1.4 - ધાર્મિક સ્થિતિ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   આદિકાળનાં ધાર્મિક વલણોનો વિચાર કરીએ તો એ જોઈ શકાય છે કે, ગુજરાતમાં સનાતન ધર્મ સોળે કળાએ ખીલ્યો હતો. જૈન ધર્મ પણ પોતાની રીતે પોતાના અનુયાયીઓનું કલ્યાણ કરતો હતો અને સોલંકી રાજવીઓ નિ:સંકોચભાવે ભગવાન શિવ અને જૈન તીર્થકરોને પૂજતા હતા. એમાં અજયપાલ જેવા અપવાદો પણ હતા, જેમણે જૈન સંતોને સંતાપ્યા હતા, જેની સાખ જૈન પ્રબંધો પૂરે છે.

   હિંદુ ધર્મમાંય એ વેળા શૈવો અને વૈષ્ણવોના ફાંટા હતા. પ્રધાન શિવપીઠ સોમનાથની એ વેળા આજે છે એ કરતાં અનેક ગણી બોલબાલા ત્યારે હતી. એ કારણે કવીશ્વરોએ સૌરાષ્ટ્રનાં પાંચ રત્નોમાંના એક તરીકે સોમનાથની પણ ગણના કરી છે . કાળક્રમે વૈષ્ણવો માં પણ ફાંટા પડયા. સં.૧૨૪૫-૧૩૩૩ના સમયમાં સ્વામી માધવાચાર્યજીએ ગુજરાતમાં આવીને પોતનો દ્વૈતવાદી વૈષ્ણવ સંપ્રદાય ચલાવ્યો, જેના પ્રત્યે સારી એવી લોકચાહના રહી. (રામચંદ્ર શુકલ : ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, પૃ. ૭૬)

   જ્યારે નાથ સંપ્રદાયનું આગમન પણ ગિરનારની નાથ પરંપરાની કિંવદંતી પ્રમાણે ગુજરાતમાં ગોરખનાથ આવ્યાનું અને તેમણે ગોરખમઢીનો ગોરખધૂણો સ્થાપ્યાનું કહે છે. (ગૌસ્વામી મોહનપુરી, ‘અતીતની આંખે’, પૃ.૩૨-૩૩) નાથ સંપ્રદાયના પ્રસારની કથા કહેતી ધુંધળીમલ્લ અને સિદ્ધનાથની ઢાંકના નાગવાળાને લગતી દંતકથા-લોકકથા પ્રચલિત પણ છે અને ઝવેરચંદ મેઘાણીએ પોતાની ‘સૌરાષ્ટ્રની રસધાર’માં એને સ્થાન પણ આપ્યું છે. આજેય ઢાંકના ડુંગર પર ધુંધળીમલ્લ અને સિદ્ધનાથનો ધુણો છે. (ગૌસ્વામી મોહનપુરી, ‘અતીતની આંખે’, પૃ.૩૬)

   એ જ ઢાંકમાંથી પ્રાપ્ત થતી તોતિંગ ગણેશમૂર્તિઓ ગુજરાતમાં ગાણપત્ય સંપ્રદાયના પ્રસારનાં પ્રમાણો આપી જાય છે. (ગૌસ્વામી મોહનપુરી, ‘અતીતની આંખે’, પૃ.૧૨૨) અને આજેય ગાણપત્ય સંપ્રદાયના પ્રભાવના શેષ અવશેષરૂપ હરકોઈ મંગળ પ્રસંગે ગણપતિનું સ્થાપન-પૂજન સર્વ પ્રથમ થાય છે અને વૈશાખ સુદી ૪ની તિથિ આજે પણ ગણેશચોથ રૂપે મનાતી અને ઊજવાતી આવે છે. એ દિવસે ગણેશજીનાં નિવેદરૂપે મોદકનું ભોજન પણ આપણે સૌ પામીએ છીએ. આ કૃપા ગાણપત્ય સંપ્રદાયની હિન્દુ સમાજ પર પડેલી અસરની છે.

   આ ઉપરાંત ‘મોટો પંથ' કહેવાયેલો અને પછી દુરાચારના આરોપથી કલંકિત થયેલો જેસલ-તોરલ, ખીમડો-દાડલદે, માલદે-રૂપાંદે જેવાં ભજનિકોવાળો માર્ગી પંથ પણ ત્યારે સમાજમાં નાનાં વર્તુળોમાં હતો અને ભાંગતી રાતે એની વગોવાયેલી પાટ-પૂજાનાં ભજનોની પણ ઝીંક બોલતી. સાચું કહીએ તો એ માર્ગના સંતો આદિકાળ અને મધ્યાંતર જન્મેલા ભજનિકો છે. સવર્ણોમાં તો નહિ પણ નિમ્નસ્તરના લોકોમાં એનું વિશેષ પ્રચલન હશે તેમ લાગે છે, કેમકે એમનાં ભજનોની લોકપ્રિયતા એ સ્તરના લોકોમાં છે. વળી, મેઘ ધારુવો, ખીમડો, દાડલદે જેવાં નિજાર સંતો પણ હરિજન સમાજની ભેટ છે.

   નાગપૂજા તો ગુજરાતમાં હજારેક વર્ષથી થતી આવે છે. થાનમાં વાસૂકિનાગનુ અને ભૂજમાં ભૂજિયાનાગનું સ્થાન જાણીતું છે અને ગામડે ગામડે ચરમાળિયા કે સરમાળિયા દેવરૂપે કે પછી ઘોઘા દેવરૂપે નાગની પૂજા થતી આજે પણ જોવામાં આવે છે. જેમાં પથ્થરની એક ઊભી પાટમાં સર્પાકૃતિ કોતરેલી હોય છે. લોક એને ઘોઘા બાપા કે સરમાળિયા બાપા કહે છે. તે ઉપરાંત અનેક નાનાં-મોટાં નાગસ્થાનકો ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે છે. દા.ત., તલસાણામાં તલસાણિયો નાગ, ગોંડલમાં ગોંડળિયો નાગ, નાગદાન, નાગબાઈ, નાગજી એવાં નામો આજે પણ હિન્દુ સમાજમાં જોવા મળે છે. શ્રાવણ માસની વદીની પંચમીને નાગપાંચમનું નામાભિધાન મળ્યું છે. એ દિવસે લોકો નાગનાં નિવેદ કરે છે. નાની નાની કન્યાઓ રૂના નાગ-નાગલા કરી પૂજે છે, તો પાણીઆરે નાગ પણ ચિતરાય છે. મહાકવિ આસાજી રોહડિયાએ ‘ગોગાપેડી' એ નાગદેવતા ગોગદેવ ચૌહાણ (ઘોઘાદેવ)ની સ્તુતિ માટે રચેલી રચના છે. આમ, નાગપૂજાની પરિપાટી ઠીક ઠીક જૂની છે અને એમાંય ચારણો તો નાગકુળના ભાણેજ કહેવાયા છે, એ વસ્તુ સૂચક પણ છે. નાગના પ્રતીકને અપનાવનાર નાગજાતિનો પ્રભાવ પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હોવાનું અનુભવી શકાય છે.

   દેવી ભક્તિ-શાક્તમત તો એ કાળે પણ સૌરાષ્ટ્રનાં હરસિદ્ધિ-હર્ષદ માતાના પ્રતાપે જીવતોજાગતો હશે, તેમ માનવામાં કાંઈ વાંધો નથી. તે ઉપરાંત આબુ અને ગિરનારનાં અંબાજી, પાવાગઢનાં મહાકાળીથી લઈને ગામડે ગામડે જોવા મળતી મેલડી, એ સૌ આદિકાળ પહેલાંથી જ ગુજરાતને માતૃભક્તિનાં પીયૂષ પાતાં રહેલાં છે. તે ઉપરાંત ચારણકુળમાં જ જન્મેલી અને ‘નવલાખ લોબડિયાળીઓ'નું બિરુદ પામેલી આવડ ખોડિયાર, વરુડી, પીઠડ, જેતબાઈ, સવ્યદેવી, હોલબાઈ, નાગબાઈ અને કામબાઈ જેવી સેંકડો ચારણઆઈઓ પણ આજેય લોક અને રાજકુળે કુળદેવી રૂપે પૂજાય છે. આ વસ્તુ જ ગુજરાતમાં દેવીભક્તિના વ્યાપની સાખ પૂરે છે અને એમાંય ચારણો તો ચુસ્ત દેવીભક્ત લેખે નામના પામી ગયા છે. એ કારણે તેઓ ‘દેવીપુત્ર'નું બિરુદ લોકમુખેથી પ્રાપ્ત કરી ગયા છે.

   રાજદરબારથી લોકડાયરા સુધી વ્યાપી ગયેલ ચારણ છેવટે તો ‘પહાડોમાંય’ પ્રસિદ્ધ છે. એટલે એ ‘નગરાં ન નિપજે’ કહેવાયું છે. આમ, એના મૂળ સંસ્કાર ઋષિજનના છે. પ્રકૃતિનું બાળ છે. એ કારણે એના કવનમાં પ્રકૃતિનો સાદ તો જાણે સાદગીરૂપે કે મેઘગર્જના સર્દશ વાણીરૂપે અને રૂપક કે ઉપમારૂપે પણ સંભળાવવાનો જ, પણ સાથે સાથે એમાં જાણતાં - અજાણતાંયે પોતાના યુગના સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રવાહોની સ્પષ્ટ કે અસ્પષ્ટ છાપ આવી જવાનોય સંભવ છે, કેમકે એ આજુબાજુના વાતાવરણથી અલિપ્ત તો ન જ રહી શકે.
(ક્રમશ :...)


0 comments


Leave comment