3.2.1.2.4 - રુગ્ણતા / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   ‘બિછાનેથી' કાવ્યમાં રુગ્ણ માણસની ચિત્તસંવેદનાઓ કેવી ટરડાઈ-મરડાઈને પોતાની સ્થિતિને રજૂ કરે છે તે નોંધવા યોગ્ય છે. પ્રણયસંવેદનોનો આ નવતર, જર્જર, અવદશિત ઘાટ અપૂર્વ છે :
પથારીમાં ગોટવાતા મેઘના પહાડ
ઓરડીમાં કફ છૂટ્યાં વિહગનો વીંઝવાતો ભાર
જર્જર...
અચાનક પથારીમાં કણસતું સારસીની ડોક સમું કાંડું,
એને શ્વાસની કુમાશથી હું સાહી લઉં
જર્જર....
(‘અંગત', કાવ્ય - બિછાનેથી)
   રુગ્ણદેહ અને પ્રેમાલાપ તથા જાતિયરાગને અદભુત સંકુલ પ્રતીકો દ્વારા કવિ રજૂ કરે છે.
બારીમાંથી મેઘછાયી ટેકરીઓ પર
હવે ફેરવું છું હાથ.
માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત !
રહી રહી માટીની સુગંધ મારી હથેલીને અડે,
ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે !
જર્જર...
(‘અંગત', કાવ્ય - બિછાનેથી)
   ઉપરાંત રુગ્ણતા પ્રભાવિત અસ્તિત્વની વૈવશ્યપૂર્ણ અવદશાનું ચિત્ર જોવાથી પ્રતીત થશે કે દેહદૌર્બલ્યે તેની લાગણીઓને કેવી ઘેરી અસર કરી છે.
કેટકેટલું વીત્યું મુજને !
હજી રક્તમાં વહેતો વ્યાધિ
અમથી અમથી
મત્ત હવાની ઘૂમરી જેવી
પ્હેલાં ઘરમાં જતી આવતી
એક દિવસ ના મળ્યો ?
તને મેં ઔષધ પીતાં પીધી.
('અંગત', કાવ્ય – આજ અચાનક)
(ક્રમશ :...)


0 comments


Leave comment