3.2.1.4 - ઉપસંહાર / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   આમ આ તાત્વિક સ્ફોટના તબક્કામાં રાવજીની સમગ્ર કવિચેતના વિધવિધ સ્તરો, પરિમાણો અને સ્વરૂપોને એક રસ કરી સ્ફોટાત્મક ભૂમિકા ધારણ કરે છે.

   રાવજીના સંવેદન વિકાસની કેન્દ્રથી પરિઘ સુધીની આલેખ રેખા દોરતાં જણાય છે કે તેનું કવિસંવેદન કમશઃ અનેક રૂપાંતરણો પામીને કવિના મૃત્યુને કારણે અસ્તિત્વની વિડંબનાને અંતે એ સમગ્ર જાગતિક વિડંબનામાં સરી ગયો હોય એવી ઘણી બધી શક્યતાઓને અધૂરી મૂકીને, અસ્તિત્વની ઘોર વિડંબના સુધી વિકાસ સાધે છે. તેનો આ વિકાસ સીધી રેખામાં અને ક્રમિકતાયુક્ત રહ્યો છે. આરંભકાલીન મુગ્ધતા, રંગદર્શિતા,આદર્શોન્મુખતા ક્રમશઃ વાસ્તવાનુભૂતિ અને રુગ્ણતાજન્ય ચીડ, રોષ, આક્રોશ, જિજીવિષા, વૈવશ્ય અને વિફલાનુભૂતિમાં ગતિ કરીને અંતિમ તબક્કામાં વિરતિ, વિષાદ, આદિમતા અને અસ્તિત્વની ઘોર વિડંબનામાં પરિણમે છે. આમાંથી થોડાંક સંવેદનોને રાવજીના સંવેદનવિકાસના ત્રણેય તબક્કાઓમાં સાથે મૂકીને જોવાથી ખ્યાલ આવશે કે રાવજીનો સંવેદનવિકાસ ક્રમિક રીતે થયો છે. અને જીવન પરિબળોમાંથી પુષ્ટિ પામીને પરિપક્વ થયો છે. અહીં એ પણ સમજાશે કે એની કવિતાની રૂપાયનપ્રક્રિયા પણ આ જ ક્રમે વધુ સર્ગશીલ ને દઢ થતી આવી છે.

   રાવજીનાં કૃષિવિષયક સંવેદનોની ગતિવિધિ જોઈએ, આરંભિક તબક્કામાં કૃષિને કવિ પોતાના પર્યાય રૂપે નિરૂપે છે જેમાંથી કૃષિ પ્રત્યેનો ઉત્કટ અનુરાગ અને તાદાત્મ પ્રગટે છે જેમકે
આવ્યે હજી પલ નથી થઈ એક, ત્યાં તો
આ સીમનું કલકલ્યું મન વિસ્તરેલું,
ભેગું થતું અવ કશે... મુજને થતું કે
મારી જ જેમ હમણાં કંઈ બોલશે એ !
('અંગત', કાવ્ય – સીમનું મન)
   આ કૃષિ વિષયક સંવેદન બીજા પરિપક્વ તબક્કામાં આવતાં તેમાં કૃષિ નૈરાશ્યનું વાહન બની જાય છે. પરિણામે અભિવ્યક્તિ પણ બદલાય છે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈ....
('અગત', કાવ્ય – એક બપોરે)
   તો બીજા તબક્કામાં પરિપક્વતાને પામેલું કૃષિ-વિષયક સંવેદન ત્રીજા સ્ફોટાત્મક તબક્કામાં સંકુલ ગતિવિધિ ધારણ કરે છે. આંતર મનના ઊંડાણોમાં વલવલતી સૃષ્ટિ કૃષિના આલંબને પ્રગટ થવા મથે છે.
ખેતરવાટ પર દાદાને ખભે બેસીને
આત્મીય આમ્રઘટાઓને જોતો હતો
તોય
તોય
જાણે ધરાતો જ ન’તો
સ્હેજ દાદા ઊંચા વધે કે એમનો
ખભો અચાનક અશ્વ બને તો
ખેતરનો મોલ પણ જોઈ લેત
દાદાના - ઘઉંના ખેતર જેવા-ચહેરાને
લળી લળીને પૂછેલું:
‘ચાસ જોવા છે ખેતરના’
લીલીછમ લીટીઓ ભરેલી ખેતરની કવિતાને
હું ક્યારે ઝાલીશ?
('અંગત', કાવ્ય – ચણોઠી રક્ત અને ગોકળગાય)
   આ ઉપરાંત પ્રણયવિષયક સંવેદનોનો વિકાસાલેખ પણ જોઈએ.
   આરંભકાલીન પ્રણયસંવેદના કવિનાં કેવાં સંવનનરસિત ઋજુમધુર સંવૈદ્ય કલ્પનો પ્રગટાવે છે.
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતાં સહેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર, ઝબક્યો હું ય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારું ય છલક્યું.
(‘અંગત', કાવ્ય – એક મધ્યરાતે)
   તો ક્રમશઃ પરિપક્વ થતી જતી સંવેદના નવી જ ભૂમિકાઓ અને સ્તરો પરથી બીજા તબક્કામાં પસાર થતી જોઈ શકાય છે, જેમકે –
यदा यदा हि धर्मस्य
मुकं करोति વાળો શ્લોક સ્મરતો હોઉં છું ત્યારે
કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી
મને રોજ ઠૂંસા મારીને રાત બતાડે છે.
હોય સાલી એ છે તે ભલે.
('અંગત', કાવ્ય – હું જીવતો છું)
   આજ પત્ની-પ્રણય વિષયક સંવેદન આન્ત્ય તબક્કામાં નિર્ભાન્તિની ભૂમિકાએથી પસાર થાય છે. પ્રેમાનુભૂતિ અને જાતીયભૂખ બેઉ ખંડિતતા અને તેની પેલે પાર રહેલા ભ્રાન્તિહનન દ્વારા કવિ વિરક્તિબોધનો અનુભવ કરે છે.
ચત્તીપાટ પડેલી તળેટીની ખીણતિરાડની કાળી ગંધમાં
કિડચ કિડચ હિડંબના દાંત જેવા કામાતુર વાયુ
વૃદ્ધ હથેલીને
ભૂખ્યો થૈ વળગ્યો !
આથમી ગયા અસંખ્ય સ્તનોના સૂરજ આથમી ગયા !
મુમતાજની કબર નીચે હોય છે એવું અંધારું હવે તો
ચોમેર ફેલાવ્યે જાય છે કેશલ ભ્રાંન્તિની કથા.
('અંગત', કાવ્ય - ક્યારેક)
   કવિતાવિષયક વિભાવનાગત સંવેદનોનો વિકાસ આ ક્રમિકતાના પરિમાણ અને ક્રમશઃ બલવતી બનતી જતી સિસૃક્ષાના પરિપેક્ષ્યમાં જોઈ શકાય.

   આરંભકાલીન તબક્કામાં કવિને કવિતાની પીડા મસૃણ, લવચીક અને મનોહારી તેમજ સુખીકષ્ટદાયક લાગે છે. પ્રસવની પીડાનાં જે મિશ્ર ભાવો અને નવાં તળ તૂટવાના ખેડાણના અનુભવ અહીં વ્યંજિત થાય છે. જોઈએ :
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તે કોણ મને –
માટીનો પરખીને મનથી ખેડે?...
('અંગત', કાવ્ય - મંથન)
   તો આવું જ કાવ્યગત સંવેદન પરિપક્વતા પામીને બીજા તબક્કામાં કેવું પ્રણયની ચિરઝંખનાનું પ્રતીકપૂર્ણ રૂપ ધરે છે.
અચાનક કવિતાની ચોપડીમાંથી નીસરતો
યક્ષિણીને આર્તનાદ!
('અંગત', કાવ્ય - બિછાનેથી)
   તો ત્રીજા તબકકામાં આ કવિતાગત સંવેદન વિલક્ષણ ગતિ અને વિધિ ધારણ કરે છે. અહીં કવિતા રાવજીનું એક માત્ર આલંબન અને આશ્રયસ્થાન બને છે. તેથી કરીને તેની સાથે સંપર્કાતી તેની સંવેદનાઓ પણ વૈચિત્ર્યપૂર્ણ વ્યાવર્તન કરે છે. જેમકે કવિતા સાથે રતિભાવને પણ જોડે છે અને ‘કવિતા લૂણ ઉતારે' કહીને ભગિની ભાવને પણ કવિ કવિતા સાથે વિલક્ષણ રીતે જોડે છે.
કાવ્ય એટલે રતિક્રીડા
એ ક્ષણ મળતાં હું બંકો રાજા
બબડક બબડક બોલું
હું નામ ખડકનું ખોલું
હું ચન્ચો મન્ચો વાત કરું તોય પ્રધાન જીજી કરતો
કવિતા લૂણ ઉતારે.
('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
   આમ, આપણે જોઈ શક્યા કે રાવજીની પુષ્ટતા ક્રમબદ્ધતાપૂર્ણ છે. અને તેના સંવેદને અંગતના કેન્દ્રથી બિનઅંગતતાના પરિઘ સુધી વિકાસ કર્યો છે. આ વિકાસપથ પર રાવજીએ અનુભવેલાં સંવેદનોની સમૃદ્ધિ અને તેના પર્યાવરણનું કાવ્યમાં રૂપાંતર થવાની સમગ્ર પ્રક્રિયાને પણ તપાસવાની રહે છે. રાવજીનાં સંવેદન કેન્દ્રો, એનું વૈવિધ્યસભર વૈચિત્ર્ય અને એની રૂપાયનની પ્રક્રિયા પણ હવે પછી આપણા અભ્યાસનો વિષય બને છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment