3.2.1.2 - પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીના સંવેદનવિકાસના બીજા તબક્કાને પરિપક્વ તબક્કા તરીકે ઓળખાવી શકાય. આ તબક્કામાં તેની કવિ ચેતના કેટલાંક પરિવર્તનો અને સ્થિત્યંતરો અનુભવે છે તેમજ, નવા પરિમાણો પ્રતિ ગતિ કરતી દેખાય છે. એક તો પરંપરાનો સારભાગ શોષી લઈને તેનાથી વિચ્છેદ અનુભવે છે. પરિણામે રચનારીતિમાં જણાતું મૌગ્ધ્ય અને કસબ ઓસરે છે અને નિજી પ્રતિભાને બળે ભિન્ન સંવેદનાને ભિન્ન રીતિમાં પ્રયોજે છે. જેમાં કવિ કૌશલ્યનો અનુભવ થાય છે. રાવજી શહેરમાં વસવાટ કરે છે. અન્ય કવિઓના સંપર્કમાં આવે છે. વિચારશીલતા અને તર્કશક્તિ વધે છે અને તેની કવિદૃષ્ટિમાં મૌગ્ધ્યને સ્થાને કાળઝાળ વાસ્તવનું દર્શન સમાય છે. આ તબક્કામાં જ તેના જીવનમાં સ્ફૂટ થયેલી રુગ્ણતા પણ નવું કાવ્ય પરિમાણ ધારણ કરે છે. આરંભિક તબક્કામાં પ્રકૃતિ અને કૃષિને પડછે નગરજીવનની સહોપસ્થિતિ રચાતી હતી તે હવે કરાલ વિકરાલ વાસ્તવિકતા રૂપે, ખંડિત થતા જતા વ્યક્તિત્વની પ્રતિકૃતિ રૂપે, રાવજી સામે ઉપસે છે. કૃષિ અને પ્રકૃતિ, નગર સંસ્કૃતિની વિકરાલતા વચ્ચે, તેની ઝંખના અને કલ્પનાનો વિષય બને છે. પ્રણયના મુગ્ધ ભાવો હવે મનોવૈજ્ઞાનિક સંકુલતાના પ્રદેશોમાં પ્રવેશે છે અને ભૂતકાળમાં પત્નીને ન ચાહી શકનાર સ્તનોનાં પુષ્પોમાં શરીર છુપાવી રડી પડનાર પશ્ચાત્તાપી કવિચિત્ત રુગ્ણદેહ અને તીવ્રરતિતાડિત મન વચ્ચેની વિસંવાદી ભૂમિકાએ સંત્રાસપૂર્વક ચિત્કારી ઊઠે છે :
કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી
મને રોજ ઠૂંસા મારીને રાત બતાડે છે

હોય સાલી એ છે તે ભલે.
પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે !
('અંગત', કાવ્ય – હું જીવતો છું )
   રાવજીની સંવેદનભૂમિ આરંભકાલે જે આદર્શોન્મુખ, ઋજુકોમલ, મુગ્ધતાની પીઠિકા ધરાવતી હતી તે હવે વિકરાલ વાસ્તવ અને વિસંવાદિતા પૂર્ણ નકર જીવનની પરિપક્વ ભૂમિકાને કાવ્યપીઠિકા તરીકે સ્થાપે છે. અહીં પ્રકૃતિ અને કૃષિ છે પણ તે તો નગરજીવનની કરાલ વાસ્તવિકતા સામેની પલાયન થઈને ભોગવવાની વૃત્તિઓ બની જાય છે. પ્રણય અને જાતીયતા બન્ને અલગ પડી ગયાં છે. પ્રણય ઝંખનાના પ્રદેશની ચીજ બની ગયો છે અને જાતીયતા રુગ્ણતાની સભાનતા હેઠળ સંત્રાસ ફેલાવતી અવસ્થા બની ગઈ છે. રુગ્ણતા જિજીવિષા તરફ તીવ્ર રીતે સમાન કરી મૂકતો ઉદ્દીપક છે તો આ બધાંની ઉપસ્થિતિ વિફલ્ય, વૈવશ્ય અને નૈરાષ્યતા નવીન પ્રદેશોમાં કવિને યાતનાપૂર્ણ યાત્રા કરાવે છે. પરિણામે પરિપક્વ તબક્કામાં કાવ્યોનાં શીર્ષકોથી માંડીને કાવ્યના આંતરબાહ્ય પોતમાં આમૂલ પરિવર્તન આવેલું જણાય છે. આ પરિવર્તન, અલબત્ત, આરંભકાળના તબક્કાની સંતુષ્ટિની બળવત્તર પ્રતિક્રિયા અને રાવજીના જીવનમાં ઉમેરાયેલી દૈહિક રુગ્ણતાની પરિસ્થિતિને પરિણામે વધુ પરિપક્વ બનીને આવ્યું છે. આ સંદર્ભ રાવજીની આ તબક્કાની કેટલીક કવિતાનાં શીર્ષકો અને સંવેદનો તપાસીએ તો વધુ સ્પષ્ટતાને અવકાશ છે, અલબત્ત, આ વિભાજન જલસા ન હોઈ શકે તે સમજાય તેવી બાબત છે.

   રાવજીનાં ‘એક બપોરે', ‘તા.૧૫-૧૧-૬૩’, ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’, ‘અસંખ્ય રાત્રિઓને અંતે’, ‘ખેતર વચ્ચે', 'બિછાનેથી', “ભર્યા સમંદર', ‘એક રુગ્ણ કવિતા', ‘હેવમોરમાં’, ‘ક્યારીઓમાં’, ‘રાત્રે-રિલીફ રોડ પરથી', 'ખેદ' ‘નવલકથાના એક પાત્ર ઉપર કવિતા', ‘કવિશ્રી ચિનુ મોદી’, ‘૧૯૬૪-૬૫માં’, ‘વરસાદ રાતે', ‘હું જીવતો છું', ‘કેશલ પ્રહાર', ‘ઘણે વરસે વતનમાં', ‘આજ', ગીત-૨,૪,૬,૭,૧૦ અને ૧૨, ‘એક ઊથલો', ‘ચાર તન્હા', ‘સમય’ કાવ્યોનાં શીર્ષકોને આરંભિક તબકકામાં રંગદર્શી મૌગ્ધ્યપ્રચુર શીર્ષકો સાથે તુલનાવતાં તેની સર્જકતામાં આવેલાં પરિવર્તન અને પરિપક્વતા અને સ્થિત્યંતરો તુરત જ જણાઈ આવશે. સાથોસાથ તેની સંવેદનામાં આવેલાં પરિવર્તન, પરિપક્વતા અને સ્થિત્યંતરોનો પણ વિચાર કરી લઈએ.

   રાવજીની આરંભકાલીન રચનાઓમાં પ્રકૃતિ તેની મુગ્ધતા અને આત્મ સાથેની તાદાત્મની ઉત્કટ અનુભૂતિઓનું વહન કરે છે. જ્યારે અહીં મુગ્ધતાને ઠેકાણે સ્વપ્નભંગ પછીના વાસ્તવાનુભવ અને આત્મવિસંવાદને રાવજી પ્રકતિના આલંબને નિરૂપે છે. અહીં, તેના અગાઉનાં કાવ્યોમાં જોવામાં મળતી નિર્ભેળ પ્રકૃતિ કશીક ઝંખનાનું પ્રતીક બની રહે છે :
કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે !
પાળ તૂટેલા વ્હેળા શો
આળોટું રસબસ.
('અંગત', કાવ્ય – આજ અચાનક)
   તો ‘હું જીવતો છું’ કાવ્યમાં તો આરંભે જ કવિ ભર્યાભર્યા મુગ્ધ સમયની મૃતસ્થિતિથી ઝંખના બળે સંભ્રમ ઊભું કરતું તીવ્ર રામાવેગવાળું ચિત્ર ઉપસાવીને સતત પીડા આપતી નક્કર વાસ્તવિક અને તદ્દસંર્દભાર્થ પ્રગટતી વિવશતાને આલેખે છે.
‘ખુરશીમાં ઝલતી ડાળીઓ જોઈ શકાય છે
અને
ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી
પ્રત્યેક ક્ષણે
મને વિતાડે છે.
('અંગત', કાવ્ય – હું જીવતો છું)
   પ્રકૃતિ હવે રાવજી માટે મૌગ્ધ્યભાવનું વહન કરનાર રમ્યપરિવેશ રહી નથી. હવે રાવજીનું પ્રકૃતિ નિરૂપણ કશીક આંતરિક વિવશતા અને ઝંખનાનો પ્રતિઘોષ બને છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment