3.2.1.1 - આરંભિક તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   કવિતા વિશ્વમાં પ્રવેશ કરતો રાવજી સૌ કોઈ કવિઓ જેટલો જ મુગ્ધ અને કૌતુકરાગી છે. રંગદર્શી મનોભૂમિમાં પ્રગટતાં સંવેદનો નીતર્યો માનવપ્રેમ, ઉત્કટ પ્રણય, પ્રકૃતિ અને કૃષિપ્રતિનો ભાવાનુરાગ, સૌદર્યલુબ્ધિ અને આદર્શોન્મુખતાથી ખીચોખીચ ભરેલાં છે. વળી રાવજીએ પરંપરાનું આકંઠ પાન કરેલું હોય તે પૂર્વસૂરિઓના પ્રભાવથી બચીને ચાલવાનું વલણ રાખતો હોવા છતાં સુબોધ, સુકુમાર પદાવલિ, રમ્ય ભાષાભંગિમાઓ અને અર્થઘન શબ્દાવલિને પ્રયોજે છે. અલબત્ત, તેમાં તે નિજી પ્રતિભાનાં નવલાં તેજ પૂરીને નાવીન્ય બક્ષે છે.

   આ તબક્કામાં રાવજીનું સંવેદન મૃદુ, મર્માળુ અને રંગદર્શી રહ્યું છે. ‘ઘવાયેલો સૈનિક', ઢોલિયો', પરોઢે તાપણ પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ’’ ‘ભાઈ’ ‘દિનાન્તે’ ‘સીમનું મન’ ‘છેવટે’ ‘એક મધરાતે’ ‘અમી’ ‘ભીડ' ‘મન્મથ’ ‘એક વાર્તા’ ‘આનંદ’ ‘સંચાક’ ‘અંધકાર’ ‘સાંજની લટાર પછી’ ‘લાગે’ ‘ઘરમાં બેઠાં બેઠાં' ‘શયન વેળાએ પ્રેયસી' ‘એકાન્તની ગતિશીલ ક્ષણોમાં’ ‘વેળા’ ‘રતિઋતુ’ ‘રમ્ય શાંતિ' ‘ગ્રીષ્મ' ‘હજીય તે’ ‘દસ હાઈકુ’ ‘પછી’ ‘આ એ જ’ ‘હું, તડકો-તમાકુ ને તું’ ‘ચાર ગઝલ' તથા ગીત ક્રમ ૧,૩, ૪, ૫, ૮ અને ૧૪ જોતાં જણાશે કે રાવજીએ તેની આરંભકાલીન કૃતિઓમાં પ્રકૃતિ, કૃષિ પ્રણય અને ગ્રામ-નગર વિષમતાને ઉત્કટ, નવીન ભાવસંવેદનો દ્વારા આલેખ્યાં છે. અહીં પ્રકૃતિનું નિર્ભેળ સૌંદર્ય યા ભાવદર્શન હોય, કૃષિ પ્રતિનો મોહિની ભાવ હોય, પ્રણયની ઉત્કટ રાગાનુભૂતિ હોય કે ગ્રામજીવની સુરૂપતાની પડછે ઉપસતી નગરજીવનની વિરૂપતા હોય, કવિનું સંવેદન પ્રબળ અને એક ધાર્યું રંગદર્શી આદર્શપરાયણ અને સૌંદર્યલુબ્ધ રહ્યું છે. તેના આરંભિક કાવ્યવિષયો અને તેમનું નિરૂપણ ચકાસતા આ વાત અછતી રહેતી નથી.
(ક્રમશ :...)


0 comments


Leave comment