7 - કદી સાચ સાથે / બિપિન પટેલ


   આગામી દિવાળી અંક માટે નવા જ મુદ્દા પર લેખ આપવાનું કમિટ કર્યું હતું પણ આજ દિન સુધી કંઈ લખાયું ન હતું. નવા દિવસો નજીક આવતા ગયા એમ એમ તંત્રીના ફોન પર ફોન આવવા માંડ્યા. છેવટે એમણે મારા લેખ જેટલી જગા છોડી બાકીનું મેટર કંપોઝમાં આપી દીધું. મને સાંપ્રત સમયમાં ચોટડુંક બેસે એવો લેખ લખવાનું મન હતું. વચલા દિવસોમાં ઘણા વિષયો વિચારી જોયા પણ મન મ્હોર્યું નહીં ! એક વાર એમ જ સાવ ખાલી દિમાગે બેઠો હતો અને ઝબકારો થયો કે આજકાલ અભિપ્રાય આપવાનું સહેજ મુશ્કેલ બને એટલામાં જાતને બચાવવાનું જે વલણ આપણા સૌમાં પ્રબળ થતું જાય છે એ મુદ્દે લખું તો? આમ તો હું મારાં લખાણો મોટા ભાગે કુટુંબના સભ્યોને માથે નથી મારતો. પણ આ લેખનાં બેત્રણ પાનાં લખાયાં પછી આગળ વધતું ન હતું. મને થયું. આ લોકોને વંચાવું, કંઈક વાત વળાંક મળી આવે, તો લેખ આગળ વધે? આમ પણ અમે સાંજે બધાં સાથે જમીએ ને દેશદુનિયાની વાતો કરીએ, એ અમારો શિરસ્તો છે. મેં ઝટપટ જમવાનું આટોપી મારા લેખનો આરંભ વાંચવાની દરખાસ્ત કરી. કોઈએ વાંધો- વિરોધ ન નોંધાવ્યો એટલે મેં શરૂ કર્યું:

   સત્યનો મારગ છે શૂરાનો
   ઉનાળાનો તીખો તાપ, આગ ઓકતાં વાહનો, રોડના એક છેડે પેલા તાપ-આગને ભુલાવે એવા રોષથી એક માણસ નીચે પડેલા માણસ પર ચપ્પાના ઘા પર ઘા ઝીંકી રહ્યો છે. ઘટનાના વર્તુળ આસપાસનું વિશ્વ એની આગવી ચાલનાએ વણથંભ ચાલ્યા કરે છે. નજર સામે બનેલા બનાવથી આંદોલિત થયા સિવાય એ જ ગતિએ, તેજ ગતિએ વહ્યા કરે છે. આંખોની સામે ઘટતી આવી ઘટનાથી અલિપ્ત કેમ રહેવાતું હશે? કાફકાની ‘મેટામોર્ફોસીઝ' વાર્તામાં જંતુમાં રૂપાંતરિત થયેલા ગ્રેગોર સામસાની વેદનાથી વિચલિત થયા સિવાય એનાં માતાપિતા દીકરીના વિવાહની ચિંતા કરતાં લહેરથી ટ્રામમાં સહેલ કરે છે. કાફકાની જ ‘જજમેન્ટ' વાર્તાનો નાયક પિતાના એકાધિકારમાંથી ઉપજેલા કંટાળાને ખાળવા પુલ પરથી નદીમાં ઝંપલાવે છે તે પછી પણ પુલ-રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત ચાલ્યા કરે છે. આપણે ઉપર નોંધ્યો તે બનાવમાં મનુષ્યની ઉત્તરોત્તર શેષ થતી રહેલી સંવેદનશીલતા તો છે જ પણ જરા વિસ્તારીને ઊંડાણથી જોઈએ તો બની રહેલી ઘટનામાં જોડાવવાથી, ભોગવવાનાં – વેઠવાનાં આવતાં પરિણામનો ભય, શક્ય છે એ ચપ્પાના ઘા તમારા પર પણ થાય – તેનો ભય અને કાયદાકીય આટાપાટામાં અટવાઈને, કોર્ટના ધક્કા ખાઈને આપણી શાંતિ ક્યાં ખોવી એવો નિર્વેદ અને ઉપેક્ષાનો ભાવ પણ હોય. એટલે ઊંડે ઊંડે ક્યાંક સ્ટેન્ડ ન લેવાથી, પક્ષકાર ન બનવાથી, સામેલ જ ન થવાથી થતા ફાયદા અને તેથી મળતી શાંતિની વાંછના પણ હોય ખરી.

   હવે એક ઘટના શિક્ષણ જગતની જોઈએ. એક ઇન્ટરવ્યુમાં ઍક્સ્પર્ટ તરીકે તમારી વરણી થઈ છે. તમારી જેમ બીજા પણ બે સભ્યો પસંદગી સમિતિમાં છે. એ સભ્યો તમારા પરિચિત છે. વાયા વાયા કોઈક નબળા ઉમેદવાર પર પસંદગીની મહોર મારવા સમિતિના બધા સભ્યો ઉપર ભલામણ છે. ઇન્ટરવ્યુ દરમિયાન એક તેજસ્વી યુવાન એની રજૂઆત – પફૉર્મન્સથી તમારું મન મોહી લે છે. એને સહુથી વધારે માર્ક આપવા માટે તમે તૈયાર થાઓ છો પણ એ જ ક્ષણે સાથેના વડીલ એક્સ્પર્ટની સાથે નજર મળતાં સહેજ ખચકાઓ છો. એમની વેધક નજર તમને એમની સાથે પૂર્વે થયેલી સમજૂતી-ગોઠવણ યાદ અપાવે છે અને ગોઠવણ પ્રમાણે માર્કસ મુકાય છે અને પેલા તેજસ્વી યુવાનનું ભાવિ અધ્ધર લટકતું રહી જાય છે. આમ કેમ? આ બીજી ઘટનામાં નથી ભય, નથી કાયદાકીય અટવામણ, તો પછી? બધાએ ક્યાંક ગોઠવાવું છે અને ગોઠવાયેલા રહેવું પણ છે. તેથી આ, ધુતારી ગોઠવણ. વધારામાં આ રીતે એક્સ્પર્ટ તરીકે બધે જવું છે. અર્થપ્રાપ્તિ, યશપ્રાપ્તિ કરવી છે. સાથી એસ્પર્ટ સાથે સંબંધ વિસ્તારવો છે, પોતે પણ કેન્દ્રમાં રહેવું છે, પ્રવાહમાં રહેવું છે. ટૂંકમાં, બધે ગોઠવાઈ જવું છે.

   સદીનું તપ ધરાવતી સાહિત્યિક સંસ્થા, જેના કેન્દ્રમાં શુદ્ધ સાહિત્ય છે, હોવું જોઈએ – એની બેઠકમાં ભજવાયેલું દૃશ્ય પેશ કરું? એક સેમિનાર માટે વક્તાની પસંદગી કરવાની છે. એક મોવડી લિસ્ટ લઈને આવ્યા છે. પ્રમુખ સાથે ચર્ચા થઈ ગઈ છે. છેલ્લાં દસ વર્ષ દરમ્યાન આવી ગયેલા વક્તામાંથી કોઈ રિપીટ ન થાય તે જોયું છે. સંસ્થાની શોભા વધે તેવાં નામ વક્તા તરીકે પસંદ કર્યા છે. એકાદ બે સભ્યોને યાદીમાં કંઈક અંબોળણ ને કંઈક રદ કરવાનું મન છે. પ્રમુખ સાથે નજર મળે છે, બીજા સભ્યોની સામે પણ દૃષ્ટિ ફરે છે, સત્યનું ભાન થાય છે. બધું નક્કી થયેલું છે. સારું છે, આપણો પણ સમાવેશ થઈ ગયો છે ત્યારે પારકા માટે આ જામેલો મધપૂડો ક્યાં છંછેડવો? અને એમ કરતાં ક્યાંક કોઈ માખ આપણને ડંખે તો એનો એવો ડંખ શા માટે ખાવો? ગેરહાજરનો પક્ષ લેવા જતાં હાજર સામે ક્યાં બાખડી બાંધવી? એના કરતાં મૌન ભલું ! મૂગા જ રહીએ તો નહીં નફો, નહીં નુકસાન. વકરો એટલો નફો.

   ઉપરની ત્રણેય ઘટનાઓમાં આપણો નરવો-ગરવો સમાજ પ્રતિબિંબાય છે. રાજકારણ હોય, સામાજિક સંસ્થા હોય, સરકારી કે નૉનગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન – સંગઠન હોય, આપણે અભિપ્રાય, સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવાની શક્તિ ગુમાવી બેઠા છીએ. કદાચ હવે આપણને એવી ખેવના પણ રહી નથી. આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના પ્રત્યે આપણે react થવાનું સરળતાથી ટાળી દઈએ છીએ. આપણને સમજાય તે સત્ય નિર્ભીકપણે પ્રગટ નથી કરતા. મોટે ભાગે મૂંગા રહીએ છીએ. આપણા વલણની પડછે ક્યાંક ભય, ક્યાંક સ્વાર્થ, ક્યાંક ગોઠવાઈ જવાનો બેત, તો ક્યાંક બધું કોઠે પડી ગયું છે- ની રટણા જ છે. – લેખ પૂરો કરીને કાગળો સરખા ગોઠવીને ફાઈલમાં મૂકી મેં મારા આ લેખના પ્રથમ શ્રોતાઓ તરફ પ્રશ્નભરી નજર માંડી.

   મારે એ લોકોનો અભિપ્રાય જોઈતો હતો પણ ત્યાં તો સોપો પડી ગયો. મને શંકા જાગી, એમને કંટાળો આવ્યો હશે? મારી આમન્યા રાખીને વિરુદ્ધ મત વ્યક્ત કરવા નહીં માગતા હોય? એમ તો ન બને. ઘરમાં સારું એવું મુક્ત વાતાવરણ છે. દીકરો જ નહીં દીકરી પણ મારી કડકમાં કડક ટીકા કરી શકે. શું મારો લેખ એકતરફી, ઇમ્પ્રેક્ટિકલ લાગ્યો હશે? કે પછી એમણે પણ સ્ટેન્ડ નહીં લેવું હોય ? અભિપ્રાય વ્યક્ત નહીં કરવો હોય ?

   મારી ધીરજ ખૂટી એટલે આકારને સીધું પૂછ્યું, ‘દીકરા, કેવો લાગ્યો લેખ? એમાં વ્યક્ત થયેલા વિચાર વિશે તારું શું માનવું છે?’
   આકારે એની બંને બાજુ બેસેલાં એની મમ્મી અને બહેન તરફ જોયું- સહેજ ગળું ખખાર્યું અને કહ્યું, ‘લેખ તો સારો છે, પણ એમાં રજૂ કરેલો વિચાર ડિબેટેબલ છે. તમને ખરાબ ન લાગે તો કહું. આમ ડગલે ને પગલે સ્ટેન્ડ લીધા કરીએ તો જિંદગી હરામ થઈ જાય. સગાં- વહાલાં વેરી થઈ જાય. મૈત્રીસંબંધો તૂટી જાય. ધારો કે તૂટી ન જાય તો પણ મધુર તો ન જ રહે, સહેજ કડવાશ આવી જાય. મને જુઓ છો ને? બધા મિત્રોને મારી સાથે ફાવે, કૌટુંબિક મેળાવડાઓમાં પણ ખોટી ચર્ચા વખતે ‘my tongue is always tied.’

   મેં એને કહ્યું, ‘આ વાક્ય શેક્સપિયરનું છે. તારી વાત સાચી કે તે સમયના ઇંગ્લેન્ડના રાજા, ઉમરાવ સાથે એને કોઈ અણબનાવ નહોતો થયો, કારણ ‘tongue tied' પણ એની પાસે નાટકનું હથિયાર હતું. તેં એના હિસ્ટ્રીઝ વાંચ્યા છે? રાજઘરાનાનું બરાબર ડિસેક્શન કર્યું છે એણે. મારો વહાલો પાછો એવાં નાટકો રાણીના દરબારમાં ભજવે. પણ આમ તારી વાત સાચી.

   આકારે કહ્યું, એ જે હોય તે, મને તો સુખી થવાનો એ માર્ગ યોગ્ય જણાય છે. બાકી એકબીજા કપાઈ મરતા હોય કે કોઈને ભારે નુકસાન થતું હોય, જ્યાં સુધી આપણો stake ન હોય ત્યાં સુધી ખોટી ઝંઝટમાં પડવું નહીં.

   જો આપણી ચર્ચાથી સામેના છેડાનો દાખલો આપું, એમ કહીને મેં એક ઘટના વર્ણવી. હું દરરોજની જેમ રિસેસમાં પાન ખાવા નીકળ્યો. ગલ્લા પાસે એક ડોશી હંમેશની જેમ વાડકો લઈને ભીખ માગતી બેઠી હતી. હું દરરોજ ત્યાંથી પસાર થાઉં, દરરોજ વાડકો ધરે, એનો વાડકો ધરાર ન ખખડે, કારણ કે હું માનું છું કે આ રીતે શ્રમ કર્યા વગરના લોકોને પૈસા આપવા એ ક્રાઇમ છે. તે દિવસે પણ હું એ જ ક્રમમાં પાછો ફરવા જતો હતો ને હું અટક્યો. મને એની આંખની કરુણતા અડી ગઈ. મેં વૉલેટમાંથી જે હાથમાં આવી તે, પચાસની નોટ વાડકામાં નાખી. ખણખણાટ ન થયો, પણ એણે ઝીણી આંખ કરી નોટ જોઈ ને એનો આખો દેહ આનંદના અતિરેકમાં ધ્રૂજી ઊઠ્યો. મારે માટે એ વિરલ દૃશ્ય હતું. તને થશે આ ઘટનામાં સ્ટેન્ડ લેવાની વાત ક્યાં આવી? તો મારે એ કહેવું છે કે ભીખ માગીને જીવન જીવવાની એની પદ્ધતિનો મોડે મોડે પણ મેં સ્વીકાર કર્યો એ એના પક્ષમાં લીધેલું સ્ટેન્ડ નહીં તો બીજું શું છે? એ જ રીતે ઝઘડતા, ચર્ચા કરતા, કોઈકની વિરુદ્ધ ગેમ કરતા, કોઈકને ફાયદો તો કોઈકને નુકસાન કરતા બે પક્ષ હોય, ઘણી વાર એમની વચ્ચે બહુ બારીક હેરલાઈન ડિફરન્સ જ હોય, ત્યારે પણ તમને જે સમજાય તે સત્ય – આ સત્ય શબ્દ ભારે લાગે, એબસ્ટ્રેક્ટ લાગે તો – તમે સહમત હો તે વ્યક્તિના પક્ષે બોલો, તેની સાથે રહો ત્યારે એ વ્યક્તિને કેટલો આનંદ થાય, એને કેટલું બળ મળે એની તને ખબર છે? એવી વ્યક્તિની આંખોમાં પેલી વૃદ્ધાની કરુણતા તમે જોઈ છે કોઈ દિવસ? આકારે વળી, મૌન ધારણ કરી એનો મત પ્રગટ કર્યો.

   અત્યાર સુધીમાં એકાદ બે વાર બોલવા પ્રયાસ કરતી ઈરાને હવે તક મળી. એણે કહ્યું, સાવ સાદી વાત માટે આટલી બધી ઘટનાઓની મારે જરૂર નથી. પ્રિ.આર્ટસમાં વર્લ્ડ રિલિજિયન ભણતી ત્યારે બુદ્ધનો મધ્યમ માર્ગ એ મને મનુષ્યજાતિ માટેની સર્વશ્રેષ્ઠ વિચારધારા લાગી છે. જુઓ, તમે બંને સાવ સામે છેડે જઈને બેસી ગયા ને? પોતાની વિચારણાના આધાર તરીકે તમારી પાસે તર્ક પણ હશે. માનો કે છે, પણ તમે બંને એક વાત ભૂલી ગયા કે સત્ય ક્યાંક એ બે અંતિમોની વચ્ચે છે. ઇનશોર્ટ મારો ઑપિનિયન આપું તો પપ્પાની જેમ ડગલે ને પગલે સ્ટેન્ડ લીધા કરવું એ જાતે દુ:ખ વહોરવાની જીવનરીતિ થઈ. આમ જીવ્યા કરીએ તો ગુમાવવાનું તો જે હોય તે પણ જીવનમાંથી આનંદ તો અચૂક ગુમાવી બેસો. તમારું પોતાનું જીવન જીવવાને બદલે જગતકાજી બની જાઓ. ડગલે ને પગલે ઑપિનિયન આપવાની ટેવ પડી જાય ને જરૂરી બિનજરૂરી મુદ્દાઓમાં અટવાયેલા જ રહો. તો બીજી રીતે જોઈએ તો આકારનો પૉઇન્ટ ઑફ વ્યૂ બિલકુલ અમાનવીય છે. હ્યુમન રેસના સર્વે વ્યવહારોને આટલી ક્રૂઅલ્ટીથી ન જોવા જોઈએ. આટલી હદની વ્યક્તિ કેન્દ્રિતતા સ્વાર્થ નહીં તો બીજું શું? વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાનું આપણું ગજું ભલે ન હોય, સમષ્ટિને પ્રેમ કરી શકવાની આપણી પહોંચ અને કાઠું પણ ન હોય પણ કુટુંબમાં ઊભી થતી સમસ્યાઓ, મિત્રોના પ્રશ્નો કે પછી આસપાસ બનતી ઘટનાઓ પરત્વે આટલા ડિટેચ્ડ કેવી રીતે રહી શકાય?

   મને થયું આ બંને છોકરાં પ્રત્યક્ષ રીતે ભલે લેખનમાં ન પરોવાયાં હોય, પણ ખાસ્સું ઊંડું વિચારે છે. મેં મારી પત્ની અમૃતાને અને પુત્રવધૂ ઇલાને પૂછ્યું, તમારે બંનેને કંઈ નથી કહેવાનું? અમૃતાએ રોકડું પરખાવ્યું, ‘તમારો નકારભર્યો પ્રશ્ન જ સૂચવે છે કે તમને અમારા મતની કંઈ નથી પડી.’ અરે! એવું કંઈ નથી, કહી મેં ‘સૉરી’ કહ્યું. અમૃતાએ આગળ ચલાવ્યું. ‘અમારી બંનેની સામેલગીરી ઘરના એકેએક પ્રશ્ને ન હોત તો ચલાવી રહ્યા હોત તમારું ઘર, ઘરમાં થયા છે ક્યારેય મોટા ઝઘડા ? ત્યારે અમે બેએ રોલ ન ભજવ્યો હોત તો કુટુંબ વેરવિખેર થઈ ગયું હોત. ઘરની બહારના પ્રશ્નોની અહીં ભૂતભાઈનેય નથી પડી. ત્યારે મિયાંની દોડ ક્યાં સુધી તો કહે મસ્જિદ સુધી.

   થોડી ક્ષણો માટે ડાઇનિંગરૂમ મૂગોમંતર થઈ ગયો. મને થયું આ તો ચર્ચાનો મુદ્દો વધારે ગૂંચવાયો. આ ચર્ચાઓ લેખમાં કઈ રીતે ઢાળું? મને હજુ કંઈ ખૂટતું હોય એવું લાગે છે. વાર્તાની જેમ ચમત્કૃતિ ભલે ન આવે પણ નિબંધનો અંત પણ વાચકને એક હળવો ધક્કો મારે, આંદોલિત કરે, એના વિચારજગતને સહેજ ડહોળે એવો તો હોવો જોઈએ ને? જેમાં મારી સંડોવણી હતી એ ઘટના બરાબર યાદ આવી. અને થયું અંત તરીકે એ મને ફિટ બેસશે. ઘરના સભ્યો સાથે શેર કરેલી ચર્વિતચર્વણા મને અર્થહીન લાગી. ઊભા થઈ રાઇટિગ ટેબલ પાસે પહોંચી ગયો ને એક લસરકે લખી નાખી આખી ઘટના.

   સ્વસ્તિક ચાર રસ્તાથી નવરંગપુરા તરફ કારમાં જતો હતો. સાથે એક વડીલ સાહિત્યકાર મિત્ર હતા. અમે બંને કોઈક મુદ્દે ચર્ચામાં મશગૂલ હતા. ત્યાં ‘બાવીશીભવન’ પાસે તમને જો ખબર હોય તો ત્યાં રસ્તાના છેડે દરગાહ હતી. અત્યારે મોટી ફૂટપાથ છે. આ જગ્યાનો ચાલવા સિવાય પણ કશોક ઉપયોગ હોય તેમ એક દાઢીવાળો, લુંગી પહેરેલો વાને સીસમના કટકા જેવો, એના હાથ જોયા હોય તો કોક બલિષ્ઠ પુરુષના સાથળ જેવા, હાથમાં ચામડાનો પટ્ટો હોય કે પછી પાતળી સાંકળ, દૂરથી ગાડી ચલાવતા બરાબર ખ્યાલ નહોતો આવતો. એ ઝનૂનથી સાંકળ આકાશમાં ઉલાળે ને એક પચીસ વર્ષના યુવાનના બરડા પર ‘સાલ્લે કુત્તે, કમીને, તેરી યે મજાલ’ બોલતો જાય ને ઝીંકતો જાય. પેલા યુવાનના શર્ટના ઊડેલા લીરા લોહીથી રંગાઈ ગયા હતા. એણે બે હાથ બોચી ફરતે વીંટાળી દીધા હતા. ક્યારેક સાંકળ એના પર ઝીંકાતાં હાથ છૂટી જતા ને એ વેદનાથી કણસતાં કણસતાં ‘યા અલ્લાહ' એટલું મોટેથી બોલી ઊઠતો કે આખો રોડ પડઘાતો. ટ્રાફિકજામને કારણે મારી ગાડી ધીમી ધીમી ચાલતી હતી. પેલા યુવાનની આસપાસ પચાસ માણસોનું ટોળું વીંટળાયેલું હતું. બરાબર આ દૃશ્યની સામે મારી ગાડી આવી ત્યારે બ્રેક પર પગ મુકાયો, સહેજ દબાયો ને તરત ઊંચકાઈને એક્સિલરેટર પર દબાઈ ગયો. સાથે બેઠેલા મિત્ર બ્રેકનો આંચકો વાગતાં ‘કેમ બ્રેક મારી ?' એમ પૂછી બેઠા. મને નિરુત્તર જોઈને એ પણ મૂગા થઈ ગયા. મેં મારી જાતને પ્રશ્નો પૂછ્યા, કારમાંથી ઊતરીને પેલા પુરુષનાં બાવડાં પકડી એને અટકાવ્યો હોત તો? મારું એકવડિયું શરીર જોતાં એમ શક્ય ન બને તો પેલા યુવાનની આડે ઊભો રહી ગયો હોત તો? બહુ બહુ તો એકાદ બે સાંકળ મને પણ પડી હોત. એટલું જ ને? અરે, એમ પણ ન બન્યું હોત. શહેરમાં નવા નિમાયેલા પોલીસ કમિશનર સાહિત્યરસિક છે તેથી ખાસ મિત્ર થઈ ગયા છે. એમને મોબાઇલ કર્યો હોત તો તરત પોલીસ આવી ગઈ હોત. પણ પેલા યુવાનનું આક્રંદ તો અટકાવી શક્યો હોત ને? પણ આમ પ્રતિક્ષિપ્ત ક્રિયાની જેમ રોકાઈ જવાનું ને વિશ્વની ચાલનાએ ચાલ્યા કરવાનું બન્યું એ હકીકત છે.

   આખો લેખ ફેર કરીને ફાઈલમાં મૂક્યો. સાંજે અથવા કાલે રૂબરૂ પ્રેસ પર પહોંચાડવાનો હતો. કાયમની જેમ ડાઇનિંગટેબલ પર બધાં ગોઠવાયાં હતાં. લેખનો કોઈ મુદ્દો બાકી નહોતો રહ્યો. એટલે હું મૌન હતો. બધા મૂગાં મૂગાં જન્યે જતાં હતાં. ત્યાં જ ઈરા સામે જોઈને આકારે કહ્યું, ‘જો વલસાડથી મારા ખાસ મિત્રના પપ્પાનો સવારે ફોન હતો. એ લોકોની ત્રણ ફેક્ટરી છે. કૅમિકલ્સના બિઝનેસમાં અત્યારે ધૂમ તેજી છે. સો એકરની બે વાડીઓ છે. એમની એક જ ડિમાન્ડ છે : “છોકરી ભણેલી ગણેલી હોય ને કુટુંબ સંસ્કારી”. આ બે વાતે આપણામાં કોઈ ખામી નથી. તું અને પપ્પા સહમત હો તો વાત આગળ ચલાવીએ.

   આકાર ઈરા કરતાં બે વર્ષ મોટો પણ બાળપણથી એની વડીલશાહી ચાલે, એની સાથે સહુને સહમત કરવાની એને ટેવ પડી ગઈ છે. એનો મુદ્દો ધારદાર તર્ક ને એક વડીલને છાજે એવી ઓરેટરીથી રજૂ કરે કે તમને અન્યથા વિચારવાની તક ન મળે. મને સાહિત્યેતર બાબતે ખાસ ગતાગમ ન પડે તેથી આકાર અને એનાં મા જ બધો વ્યવહાર ચલાવે. ઈરા સોશિયલ સેક્ટરમાં કામ કરે. પૈસા સહુને જોઈએ પણ એનું લક્ષ્ય માત્ર નાણાં નહોતું, સમાજસેવાની તાલાવેલી, કહો કે ઝંખના પહેલેથી. સ્કૂલમાં હતી ત્યારે ચિત્ર દોરવા બેસતી. પહેલાં ચિત્રનું શીર્ષક કાગળને મથાળે લખે: ‘ગામડું’ પછી આખું ગામ ચીતરે એની કાલીઘેલી રેખાઓથી. છેક છેલ્લે ગામથી ઘણે દૂર એક ઝૂંપડીના ઓટલે બે ફૂમતાંવાળી છોકરી ચીતરે. એણે એના ભાઈને ખરાબ ન લાગે એટલે સૂચન કર્યું, ‘અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી એ દિશામાં ન વિચારીએ. પછી હળવેથી મમરો મૂકતી હોય એમ કહ્યું: એમ રાહ જોતાં જોતાં કદાચ સોશિયલ સેક્ટરમાં કામ કરવા રાજી હોય એવી કોઈ પ્રપોઝલ પણ કદાચ આવી શકે.

   આકાર અકળાઈ ગયો. જો તારે ભિખારી જ રહેવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારા એ શકોરા સેક્ટરથી કંઈ જિંદગી નહીં ચાલે. પૈસાની વૅલ્યુ તમને તમારા આજના આદર્શવાદમાં નહીં દેખાય પણ જ્યારે એની જરૂર પડશે ત્યારે રોતાંય નઈ આવડે. ઈરાએ ઠંડા કલેજે જવાબ આપ્યો. એમ થશે તોય રોતી રોતી તારી પાસે તો નહીં જ આવું. આકારને ગમ્યું નહીં. એ ઊભો થવા જતો હતો ને ઈરાએ શાંતિથી હાથ ઊંચો કરીને એને બેસવાનો ઇશારો કર્યો. પપ્પાનું રૂલિંગ સાંભળીને જા. એ કહેશે એ મને મંજૂર હશે – બસ ? હું સમાધાન કરી લઈશ. બોલો પપ્પા, કહીને બે કોણી ડાઇનિંગટેબલ પર ટેકવીને બેય હથેળીના સ્ટેન્ડ પર મોઢું ટેકવીને મારી સામે જોઈ બેસી રહી. પણ હું બોલું તો શું બોલું ?
(‘અખંડ આનંદ', ઑક્ટોબર, ૨૦૦૬)


0 comments


Leave comment