3.2.1.3.4 - આદિમતા / તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   અસ્તિત્વની અગનઝાળ શમાવી શકે, ઠારી શકે તેવી પ્રેમની ચિરતૃષા, મરણની સહોપસ્થિતિ, જિજીવિષાની તીવ્ર પ્રબળ લાગણીઓ અને આ બધાંની સતત થતી રહેતી ઊથલપાથલથી ખોતરાઈ, ખોદાઈ ગયેલાં મનોપાતાળો નીચે સળવળતી આદિમતા રાવજીની કવિતામાં અપૂર્વ પરિમાણ ધારણ કરે છે. આદિમતાની વસ્તુલક્ષિતા અને આત્મલક્ષિતાને એકબીજામાં ભેળવી રાસાયણિક બનાવીને કવિએ પ્રયોજી છે. તે જ રીતે જાતીય આવેગો, ભયો, હિંસાભાવ, દૈવી-શેતાની તત્વોની ઉપસ્થિતિ, સમયાનુભૂતિનો ધ્વંશ વગેરે બાબતોને અચેતન સ્તરો ઉપર સંચાલિત કરી તેમાંથી મનુષ્યચિત્તમાં આદિકાળથી સંચિત થતી આવતી વૃતિઓ, પ્રાવેગ-આવેગો, વિધિઓનો વિનિયોગ કરી આદિમ કાવ્યરૂપો રાવજીએ સર્જ્યા છે. કોઈ એક વિવેચકે કવિની સંચેતનાને સૌથી આદિ તત્વ ગણાવી છે. ત્યારે કહી શકાય કે રાવજીનું આંતર વર્તન આદિમતાનાં આ સ્તરો સાથે સહજ લીલયા પ્રતિઘોષાત્મક આંદોલનો રચે છે.
તળાવની નબરી ચૂડેલો
નવીસવી કો પરણેતરનો કોઠો માંજે.
(અંગત', કાવ્ય - સંબંધ)
   ગ્રામ્ય પરિવેશમાં જનજીવન સાથે જીવતાં ભૂત-પ્રેત ડાકણોની સૃષ્ટિનું ભયાવહ ચિત્ર ઉપરની પંક્તિઓમાં રજૂ થાય છે. જે મનુષ્યની આદિમ ચેતના સાથે જોડાયેલાં શંકા-કુશંકા, ભય અને ચમત્કારિક તત્ત્વોની ઉપસ્થિતિને આલેખે છે.

   મૃત્યુની સાર્વત્રિકતાને એક જ નાની શી પંક્તિમાં કવિ મૂકે છે :
દરેકની મુઠ્ઠીમાં સળગે મસાણ જૂનાં
('અંગત', કાવ્ય – સંબંધ)
   કવિએ ‘એક તન્હા’માં પણ આવી આદિમ અનુભૂતિને Juxtapose કરી આપી છે.
પિરામિડમાં વહીવંચા વાતો કરે.
('અંગત', કાવ્ય – એક તન્હા)
(ક્રમશ :...)


0 comments


Leave comment