3.1.2 - રાવજીનો નીકટવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   ગાંધીયુગોત્તર કવિતા એટલી તો ગતિશીલ બની છે કે દલપતથી પ્રહલાદ સુધીના સમયગાળામાં જેટલી કવિતા રચાઈ હશે તેનાથી દસેક ગણી કવિતા આ ચાળીસેક વર્ષમાં રચાઈ હશે. આ મેધાવી સક્રિયતાને કારણે લગભગ દાયકે દાયકે તેમાં નવાં નવાં સ્થિત્યંતરો આવ્યાં છે. એકી સાથે અનેક વિરોધી જણાતાં ગુણ-લક્ષણો, પરિબળો અને સર્જક ચેતનાઓ તેને સંસ્કારતાં રહ્યાં છે, તેથી કરીને આ આખીય વિકાસપ્રક્રિયા કાવ્યસંમિત જટિલતા ધારણ કરે છે. કોઈ એક જ કવિ બે અલગ અલગ કાવ્યપ્રવાહોને કેન્દ્ર કરી સર્જન કરે એવું પણ બન્યું છે, જેમકે પૂર્વ નિરંજન અને ઉત્તર નિરંજન તો કેટલાક પરંપરિત સર્જકોએ આ નવી આબોહવા સાથે શ્વાસાનુસંધાન કેળવવાના યત્નો પણ કર્યા છે, જેમકે જયંત પાઠક યા ઉશનસ્ વગેરે. તો વળી એવું પણ બન્યું છે કે રાજેન્દ્ર શાહ જેવા કોઈ વિરલ સર્જક એમના નિજી માર્ગે અદ્યાપિ વહેતા જ રહ્યા હોય. આમ, ભિન્ન ભિન્ન સર્જકો અને સર્જનપ્રવાહો વિકાસની એક સંકુલ પ્રક્રિયાના સહભાગી બને છે. ગાંધીયુગ જેવો કોઈ વ્યક્તિ કે વાદનો પ્રભાવ અહીં જોવા મળતો નથી, તેનાથી ઊલટું, અનેક વાદો, વ્યક્તિઓ પરિબળો અને ક્રિયા-પ્રતિક્રિયાઓનો સમૂહ કવિતાના સંવર્ધક બળ તરીકે કામે લાગેલો જોવા મળે છે.

   આ કાળની જો કોઈ સાચી ઓળખ હોય તો તે સક્રાન્તિ કાળ તરીકેની છે. ગાંધીયુગથી આરંભાયેલી નવીનતર કવિતા પ્રતિની ગતિ આ સંક્રાન્તિકાળમાં થઈને અદ્યતન સ્વરૂપે પ્રગટે છે. આ ઉત્ક્રાંતિનો આલેખ જોતાં જણાશે કે ગાંધીયુગમાં કથયિતવ્ય યા વસ્તુમાં જે નૈતિકતાજનિત સૌંદર્યબોધનું આરોપણ થતું, જેમકે
વસુંધરાનું વસુ થાઉં સાચું
હું માનવી માનવ થાઉં તો ઘણું.
(‘કાવ્યમંગલા’)
   તે આ કાળમાં જેટલું વસ્તુમાં તેટલું જ અભિવ્યક્તિમાં એ વહેચાયેલું જોવા મળે છે. પ્રહલાદની કવિતા જોતાં જણાશે કે જેટલું વસ્તુ આકર્ષણ તેટલી જ આકર્ષક અભિવ્યક્તિ એવા વલણના અંકુરો તેમાં પ્રકટી ઉઠયા છે. વળી, વસ્તુની સાથે ઈન્દ્રિયગ્રાહ્યતાનું અભિવ્યક્તિજન્ય તત્વ પણ કાવ્યસૌંદર્ય પ્રગટાવી આપવામાં સક્રિય થતું અનુભવાશે. જેમકે –
આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો
આજ સૌરભ ભરી રાત સારી.
(‘બારી બહાર', પૃ.૭૪)
   આ વલણ અદ્યતન કવિતામાં ગાંધીયુગ કરતાં વ્યુત્ક્રમિક દશામાં પ્રાપ્ત થાય છે. ‘વસ્તુ’સૌંદર્યનો લોપ અને અભિવ્યક્તિ દ્વારા ભાષાગત સૌંદર્ય નીપજાવવા તરફનું વલણ પ્રબળ બનતું અનુભવાય છે. કાવ્યનું સૌંદર્ય હવે વસ્તુગત ન રહેતાં ભાષા કે અભિવ્યક્તિગત બને છે. રાવજી તેના એક ગીતમાં આવું લક્ષણ વલણ પ્રગટાવે છે.
મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ નહોતી !
મેશ જોઈ મેં રાતી.
(‘અંગત’, પૃ.૪૨)
   રાવજીના આ ગીત મુખમાં ભાષાની કમનીયતા જેટલી ચિત્તાકર્ષક બને છે તેટલો જ અર્થબોધ કાવ્યાત્મક દુર્બોધતા પ્રગટાવે છે. આમ, અનેક પરિબળોની તીવ્ર ગતિશીલ સક્રિયતા વચ્ચેથી પસાર થતી અનુગાંધીયુગિન કવિતા અદ્યતન કવિતાના પ્રાગટ્ય માટે સબળ-ભૂમિકા રચી આપે છે.

   પ્રહલાદ, રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હસમુખ યા નલિન દ્વારા ઘડાતી આવતી આ કવિતાધારા ૧૯૫૬ પછી આ સૌ કવિઓની સર્જન મુદ્રાઓનું સેન્દ્રિયરૂપ ધારણ કરે છે અને અનુગામીઓ ઉપર તેનો રાસાયણિક પ્રભાવ મૂકી જાય છે. પ્રહલાદની શુધ્ધ કવિતાની જિકર, રાજેન્દ્રનો સૌંદર્ય-ચિંતનની રાસાયણિકતા પ્રગટાવવાનો ઉદ્યમ, ઉત્તર નિરંજનનો નગરાહોંશ, પ્રિયકાન્તનો ઉલ્લાસ, વિદ્રોહ અને રંજનરસિત રતિરાગનો પ્રતીક સૂર, હસમુખની અભિવ્યક્ત થવા મથતી માણસાઈ અને નવ્ય ભાષાભિવ્યક્તિ, નલિનની સુક્ષ્મ સંવેદનના મરોડતરોડને વિલક્ષણ રીતે મૂર્તિમંત કરવાની મથામણ. આ સૌ લક્ષણો વલણો પ૬માં ઠરે છે, અને ત્યાર પછી પ્રગટેલી લાભશંકર-સિતાંશુની કવિ પેઢીને એકરસ સેન્દ્રિય વારસો પૂરો પાડે છે. પ્રહલાદ પારેખથી પ્રારંભાયેલી ‘નીતર્યા પાણી’ના ગુણવાળી કવિતાની શોધ આ ગાળામાં મુખોમુખ થવાની લાગણી અનુભવાય છે. અનુગાંધીયુગિન કવિઓમાં નિસ્બતજનિત માનવતાવાદ, શુદ્ધ કવિતા નીપજાવવાના પ્રયત્નો, ભાષાનું સૌંદર્ય પ્રગટાવી આપવાનું વલણ, આકારગત સૌંદર્યથી કોઈપણ કાવ્યસ્વરૂપનું વિશેષ પરિમાણ સિદ્ધ કરવાની મથામણ વગેરે લક્ષણો પ્રચ્છન્નરૂપમાં ક્રિયાન્વિત હતાં. તે ધીમે ધીમે આ સમયગાળામાં પુષ્ટ થઈને પરિપક્વસ્વરૂપે પ્રગટ થતાં જોઈ શકાય છે. કથયિતવ્ય, રચનારીતિ અને ભાષાનિર્માણના ક્ષેત્રે એમ વિવિધ દિશાઓમાં આ લક્ષણો નવો ઓપ ધારણ કરે છે અને પરાપૂર્વથી ભિન્ન એવી નવી જ અભિજ્ઞા અને મુદ્રા પ્રાપ્ત કરે છે.

