3.2.1.3.5 - વિડંબના / તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   અસ્તિત્વના અનેક પ્રદેશો, સ્થળો, સ્તરો અને પ્રવાહોમાં સતત પ્રવાસિત રાવજીની કવિચેતના, સૌના આંતર વિસંવાદી ભયાવહ સ્થિતિ-સ્થાનો અને પરસ્પર વિરોધી લયછિન્ન, વૈવશ્યપૂર્ણ, આક્રોશી અને રાગાવેશી પરિસ્થિતિમાંથી, પસાર થાય છે તેમજ તે તેના અનેકાનેક સ્તરીય કંપનોથી પ્રકંપિત થાય છે, સાથોસાથ સ્થિર-અકંપ સભાનતાને પણ તે પૂર્ણપણે અનુભવે છે. ક્ષણન્ત અને અનંત, સ્થૂળ અને સૂક્ષ્મ, સ્વ અને પર જેવા દ્વન્દ્વોને કવિ ઉત્કટતાથી અનુભવે છે, કહો કે દૃષ્ટિ અને સૃષ્ટિ વચ્ચેની મંથનસ્થિતિમાંથી વિડંબનનું નવનીત પામે છે. આમેય મનુષ્યજીવનનું આંત્યફલન વિડંબનભાવ જ છે. રાવજીનાં તમામ સંવેદનોનો ભાવાર્થ આ વિડંબન દ્વારા થતી અસ્તિત્વની ઘોર પ્રતાડનામાં રહેલો છે. કવિના આ વિડંબનલક્ષી સંવેદનોમાં તેનાં જીવનભરનાં ઈચ્છા-આકાંક્ષાઓ, ચીડ, રોષ અને આક્રોશ, વૈવશ્ય અને વૈફલ્ય, વિરતિ અને વિષાદ તથા અર્થ અને અનર્થ સમાહિત છે. રાવજી તેથી જ કદાચ અહીં એક પ્રગલ્ભ, શેહશરમ હીન, નગ્ન સત્યઉચ્ચારની વાણીને રચી શક્યો છે. વરસોથી પોતાની પાસે કોઈ ફરક્યું નથી, નર્યો અભાવ, સંત્રાસ અને એકલવાયાપણું કોરી ખાતંન હતું તેવી સ્થિતિમાં માખી જેવું તુચ્છતમ જંતુય પોતાની પાસે આવે તે તેના માટે આશ્વાસક ઘટના બને છે. એવા નિરૂપણની પડછે મનુજ અસ્તિત્વની ઘોરકરાલ એકલતાની વિડંબના જ પડેલી છે. જોઈએ :
ઢીંચણ પર માખી બેઠી ને
મને રડવું આવ્યું
હેં.. તું કેટલા બધાં વર્ષો પછી
પાછી આવી ?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ
એની પર
કોઈનો સ્પર્શ થતો ન’તો
ચરામાં દર્ભ ઊગતો, સૂકઈ જતો, તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટ બેસતા
અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવ ઊંડી વાવ જેવા ખાલી ખાલી
આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
('અંગત', બાર કવિતાઓ - ૧૨)
   તો વળી ‘સ્વ.હુંશીલાલની યાદમાં' જેવી રચનામાં તો ગંભીર અને વિનોદી બન્ને ભાવ-સંવેદનો યુગપત આવે છે. ‘મિસ જૂલિયટીનું પ્રણય ગીત' પણ પરંપરામાં ગવાયેલા, જાતને સ્ત્રી કલ્પીને ગવાયેલા, પ્રેમભક્તિભાવની સંવેદનાઓને ઠઠ્ઠાગીત દ્વારા આલેખે છે. એ દ્વારા જાણે કવિ સમગ્ર ‘તત્વ’નો ઉપહાસ કરે છે.
મારા રળજી... રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી-ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા
('અંગત', કાવ્ય – મિસ જૂલિયટીનું પ્રણય ગીત)
(ક્રમશ :...)


0 comments


Leave comment