3.2.1.3 - તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીની કવિતામાં જોવા મળતાં પરિપક્વ તબક્કા સુધીનાં સંવેદનો અને ભાવો મહદંશે ઓળખી શકાય તેવી સ્થિતિમાં છે. છતાં આરંભિક તબક્કા કરતાં તે વિશેષ સંકુલતા પામ્યાં છે એમ કહી શકાય. આ ત્રીજા તબક્કામાં કાવ્ય ઈપ્સિત દુર્બોધતા અને સેન્દ્રિય સંકુલતા પ્રતિ ગતિ કરતાં સંવેદનો પરસ્પર સંમિશ્રિત થતાં અને એકબીજા ઉપર Overlap થતાં જણાય છે. રાવજીનું સર્જકસંવેદન હવે આ તબક્કે કાવ્ય સિવાય ક્યાંય આધાર કે દિશા શોધી યા પામી શકે તેમ નથી. તેથી જીવન સમગ્રનાં બધાં જ આંતરબાહ્ય ગૃહિતોને રાવજી કાવ્ય તરફ તાકે છે. મરણોપસ્થિતિની સૌથી પ્રબળ, પ્રભાવક અને સંકુલ સંવેદનની અહીંથી રહેતી સતત ઉપસ્થિતિ રાવજીની કવિતાનાં પરિમાણો અને પરિણામોને ફરીથી એકવાર સ્ફોટાત્મક વળાંક આપે છે.

   રાવજીની કવિતાનાં શીર્ષકો જોવા માત્રથી પણ આ વસ્તુ સ્પષ્ટ થશે. અલબત્ત, આ વિભાજન જલસખ્ત અને કાળાનુક્રમાનુસાર ન ગણી શકાય, છતાં અન્ય રચનાગત પરિબળોની ઉપસ્થિતિમાં આવું વિભાજન સ્પષ્ટ થાય. તેની આ તબક્કાની કવિતાનાં શીર્ષકોમાં સંવેદનસંકુલતાની પ્રક્રિયા ચાલતી જોવા મળે છે જેમકે, “ઠાગાઠેયા', ગીત ક્રમઃ ૯,૧૨ અને ૧૩, ‘બાર કવિતાઓ, ‘નવ જન્મમૃત્યુ કાવ્યો', ‘મણિલાલ', 'કવિતા', રામકહાણી’, ‘જાળી બહાર’, ‘ક્રીડાવન’, (દૃષ્ટિ) ‘કીડી', ‘દ્રોહસમય પછી', ‘ક્યારેક’, ‘સ્વ.હુંશીલાલની યાદમાં', ‘શંકર પ્રજાપતિને મળ્યા પછી', ‘એન.સી.સી. પરેડ', ‘સંબંધ’, ‘ચણોઠી રક્ત અને ગોકળગાય’, ‘જન્માન્તરે અપિ', ‘હૉસ્પિટલમાં જતી વખતે’, ‘આજે'- આ તમામ કાવ્યોનાં કથ્ય વિષયો, ભાષા તથા તેના કાકુઓ અને અભિવ્યકિત જોતાં જણાશે કે તે આરંભિક અને પરિપક્વતાના તબક્કા કરતાં આગળની સ્વતત્વદર્શનની દિશામાં પ્રવૃત્ત થતાં કાવ્યો છે.

   જેમ પહાડ કોરીને અનેક ઝરણો વહી આવીને નદીનું રૂપ બાંધે છે, અનેક નદીઓ ભેગી થઈને મહાનદનું રૂપ બાંધે છે જે અંતે મહાસાગરમાં વિલીન થઈ જાય છે તેમ રાવજીનાં સંવેદનો તબક્કાવાર એક થઈને, એકબીજામાં ભળીને અહીં એક સંકુલ રાસાયણિક સાગરતા ધારણ કરે છે. પ્રકૃતિ, કૃષિ, પ્રણય, રુગ્ણતા, જિજીવિષા, વૈવશ્ય અને વૈફલ્યનાં સાતત્યપૂર્ણ વિકાસ સાધતાં સંવેદનો અહીં રાસાયણિક સંકુલતા પ્રાપ્ત કરે છે. આ ઘટનાઓનું દ્રાવણ વિશ્લેષણ કરતાં જણાશે કે પ્રકૃતિગત સંવેદનો વિકસતા વિકસતાં પ્રકૃતિમાં જીવતેજીવત ભળી જઈને તેનો અંશ બની જવાની તીવ્રેચ્છા રૂપે આવર્તિત થાય છે. કૃષિગત સંવેદનો ગર્ભઓરની પર્યાવસનામાં લપેટાઈને નિજત્વમાં લીન થઈ જવાની ખેવનામાં રૂપાંતરિત થાય છે. પ્રણય સંવેદનો આદિમતામાં પ્રવેશી જવાની જલ્પનાનું રૂપ ધરે છે. ઉગતા ક્રમશઃ વિકસીને મરણભાવની ભયાવહ અને સતત ઉપસ્થિતિમાં સ્થિર થાય છે. મરણોપસ્થિતિથી ઉદ્દીપ્ત જિજીવિષાના વલવલાટો અનંત અને ક્ષણાન્ત વચ્ચેની વિસંવાદિતા પ્રગટાવે છે. વૈવશ્ય વિરતિભાવમાં અને વૈફલ્ય વિષાદનાં ઘોડાપુરમાં ફેરવાઈ જાય છે અને આ સમગ્ર યુદ્ધ સ્થિતિપૂર્ણ તુમુલતાને અંતે સાગરમંથન પછીની ‘અર્થ’ અને ‘નર્થ’, દેહ અને ચેતના, હોવા અને ન હોવાની સ્થિતિ આનંત્ય અને ક્ષણભંગુરતાની સંકુલ દુર્બોધ રાસાયણિકતા ઉપલબ્ધિમાંથી છેવટે અસ્તિત્વની ઘોર વિડંબના પ્રગટે છે જે રાવજીની કવિતાનું અંતિમ પરિમાણ છે.

   રાવજીની કવિતાનો આ અંતિમ તબકકો તાત્વિક સ્ફોટનો તબક્કો છે. જેમાં તેની સંવેદના સ્ફોટાત્મક ગતિ પકડે છે. ટાઈમ બૉમ્બ મૂકેલી કોઈ ટ્રેન જેમ બૉમ્બ ધડાકા સાથે વિલક્ષણ અને સંકુલ ગતિ પામે તેમ રાવજીનાં સંવેદનો આવી વિલક્ષણ સંકુલ ગતિને કારણે અસ્પષ્ટ, ધૂંધળા, પરસ્પરમાં પ્રવેશી જતાં, તૂટક તૂટક થઈ જતાં, છતાં સ્ફોટનું સ્પષ્ટ ચિત્ર દર્શાવતાં રહ્યાં છે. આ તબક્કે રાવજીનાં આવાં ગહનતમ, ગૂઢ અને સંકુલ સંવેદનો જાગતિક અને સામાજિક સંચેતનામાં બળવત્તર પ્રતિ રૂપો સર્જી શકે તેટલાં શક્તિશાળી બને છે અને અંગત, વ્યકિતગત ભૂમિકાને અતિક્રમીને બિનઅંગતતા ધારણ કરે છે.

   તાત્ત્વિક સ્ફોટના આ તબકકામાં મુખ્યત્વે સંકુલ ગતિવિધિ પામેલાં છતાં ઓળખી શકાય તેવાં ચહેરાવાળાં સંવેદનોમાં મરણોપસ્થિતિ, વિરતિ, વિષાદ, આદિમતા અને અસ્તિત્વની વિડંબનાને વ્યક્ત કરતાં સંવેદનોને ગણાવી શકાય.
(ક્રમશ :...)


0 comments


Leave comment