   આ બીજા ‘નવા પ્રસ્થાન’માં અન્ય પરિબળો પણ સક્રિય બન્યાં હતાં. સ્વાતંત્ર્યપ્રાપ્તિને અંતે લોહિયાળ ભાગલા અને રાષ્ટ્રનેતાની હત્યાએ પ્રજાની આકાંક્ષાઓ છિન્નભિન્ન કરી નાંખી હતી. સમગ્ર પ્રજાજીવન ક્ષુબ્ધ બની ગયું હતું પરિણામે જીવનમાં હતાશા અને છિન્નતાની લાગણી પ્રબળ થઈ ઊઠી હતી. વળી ગામડાં તૂટતાં ગયાં અને શહેરોમાં માનવ કીડિયારાં ઊભરાવા લાગ્યાં જેથી અનેક મહાનગરીય સમસ્યાઓ અસ્તિત્વમાં આવી. તેથી મૂલ્યહનન અને વ્યક્તિત્વલોપની પ્રક્રિયા વેગવંત બની. જીવન કોઈ વિરાટ આસુરી યંત્ર અને માનવી તેનાં નગણ્ય પૂજા જેવો બની ગયો. ઇચ્છિતની અપ્રાપ્તિ અને અપ્રાપ્યની ઈચ્છાઓ વચ્ચે ઝોલાતો સાંપ્રત મનુષ્ય હતાશા, નિરાશા, છિન્નતા અને સંત્રાસનો દારૂણ-ભીષણ અનુભવ કરવા માંડ્યો. પરિણામસ્વરૂપે કવિતામાં નિરૂપાતો મનુષ્યનો ચહેરો બદલાયો. સાંપ્રત કવિતામાં અ-નાયકનો પ્રવેશ થયો. એકલો, બેસુરો-કઢંગો, ચીડિયલ, કશીક નિરર્થક પ્રવૃત્તિમાં જોડાયેલો હોવાનો અનુભવ કરતો, વિકૃત શો જેવો મનુષ્ય સાંપ્રત કવિતાનું ક્ષેત્ર ઘમરોળવા લાગ્યો. માણસની આવી સ્થિતિ પરિસ્થિતિ વચ્ચે શ્વસતો કવિ વાસ્તવવાદને છોડી નગ્નવાસ્તવ અને અતિવાસ્તવના ચિત્રણ પ્રતિ આકૃષ્ટ થયો. આ અકરાંતિયા કાળમાં સુરેશ જોશીનો સાહિત્ય પ્રવેશ થાય છે. ‘ઉપજાતિ’ને રદ કરીને વાસ્તવની કવિતા નહીં પણ કવિતાના વાસ્તવની વાત આગળ કરાય છે. પશ્ચિમના અનેકાનેક સાહિત્યસેવીઓના સંદર્ભો સાથે ગુજરાતી સાહિત્ય નવી વિભાવનાઓ બાંધે છે અને ગાંધીયુગ સાથેની અનુગાંધીયુગમાં ઢીલી પડેલી સાંકળ તોડી નાખે છે. કહી શકાય કે ગાંધીયુગથી વિચ્છેદાયેલી અને અનુગાંધીયુગમાં નવી દિશાની શોધમાં નીકળેલી ગુજરાતી કવિતાને સુરેશ જેશી નવી વિભાવનાઓ, નવા ઉપાદાનો અને નવી દિશાઓનું શરસંધાન કરી આગળ ધપાવે છે. પાશ્વાત્યવાદો અને સર્જકોના અનુશીલનોને પરિણામે અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, પ્રતીકવાદ જેવી વાદયુક્ત કવિતાઓ આ નવી આબોહવાનું શિરછત્ર બને છે.

   આ ટાણે પરંપરાને ઉચ્છેદવા ‘રે’મઠ જેવાં અનેક સર્જક જૂથો પણ સક્રિય થઈ ઊઠયાં. લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, સુભાષ શાહ, રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી, ચિનુ મોદી, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ જેવા અનેક કવિઓ આ રચનાત્મક ઉચ્છેદન કાર્યમાં જોડાયા અને ગુજરાતી કવિતામાં જાણે નવાં પાતાળ તોડવા કટિબદ્ધ કવિચેતનાઓ Drilling ના Mood માં, Missionary form માં, કાર્યરત થઈ ઊઠી. તે Content પમાતું સૌંદર્ય ધીમેધીમે આકાર અને અભિવ્યક્તિમાં થઈને ભાષા સૌંદર્ય નિપજાવવા પ્રતિ મથામણો કરવા લાગ્યું. ભાષા, લય અને રચનારીતિ વિશે નવ્ય વિવેચન પણ પ્રાપ્ત થતું ગયું. પૂર્વે વિવેચન અને સર્જન પરસ્પર આધારિત હતાં તે લગભગ અલગઅલગ વિદ્યાઓમાં વહેંચાઈને એકબીજાને ઉપકારક એવી સ્વતંત્ર પ્રવૃત્તિઓ તરીકે વિકસવા માંડ્યાં. કેટલાક કવિઓને આ તત્કાલીન વિવેચનાએ સંમાર્જિત-પ્રભાવિત કર્યા તો રાવજી, ગુલામ મોહંમદ શેખ જેવા બળૂકા સર્જકોની સર્ગશક્તિએ વિવેચનના પાસાને પહેલ પાડવાનું કામ પણ કર્યું.

   રાવજી જે આબોહવામાં કવિતામાં પ્રવેશે છે તે આ.
   ચોતરફ અપૂર્વ નવીન કલ્પનો તર્કને સ્થાને અસંગતિ, ઇન્દ્રિયોથી પરના અનુભવોને ઈન્દ્રિયો દ્વારા પકડમાં લેવાની મથામણ, વૈચિત્ર્યપૂર્ણ વ્યત્યયલીલા, આદિમ સંવેદનોના સ્રોત તથા રતિરાગની ‘આલંકારિકો જેને બીભત્સમાં ગણના કરે’ તેવી રચનાઓ થવા માંડી.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે
વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું રન્દ્ર
ઉપરના લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.
(‘અથવા’, પૃ. ૩૮)
   શૂન્યતા, હતાશા, છિન્નભિન્નતા અને અશ્રદ્ધાના સૂરોથી ઊભરાતી આ કવિતા નફટાઈની હદ સુધી પ્રગલ્લભ બનીને જીવનના વિસંવાદીપણાને ગુજરાતી કવિતાને અજાણ્યા એવાં ભાષાતળો તોડીને, ભાષાની વ્યવસ્થા ભેદીને પોતાનાં શિલ્પ કોતરે છે.

   લાભશંકર ભાષાના નિરર્થકપણાને ભાષા દ્વારા જ ઉચ્છેદવામાં પ્રવૃત્ત છે :
તડકો બં બં
તડકો મં મં
તડકો તારી બોચીનો છે મેલ
(‘વહી જતી પાછળ રમ્યઘોષા’, પૃ.૮૯)
   સિતાંશુ પરાવાસ્તવવાદી કવિતા દ્વારા મનનાં અતલ વહેણોને તાગવાની કોશિશ કરે છે :
રૂપેરી નદીના પૂનમિયા સપનાની ચાંદીની સપાટી પર
ઢગલે કાટને, રૂંવારે ખાધેલું કાટ, કાટ પગલે ખેરવતું
સાંધા ઘસાતાં તીણી લાવીએ ઊછળતું
કાટનું શિયાળ.
પેલી ગમના કેડી ભૂસ્યા વનમાં ભરાઈ ન રહેતાં
અક્ષરણ લખડી આવ્યું આ પાસ.
(‘ઓડિસ્યસનું હલેસું’, પૃ. ૨૨)
   મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુકલ, ઈન્દુ પુવાર, આદિલ મન્સુરી, પ્રબોધ પરીખ જેવા કવિઓ પોતપોતાની રીતે આ આખાય પ્રવાહનું નિર્વહન કરે છે તેવી સ્થિતિમાં રાવજીનો ગુજરાતી કાવ્યસૃષ્ટિ પ્રવેશ થાય છે.

   રાવજી કવિતા ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે એની સામે અતિવેગીલી અને પરિપુષ્ટ એવી કાવ્યપરંપરા છે. જે ક્રમેક્રમે ‘અદ્યતન’ થવાની દિશા અને દશામાં છે. રઘુવીર ચૌધરી સાચું જ નોંધે છે કે ‘રાવજીએ સાહિત્યિક પરંપરાને કે પોતાના વર્તમાન સમાજને સમૂળગો નકાર્યો નથી. આધુનિક થઈ જવાની ઉતાવળમાં કેટલાક કવિઓ પરંપરા સાથેના વિચ્છેદ માટે કૃત સંકલ્પ બને છે. એવું રાવજીના દાખલામાં બન્યું નથી’ (‘અંગત’, ‘પ્રસ્તાવના’ લે. રઘુવીર ચૌધરી) અલબત્ત રાવજી ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ના કવિ લાભશંકરના ગજા સાથે પ્રવેશ કરે છે અને મરણોપસ્થિતિની જાણ થતાં જ સમગ્ર અસ્તિત્વ અકલ્પ્ય સિસૃક્ષાના અનેક પરિમાણીય સ્ફુલ્લિંગોની વિસ્ફોટક ઘટનાના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે, અને મરણના ખોળે બેઠેલો રાવજી પોતાની બલવંત સિસૃક્ષાના બળે તેના પૂર્વસૂરિઓ, સમકાલીનો અને અનુગામીઓથી કંઈક ભિન્ન અને ક્યારેક મૂઠ ઉંચેરી રચનાઓ આપી, ગુજરાતી કવિતામાં પોતાની સર્જકતાનો અલગ ચોકો સ્થાપે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment