3.1.3 - રાવજીની નિજી વિલક્ષણ કાવ્યભૂમિ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીના પશ્ચાદવર્તી અને નિકટ પશ્ચાદવર્તી પૂર્વસૂરિઓ અને બળવાન સર્ગશક્તિ ધરાવતા સમકાલીનોની કવિતાનો જાણે-અજાણે રાવજીની કવિતા ઉપર વિલક્ષણ પ્રભાવ પડ્યો છે. આ પ્રભાવની વિલક્ષણતા એ છે કે રાવજીની સિસૃક્ષાનાં ઘોડાપુર તેને વળોટીને વહી નીકળે છે છતાં તેના અંત:સ્તલમાં સભાનપણે પડેલાં આ પ્રભાવબીજ અછતાં રહી શકતાં નથી, અલબત્ત, તે એટલાં તો વિપર્યાસ પામ્યાં છે કે પ્રત્યક્ષ થતાં સહેલાઈથી ઓળખી પણ ન શકાય. રાવજીનું કવિકાઠું ઘડવામાં પરોક્ષ રીતે આ તત્ત્વો સક્રિય રહ્યાં છે, તો મૃત્યુની સહોપસ્થિતિનું તીવ્ર ભાન તેની સર્જકતાને પાતાળ તોડીને ફાટી નીકળતા જવાળામુખીની જેમ ધધકતા રૂપમાં પ્રગટાવી આપે છે. રાવજીનું ‘રાવજીપણું’ તેને એક કાવ્ય-ટાપું તરીકે સ્થાપે છે. તેની આ અનન્યતાની પડછે રહેલી કારણશૃંખલા તપાસતાં જણાશે કે રાવજીની નિજી પ્રતિભાને ઉગાડવા પોષવામાં જેટલી તેની અંગતતા કારણભૂત છે તેટલા પ્રમાણમાં અન્ય પરિબળો કારણભૂત ન હોવા છતાં પુરોગામીઓ અને સમકાલીનોની કવિતા દ્વારા ઘડાયેલી આબોહવાને આત્મસાત કરીને તેણે પોતાની અનન્યતાને ઉછેરી છે. તેથી જ રઘુવીર ચૌધરી નોંધે છે તેમ, ‘અંગત’નાં કાવ્યો આરંભથી વાંચવાનાં શરૂ કરો અને તમને શ્રીધરાણી, પ્રહલાદ, રાજેન્દ્ર, બાલમુકુન્દ, નિરંજન, પ્રિયકાન્તના હાથે નીવડેલી ‘શુદ્ધ કવિતા’ના દષ્ટાંતો મળવાં શરૂ થશે. 'એક બપોરે' 'ઘવાયેલો સેનિક’ 'ઢોલિયો’ ‘જિજીવિષા’ ‘વૃદ્ધની સ્વગતોક્તિ’ ‘ભાઈ’ ‘દિનાન્તે’ ‘સીમનું મન’ ‘છેવટે’ જેવી લધુ રચનાઓ ભાષા, છંદ, અલંકરણ, સંવેદન, આદિ અને અંત વચ્ચેની સુગમ સંરચના જોતાં લાગે છે કે ૧૯૫૬ પૂર્વેની ગુજરાતી કવિતાના જમા પાસે નોંધવા જેવી આ જણસ છે. આ લઘુકાવ્યોમાં પરંપરા પુષ્ટ થાય છે.’ રાવજી અને તેના પુરોગામી કવિઓની કવિતાને આા સંદર્ભે તપાસતાં જણાઈ આવે છે કે, પ્રહલાદની કવિતામાં જોવા મળતું ‘શુદ્ધ કવિતા’ નિપજાવવાનું વલણ રાવજીમાં કવિનું ભૂતળ બની જાય છે. પ્રહલાદ અને રાવજીની કવિતામાંથી આ વાતને પુષ્ટ કરતાં ઉદાહરણો જોઈએ:
ઉરે હતી વાત હજાર કે'વા
કિન્તુ નહીં ઓષ્ટ જરીય ઊઘડ્યા,
જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા
ઉજાસ શાં હાસ્ય મુખે ના આવિયાં.
(‘બારીબહાર’, પૃ. ૫૪)
   મનની મૂંઝવણ ભરેલી સ્થિતિમાં કંઈક વાત કરવા આતુર હૃદયની વાત પ્રહલાદ કરતાં ભિન્ન રીતે રાવજી કંઈક આમ કહે છે :
લાગ્યું : અજાણ્યા ઘરમાં ગયો છું
પેસી. હજી તો પગ મૂકતાંમાં
રડી રડી લોચન માંહ્ય ભીંતો;
કોની કને વાત કરું ય બેસી ?
(‘અંગત’,પૃ. ૭)
   અહીં જોઈ શકાય છે કે પ્રહલાદ કરતાં રાવજી શુદ્ધ કવિતા નિપજાવવામાં એક ડગલું આગળ રહે છે.
   રાજેન્દ્રની કવિતામાં મ્હોરી ઊઠેલું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અને તદાર્થ પ્રગટતું ચિંતન રાવજીમાં કૃષિતા અને તદન્વયે પ્રગટેલી આત્મઅભિજ્ઞાના રૂપમાં પ્રગટતું જોવા મળે છે. રાજેન્દ્ર અને રાવજીની કવિતામાંથી આ વાતનો પુરસ્કાર મેળવી શકાય તેમ છે. જેમકે 'ધરુ’ નામના કાવ્યમાં રાજેન્દ્રનું પ્રકૃતિના વિભાવે મ્હોરતું ભાવચિંતન વિશિષ્ટ કાવ્યાનુભવ આપે છે :
છલોછલ
ભરેલા ક્યારા મહીં ભાતના
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળીલળી.
શેઢે ત્યહીં
જાંબુની ડાળ-દોરડે
હિંડોલતી ટહોકાતી વન્ય પંખિણી સમી
અમારી દુહિતા
અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું !
(‘શાંત કોલાહલ’, પૃ.૮૩)
   તો રાવજી પણ પ્રકૃતિનાં સંચલનોથી ચલિત થઈ ભાવવિભોર બની જતાં બોલી ઊઠે છે:
..... લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાંઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં, ખડખડ હસ્યો ભાઈ મુજનો !
(‘અંગત’, પૃ.૬)
   નિરંજન ભગતની કવિતાનો વિદ્રોહસૂર અને કલાગત રીતે સૌષ્ઠવશાળી કાવ્ય નિષ્પન્ન કરવાનું વલણ રાવજીની કવિતામાં આંતર પ્રવાહરૂપે સંસ્થાપિત થયેલું જોઈ શકાય છે. નગરજીવનનો ક્ષોભ બંને કવિઓ તારસ્વરે રજૂ કરે છે. નિરંજને પચાવેલી પરંપરા તો રાવજીએ પચાવી જ છે. ઉપરાંત રાવજીએ નિરંજનને પણ પચાવ્યા છે તેથી નિરંજનની રીતિમાં જણાતું બોલકાપણું રાવજીમાં અવહિત્થ, રહીને ગળાઈ ચળાઈને આવતી શુદ્ધ કાવ્ય નિષ્પત્તિ કેળવી આપે છે. આ બન્ને કવિઓની કવિતાઓને સાથે મૂકતાં આ વસ્તુ સ્પષ્ટ થશે. અહીં ખપ પૂરતું એકાદ ઉદાહરણ નોંધીએ :
મને હું મૂકતો પૂંઠે, અચેત અન્ય ફૂટપાથપે ઢળી જતો,
અસંખ્ય લોકના સમૂહની (નચિત્તની) ભૂતાવળે ભળી જતો
(‘બૃહદ છંદોલય’, પૃ.૨૧૬)

હું જતો કશેક
ઘર ભણી (?)
માર્ગમાં ઝઝૂમતાં
અનેકનાં સિમેન્ટસ્વપ્ન,
કાચમાં ઢબૂરતાં સરી ગયાં
અવાવરું ઘણાંક સ્મિત.
ચર્ણને જરીક
વેગથી મૂકું.
કાળ જાગતો ઝબાક
ભાગતો જતો રહ્યો !
(‘અંગત’, પૃ.૨૪)
   પ્રિયકાન્તની કવિતાની તીવ્ર રતિરાગાનુભૂતિ તેમજ અસ્તિત્વના આદિમ અંશોનું નિરૂપણ રાવજી ઉપર પોતાનો વિલક્ષણ પ્રભાવ પાથરી રહે છે.

   રાવજીના અંગત જીવન ઉપરાંત આ પ્રભાવની સક્રિયતાને લીધે તેની કવિતામાં તીવ્રાતિતીવ્ર રૂપમાં પ્રણયઝુરાપો, દૂણિત રતિરાગ અને વલવલાટ તથા આદિમ આવેગ આવિર્ભાવ પામે છે. ઉદાહરણ જેતાં આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે :

   પ્રિયકાન્ત ‘તું-હું’ કાવ્યમાં કહે છે :
તું મારી નારંગી નારી મીઠી-ખટમીઠી
પેશી પેશી મેં તને ફોલી.
તો ય તું અકબંધ આખી,
ખાલી તારી સોડમનો જ
લઉં શ્વાસ.
(‘વ્યોમલિપિ’ , પૃ. ૪૯)
   રાવજી એની એક કવિતામાં દૂણિત રતિ અને આદિમતાનું સેન્દ્રિય રૂપ પ્રગટાવતાં કહે છે :
કાચી કેરીના સ્વાદ જેવી પડોસીની કન્યાથી,
નારંગીની છાલ શરીર પરથી ઉતારીને
ફેંકી દેતા વૃદ્ધથી
અને આખો દિવસ –
સૂર્યમાંથી ઘાસ કાપ્યા કરતી
મજૂરણથી કેમ વિભક્ત છું ?
(‘અંગત’, પૃ. ૫૧, ૫૨)
   હસમુખ પાઠકની કવિચેતનામાં હરતીફરતી ‘માણસાઈ’ રાવજીમાં કાવ્યાત્મક પરિમાણ ધારણ કરે છે. હસમુખમાંથી ઉત્ખનિત કરી શકાતા માનવ આદર્શોને નહીં પણ માનવ અસ્તિત્વની ચિંતા કરતા માનવતાવાદે રાવજીની ‘સામાજિક’ ચેતનાને સંકોરી, સંવર્ધિત કરી અને સુબદ્ધ સ્વરૂપની બનાવી છે.

   લગોલગ ચાલતી એક જ કુળની બે સંવેદનાઓ કેવાં ભિન્નભિન્ન રૂપો ધરે છે તે હસમુખ-રાવજીની કવિતા જોતાં સમજાશે. ‘કવિનું મૃત્યુ’ નામનું હસમુખનું કાવ્ય જોઈએ :
ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના.
જોઉ છું હું, જાઉં છું હું,
જોઉ છું-જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપુ નહીં
ને આ હૃદયમાં ક્યાં ય ના ખટકો !
હવે તો બસ કરું.
જંપું અહીં.
(‘સાયુજય’, પૃ. ર)
   બળદને લાચાર, વિવશ, ઢોર મજૂરી કરતા અવશ માનવીનું પ્રતિરૂપ બનાવીને તેમાં નિજ જાતનું પ્રતિરોપણ કરીને રાવજી એ જ વાત વધુ કાવ્યપરક રીતે કંઈક આમ કહે છે :
ખળળ ખળળ વહી જતા
ભીના ભીના
ગાડાની આગળ જઈ
મેં બળદની નાથ ઝાલી (એને)
ખૂબ ખૂબ બચીઓ ભરી.
મને ભાન પણ ન રહ્યું કે એ તો
બળદ હતો કે લીલું લીલું સરી જતું
ઘાસ !
અને હું પથારીમાં આવીને
ડૂસકે ડૂસકે રડી પડ્યો.....
(‘અંગત’, પૃ.૫૭)
   નલિન રાવળની કવિતાનો રૂપવાદી અભિગમ તથા વિલક્ષણ કાવ્યરૂપો સર્જવાની અભિવૃત્તિનાં રાવજીની કવિતામાં વારંવાર દર્શન થાય છે. નલિન રાવળનં એક શબ્દચિત્ર તેની સૂક્ષ્મ કાવ્યછાયાઓ સમેત રાવજીનાં એવા જ કાવ્ય સાથે સરખાવી જેતાં આ વસ્તુ સ્પષ્ટ થશે .
અંધાર
અંધાર પરનાં વૃક્ષ,
વૃક્ષ પરનાં વાદળાં,
વાદળાં પરનો થીજેલો ગોળ મોટો ચંદ્ર,
ચંદ્રમાં
એકાકી કોનું મન,
એકાકી મન
અવકાશમાં એકલ ઊભેલા
પાળિયાની આંખમાં પીગળંત.
(‘અવકાશ’, પૃ.૬૨)
   રાવજી ‘રમ્યશાંતિ’નું કાવ્યશિલ્પ આમ કોતરે છે :
એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જે પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !
વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે....
જાગે સૂર્ય એકલો
(‘અંગત’, પૃ. ૨૮)
   આમ દૂરવર્તી પશ્ચાત અને રાવજીના સમકાલીનોની કવિતા પ્રવૃત્તિએ તેનાં કાવ્ય વલણો અને કાવ્યવિભાવનાઓને ઘડવા, મઠારવા અને આકાર આપવામાં પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે મહત્વની કામગીરી બજાવી છે. રાવજી સાહિત્ય ભણેલ નહોતો પણ સાહિત્યસેવી, કાવ્યવ્યાસંગી અને બાજદૃષ્ટિવાળો અભ્યાસી જરૂર હતો. મિત્રો વચ્ચેની ચર્ચાઓ, વિચારણાઓ, વિમશોં અને મતભેદો વચ્ચે કવિ રાવજી ઊછર્યો છે અને પુષ્ટ થયો છે તેથી લાભશંકરની અતંત્ર ભાષા વિનિયોગ કરતી સંવેદનરમ્ય કવિતા, સિતાંશુની પરાવાસ્તવવાદી કવિતા. મનહર મોદીની અતાર્કિક, અચેતનના સ્પર્શવાળી કવિતા, ગુલામ મોહમ્મદ શેખની ચિત્રાત્મક કવિતા, સુરેશ જોશીની આધુનિક અભિનિવેશવાળી કવિતાનાં કાવ્યઝરણોએ રાવજીની કવિતાને તોષી-પોષી હશે એવું સહજ અનુમાન કરી શકાય. ક્યાંય સમકાલીનોથી તે પ્રભાવિત પણ થયો હશે. પરંતુ તેની સર્જકતા એટલી તો બળૂકી છે કે આ વસ્તુ તુરત ન પણ જણાઈ આવે. અલબત્ત આ પ્રભાવક તત્ત્વોની પીઠિકા અને સમકાલીન આબોહવા વચ્ચે રાવજીએ પોતાનું ટાપુવત્ નિજી, પ્રબળ વાતાવરણ, રચી લીધું છે. આ વાતાવરણ એટલું તો તેનું પોતીકું છે કે પરંપરા તેમજ સમકાલીન સર્જન પ્રવાહોની ઉપસ્થિતિ તેની કાવ્ય સૃષ્ટિ સમક્ષ નહિવત્ત જેટલી ઝાંખી બની જાય છે. રાવજી જાણે કોઈ કુશળ સ્થપતિની અદાથી (સૌ લોકો મકાન બાંધવા વાપરતા હોય તે જ રેતી, ઈંટો અને સિમેન્ટથી) પોતાની અલગ નિજી મુદ્રાવાળું તુરત જ નોખું તરી આવે તેવું મહાલય રચે છે. અથવા એમ પણ કહી શકાય કે રાવજી પોતાના પૂર્વસૂરિઓ અને સમકાલીનોને પીઠિકામાં ચિત્રવત્ રાખીને પોતાની બળૂકી સર્ગશક્તિ ધરાવતી પ્રતિભાના બળે, કુશળ સ્થપતિની જેમ ગુજરાતી કવિતામાં પોતાના અલગ કાવ્ય મહાલયની રચના કરે છે.

   આ શોધનિબંધમાં રાવજીની કવિતામાંથી ઉપસી આવતી તેની નિજીતાબક્ષ મેધાવી સ્વકીય કાવ્ય મુદ્રીઓને અવલોકવા, તપાસવા અને મૂલવવાનો ઉપક્રમ રાખ્યો છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment