1.2 - રાજકીય સ્થિતિ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
આપણે પ્રાચીનકાળની જે ટોચરેખા દોરી છે તે પહેલાં પાંચસો વર્ષોથી ભારત ઇસ્લામને ઓળખતું થઈ ગયું હતું અને ઇસ્લામ અને ભારત વચ્ચેના સવાલ-જવાબો ત્યારે તલવારની ભાષામા થતા હતા.
ઈસ્લામના દાહક સ્પર્શની કથા શીલાદિત્ય સાતમા અને વલ્લભીપુરના નાશ થવાના ઐતિહાસિક પ્રસંગથી શરૂ થાય છે. (ભારત રાજ્યમંડળ : લે. અમૃતલાલ શાહ, પૃ. ૨૮૦) ઇતિહાસ શાખ પૂરે છે કે જૂનાગઢના રા’નરપતને ગજનીના શહેનશાહ ફિરોજશાહ સાથે સંઘર્ષ થયો હતો. (ભારત રાજ્યમંડળ : લે. અમૃતલાલ શાહ, પૃ. ૨૪) ઈ.સ. ૧૪૯૦માં કચ્છના રાવ અમરજી પર કાબૂલનો શાહ ચડી આવ્યો હતો. (ભારત રાજ્યમંડળ : લે. અમૃતલાલ શાહ, પૃ. ૨૪) મહમદ ગજનીની સોમનાથ પરની ચડાઈઓનાં પ્રમાણો ગોતવાં પડે તેમ નથી. સિંધના સુમરાઓ પરની જૂનાગઢના રા'નવઘણની ચડાઈ પણ એ જ સંઘર્ષકથાનો એક ભાગ છે. (ભારત રાજ્યમંડળ : લે. અમૃતલાલ શાહ, પૃ. ૨૪) આજેય એ કથા લોકસાહિત્યમાં નિરૂપિત થઈને દુહા-છંદોમાં લોકડાયરાઓમાં ગામડે ગામડે ગવાય છે.
સૌરાષ્ટ્રના ઝાલા રાજવંશના ઇતિહાસ પર દૃષ્ટિ દોડાવીએ તો ઝાલા રાજવંશના સૌરાષ્ટ્ર-ગુજરાતમાંના આગમનનું કારણ પણ ઝાલા રાજવંશના મૂળ પુરુષ હરપાળના પિતા કેસર મકવાણા સાથે સિંધના સુમરાઓનો સંઘર્ષ જ છે. (ભારત રાજ્યમંડળ : લે. અમૃતલાલ શાહ, પૃ. ૧૦૨) આ વાતનો સ્વ. નથુરામ સુંદરજી શુકલે પોતાના ‘ઝાલાવંશ વારિધિ’માં ઉલ્લેખ કર્યો છે અને અન્ય સૌ ઇતિહાસકારો એ વાતને માન્ય રાખે છે. કવિ લાંગીદાસ મહેડુએ પણ ‘રાજ સગણ’ ગ્રંથમાં એ જ વાત કહી છે.
“કેહર સહસ પંચાસ કટક કરિ;આઆ સંધ તણાં ધર ઉપરિ;ઈખે કેહર સેન અથાહ;સંકાઉ સંધતણુ પતસાહ” ...૭૫ (‘રાજ સગણ’ (અ.પ્ર.), કર્તા : લાંગીદાસ મહેડુ, સૌ . યુ.ચા.સા., હ. પ્ર. ભં. ચો. નં. ૪૬, હ. પ્ર. નં.૨૨૮૯)(પચાસ હજારની ફોજ લઈને કેસર સિંધ ઉપર ચડ્યો. એ ભારે ફોજને જોઈને સિંધનો બાદશાહ ભય પામ્યો.)
એ પછીનો ઝાલા રાજવંશનો ઇતિહાસ પણ મુસલમાનો સાથે તલવારના ઘાવોની આપ-લેની કથાથી ભરાયેલો પડ્યો છે. પ્રાચીનકાળની આપણે આાંકેલી સમયમર્યાદાનો અંતિમ છેડો પણ ઝાલા રાજવી વાઘાજી અને મુસલમાન સુલતાનના લોહીયાળ યુદ્ધની દાસ્તાનવાળો છે. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૧૦૬)
ગોહિલ રાજવંશમાં પીરમ બેટમાં મોખડાજી ગોહિલનું મુસલમાનો સાથેનું ઘમસાણ યુદ્ધ અને તેમના પિતા રાણાજી ગોહિલ પરના તુર્કોનાં ધાડાંની કથા ઇતિહાસપ્રસિદ્ધ છે. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૮૪)
ઈડરના રાજવંશને પણ પૃથ્વીરાજ ચૌહાણના સમયથી જ મુસલમાનો સાથે સંગ્રામનો સંબંધ બંધાયો. (ઈ.સ. ૧૧૩૯) અને પછી તે સંગ્રામ પેઢી દર પેઢી ૧૫૧૪ ઈ.સ. સુધી સતત ચાલતો રહ્યો. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૧૯૮-૨૦૦)
સૂંથના છેલ્લા રાજા જાલમસિંહજી ઈ.સ. ૧૨૪૭માં મુસલમાનો સામે લડતાં મરાણા.' (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૨૩૭)
વાંસદા રાજ પર ગુજરાતના સુલતાન મહંમદ ૧લાએ ચડાઈ કરેલી. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૨૯૨)
ભોળા ભીમદેવનો ગજનીના સુલતાન મહંમદ ગજની સામેનો સંઘર્ષ કે ગુજરાતના છેલ્લા રાજા કર્ણદેવ પરની અલાઉદ્દીનની ચડાઈ એ તો બહુ ઇતિહાસપ્રસિદ્ધ ઘટનાઓ છે.
ટૂંકમાં કહીએ તો ગુજરાતનો કોઈ નાનો-મોટો ક્ષત્રિય રાજવંશ એવો નથી જેણે મુસલમાન સામે શસ્ત્ર ન ખેંચ્યું હોય.
ઈ.સ. ૧૪૩૯થી જ ગુજરાતમાં પાલનપુરનું મુસલમાની રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તેણે પણ આજુબાજુનાં રાજ્યો સાથે ઝઘડો જાગતો રાખેલો. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૧૭૯-૧૯૪)
આ બહારના આક્રમકો સામેના સંઘર્ષની વાત થઈ, પણ બીજી બાજુ સોલંકીઓ, ચુડાસમાઓ, ગોહિલો, જાડેજાઓ, ઝાલાઓ, પરમારો, વાળાઓ એ સૌ અંદરોઅંદરના ઝઘડાઓમાં વ્યસ્ત હતાં.
જૂનાગઢના રા’ગ્રહરિપુ પરની પાટણપતિ મૂળરાજની ચઢાઈ અને એ યુદ્ધમાં આટકોટને પાદર રા’ની મદદે આવેલ કચ્છપતિ લાખા કુલાણીનું મરણ થવું એ પણ ઇતિહાસસિદ્ધ ઘટના છે. (अ.‘શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ રત્નું (પ્રથમ ખંડ), પૃ. ૧ર, आ, ભારત રાજ્યમંડળ, પૃ.૩૯)
જ્યારે કચ્છનો જાડેજા રાજવંશ તો પેઢીઓ થયાં અંદરોઅંદર ઝઘડતો આવેલો. કૌટુમ્બિક ઝઘડાનો અંત વિ.સં. ૧૫૭૫માં જામ રાવળજી કચ્છ ત્યજીને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે જ આવ્યો. (अ.‘શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ રત્નું (પ્રથમ ખંડ), પૃ. ૧૦૪, आ, ભારત રાજ્યમંડળ, પૃ.૭૦)
ઇતિહાસમાં અને લોકકથામાં પણ જૂનાગઢના રા'કવાટ શિયાળ બેટના પરમાર રાજવી અને તળાજાના ઉગાવાળાના કલહની કથા કંડારાઈ છે. (‘શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ રત્નું (પ્રથમ ખંડ), પૃ. ૩૯)
ધુમલીના જેઠવા રાજવંશ પરના જાડેજા રાજવી જામ ઉનડના હુમલા અને ધુમલીના વિનાશની કથા આજેય ધુમલીનાં ખંડેરો ગાઈ રહ્યાં છે. (‘શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ રત્નું (પ્રથમ ખંડ), પૃ. ૧૭૧)
સાહિત્યમાંય ‘રણમલ્લ છંદ’ જેવાં મુસ્લિમો સાથેના સંઘર્ષની કથા કહેતા કાવ્યો મળે છે, જે ઈડરના રાવ રણમલ્લના દિલ્હીના સુબા મીરમલીક મુહરહ સાથેના યુદ્ધની ઐતિહાસિક કથા કહે છે. (‘કવિચરિત’ (ભા. ૧-૨), લે. અધ્યા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, પૃ. ૧૬)
આ રીતે જોતાં એ સમયનું રાજકીય વાતાવરણ અસ્થિર હતું તથા નાના-મોટા સંયોગોથી સંઘર્ષમય હતું તે જાણી શકાય છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment