1.3 - સામાજિક સ્થિતિ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
આજે જે જ્ઞાતિભેદો અને ઊંચનીચની માન્યતાઓ સમાજમાં છે, તે પ્રાચીનકાળની આરંભરેખા સમયે પણ હતી. રાણકદેવીના દાખલા પરથી સમજાય છે કે એ કાળે સતી થવાની પ્રથા પણ અસ્તિત્વમાં હતી.(‘યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. કવિ માવદાનજી ભી. રત્નું (દ્વિતીય ખંડ, ષોડષીકળા), પૃ. ૨૩ર) નાતજાતના અનેક ભેદો-વિભેદો વધુ ને વધુ થતા જવાની પ્રક્રિયા એ કાળે પણ ચાલુ હોવાના પ્રમાણો છે. પ્રાચીનકાળની આરંભરેખાના સમયે જ ચારણોને યાચનારી ત્રણ નાતો હયાતીમાં આવી હતી. (‘યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ’, લે. કવિ માવદાનજી ભી. રત્નું (દ્વિતીય ખંડ, ષોડષીકળા), પૃ. ૨૩ર)
ધોબીઓ તો રામાયણકાળથી અસ્તિત્વમાં હતા. યોગવશિષ્ટ જેવા ગ્રંથોમાં શૂદ્ર-ચાંડાલ વગેરે શબ્દો વડે અત્યારના હરિજન સમાજની પદદલિત સ્થિતિનું વર્ણન મળે છે. આપણે આાંકેલી પ્રાચીનકાળની પ્રથમ રેખા આજુબાજુના સમયમાં એ પદદલિત જાતિઓની સુંદરીઓનો વામાચારમાં છૂટથી પ્રયોગ થતો હોવાનું જણાય છે. વ્રજ્યાન શાખા (વામાચારી)ના સિદ્ધ યોગી કણ્હયા (વિ. સં. ૯૦૦) કહે છે :
“નગર બાહિરે ડોંબી તોહરિ કુડિયા છઈ,છોઈ જાય સો બ્રાહ્મ નાડિયાઆલો ડોંબી ! તોએ સમ કરિબ ય સાંગ,નિધિણ કણ્હ ક્યાલી જોઈ લાગ.”
(‘હિંદી સાહિત્ય કા ઇતિહાસ’, લે. રામચંદ્ર શુકલ, પૃ.૧૨)
આ પદનો અર્થ એ છે કે, ડોમ સુંદરી - હરિજન નારીને વામાચારીઓ પોતાના સ્વેચ્છાચાર અને તંત્રસાધના માટે આહવાન આપે છે.
સિદ્ધ કુકકુરિય (વિ. સં. ૯૦૦ પછી) પણ આ જ રીતે ડોમ સુંદરીને વામાચાર માટે ઘોર નિશામાં જતી દર્શાવે છે :
“સસુરી નિંદ ગેલ, બહુડી જાગઆ કામેટ ચોર નિલકાગઈ માગઅ દિવસઈ બહુડી કાઢઈ ડરે ભાઅ, રાતિ ભઈલે કામરૂ જાય.”
(‘હિંદી સાહિત્ય કા ઇતિહાસ’, લે. રામચંદ્ર શુકલ, પૃ.૧૨)
(ભાવ : સાસુ સૂતી છે, વહુ જાગે છે, દિવસ ભય વડે વિતાવે છે, પણ રાત્રિમાં કામલીલા ખેલવા જાય છે.)
ગુજરાતમાંય આ પરિસ્થિતિ હોવાનો ખ્યાલ ‘માયાવેલ’ પરથી મળે છે.
સાથે એ વસ્તુ પણ ધ્યાનાકર્ષક છે કે હરિજન સમાજમાં અવારનવાર સવર્ણોના લોહીનું પણ સંમિલન થતું રહેલું છે. ચારણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને બીજાં સર્વ સવર્ણો સંયોગો અને પરિસ્થિતિવશ હરિજન સમાજમાં ભળ્યા. આજે ભંગી હરિજનો પણ પોતાને ક્ષત્રિયોમાંથી ઊતરેલા બતાવે છે એ સૂચક છે. જ્યારે મેઘવાળ, વણકરો અને ચમાર હરિજનોમાં તો અનેક સવર્ણ અટકો છે.
વ્યવસાય કારણે, પ્રદેશ કારણે, રૂઢિ કારણે પણ એક જ જ્ઞાતિમાંથી વિભિન્ન જ્ઞાતિઓ ઉદ્ભવી. દા. ત., ક્ષત્રિયોમાંથી કારડિયા, ગૂર્જર અને ભાથી રજપૂતો, આહિરોમાં સોરઠિયા, પાંચાળિયા, મછોયા અને પ્રાંથળિયા એવા જ્ઞાતિભેદો, કણબીઓમાં લેઉવા અને કડવા, બ્રાહ્મણોમાં પણ ઔદિચ્ય, મોઢ અને રાજગોર અને આગળ ચાલીએ તો ગોળ-વરીના વાડા-પાડા આ સૌ વિશાળ સમાજમાં ક્રમશઃ થતાં નાનાં નાનાં સામાજિક વર્તુળોની કથા કહે છે. એમાં ધાર્મિક કારણોએ પણ ભાગ ભજવ્યો હશે. જૈન સમાજમાં પણ કંઈક આવી જ સ્થિતિ હતી, પણ હિંદુઓને મુકાબલે એમાં જ્ઞાતિની સંખ્યા ઓછી હતી. માંડ ૨-૩ ભેદો હશે. બાકી સૌ વાણિયાને જ નામે ઓળખાયા. જૈન અને વણિક એ એકબીજાના પર્યાય બની રહ્યા.
(ક્રમશ :...)
0 comments
Leave comment