3.2.1 - રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   કવિતાનો માર્ગ જેટલો વિશાળ, આદિમ અને વ્યાપક છે, તેટલો જ તે સૂક્ષ્મ, ઊર્ધ્વ અને અગમ્ય પણ છે. માણસને શબ્દ મળ્યો અને કાવ્ય રચાયું, એ બે સ્થિતિઓ વચ્ચે એક અનુભૂતિવિશ્વ નિહિત છે, એણે પીંછી પકડી અને આકાર ઉપસ્યો- એ બે સ્થિતિઓ વચ્ચે એક કલ્પવિશ્વ અસ્તિત્વ ધરાવે છે, માણસ પાસે સૂર આવ્યો અને સંગીત પ્રગટ્યું કે ટાંકણું આવ્યું ને શિલ્પ સર્જાયું– એ તમામ સ્થિતિઓની વચ્ચે અંતરિયાળ શૂન્યવિશ્વનો અનુભવ થાય છે. કોઈ જાદુગરના ટપાલી સ્ટેજ જેવું એ મનોસ્થળ છે, જ્યાં અનેકાનેક રહસ્યમય, વૈચિત્ર્યપૂર્ણ, પારલૌકિક અને ચમત્કારિક ઘટનાઓ ઉદ્દભવે છે અને શમે છે. આ અનુભૂતિવિશ્વ, કલ્પવિશ્વ યા બહિર્જગતને કાવ્યજગતમાં પરિવર્તિત કરતી પ્રક્રિયાની અવાતર દશાનું કેન્દ્ર છે સંવેદન. આ સંવેદન જ્યારે કળા-પ્રક્રિયા લેખે સક્રિય બને છે ત્યારે તે બહુવિધ આવિર્ભાવો અને આકારો ધારણ કરે છે. અમૂર્તને મૂર્ત કરે છે, અતીન્દ્રિયને ઇન્દ્રિગણ્ય બનાવે છે, અકાલિતને સુકાલિત કરી દે છે, પરાને ઈહામાં પરિવર્તિત કરે છે અને અનન્ય કલાવિષ્કરોના રૂપમાં પ્રગટી ઊઠે છે. આ અનન્યતા પ્રગટાવવાનું કેન્દ્રસ્થ પરિબળ તે સંવેદન. સંવેદનનું કલામાં વૈચિત્ર્યપૂર્ણ રૂપનિર્માણ એટલે જ કલોન્મેષ, અને કલાઓ જેમ પોતપોતાનાં ઉપાદાનો વડે કલોન્મેષો પ્રગટાવે છે તેમ શબ્દમાં જ્યારે સંવેદન પ્રગટ થાય છે ત્યારે તે કવિતાઈ ક્લોન્મેષો પ્રગટાવે છે. જેની વ્યાપક્તા અને સૂક્ષ્મતાની અસર હેઠળ તે ભાવકને અગમ્યના ઉંબર સુધી ખેંચી જાય છે, તેમજ ચિરશબ્દ રૂપે તે સંવેદન કવિતામાં સ્થિર થાય છે.

   કવિનું સંવેદન જેટલું વ્યાપક, જેટલું સૂક્ષ્મ, જેટલું ક્લોચિત, જેટલું ઊર્ધ્વ, ઊંડું અને વિશાળ, જેટલું અપરિમેય - તેટલું જ તેનું પ્રાગટ્ય અને અનુભાવન રસાત્મક અને ચિદાનંદપૂર્ણ બનવાનું. ભરતમુનિ અને એરિસ્ટોટલથી માંડીને આજના ઉત્તમ વિવેચકો સુધીના કાવ્ય મીમાંસકોએ કાવ્યના છંદ, લય, પદ, બાની, ભાવ, અર્થ, રસ વગેરે વિશે ચર્ચાઓ કરી છે, તેમનું મહત્વ પણ કર્યું છે, છતાં આ બધાની ઉપસ્થિતિમાં ય કાવ્ય છટકી ગયાનું અનુભવાય છે, ત્યારે સમજાય છે કે સાચુકલા સંવેદનની ઊણપ જ કવિતાને કવિતા બનતાં અટકાવનારું સૌથી મોટું બળ છે.

   કવિતા કળા માટે અનિવાર્ય એવું આ સંવેદન ત્રણ રીતે કાવ્યકળામાં સક્રિય થાય છે. એક તો કવિના ચિદાકાશમાં આકાશવત્-માત્ર સ્થિતિ રૂપે-હોય છે. અર્થાત્ કહી શકાય કે કવિના ચિત્તમાં તે સ્થાયી ગોરંભા રૂપે છવાયેલું રહે છે. તેમાં આકાશી તત્વે (છંદ, લય, ભાષા, સર્જન, ઉન્મેષ, રીતિ ઇત્યાદિ), રંગો, (પરિવેશ.. કાર્ય-કારણ, કવિની આંતરબાહ્ય સ્થિતિ પરિસ્થિતિ, ઇત્યાદિ) અને દૃષ્ટિનો યોગ, (કવિ ચિત્તની અગમ્ય ભૂમિકાએ પ્રભાવક સંચલનો પ્રગટાવતાં, સ્ફોટ સર્જતાં તત્વો) એકરૂપ હોય છે. કવિનું આવું સંવેદન એક સ્થાયી જીવનાનુભૂતિ છે. તેના અસ્તિત્વની એક સ્થિતિ છે જ્યાં કશાય પણ રજમાત્ર અવલંબનની ઉપસ્થિતિ માત્રથી સચ્ચિદાનંદની સહોપસ્થિતિ સર્જાય છે. જે સૂક્ષ્મ રીતે કાવ્યપદાર્થમાં પ્રવાહિત થાય છે.

   સંવેદનનું બીજું સ્વરૂપ તે આ પ્રવાહિત સ્વરૂપ. જે કાવ્યમાં સ્થિર થાય છે. અને કાવ્યના સંવેદનનું રૂપ ધરે છે. કવિના સંવેદન કરતાં તે ભિન્ન યા પર હોઈ શકે, ભાષા, છંદ, કવિનું સંવેદન, ઈબારત ઇત્યાદિની રાસાયણિક પ્રક્રિયાને પરિણામે કાવ્યનો જે સંવેદનાત્મક પિણ્ડ રચાય છે તે પોતાનો નિજી પ્રભાવ પ્રગટાવે છે. આ પ્રભાવ તે જ કાવ્યનું કેન્દ્રસ્થ સંવેદન. કૃતિમાં જે, દેહમાં જેમ ચૈતન્ય પ્રવર્તે છે તેમાં પ્રવર્તમાન હોય છે. આવું કાવ્યમાં સ્થિર સંવેદન પ્રભાવ રૂપે ભાવકમાં સક્રિય થઈ ઊઠે છે.

   ભાવકમાં પ્રભાવ રૂપે સક્રિય થઈ ઊઠતા આવા સંવેદનને ભાવયત્રિ સંવેદન કહી શકાય. તે કવિના સંવેદનથી, કાવ્યના સંવેદનથી પણ ઇતર યા પર હોઈ શકે તેમાં ભાવયત્રિ પ્રતિભાની સક્રિયતાને કારણે ભાવયત્રિ સંવેદન પ્રગટે છે. જે ભાવકમાં ભાવબોધ અને આનંદ જાગૃત કરે છે. અલબત્ત, કાવ્યનું સંવેદન અને ભાવયત્રિ સંવેદન એ કવિના સંવેદનની જ બે વિશિષ્ટ અવસ્થાઓ છે. અથવા એમ પણ કહી શકાય કે કવિનું સંવેદન એવો મુસાફર છે જે અનેક દેશમાં મુસાફરી કરે છે, દરેક દેશ પ્રમાણે વેશ ધારણ કરે છે, છતાં મૂળે તે જે તે દેશનો જ પ્રવાસી જ રહે છે. એટલે કે કવિના સંવેદનનું ભાવક સુધી સંક્રમિત થતાં તેનું માત્ર સ્વરૂપ બદલાય છે. તેની ક્રિયાન્વિત ચેતના તો કવિચિત્તની મૂળ ચેતના જ રહે છે. જે કવિના અસ્તિત્વમાં એક સ્થિતિ રૂપે ક્રિયાન્વિત હોય છે.

   કવિની આ ચિત્તસ્થિતિ એક છેડાએ અગમ્ય, ગૂઢ, પરાતત્ત્વો સાથે જોડાયેલી હોય છે. તો બીજા છેડે સ્થૂળ, ભૌતિક વિશ્વ, તેના જડ-ચેતન પદાર્થોના ચિત્ત પર પડેલા સંસ્કારો, સામાજિક, રાજકીય, ધાર્મિક, ઐતિહાસિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ પરિસ્થિતિઓ દ્વારા થતાં નિયંત્રણોની ચિત્ત પર પડેલી વ્યાપક, ઊંડી, ઘેરી અસરો અને તેની પ્રતિક્રિયાઓ સાથે જોડાયેલી હોય છે. પરિણામે કવિનું સંવેદન અંગત ન રહેતાં પરાવિશ્વ સુધીની વ્યાપક્તા સિદ્ધ કરી શકે છે. અલબત્ત કોઈ વિરલ કવિચિત્ત જ આવી સિધ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

   રાવજીનું સંવેદનવિશ્વ આવું અસ્તિત્વમૂલક, વિશાળ, વ્યાપક, વ્યાવર્તક અને પ્રવાહિત આંતરવિશ્વો ધરાવતું એકમેકમાં રસાત્મકતાપૂર્વક સેળભેળ થઈ જતું, સંકુલ વિશ્વ છે. રાવજીનું ચિત્ત એક સંવેદનઘેર્યો ગોરંભો છે. જેનાં મૂળિયાં અચેતનની પાર સુધી ઊંડાં ઊતરી ગયેલાં છે. અને જેની ડાળીઓ, પર્ણો અને કૂંપળો અપરિમેય આકાશમાં ઊંડા ઊતરી ગયેલાં છે.

   રાવજી આવું સ્વરૂપે સ્થિત્યાત્મક અને અસ્તિત્વમૂલક એવું વ્યાપક સંવેદન કાવ્યમાં વ્યાવર્તિત થાય ત્યારે અનેક રૂપોની રચનાઓ કરે છે, અનેક સુદર્શન ભંગિમાઓ સર્જે છે, અનેક હૃદયંગમ કલ ઊભા કરે છે, જે તેની કાવ્યસ્થિતિનાં રમણીય, દર્શનીય સ્થળો બની જાય છે.

   રાવજીની કવિતામાં તેનું સંવેદન કેવીક રીતે પ્રયોજાયું છે અને કેવીક ભંગિમાઓ રચે છે તે જોઈએ.
   રાવજીની સર્જકતાનું કેન્દ્ર છે તેની આંતરિક, પારદર્શક, સેન્દ્રિય સંવેદના. અંગત જીવનની પરિપાટી ઉપરથી પસાર થતાં, તેની મુખોમુખ થતાં, પ્રતિક્રિયા રૂપે તેનું સંવેદનવિશ્વ સતત ઝંકૃત થતું રહે છે. બાહ્યસ્તર પર થયેલા દોલનનો આંદોલનાત્મક પ્રતિઘોષ તેની આંતર સૃષ્ટિમાં વ્યાપી જાય છે, જે તેના અનેકવિધ સંવેદન કેન્દ્રો ઉપર પ્રતિઘોષાત્મક અસર કરીને કવિતાનાં અનવદ્ય રૂપો પ્રગટાવવા સમર્થ બને છે. રાવજીમાં આવાં અનેક સંવેદન કેન્દ્રો સક્રિય જ્વાળામુખીની જેમ ધખે છે. નીતર્યો માનવપ્રેમ, પ્રકૃતિનો અંશ બનીને જીવવાની ધખના, ગર્ભઓરની જેમ વીંટળાઈ વળેલી કૃષિ જીવનની પર્યાવસનામાં લપેટાઈને નિજત્વમાં લીન થઈ જવાની ખેવના અને નગરજીવનમાં પ્રાપ્ત થયેલા ઊખડેલા વૃક્ષની એકલતા અને અવઘાતક ક્ષોભ, બાળપણમાં ઇચ્છા-અપેક્ષાઓથી વિષમ એવા ઉછેર અનુભવ, પ્રેમ અને જાતીયતાને સંપૂર્ણ રસકસ સાથે ભોગવવાની તીવ્રેચ્છા, શરીર અને મનની ગતિ વચ્ચે વિસંવાદ રચતી દૈહિક રુગ્ણતા અને અસ્તિત્વનાં ઊંડાં પાતાળો સુધી શારકામ કરતી શારડી જેવા મરણની સહોપસ્થિતિ-આ બધાં રાવજીનાં સંવેદન કેન્દ્રો છે. તેના બહિર્-અંગત જીવનની કોઈ નાની શી ઘટના, સ્થિતિ, યા પરિસ્થિતિનો અણુ-તેનાં આ સંવેદન કેન્દ્રોના સંસર્ગ-સંપર્કમાં આવતાં, રાવજીના આંતરિક ધરાતલ ઉપર, આણ્વિક વિસ્ફોટ સર્જી શકે, તેટલો બળવાન હોય છે. આવા અનેક કાવ્યાણવિક વિસ્ફોટોના આધારે ઉભું થતું રાવજીનું કાવ્યવિશ્વ તે કારણે સંકુલ, સેન્દ્રિય, કાવ્યઇપ્સિત દુર્બોધતાપૂર્ણ અને સદ્યપ્રભાવી બને છે.

   રાવજીના આવા વિરલ કાવ્યવ્યક્તિત્વની પડછે રહેલું છે તેનું આવું સ્ફોટક અને સમૃદ્ધ સંવેદનવિશ્વ. રાવજીની કવિતાનો આલેખાત્મક અભ્યાસ કરતાં તેના ભર્યાભર્યા સંવેદન વિશ્વના ક્રમિક ઊર્ધ્વવિકાસનો પણ પરિચય મળી રહે છે.

   અહીં ‘અંગતતા’ના કેન્દ્રથી ‘બિન અંગત વેધકતા’ની દિશામાં ગતિ કરતા તેના સંવેદનવિશ્વના વિકાસની ત્રણેક ભૂમિકાઓ સ્પષ્ટ થાય છે. રાવજીનું સંવેદન ક્રમિક રીતે આ ત્રણેય ભૂમિકાઓમાંથી પાંગરી અને પુષ્ટ થતું તથા ગંતવ્ય પ્રતિ કૂચ કરતું અનુભવાય છે. અભ્યાસની સરળતા ખાતર તેની આ ત્રણેય ભૂમિકાઓનું ઉચિત વિભાગીકરણ કરીએ તો રાવજીની કાવ્યવિશ્વમાં પ્રવેશની સ્થિતિને “આરંભિક તબક્કો” તરીકે ઓળખાવી શકાય. એ પછીની રાવજીની ઉત્ક્રમિક થતી કાવ્યગતિની આરંભિક તબક્કા કરતાં પરિપક્વ અને તદ્દન ભિન્ન એવી અવાંતર સ્થિતિને “પરિપક્વ તબક્કો” તરીકે ઓળખાવી શકાય, તથા તેની સર્ગશક્તિ જ્યાં સ્ફોટાત્મક અને તાત્વિક ભૂમિકા પ્રાપ્ત કરે છે, જીવનસમગ્રના સંદર્ભો જ્યાં સંકુલાતિસંકુલ ગતિવિધિ ધારણ કરે છે, તે, ત્રીજા તબક્કાને “તાત્વિક સ્ફોટનો તબક્કો” તરીકે ઓળખાવી શકાય. આ ત્રણેય ભૂમિકાએ રાવજી પોતાની અનન્યતાથી વિહર્યો તો છે જ, સાથોસાથ ઊર્ધ્વમુખી અને તીવ્ર આવેગમય રીતે ગતિશીલ પણ રહ્યો છે. તેના સંવેદનવિકાસના આ ત્રણેય તબક્કાઓનો અભ્યાસ કરતાં આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.

   રાવજીની કવિતાની ગતિવિધિ પ્રમાણવા આ તબક્કાઓ પાડ્યા છે, ત્યારે તેની કોઈ કૃતિના સર્જનકાળના સંદર્ભે ક્યાંક વ્યુત્ક્રમ થાય તેવી સંભાવનાને નજરઅંદાજ કરી નથી, તેથી ક્યાંક વ્યુત્ક્રમ થયો હોય તે શક્ય છે. પરંતુ એલિયટ Major poet નાં લક્ષણોમાં આવું વિકાસ સાતત્ય જોવા મળે છે તેથી ચોક્કસપણે કહી શકાય કે રાવજી વ્યુત્ક્રમિક સર્જકચેતનાનો કવિ નથી. તેની કવિચેતના સતત એકધારી પ્રવાહિતાની વિકાસોન્મુખ રહી છે. તેનાં કાવ્યનાં શીર્ષકો, તેની સંવેદનાનાં સ્તરો, તેની પદાવલિમાં ક્રમિક : આવતી વિલક્ષણપુષ્ટતા અને પરિપક્વતા જ તેની આવી કમિક વિકાસશીલતા બતાવી આપે છે. અલબત્ત, તેમ છતાં, અપવાદો નિયમ નથી હોતા તે ન્યાયે, કોઈ કૃતિના સંદર્ભે કાલવ્યુત્ક્રમ શક્ય બને તો ય તે વિકાસશીલ કાવ્યસંવેદનાનો અભ્યાસ કરવામાં આડે ન આવે તે સમજી શકાય.

   રાવજીની સંવેદનયાત્રાની ત્રણેય ભૂમિકાઓને તબક્કાવાર પ્રમાણીએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment