3.2.1.3.3 - વિષાદ / તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   અંતિમ તબક્કામાં રાવજીએ અનુભવેલી તુમુલ વિસંવાદી, વિરોધી અને ક્ષણભંગુર જીવન સ્થિતિ-પરિસ્થિતિમાંથી એક નવતર વિષાદભાવ પ્રગટે છે જે કોઈ તત્વજ્ઞાનીનો શુષ્ક વિષાદોપદેશ નથી, પણ અનુભૂતિનાં ઊંડા સ્તરો વેધીને સમગ્ર મનુષ્ય જીવનમાંથી ભોંય નીચે એકત્ર થઈને ‘રાવજી' નામની જગ્યાએ ફૂટી નીકળ્યો છે. તેથી જ આ વિષાદમાં વલખાં છે, રોષ છે, ચીડ છે. વિવશતા છે, વૈફલ્ય છે, અને આ બધાં તરફથી અતિ તીવ્ર પ્રતિક્રિયાત્મક સભાનતા છે.

   કવિ સાંસ્કૃતિક પરિવર્તનની ઘટનાને વિષાદપૂર્ણ નજરે સ્વસંદર્ભે નિહાળે છે.
મેં ખોઈ નાખી દ્વારિકા,
હું ઊછળતા દરિયાનો સ્વામી આજ કોકાકોલા ખરીદું છું.
('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
   તો ક્યાંક અનાસ્થાની ઘેરી પળોમાં ઉત્કટ રોષ સાથે વિષાદ પ્રગટાવે છે. જેમકે-
બુદ્ધ જેવો બુદ્ધ પણ નયન ઢાળીને સાલો ઢોંગ કરે.....
એવે વખતે હું ક્યાં ?
('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
   કોઈપણ પરંપરા યા ધર્મ સંવેદનશૂન્ય બને તે વાત જ વિષાદ પ્રેરે છે. કવિ આવી સંવેદનશૂન્યતા પ્રતિ આક્રોશપૂર્વક પ્રતિક્રિયાત્મક વિષાદભાવ વ્યક્ત કરે છે :
નથી થવું ભા. ઓ વર્ષોજૂની પાળેલી પેયગંબરની
ઘેટીઓનું બંધ કરો યુનિફોર્મ જણવાનું, સ્ટીલના
સળિયાની સલામો ખેરવી દો. ટાંપવાનું બંધ કરો.
ક ખ ડ ચ ફ ક યોજનાની સિમેન્ટ પરેડ પાથરી દો.
બહુ ચાલ્યો પપેટ શો !
('અંગત', કાવ્ય – એન.સી.સી. પરેડ)
   આમ, વિષાદમાં અનેક સ્તરો અને કવિએ મૂળસોતાં તારસ્વરે નિજત્વ અને અપૂર્વતા સાથે પ્રગટાવી આપ્યાં છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment