1.1 - ચારણી સાહિત્ય અને યુગપ્રભાવ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   “સાહિત્ય કોઈ દેશ યા જાતિના સમયવિશેષના વિચારો અને ભાવોનુ પ્રતિબિંબ હોય છે.” આ યુક્તિ ગુજરાતના પ્રાચીનકાલીન ચારણી સાહિત્યને પણ લાગુ પડે છે. પ્રાચીન ચારણી સાહિત્યમાં એ સમયના ગુજરાતના લોકજીવનનો પડઘો સંભળાય છે. શસ્ત્રોના ખણખણાટ અને અશ્વોના હણહણાટનો એ સાહિત્યમાંથી ઘોષ ઊઠે છે; જીવનસંઘર્ષ, દેશપ્રેમ અને જાતિગૌરવથી એ સાહિત્ય છલોછલ ભરેલું છે. તોયે એમાં કોરી શસ્ત્રવીરતા નથી. જીવનના ઉલ્લાસ અને રસનો પણ ચારણી સાહિત્યમાં ‘ઢોલા મારુ રા દુહા’ વગેરે રૂપે ઉચિત રીતે સ્વીકાર થયો છે. વસ્તુત: માનવહૃદયમાં પ્રેમ-શૌર્ય સાથે જ વસતાં હોવાનો એ સમયના ચારણી સાહિત્યમાં ‘ઢોલા મારુ રા દુહા’ જેવી કૃતિઓ દ્વારા સ્વીકાર થયો છે. જીવનના ડહાપણનો પણ આણંદ-કરમાણંદના દુહા દ્વારા આવિર્ભાવ થાય છે. આજે છે તેવાં જ સ્વાર્થનાં જાળાં તે સમયે પણ સંસારમાં હશે જ, જોકે એ વેળા કંઈક માનવીય સત્વ વધુ હશે. પણ અંતે સંસાર એ સંસાર જ છે ને ? આમેય વેદકાળથી સંસારનાં સ્વાર્થીપણાનાં ગાણાં ગવાતાં આવ્યાં છે. આજે છે તેવી જ જગદંબાભક્તિ એ કાળે ચારણોમાં અને લોકમાં હશે તેમ આણંદના રચેલા દેવી સ્તવનથી સમજાય છે. ઢૂમણ ચારણ પણ ધર્મનો ઉપદેશ આપીને અહિંસાનો પંથ બતાવે છે. આઈ વરુડીનું ગીત જોતાં સમજાય છે કે ડિંગળી છંદશાસ્ત્ર ઠીક ઠીક જૂનું છે. ૮૪ પ્રકારનાં ડિંગળી ગીતોનો રચનાસમય કદાચ સોલંકીયુગ પણ હોઈ શકે, તેમ આઈ વરુડીનું ગીત સૂચવે છે.

   પ્રાચીનકાલીન ચારણી સાહિત્યમાં પ્રણયભાવના વધુ જોવા મળે છે, જે એ સમયના ઉલ્લાસિત લોકજીવનનું સાક્ષ્ય છે અને છતાં એ પ્રણયભાવનામાં જે મર્યાદાશીલતા, ઊર્મિશીલતા અને ઊંડાણ રહેલાં છે, એ વિશિષ્ટ અને નોંધપાત્ર છે.

   તત્કાલીન સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિની અસર સમસામાયિક સાહિત્ય પર પડવાની જ, એ દૃષ્ટિએ આપણે ટૂંકમાં પ્રાચીનકાલીન ગુજરાતની પરિસ્થિતિ પર થોડો દૃષ્ટિપાત કરીએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment