેલા સૌંદર્યોપાસના અને માનવપ્રેમની ઉપસ્થિતિ ત્યાં ય અવશ્ય કળાશે. અલબત્ત, રાવજી આ સૌંદર્ય પ્રગટવા માટે વસ્તુની અપેક્ષાએ અભિવ્યક્તિની રીતિને પસંદ કરે છે. અને માનવપ્રેમ માનવનિસ્બત રૂપે પ્રગટે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment