3.2.2 - કૃષિકવિનો કાવ્યઅસબાબ / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   અંગતજીવનની અનુભૂતિઓ રાવજીની કવિતામાં અનોખું પર્યાવરણ રચે છે. તેના આ પર્યાવરણનો પિણ્ડ બાંધનાર તત્ત્વોમાં તેના અંતરમનમાં સતત આવર્તિત અને પરાવર્તિત થતાં પહેલાં કેટલાંક ભાવસંવેદનો, ઉત્કટ લાગણીઓ, તીવ્ર આવેગો અને સંકુલ અનુભૂતિઓનો સમાવેશ થાય છે. તેના આ ભાવવિશ્વનાં મૂળિયાં તેની અંગત સંવેદનાઓના કેન્દ્રથી વિસ્તરીને તેની આસપાસ ફેલાયેલા જનજીવન સુધી વિસ્તરેલાં છે. રાવજી અઠ્ઠાવીસ વર્ષની તરૂણવયે અવસાન પામે છે, પરંતુ આટલી ટૂંકી જિન્દગીમાંય તેણે પારાવાર યાતનાઓ વેઠી છે. ગામડાની ધરતી પર ઊગેલા-ઊછરેલા રાવજીને એની ધરતીમાંથી ઊખડી જઈ નગરની ઊષર આસ્ફાલ્ટ-ભૂમિમાં મૂળ નાખવાની ફરજ પડી છે. નગરમાં એ સ્થિર થઈ શકતો નથી, ગામડું ભૂલી શકતો નથી. આવી વિષમ સ્થિતિમાં એ સતત હિજરાયા કર્યો છે. આ હિજરાટથી વલવલતા, ટળવળતા અને સતત તૂટતા જતા અવશમનની અનેકવિધ સંવેદનાઓ તેની કૃતિઓમાં પથરાઈને પડેલી મળી આવે છે. ક્ષય, મધુપ્રમેહ, કિડની અને ચિત્તભ્રમના ભયાનક વ્યાધિઓમાં એ વર્ષો સુધી રૂંધાતો રિબાતો રહ્યો છે. વ્યાધિગ્રસ્ત દેહ તથા ઉછાળા મારતા રતિ-રાગ વચ્ચેની વિસંવાદી સ્થિતિને રાવજીએ કૃષિના આલંબને અનેકવાર અભિવ્યક્ત કરી છે. કોઈકને એ પ્રેમ કરી બેઠો છે, અને એ કોઈક એને મળી શકી નથી. પત્ની તરીકે જે મળી છે તેનો સહવાસ રાવજીને સુખી કરી શકતો નથી. બલ્કે તેથી તેણે સંત્રાસ જ અનુભવ્યો છે. આ સંત્રાસાનુભૂતિ પણ વખતોવખત ચીડ, રોષ અને તિરસ્કાર રૂપે તેણે કૃષિ સંદર્ભે વ્યક્ત કરી છે. મરણનો ઓથાર અને કામભૂખ તેને સતત પીડતાં. પરિણામે કૃષિની પર્યાવસનામાં તે વારંવાર પ્રતીકાત્મક રૂપ ધરીને પ્રગટ થતાં રહે છે. આસપાસનાં માનવી સાથે એ સંબંધ બાંધી શક્યો નથી, અને જેમને સંબંધીજન ગણે છે તેઓ દૂર ગામડે પડ્યાં છે. તેથી કરીને યાતના, એકલતા, પરાયાપણું, અપ્રાપ્યની ઝંખના અને પ્રાણ પ્રતિની વિરતિ તેની કૃષિ-કવિતામાં સતત ડોકાતાં રહે છે. આ સૌની ઉપર મરણભયના ઓથાર તો સતત ઝઝૂમતો જ રહ્યો છે. આવી વિવશ, નિરાશ, હતાશ, છિન્નભિન્ન, ધૂંધળી જીવનસ્થિતિ વચ્ચે રાવજી કવિતાની ઓથ લે છે અને કવિતામાં પોતાના આ સમગ્ર આંતરબાહ્ય અસબાબ સાથે વેધક રીતે પ્રગટ થાય છે. રાવજીની કવિતા અસ્તિત્વના ગહનતમ સ્તરોમાં મૂળ નાખીને પ્રસરતી હોવાથી આ સૌ જીવનાનુભૂતિઓ તેની કવિતાના પર્યાવરણને પ્રતીકનું રૂપ આપે છે. કવિતામાં રૂપાયન થતી આ જીવનાનુભૂતિઓ કૃષિ-વિષયક અસબાબને આલંબન, પ્રતીક યા રૂપકમાં ફેરવી નાખીને અસ્તિત્વનાં ઊંડાણોમાં થતી ઊથલપાથલને પણ વાચા આપે છે. રાવજી પોતે તેના એક કાવ્ય ‘ચણોઠી-રકત અને ગોકળગાય'માં પોતાને ‘દૃગ્ધ કૃષિકવિ' કહે છે. તેણે પોતાની કરાવેલી આ ઓળખ સાચી છે. રાવજી કૃષિ કવિ છે અને ‘દૃગ્ધ’ પણ છે. કૃષિના અસબાબ સાથે તેના અંતરની દગ્ધતા એકરૂપ થાય છે તેથી તેની કવિતાના વિષયો ગામડું અને કૃષિજીવનની આસપાસ ફરતા રહ્યા છે, પરંતુ તેમનું નિરૂપણ પણ ‘દગ્ધતાપૂર્ણ’ બન્યું છે. ગામડું, ધરતી, ખેતર, લહેરાતા પાક, ઝાડ-છોડ-ઝાંખરાં, પશુ-પંખી, મજૂર, એ બધાની વચ્ચે જીવતા કૃષક રાવજીની કવિતાના કેન્દ્રમાં છે. રાવજી કૃષક અને તેની ચેતનાનું કાવ્યમય નિરૂપણ કરીને તેનો સામાજિક સંદર્ભ અને વાસ્તવિક પરિસ્થિતિનો પરિપ્રેક્ષ્ય રચી આપે છે. તો પોતાના અંગત જીવનની વિસંવાદિતા વિષમતા અને ગહન સ્તરોએ વલોવાતી ચેતનાને નિરૂપવા કૃષિગત અસબાબનો પ્રતીકાત્મક ઉપયોગ પણ કરી લે છે. આમ તેની અભિવ્યક્તિની તરાહો, આંતર-બાહ્ય બેઉ ફલકોને એકી સાથે રજૂ કરવાને સમર્થ બને છે. ‘વરસાદી રાતે’ કાવ્યમાં નિરૂપિત ગુજરાતમાં ઈશાન ખૂણામાંથી આવતો પવન પ્રથમ અને અંતિમ વરસાદ લાવે છે તેવા ભૌગોલિક વાસ્તવનું સૂચન કરે છે, તે સાથે જ ‘પંજેટી’ ના ઉપયોગ દર્શાવી ખેતરની સાફસૂફી કરીને પ્રથમ વરસાદ અને વાવણીની રાહ જોતા કૃષકનું ચિંતામગ્ન ચિત્ર કવિ પ્રગટાવે છે, સાથોસાથ પાંચ દાંતાથી બનેલા ખેત ઓજાર પંજેટીને પંચમહાભૂતોથી બનેલી માના સાદ્રશ્યે મૂકીને માની જડ ઓજાર-સ્થિતિ દ્વારા જીવંતતાનો અભાવ અને કૃષક-જીવનની સખતાઈ અને કઠણાઈને કવિ અભિવ્યક્ત કરે છે.

   રાવજી માટે મહદંશે તેના અસ્તિત્વનાં ગહનસ્તરો સાથે એકરૂપ થઈ ગયેલી ગર્ભાવસ્થાને કૃષિ, તેની આત્મઓળખ માટેની તથા સ્વસ્થાપના માટેની પાયાગત જરૂરિયાત બની ગઈ છે. આ પાયાગત સંઘટનામાં સેન્દ્રિય રીતે ઘનીભૂત થઈ ગયેલી અનુભૂતિઓ અને સંવેદનાઓ કાવ્યમાં રૂપાયિત થતી વખતે તેનાં જીવનાસક્તિ, શ્રદ્ધા, ઇમ્સા-લિપ્સા, રતિકામના, અસ્તિત્વની વિષમતા, ભ્રાન્તિભંગને અંતે પ્રાપ્ત એવી મિથ્યાપણાની લાગણી, વિરતિ, વિફલતા-વિસંવાદિતા અને પ્રતિક્ષણે અનુભવાતા આવેગો, સંઘર્ષો અને સંવેગો સક્રિય થઈને કૃષિને રાવજીનું રૂપકાત્મક- પ્રતીકાત્મક પરિમાણ બક્ષે છે. રાવજીની કૃષિજીવનના ધબકારને ગૂંથતી કવિતાઓ જોતાં અનુભવાશે કે કૃષિ રાવજીના અસ્તિત્વનો એક સજીવ અંશ છે, કેન્દ્રસ્થ અવયવ છે, જેની ફલવતી સંવેદનાઓ ભાષાના સંસર્ગ - સંપર્કમાં આવતાં જ અવનવાં, હદ્ય, વેધક ચિત્તાકર્ષક અને મનોહારી કાવ્યરૂપો પ્રગટાવવા સમર્થ બને છે.

   ‘એક બપોરે’ ‘જિજીવિષા’ ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’ ‘ખેતર વચ્ચે’ ‘અંધકાર’ ‘ખેડવેળા’ ‘રમ્ય શાંતિ’ ‘વરસાદી રાતે’ ‘ઘણાં વર્ષે વતનમાં’ ‘ગઝલ-૨’ ‘બાર કવિતાઓ’ ‘નવ જન્મ-મૃત્યુ-કાવ્યો’, ‘મણિલાલ’ ‘દ્રોહ સમય પછી', ‘ક્યારેક’ ‘સંબંધ’ ‘ચાણોઠી-રક્ત અને ગોકળગાય’ જેવાં અનેક કાવ્યોમાં રાવજીની કૃષિગત સંવેદનાઓ કાવ્યદેહ પામી છે.

   કૃષિપ્રકૃતિનાં અનવદ્ય રૂપોને કવિતાની સૃષ્ટિના રમ્ય અંશો તરીકે કંડારવાની પ્રવૃત્તિ રાવજીમાં અતિસર્ગશીલ જણાઈ છે. નિર્ભેળ પ્રકૃતિ અને તેના યથાસ્થિત પરિવેશને તેની સમગ્રતામાં રાવજી સહજ, સરળ અને વેધક રૂપમાં અવતારી શકે છે. ‘રમ્ય શાંતિ' કાવ્યમાં કૃષિપ્રકૃતિના આલંબને પ્રગટી ઊઠેલા ભાવસંવેદન જાણે શાન્ત રસની અનુભૂતિ કરાવે તે કોટિનાં બને છે. તો વળી, સુચારું કલ્પના, ચિત્રાત્મક કલ્પનો, તીવ્ર સંવેદના અને કૃતિસમગ્રમાંથી સુવાસિત થતો રહેતો ધ્વનિ કાવ્યને નકશી કરેલા સંઘેડા ઉતાર કલાકૃતિ બનાવે છે.
એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જે પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !
('અંગત', કાવ્ય – રમ્ય શાંતિ)
   સરળતાથી પ્રારંભાતી આ કૃતિ છલિત પ્રભાવો દાખવે છે. એક શબ્દ પાસે જ થોભીએ તો જણાશે કે કવિ પોતાની પંખી-સ્થિતિની વાત કરે છે. જેનું મનોલયધારી અસ્તિત્વ નજરથી- ખેતર ઉપર મંથરલયમાં ઝળૂંબી રહ્યું છે. બીજી પંક્તિમાં પોતાને અન્ય પ્રતિરૂપમાં કલ્પતાં મંથરલયની પણ લુપ્તિ અનુભવે છે અને સ્થિર થઈ ગયેલા પવન શા ગોવાળનું આસ્વાદ્ય કલ્પનાચિત્ર કવિ આપે છે. ‘ગોવાળ'માં પ્રતિરૂપતાને કવિ એ કારણે આરોપે છે કે સીમમાં ગાય ચરાવતા ગોવાળની ચિત્તપ્રવૃત્તિ નિઃશેષ હોય છે, વૃત્તિ શૂન્ય હોય છે. તેનું કશુંય કર્તુત્વ શેષ નથી રહેતું, સિવાય કે સ્થિર સાક્ષી ભાવે વિલોકવું. અમી ભરેલી પરમ તૃપ્તિની અનુભૂતિથી ચિરતૃપ્ત સાક્ષી ભાવમાં રમમાણ થઈ જાય છે, એક પ્રાકૃતિક અંશ બની જાય છે. આ ભાવને ચોથી પંક્તિમાં કવિ ઘનીભૂત થતી ક્રિયા રૂપે આલેખે છે.
વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે....
જગે સૂર્ય એકલો.
('અંગત', કાવ્ય – રમ્ય શાંતિ)
   સમગ્ર દૈહિક સ્થૂળતાઓને સૂક્ષ્મતાના સ્થિર લયમાં રૂપાંતરિત કરીને સ્થિરાનુભવમાં થતી ભાવચર્વણાનું અને ‘જાગે સૂર્ય એકલો' પંકિત દ્વારા સાક્ષીભૂત ચેતના માત્રના અનુભાવનનું કવિ આબાદ મનોસમાધિ ચિત્ર ઉપસાવે છે તથા ‘નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા’ કહીને કવિ સતત સળવળતા વિચારો પર સ્થિર ચેતનાનું શાંતિમય આધિપત્ય દર્શાવી પ્રકૃતિમય ચૈતન્યાનુભૂતિને અદ્દભૂત રીતે પ્રગટાવે છે.

   આઠમી પંક્તિમાં આવી ‘તળાવનાં પોયણ જલ’ શાં શાન્ત-પ્રશાન્ત મનોસરમાં અનવેષ્ટિત થઈ તરંગિત થતાં ભવિષ્યવાચક ભાવસંવેદનોનું સૂક્ષ્મ ભાવદર્શન રજૂ થયું છે. ભવિષ્યના ગર્ભમાં નિહિત કશોક ભાવ સતત ચિત્તનાં ગહનસ્તરોમાં પ્રસ્પંદિત થતો રહે છે. સ્વપ્નવધૂના પેટની સજીવી તરંગ-ગતિને નિર્દેશી કવિએ તે ભાવને જીવંતતા અને સાર્થકતા બેઉ બક્ષ્યા છે.

   નવમી અને દસમી પંકિતઓમાં આગળની પંક્તિઓમાં વર્ણિત અસ્ફૂટ ભાવને પ્રગટ કરે છે. અને પછી તે વિરલ સ્વનિહિત ભાવાનુભૂતિને કવિ ચિરપ્રણયભાવ તરીકે ઓળખાવતું રમ્ય ચિત્ર આંકે છે.
પણે ચરાના શાન્ત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
('અંગત', કાવ્ય – રમ્ય શાંતિ)
   અહીં કાવ્ય વિરલ ગતિ પામે છે, ચેતનાની પરમ પ્રેમભાવી ઉપસ્થિતિમાં ત્રણ સ્થિતિઓ સેન્દ્રિયરૂપે સંભવે છે. ભોગ, ભોજ્ય અને ભોક્તાની સ્થિતિ. જે અંતે તો એકરૂપ અને શાન્ત, પ્રાકૃતિક સાક્ષીભાવ રૂપે સ્વાનુભાવન કરે છે ‘પણે’ શબ્દથી અહીં દર્શક- સાક્ષીભાવની ઉપસ્થિતિ રચીને ‘ચરાના’ શબ્દ દ્વારા ભોગ તે રમ્ય-પ્રાકૃતિક ચેતો વિસ્તાર અને શાન્ત ઘાસ દ્વારા ભોજ્ય એવી અસીમ, શાન્ત ભાવચેતના તેમજ એકમેક પર ડોક પાથરી સૂતેલું સારસ જોડું (-ડોક અહીં શારીરિકતાનો છેદ ઉડાડી કામ રહિત શુદ્ધ પ્રેમને સૂચવે છે) વાક્યપ્રયોગ દ્વારા આત્મચેતના અને પરા ચેતનાને પરસ્પરમાં લીન, એકાત્મ ભોક્તાના સ્વરૂપે આલેખ્યા છે. કાવ્ય અહીં સુધી વિસ્તારતાં ભાવ૫રાકાષ્ઠા દ્વારા પરા અને ઈહાચેતનાના એકરૂપ, તલ્લીન, વિશિષ્ટ સ્વભાવનની સમાધિ સ્થિતિનું નિર્માણ કરે છે. ત્યાં જ અંતિમ ત્રણ પંકિતઓમાં વાસ્તવ જગતમાં સરી આવતી કવિ ચેતના ચિત્કારે છે :
ઉદ્ગાર ન કાઢી શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી'તી..
('અંગત', કાવ્ય – રમ્ય શાંતિ)
   સમાધિ અનુભવને કારણે કે વાસ્તવાનુભવના વિસ્ફોટે કરી, એ બે સ્થિતિઓનો શ્લેષ રચતું વાક્ય ‘ઉદ્ગાર ન કાઢી શકું’ જેમ વિરલ પરિમાણ આપે છે તેમ આખીય ભાવસ્થિતિના ‘એટલી રમ્ય શાંતિ/ ઘડી ભર આવી’તી દ્વારા છેદ ઉડાવી દેતી વાસ્તવિકતાનો કરાલ અનુભવ પણ કાવ્યને નવ્ય પરિમાણ બક્ષે છે.

   ‘રમ્ય શાંતિ' શીર્ષકથી માંડીને કાવ્યની આંતર ગતિનો આલેખ જોતાં ‘રમ્ય’ અને ‘શાંતિ' બેઉ પદ ભારે વિડંબનાનો ભોગ બનેલાં જણાશે. કાવ્યને અંતે રમ્યતા અને શાંતિ બેઉ કરાલ વાસ્તવથી ભાગી છૂટવાની પલાયન વૃત્તિએ ઘડીભર રચેલા પ્રપંચવાચક શબ્દો બની રહે છે. કૃષિપ્રકૃતિનો પરિવેશ એ પ્રપંચને ઢાંકે છે, પણ એ ટકતો નથી, કાવ્યાંતે એ છલના ઉઘાડી પડી જાય છે. ને જિન્દગીની, અસ્તિત્વની વેદના પાછી સવાર થઈ જાય છે. કશીક નિરર્થકતા ને એમાંથી પ્રસવતી વિડંબના કવિમાનસને ઘેરી વળે છે, ને પેલો રમ્ય/ શાંત પરિસર પાછો અદૃશ્ય થઈ જાય છે. કાવ્યને અંતે રહે છે વેદના... કવિ પ્રકૃતિની છલનામાં ય પોતાના પીડિત વાસ્તવને છુપાવી શકતો નથી. આમ અસ્તિત્વના આંતરિક ધરાતલનું વેદનામય દર્શન કાવ્યાંતે વ્યાપી વળે છે.

   રાવજીની ‘ઘણાં વર્ષે વતનમાં’ એ કુતિ કૃષિપરિવેશનો જ અંશ બની ગયેલાં ગ્રામીણ માણસોની આંતરસૃષ્ટિમાં અનેક પરિમાણિય પ્રવાસ કરાવે છે. જેમાં ગ્રામસંસ્કૃતિનો જીવન ધબકાર પણ પમાય છે. વળી, આ કાવ્ય એમનાં સુખ-દુ:ખ, યાતના-વેદનાઓને પણ પ્રત્યક્ષ કરી આપે છે. કૃતિમાં આવતાં ખેતરો, ટ્રેન, વાતોડિયાં પ્રેમી, ભેંસ અને પાસો, ઘાસ, મજૂર, ગુપચુપ બેઠેલાં નિર્જીવ પ્રેમીઓવાળું વૃક્ષ, ને પાછી સરી જતી ટ્રેન-આ બધું વિશેષ અસબાબરૂપે કૃતિમાં સંસ્મરણાત્મક અને ચલચિત્રાત્મક દૃશ્યો રચે છે એમાં આખો પરિસર ગતિમય થઈ ઊઠે છે. કવિના ચિત્તમાં પડેલાં ભૂતકાળનાં દૃશ્ય આ ક્ષણે મૂળસોતાં ઊપસી આવે છે. આ ક્ષણ તે કાવ્યની પ્રથમ પંક્તિ- ‘ખેતરો વચ્ચેથી ટ્રેન સરકી જાય એટલો વખત’ -ની ક્ષણ છે. કાવ્યનાયકને આ ક્ષણે ત્રણ ત્રણ કથાનકો ઘેરી વળે છે. એમાં બે અતીતનાં ચિત્ર છે ને એક વર્તમાનનું ચિત્ર છે. આટલા અમથા ઝીણા ફલક ઉપર Flashbackમાં માત્ર સંકેતોથી કવિએ સ્મૃતિચિત્રો - સ્મૃતિકથાઓ જીવતાં મેલ્યાં છે. ખેતરો વચ્ચેથી સરકી જતી ટ્રેન- વર્તમાન પર ઊભેલો કાવ્યનાયક જુએ છે ને એનામાં બે અલગ અલગ કથાઓ સંદર્ભે ભૂતકાળમાં સરકી ગયેલી ટ્રેન જીવી ઊઠે છે.

   પહેલી કથાને જોઈએ : ટ્રેન નીચે ભૂતકાળમાં બે પ્રેમીઓએ આપઘાત કર્યો હતો, એ દૃશ્ય કવિને સાંભરે છે. ‘આંખ ખૂલીને બંધ થાય’ એટલી ક્ષણોમાં જ કાવ્યનાયક એ અતીતની કથા અનુભવે છે. ઝાડ નીચે બેસીને ગોષ્ઠિ કરતાં ને અંતે મૃત્યુ પામેલા પ્રેમીઓ જાણે હજીય ગુસપુસ એમ જ નિર્જીવ, મૌન બેઠાં છે ! આયરની તો એ છે કે, વર્તમાનમાં એ જ રીતે સમયભાન ભૂલીને ગોષ્ઠિરત બનેલાં બે પ્રેમીઓ ઊભાં થઈને જતી ટ્રેનને જોઈ રહે છે ત્યારે કાવ્યનાયકને પેલાં પ્રેમીઓની આપઘાત ક્ષણો આ પ્રેમીઓ સંદર્ભે સાંભરે છે... જાણે એ ય એ જ પથનાં યાત્રી ન હોય ! બીજો સંદર્ભ તે વૃદ્ધ ડોસીની કીકીઓને લઈને કવિએ રચ્યો છે. આ ડોસી માટે પણ ટ્રેનનો સંદર્ભ કરુણ છે. યુવાનીમાં પોતાનો પતિ એને છોડીને જતો રહ્યો છે એવું પમાય છે. બંગડી જેવું ગામ ફેંકીને જવાની વાતમાં સૌભાગ્યવતીને એકલી મૂકી જવાનો સંદર્ભ છે. વળી પતિના ગયા પછી ડોસી થઈ ત્યાં બધી એણે ટ્રેનની બારીઓને કદાચ પતિ પાછો આવે એ આશાએ રોજ રોજ નીરખી છે... એની ફેંકાઈ ગયેલી બંગડી એણે તો નંદાવા દીધી નથી, શ્રદ્ધાથી એ તો બારીએ બારીએ મુસાફરો રૂપે ડોકાતી ગાડી જોયા કરે છે... ને ભાગી ગયેલો પતિ આમ રોજ વર્તમાનની ટ્રેન સાથે સાંભરે છે. ડોસીની કીકીઓમાં આમ એક વખતે બે ટ્રેનો વહી નીકળે છે. એક ભૂતકાળની ભાગતા પતિને લઈ જતી દર્દ જગવતી ટ્રેન... ને બીજી પતિના આગમનની શ્રદ્ધાથી જોવાતી ટ્રેન. બંન્નેમાં ટ્રેજિક છે. એવો જ ટ્રેજિક પેલા પ્રેમીઓ સંદર્ભે કાવ્યનાયક, અરે પેલાં વર્તમાન પ્રેમીઓ પણ અનુભવતાં હશે જ. બંને કથા સંદર્ભોમાં ટ્રેન આલંબન છે. બંને કથાઓના સંદર્ભો બેત્રણ પંક્તિઓમાં આવીને પાછા ટ્રેન ગતિએ જ ચાલ્યા જાય છે. સજાગ ભાવક આ પકડી શકે છે. ડોસીની કીકીઓમાં તો હજીય એ જ ચિર પ્રતીક્ષા છે. બંગડીના ફેંકવામાં ડોસી (જ્યારે યુવતી હતી/હશે) પોતાનું ફેંકાઈ જવું પણ અનુભવે છે. એવી ભાવકને ય પ્રતીતિ થાય છે. રાવજી આવી સેન્દ્રિયતા આવાં કલ્પનોથી રચે છે. એવું જ પ્રેમીઓ વિશે છે. એમાં ય કશુંક જીવન-મરણનું રહસ્ય છે, જે પેલા પ્રેમીઓને - વાતોડિયાંને ય અધ્ધર કરી મૂકે છે- ટ્રેન રૂપે સમયનો આવો વિલક્ષણ અનુભવ આ કાવ્યનો વિષય છે... વળી કાવ્યમાં ત્રીજો સંદર્ભ છે તે વર્તમાનનો છે. સાંપ્રતનાં આ દૃશ્યોમાં પણ ભૂત- વર્તમાનની ધારાઓ ભળી ગયેલી છે જે ભેંસ અને પાસોના સંદર્ભે સમજાય એવી છે.

   હળ હાંકતો ખેડુ બળદોને રાશે બાંધીને હવે વિશ્રાંતિ માટે દોરી રહ્યો છે. પાસે ભેંસ ચરે છે. આ એ જ ભેંસ છે જેણે સવારે ટ્રેન સમયે દૂધ દોહતાં પહેલાં પાસો મૂકી દીધો હતો, તે હવે પુનઃ ટ્રેનના અવાજથી 'પાસો'નો અણગમતો સમય યાદ આવતાં માથું ઊંચકે છે. અહીં ભેંસનો રઘવાટ પમાય છે.

   ઘાસ કાપતા મજૂરની છાતીમાંથી વ્હીસલરૂપે પસાર થતી ટ્રેન એના હળવાશભર્યો, સ્હેજ ઘાસલ, રેશમી, બપોરના વિશ્રાંતિ સમયનો સાદ પાડતી પસાર થઈ જાય છે. અહીં છાતીને વીંધતી વ્હીસલ આનંદ-રોમાંચનો પર્યાય છે.

   આમ ટ્રેનના આગમનથી તળે-ઉપર થઈને પાછું ફરી જતું કૃષિજીવન અહીં વર્ણવાય છે. પહેલાં ચોકન્નાપણું છવાઈ જાય, પછી વ્યતીતની ક્ષણો વ્યાપી વળે ને તરત ટ્રેન સરી જતાં વર્તમાન આખો અલસ-વિશ્રાંતિમાં લીન બને છે. પ્રકૃતિ અને યંત્ર સંસ્કૃતિનું સાંનિધ્ય અહીં ક્ષણવાર માટે કેવું પ્રભાવક બને છે. એમાં યાતના છે એમ કશોક ઋજુ પ્રભાવ પણ છે. આવા સાંસ્કૃતિક દ્વન્દ્વને કવિએ કલાત્મક રીતે ઉભાર્યો છે. કાવ્યાંતે Flashback દ્વારા ચિત્તના ગહન સ્તરોમાં, ઉપરની તમામ ઘટનાઓને જોડી દેતો કવિ બધું સ્મૃતિસંવેદનરૂપે એક અખંડ અનુભવમાં ઠાલવી આપે છે. કાળ, ગતિ અને અનુભૂતિ અહીં નૂતન સંદર્ભે પ્રગટી રહે છે. નાના અમથા કાવ્યમાં આવાં સમૃદ્ધ પરિમાણો રચતો રાવજી આપણને આ રીતે આશ્ચર્યચકિત કરી દે છે.

   ‘એક બપોરે’ કૃતિ પણ કૃષ્યાવલંબને કવિચિત્તમાં વ્યાપેલી પ્રણયજન્ય નિરાશા, હતાશા અને હઠમિશ્રિત રોષની લાગણીઓને વ્યક્ત કરે છે. પ્રિયાના ચાલ્યા જવાથી જીવનને વ્યર્થ સમજતા સંવેદનશીલ ગ્રામીણ યુવકની મનોદશાનું તેમાં ઘેરું નિરૂપણ થયું છે. ‘પ્રિયા’ યા ‘જીવનની કશીક ઉત્કટ ઝંખના’ માટે ‘સારસી'નું પ્રતીક યોજ્યું છે. આ સારસીને ખેતરમાંથી જ્યાં સહેતુક વાવેતરમાંથી પાક ઊગે ત્યાંથી નહિ પણ ખેતરના શેઢેથી જ્યાં લીલયા ઘાસ ઊગે છે, જ્યાં સારસીની ઉપસ્થિતિ માત્ર મનોરમ્ય દૃશ્ય નિર્મે છે, ત્યાંથી ઊડી જતી દર્શાવીને કવિએ જીવનમાંથી લોપાઈ ગયેલી રમ્યતાનો ખૂબીપૂર્વક અર્થવિસ્તાર સાધ્યો છે. જાણે કૃષક યુવાનને જીવન સમસ્તની લીલયા પ્રવૃત્તિઓએ છેહ દીધો હોય તેવી અતળ નિરાશા તે અનુભવે છે અને એ યુવાનને જીવન પ્રતિ, આનંદ પ્રતિ, જીવન માટેની સમગ્ર વૃત્તિ-પ્રવૃત્તિ પ્રતિ નિર્વેદ આવી ગયો છે. તેથી કદાચ પોતાને સૌથી વધુ અસલામત અનુભવીને માને સંભારી/ સંબોધી બેસે છે. પત્ની- પ્રિયાની ગેરહાજરી છે, એટલે જ તો મા ભાત લઈને આવી છે. માને જોતાં જ પાછી- ભતવારી તરીકે આવતી વ્હાલી પ્રિયા યાદ આવતાં જ જાત પરનો રોષ દ્વિગુણીત બને છે. કેટલાંક રોષયુક્ત અને આજ્ઞાર્થ સંબોધનો દ્વારા તે તેના નિર્વેદને વાચા આપે છે.
મા, ઢોચકીમાં છાશ પાછી રેડી દે
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
(‘અંગત', કાવ્ય – એક બપોરે)
   અહીંથી કાવ્ય દ્વિસ્તરીય અભિવ્યક્તિ સાધે છે. કવિ એક સ્તરે નિરાશ હતાશ યુવકની મનોવાચાને પ્રગટાવે છે તો અન્ય સ્હેજ ઊંડા સ્તરેથી શબ્દે- શબ્દે ચમત્કૃતિપૂર્ણ પ્રતીકાત્મકતા ધારણ કરે છે. ઢોચકીને જીવનનું પ્રતીક માનીએ તો તમામ તૃપ્તિકર જીવન પેય તરીકે આવતી ‘છાશ’ અને જીવનચાલક બળ તરીકે આવતા ‘રોટલા’ને પ્રિયાના અભાવમાં ઇન્કારી દેતો યુવક રોષયુક્ત નૈરાશ્યની આવેગશીલ રજૂઆત કરે છે, એટલું જ નહિ એના રોષનિહિત હઠભાવને પણ રજૂ કરે છે. ચલમની તમાકુ પિવાઈ જાય ત્યારે તેમાં કસ રહેતો નથી તેમ અતિસંવનનમાં યા અતિ મિલનમાં વિરહ જેવી મઝા રહેતી નથી એમ કહીને રાવજીએ વૈચિત્ર્યપૂર્ણ રોષધ્વનિ પ્રગટાવ્યો છે. અહીં ‘તમાકુ’ હજી પૂરી પિવાઈ નથી, ને એમાં કસ છે જ. પણ પ્રિયાના ચાલ્યા જવા સાથે એ કસ પણ હવે કશો નશો બનતો નથી. કાવ્યનાયકને એથી કશું ‘રીલેક્શેસન’ મળતું નથી. તો ‘ઠારી દે તાપણી'માં તાપણી વડે ‘ટાઢ ઉડાડવાની' સૂચિત ક્રિયાને લોકબોલીમાં સંભોગ માટે પ્રયોજાતા ‘ટાઢ ઉડાડવી’ વાક્યપ્રયોગ સાથે સાંકળીને ‘ભારેલા અગ્નિ’ દ્વારા ભવિષ્યમાં કામ આવે માટે સાચવેલા કામાગ્નિને પણ કાયમ માટે ઠારી દેવાનું સૂચન કરે છે અને ‘મહુડાની છાંય તળે પડી રહેવા દે’ દ્વારા નિષ્ક્રિય થઈ, ભોગવેલા ભૂતકાળના સ્મરણ ધેનમાં, પડી રહેવાની ઇચ્છા કરે છે. અંદરનો ઉતાપ હવે એટલો છે કે બહારની તાપણીની જરૂર જ નથી. કામેચ્છા છાણાંમાં ભારેલા અગ્નિ જેવી છે... એમાં દેહનું છાણારૂપે હોવું ય પ્રગટે છે. એ કામેચ્છા ઠારી દેવાની ઇચ્છા છતાં એ ઠરવાની નથી એમ પમાય છે ને એટલે જ વ્યથા અહીં વધારે વ્યાપક બને છે. ચાલી ગયેલી પ્રિયતમાને કાલિદાસની જેમ મેઘ દ્વારા કોઈ સંદેશ પણ હવે નથી મોકલવો તેવી નિર્વેદાનુભૂતિને ‘ભલે આખું આભ રેલી જાય’વાળી પંક્તિ ચરિતાર્થ કરે છે તો ‘ગળા સમું ઘાસ ઊગી જાય’ પંક્તિ પ્રિયા વિહીન દશામાં મૃત્યુ આવે તો ય આવકાર્ય ગણતા નિરાશ અને નિષ્કર્મણ્ય યુવકની સંવેદનાને આબેહૂબ શબ્દિત કરે છે. કાવ્યાન્તે હવે પ્રાણયનાં નવાં ખેડાણ પણ નહિ, બીજ રોપણ પણ નહિ, સક્રિયપણે કશીય પ્રવૃત્તિ પણ નહિ એવો નૈરાધ્યપૂર્ણ નિવૃત્તિનો, ઉદાસીનતાનો અને તીવ્ર વિરતિનો ભાવ ઘનસઘન થઈ વિષાદનો ગોરંભો રચી આપે છે. આખુંય કાવ્ય સ્વગતોક્તિ હોવાથી ‘લ્યા’ અથવા ‘અલે એઈ' ઉદબોધનોમાં કવિ પોતાના જ અન્ય અંશને સંબોધીને આ હતાશાની ગોઠડી માંડે છે તે આસ્વાદ્ય બને છે. ઘણા ઓછા શબ્દોમાં, નાજુકતાથી અને વ્યંજનાત્મક રૂપમાં કવિએ પ્રિયાના અભાવનું મર્મસ્પર્શી નિરૂપણ કર્યું છે. આ નિરૂપણ આપણા મર્મકોષોને વધવા સક્ષમ બન્યું તેની પડછે કવિએ પ્રયોજેલા કૃષિ અસબાબથી ભર્યાભર્યા પ્રતીકાત્મક અને વ્યંજનાપૂર્ણ પરિવેશનો મોટો ફાળો છે. ‘એક બપોરે’ કાવ્ય રાવજીને નખશિખ કૃષિકવિ તરીકે સિદ્ધ કરી આપે છે. આ કૃતિમાં જે નિર્વેદભાવ છે તે જીવનની નિરર્થકતાની પ્રતીતિને અંતે પ્રગટતો નિર્વેદ નથી. ભરપુર આસકિતનો અનુભવ અચાનક નંદવાઈ જતાં પ્રગટતો આ નિર્વેદ રોષયુક્ત છે, ને કદાચ સમય પૂરતો છે એમ નોંધવું જોઈએ.

   કાવ્ય આરંભે આવતું અત્યંત બળવાન કલ્પન તે સારસીનું છે... સારસ હંમેશાં યુગલમાં રહે છે. બેમાંથી એક ચાલી જાય તો બીજું મૃત્યુ પામે. રાવજીએ અહીં સારસીના ઊડી જવા સાથે એકલા પડી જતા નાયકને એ રીતે ઉપસાવ્યો છે... જે હવે ‘એકલો સારસ' હોય એમ વ્યથિત/ઉદાસ છે. કૃષિકવિ રાવજીએ ખેતરોમાં હંમેશાં સારસયુગ્મ જોયાં જ હોય, ને એટલે જ એ એકલા સારસની વેદનાને પ્રમાણિત રીતે ઉપસાવી શકે છે. ‘ખેતર વચ્ચે’ કાવ્ય રાવજીના કૃષિચિત્તનો ગહનતર પરિવેશ પ્રકટ કરે છે. દૈહિક રુગ્ણતાને કારણે શરીર કામતૃપ્તિ માટે નકામું બની ગયું છે અને મનને સતત આવેગશીલ અને આક્રમક કામવેગો અજગરી ભરડો લઈ રહ્યા છે. આ સ્થિતિમાં રુગ્ણ, શિથિલ, પાણ્ડુ દેહની અસમર્થતા તેની ઉછાળા મારતી કામવાસનાને સતત પ્રતાડિત કરતી રહી છે. આ પ્રતાડનાના પ્રતિફલન રૂપે વિવશ બનીને કવિચિત્ત કૃષિ અને પ્રકૃતિનાં તત્ત્વોમાં કામતૃપ્તિ શોધે છે. કાવ્યમાં રૂપાયિત થતી તેની આ સમગ્ર વૃત્તિ-પ્રવૃત્તિ અનેકવિધ પરિમાણોને તાકે છે. ‘ખેતર વચ્ચે' કૃતિ રાવજીના હાડ-ચામ અને રક્તનો પિણ્ડ ધરે છે. તેની ઝંખનાઓ, એષણાઓ અને સંવેગોને આદિમ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. સાથે સાથે પોતાનાં અભાવી તત્વોને પામવાની અસ્તિત્વવાચક મથામણને નિરૂપી કવિ નવા અર્થપાતાળો ઉધાડી આપે છે.
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે !
રોમ પર એકાન્ત સરકે સીમનું.
હું શું કરું ?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊંડું ?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રે શું કરું?
આંહીથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં ?
મારી ભણી વાલોળનો વેલો સરી આવે !
વેલો નહીં- એ તો
પવન, તડકો અને માટી બધું ભેગુ થઈને વેગથી
('અંગત', કાવ્ય – ખેતર વચ્ચે)
   આખું ય કાવ્ય જોતાં જણાશે કે કવિનાં અભાવ, અસામર્થ્ય, જડ-ચેતન વિસંગતી, રોષ, ચીડ અને આક્રોશ તેમજ જિજીવિષાને બહુસ્તરીય અભિવાચા મળી છે.

   'તગતગ્યાં’ એ એક શબ્દને પંક્તિનું રૂપ આપીને સ્વયંસંપૂર્ણ અને ફાટફાટ થતી યૌવનશ્રીનું સૂચન કવિએ કરી દીધું છે. ‘તગતગ્યાં' માં જ કશીક એવી પરાકાષ્ઠાની પરિસ્થિતિ છે જે ‘મને વ્યક્ત કર કાં તને તોડુંફોડું’ જેવી પડકાર સ્થિતિને કવિની સામે તારસ્વરે મૂકી આપે છે. બીજી પંકિતમાં કવિને પડકાર ફેંકતી આ પરિસ્થિતિ વધારે સ્પષ્ટ અને આહવાનાત્મક બને છે.

   ‘બે દૂધભર્યા ડૂંડા લચેલાં સાવ પાસે’ ‘ડૂંડા’ એ ધાન્યની ફસલ છે, જે ધરતીમાંથી સ્ફૂટ થતા ચેતન- જીવંત- તત્ત્વને ચીંધે છે. કવિના મંદચેતન થતા જતા સમગ્ર અસ્તિત્વ સામે ‘દૂધમલ ડૂંડા’ જાણે વિડંબન કરતાં હોય, પડકાર ફેંકતાં હોય એમ તાકે છે. વળી, ‘સાવ પાસે’ લચેલાં આ ડૂંડા ઉત્કંઠા, ઉન્માદ, હર્ષ, આવેગથી ફાટફાટ થતી, તગતગી ઊઠેલી કામેચ્છાવાળી કાચી ઉંમરની યૌવનાના પડકારને ધારે છે. કવિ દેહદોર્બલ્યને કારણે આ પડકાર ઝીલવાને અસમર્થ છે તેથી તે એક અદમ્ય મૂંઝારાની સ્થિતિ અનુભવે છે. એક તરફ ફાટફાટ જીવન છે અને અન્ય તરફ મંદપ્રાણ કવિ. આ મૂંઝારામાંથી પ્રગટે છે વૈવશ્યના અને લાચારીના ઉદ્ગારો :
   ‘હું શું કરું?’
  
   આ વૈવશ્ય ખંખેરી નાખીને પ્રાણચેતનાથી સંચારિત થવાની ઝંખનાને લીધે કવિ ‘છોડ થઈને ઊગી નીકળવાની' યા પંખી બનીને આકાશ પાંખોમાં ભરીને ઊડવાની પોતાની સ્થિતિ કલ્પે છે. પણ પોતે તો ‘સુક્કું પડેલું તૃણ’ છે, સુક્કા મૃત તૃણમાં અર્થાત્ પોતાના દેહને નવચેતનથી છલકાવી દેવાની, નવરસ સિંચીને પલ્લવિત કરાવતી કવિ ચેષ્ટા કરે છે, ત્યાં જ પોતાની એમ કરવા માટેની અસંભવિત સ્થિતિનું ભાન થાય છે. પોતાની અસમર્થતાની સભાનતા તેને તીણી અણીની જેમ ભોંકાય છે. આ નિયતિહસ્ત અસંભવ તત્વની અભિજ્ઞા પામ્યા પછી અન્ય ઉપાય ન રહેતાં પોતાની વિવશતા, અસ્તિત્વને ધારણ કરવાની લાચારીમાંથી કવિ ભાગી છૂટવા ચ્યાહે છે. પરિણામે તેનું ચિત્ત પલાયનવૃત્તિનું ભોગ બને છે : ‘અહીંથી ભાગી જાઉં ક્યાંક' પરંતુ દેહદોર્બલ્યગ્રસ્ત જાત પ્રતિની સભાનતા તો પોતે જ્યાં જશે ત્યાં સાથે આવશે. દેહ અને આંતરિક વિશ્વને અલગ કરી શકાય તેમ નથી તેવી અનેક મથામણોને, અંતે કવિને પ્રતીતિ થાય છે. પરિણામે જાત પ્રતિનો રોષ, ચીડ, મૂંઝારો અને આક્રોશ વ્યક્ત કરતાં તે બેબાકળો બની જાય છે :

   ‘પણ તે જાઉં ક્યાં ?' કારણ કે જ્યાં જાય ત્યાં જાત તો સાથે જ છે અને જાતની સહોપસ્થિતિ જ હવે તેને માટે અસહ્ય છે. ત્યાં જ ‘વાલોળનો વેલો' કવિની મદદે આવે છે, જે કવિની આશા અને ચેતનાનું પ્રતીક છે. ગોપિતમૂલ એવો આ વેલો વાડ ઉપર વિસ્તરીને જાણે અસ્તિત્વ સામેનો પડકાર ઝીલે છે. તેથી જ કવિ તેમાં પોતાની સાર્થકતા જુએ છે. કારણ કે કવિના સૌ અભાવોને પૂરા કરે તેવાં તત્ત્વો આ વેલો ધરાવે છે. કવિનો અભાવ છે શ્વાસ, ચેતના અને દૈહિક તાકાત તેમજ ગતિનો અભાવ, જે અનુક્રમે વેલામાં નિહિત તત્ત્વો પવન, તડકો અને માટીની વંટોળ રૂપ એકાકાર ગતિ દ્વારા સેન્દ્રિય અને વ્યંજક રીતે કવિએ નિરૂપ્યાં છે. પોતાના અભાવવાચક તત્વો કૃષિમાં, જે કવિના અસ્તિત્વનો એક અંશ છે, રેલાતાં જોઈને તે પોતાના તરફ ધસમસતાં આવે છે તેવી ભ્રાન્તિજન્ય પરાકાષ્ઠાની ક્ષણે જ કાવ્ય અન્ત પામે છે. આમ નારી દેહને પામવાની ઉત્કટ ઝંખનામાંથી- (જે એક સ્તરે જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાની, માટીમાં ભળી જવાની ઇચ્છા અર્થાત્ દેહના સંત્રાસે પ્રગટતી મરણેચ્છાનીય વાહક છે) પ્રદીપ્ત થતી સ્વાભિજ્ઞા દ્વારા અસ્તિત્વ અને પરાસ્તિત્વનાં ગહનતમ સ્તરો સુધી કવિ ગતિ કરે છે.

   રાવજીના અભાવોનું કૃષિ પરિસરને વિલક્ષણ, માર્મિક અને ગહનસ્તરે પ્રયોજતું અન્ય કાવ્ય છે : ‘બાર કવિતાઓ' શીર્ષક હેઠળ સંગ્રહિત થયેલી કવિતાઓમાંનું અગિયારમું કાવ્ય. અલબત્ત, આ બારેય કવિતાઓ કવિના ભિન્ન ભિન્ન અભાવોની વાચના પૂરી પાડે છે. અગિયારમાં કાવ્યનો કૃષિ પરિવેશ ચિત્ત વિક્ષિપ્તને નિરૂપવા અદભૂત રીતે ઉપયોગાયો છે. અહીં પશુઓને ચરાવવાની ક્રિયા પણ કામનાઓ, ઇચ્છાઓ, એષ્ણાઓને તૃપ્ત કરવાની ઝંખનાની વ્યંજક ક્રિયા બને છે. રબારી અર્થાત્ ગોપાલક જે ખુલ્લાં મેદાનો અને ચરાઓમાં પોતાનાં પાળેલાં પશુઓ ચરાવવા જાય છે. પોતે ઇચ્છે તે રીતે મુક્તમને તે પશુઓને ચરાવે છે. કદાચ કવિને મન તેથી જ આ રબારી પોતાના આંતરવિશ્વનું વ્યંજક પ્રતિરૂપ લાગે છે. (‘રમ્ય શાંતિ' કાવ્યમાંનો ‘ગોવાળ’ પણ આવી મુક્ત, શાંત સ્થિતિનો રૂપકાત્મક રીતે પરિચાયક બને છે.) પરંતુ અહીં કાવ્યનો આરંભ જ આ મુક્ત, સ્વૈરવિહારી રબારીના સ્થિતિવિપર્યયના નિદર્શનથી થાય છે :
“માર્ગ પરથી રબારીને લીલુંછમ
ઘાસ ભરેલું ગાડું હાંકીને જતો જોઈ
હું
પથારીમાં થોડુંક આળોટ્યો.
ચાદરમાં કશુંય ન્હોતું
છતાંય મેં એને સૂંઘી.
('અંગત', કાવ્ય – બાર કવિતાઓ, કાવ્ય ૧૧)
   રબારી ગાડામાં ઘાસ ભરીને જાય છે તે સ્થિતિ જ દુષ્કાળ સૂચક છે. રબારીએ રબારીપણું ખોઈ દીધાની આ ક્ષણ છે. મુક્તિહાસ અને અભાવપીડનની વિક્ટ સ્થિતિની આ ક્ષણ છે. લીલાશનો અભાવ અર્થાત્ જીવનનો અભાવ કવિને ઘેરી વળે છે અને પ્રતાડે છે. આ પ્રતાડનાની ક્ષણોમાંથી ભ્રાન્તિ રૂપેય અભાવોને પામવા ‘ચાદરમાં કશુંય નહોતું તો ય’ અપ્રાપ્યની ગંધને પામવાની કોશિશ કવિ કરે છે (જુઓ, ‘અમને ઘડીવાર ગંધ ઊંઘની આલો’યા ‘પ્રાણનો ભૂલમૃગ સુગંધની પથારીમાં પડ્યો રહે') અહીં ગંધ એ કવિની અનેક કામનાઓને અર્થાત્ અર્થ આપે છે. આ ગંધ પામવા કવિ આંખો બંધ કરીને સ્મરણોની કેડીએ વિહરવા લાગે છે અને વિપર્યાસ પામેલી અભાવી પરિસ્થિતિમાંથી ભાગી છૂટીને ભ્રાન્તિ સુખ માણે છે :
આંખો બંધ કરીને થોડુંક પડી રહ્યો
ત્યારે
કીકીઓમાં કશુંક લીલું લીલું ફરક્યું.
('અંગત', કાવ્ય – બાર કવિતાઓ, કાવ્ય ૧૧)
   અહીં કીકીઓ એમ કહ્યું છે, આંખોમાં નહિ, તેય સૂચક ઘટના છે. આખા શરીરમાં કીકી મૃત અંગ તે જન્મ સમયે હોય તેટલી જ રહે છે. તે જડ છે. તેમાં કોઈ વધઘટ યા ફેરફાર થતા નથી. આમ આંખમાં નહીં પણ કીકીઓમાં ફરકતી લીલાશને નિરૂપી પોતાની જડ, મૃતસ્થિતિ ભ્રાન્તિ અને અતીતને સૂચવે છે, તો રૂપે ય જડજીવનમાં પ્રાણ પ્રસરાવાની મથામણ કરે છે. પરંતુ કવિની સભાનતા અને તે ભ્રાન્તિ સુખ પણ લેવા દે તેમ નથી. તે સભાન અને સજાગ છે તેથી તુરત ભ્રાન્તિભંગ થાય છે. તેનો આવેશ કવિને વિક્ષિપ્ત કરી મૂકે છે. વિવશતાના વલોપાતમાં તે ચિત્તભ્રમની સ્થિતિ અનુભવે છે :
અને
હું દોડ્યો.
ખળળ ખળળ વહી જતા
ભીના ભીના
ગાડાની આગળ જઈ
મેં બળદની નાથ ઝાલી (એને)
ખૂબ ખૂબ બચીઓ ભરી
મને ભાન પણ ન રહ્યું કે એ તો
બળદ હતો કે લીલું લીલું સરી જતું
ઘાસ !
અને હું પથારીમાં આવીને
ડૂસકે ડૂસકે રડી પડ્યો..
('અંગત', કાવ્ય – બાર કવિતાઓ, કાવ્ય ૧૧)
   આ ચિત્તભ્રમિત સ્થિતિ કવિની અનેક એષણાઓ અને વૈવશ્યોને છતાં કરે છે. સાંઢની બળદ સ્થિતિ જ તેના માટે અકલ્પ્ય છે. બળદમાં તે પોતાનું પ્રતિરૂપ જુએ છે. ભીતરે ભંડારેલું સાંઢપણું અને દૈહિક રીતે પૌરુષહનન પામેલી સ્થિતિમાં ગાડામાં લીલુંછમ ઘાસ લઈ જતા, પરંતુ ખાઈ ન શકતા, જિન્દગીના ઢસરડા કરતા બળદની સ્થિતિમાં પોતાની જાતને જોઈ કવિ તેની લાચારીને બચીઓ ભરી આશ્વાસન આપે છે. અને પોતાના મૃત્યુ પાસે પથારીમાં આવી રડી પડે છે. જેમ આ રુદન વૈવશ્યની પરાકાષ્ઠાનું વાચક છે તેમ પથારી મૃત્યુશૈયાની જ વાચક છે. આમ, ચિત્તમાં અચેતન અવચેતન સ્તરોમાં પડેલા કામ, કામના, જિજીવિષા, મરણોપસ્થિતિ, દેહદોર્બલ્ય અને અનેક અભાવો સાથે પ્રતીકાત્મક અનુસંધાન પામેલી કૃષિપર્યાવસનાને કવિએ આબાદ રીતે કામે લગાડીને પોતાનાં વૈવશ્યો અને એષણાઓ જનિત આવેગોને કાવ્યમાં રૂપાંતરિત કર્યા છે. આ ઉપરાંત માટી, ખેડ, હળ, ચાસ, જેવા સંદર્ભો તેની અનેક રચનાઓમાં પ્રતીકાત્મકતા ધારણ કરે છે. અલબત્ત, અર્થચ્છાયાઓ અને સાહચર્યો સતત બદલાતાં રહ્યાં છે, છતાં કવિ અસ્તિત્વના તારેતારને કૃષિ તદરૂપ અનુભવે છે, અને આવી અનુભૂતિઓને અનેકવિધ પરિમાણોમાં વહેંચી આપે છે. ‘વરસાદી રાતે'માં અસ્તિત્વનાં ઉંડાણમાં ખળભળતા સંઘર્ષને તેમ કૃષકજીવનના સંઘર્ષને ભિન્ન ભિન્ન સ્તરે નિરૂપ્યો છે. તો ‘પત્નીનો નિદ્રા સ્પર્શ’ સ્વપ્નતરંગલીલાને અંતે નકર કટુ વાસ્તવનો અનુભવ કવિના આંતર-બાહ્ય જીવનમાં પડઘાતાં રતિવૈફલ્ય, હતાશા અને કરાલતાને ઉપસાવી આપે છે. ‘સમય’ કાવ્ય ‘બુઠ્ઠા’ અસ્તિત્વથી ‘કાળ’ ખેડીને નવું જીવન પામવાની વંધ્યઇચ્છાઓને વાચા આપે છે.
શેઢે પડ્યું જીરણ જે હળ સાવ બુઠ્ઠું;
મારા અશક્ત પગથી અવ કાળ ખેડું.
(‘અંગત', કાવ્ય - સમય)
   ‘સીમનું મન’માં કૃષિજીવનનો વ્યામોહ અને તે પ્રતિની માયાનો ભાવ વ્યક્ત થયો છે. ‘બાર કવિતાઓ’ શીર્ષક હેઠળની કૃતિઓમાં વારંવાર આ કૃષિસંદર્ભ અનેક સંદર્ભે પ્રયોજાયેલો જોઈ શકાય છે. જેમકે – ‘સંભાવામિ યુગે યુગે' વાળી કૃષ્ણઉક્તિને કારણે પોતાની મૃત્યુજનિત કરાલ- વિકરાલ સ્થિતિમાંથી ઉગારવા જાણે ખેડાતા ચાસમાંથી કૃષ્ણ પ્રગટશે તેવી સ્થિતિ કવિ કલ્પે છે.
ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય
ચાસમાંથી શ્રીકૃષ્ણ ઊગે અને
વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય
('અંગત', કાવ્ય – બાર કવિતા)
   રાવજીની કૃષિવિષયક સંવેદનાને વ્યક્ત કરતી કૃતિઓ જોતાં તુરત જ જણાઈ આવે છે કે કૃષિ એ રાવજી માટે કાવ્યશોખ પોષવાનું સાધન નથી પણ જેમ તેને જીવવા માટે કવિતા તેમ કવિતા માટે કૃષિ અનિવાર્ય જરૂરિઆત છે. કૃષિ તેનાં અસ્તિત્વનું ઘટક છે. તેમ તેની કવિતાનું ય ઘટક છે.

   ગુજરાતી કવિતાની પરંપરા તપાસતાં સ્પષ્ટ થશે કે કૃષકપરિવેશનો આવો અંગત અને વિરલ, વિલક્ષણ વિનિયોગ કોઈ અન્ય કવિએ કર્યો નથી. કૃષિને માનવ અસ્તિત્વના ગહનતમ સ્તરોનું પ્રતીક બનાવીને અસ્તિત્વનાં ઊંડાણો પ્રમાણનાર એ આપણો એક માત્ર કવિ છે તે જ તેને અપૂર્વ સિદ્ધ કરે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment