1.5 - ચારણી સાહિત્ય : નામકરણ અને સ્વરૂપ વૈશિષ્ટ્ય / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   ચારણકવિઓએ રચેલ આ સાહિત્ય ક્યા અભિધાને ઓળખવું ? એ સાહિત્યનું વૈશિષ્ટ્ય છે. એનું નામાભિધાન શું ? એ નામ સ્વીકારવા પાછળ તાર્કિક કારણ છે ?

નામકરણ :
   ડો.જગદીશપ્રસાદે ‘ડિંગળી સાહિત્ય’ એ નામને વિવાદાસ્પદ માન્યું છે (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૩) અને તેમણે પોતે પણ એ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે, પણ તેમણે કશો નિષ્કર્ષ આપ્યો નથી. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૩)

   એ જ હાલત રાજસ્થાનના અન્ય વિદ્વાનોની છે અને ગુજરાતના મૂર્ધન્ય વિદ્વાન ઝવેરચંદ મેઘાણી પણ એ જ કેડીના પ્રવાસી થયા છે. (ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ. ૪ર/પર)

   વસ્તુતઃ સૌ કોઈએ ‘ડિંગળી-ડિંગળ’ શબ્દને ચર્ચાનો વિષય બનાવ્યો છે, પણ કોઈએ ડિંગળી સાહિત્યનું અભિધાન પામેલા ચારણી સાહિત્યનું એ સિવાયનું નામકરણ કર્યું જ નથી.

   હકીકતે સૌએ ચર્ચાનાં ખળામાં કલ્પનાના ધોકાઓ વડે ‘ડિંગળ’ને ધોકાવવામાં બાકી રાખ્યું જ નથી. ધોકાવીને અંતે એને ‘વિવાદાસ્પદ’ ગણીને હાથ ધોઈ નાખ્યા છે. કેટલાક વિદ્વાનો એને રાજસ્થાની સાહિત્ય ગણે છે, (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૦) પણ એય ડિંગળ માફક એક ભાષાકીય નામકરણ થયું. જ્યારે જે સાહિત્યની ચર્ચા કરવી છે, એ ચારણી સાહિત્યનું ક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન બંને પ્રદેશો છે. આ રીતે એને કોઈ પ્રાદેશિક કે ભાષાકીય ભેદો વડે આ રીતે જુદું ન તારવી શકાય. એ કારણે ચારણી સાહિત્યને રાજસ્થાની કહેવું એ પણ યથાર્થ નથી.

   પ્રથમ આપણે સ્વ.શ્રી મેઘાણી સહિત અન્ય વિદ્વાનોના મત જોઈ લઈએ. એ સૌ વિદ્વાનોએ મારવાડીનું ડિંગળ નામ કેમ અને કઈ રીતે પડયું ? (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૧) એ વિષે જે વિવાદ ચલાવ્યો છે તેમાં મુખ્ય મુખ્ય મતો નીચે પ્રમાણે છે :

   (૧) ડો. હરપ્રસાદ શાસ્ત્રી : શરૂમાં એનું નામ ડગળ હતું, પણ પછી પિંગળ શબ્દ સાથે પ્રાસ મેળવવા ડિંગળ કરી નાખ્યું. ડિંગળ કોઈ ભાષાનું નામ નથી, કવિતાશૈલીનું નામ છે. શાસ્ત્રીજી પોતાના કથનની પુષ્ટિ માટે જેને પોતે ૧૪મી સદીનું માને છે, એવું એક પદ કે જે તેમને જોધપુરનિવાસી કવિરાજા મુરારિદાન પાસેથી પ્રાપ્ત થયું હતું તે પણ ટાંકે છે :
“દીસે જંગલ ડગલ જેથ, જલ બગલ ચૌંટે;
અનહતા ગલ દિયે, ગલા હતાં ગલ કાટે.”
(ડો. મોતીલાલ મનોરિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૨)
   ડો. મોતીલાલ મેનારિયાએ શાસ્ત્રીજીના મતનું ખંડન પોતાના પુસ્તક ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’ (પૃ.૨૨-૨૩)માં કરતાં લખ્યું છે કે, શાસ્ત્રીજી દ્વારા ઉદ્ધૃત છંદ ૧૭મી સદીના કવિ અલ્લૂજી ચારણના છપ્પયની પ્રથમની બે પંક્તિઓ જ છે, જેનું શુદ્ધ સ્વરૂપ આ પ્રમાણે છે :
“દીસે જંગલ ડગલ જેથ, જલ બગલાં ચાઢૈ;
અણહતાં ગલ દિયે ગલા હુતાં ગલ કાઢૈ.”
(જંગલમાં જ્યાં માટીનાં ઢેફાં જ દેખાય છે ત્યાં ચારેકોર જળબંબાકાર કરે છે, પરમેશ્વર જેની પાસે નથી એને આહાર આપે છે અને જેની પાસે છે એનો આહાર એના ગળા-મોંઢાંમાંથી પણ ઝૂંટવી લે છે.)
   મજાની વાત એ છે કે શાસ્ત્રીજીએ ભાષાની ચર્ચા કરતાં કરતાં ડિંગળને કવિતાશૈલી માનીને વિરોધાભાસી વાત કરી, જે સામે પણ વિદ્વાનોએ વાંધો લીધો છે. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૪) આમ, ‘ડગળ’માંથી ‘ડિંગળ’ પ્રગટતું નથી તેમ એ શબ્દને ભાષા સાથે લેવાદેવા નથી.

   (ર) ડો.એલ.પી. ટેસિટોરીના મતાનુસાર ડિંગળ કેવળ એક વિશેષતાસૂચક શબ્દ છે, જેનો અર્થ ‘અનિયમિત' અથવા સંભવત: ‘અપરિષ્કૃત' છે. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૪)

   ડો. મેનારિયા ટેસિટોરીના મતનું ખંડન કરતાં કહે છે કે, એ મત ડિંગળને ડો.ટેસિટોરીએ ગામડિયાપણાની દ્યોતક માનીને બાંધ્યો છે, જે અયોગ્ય છે. પ્રારંભમાં ડિંગળ ગામડિયાઓની ભાષા નહિ પણ શિક્ષિત ચારણો અને બારોટોની ભાષા હતી. એમનું અને એમની રચનાઓનું રાજદરબારોમાં ઘણું સન્માન થતું હતું અને શિક્ષિત માનવો અને રાજદરબારોની ભાષા ક્યારેય ગામઠી નથી કહેવાતી. (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૧)

   ડો.જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ કહે છે કે, ડો.ટેસિટોરી પોતે જ ‘સંભવતઃ' શબ્દપ્રયોગ વડે શંકાસ્પદ કથન ક તો છે. પોતાની વાતની એમને શંકા તો છે. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૪)

   (૩) ગજરાજ ઓઝા : ડિંગળમાં ‘ડ’ વર્ણ સવિશેષપણે આવતો હોવાથી, તે પણ એટલે સુધી કે તે ડિંગળની એક વિશેષતા થઈ ગયેલ છે. ‘ડ’ વર્ણની આ મુખ્યતાને ધ્યાનમાં લઈને પિંગળના સાદૃશ્ય માટે આ ભાષાનું નામ ડિંગળ રાખ્યું છે. જેમ બિહારી ‘લ'કાર પ્રધાન ભાષા છે, તેમ ડિંગળ ‘ડ’કાર પ્રધાન ભાષા છે. (ગજરાજ ઓઝા, 'નાગરી પ્રચારિણી પત્રિકા’, ભા.૧૪, પૃ.૧૨૨-૧૪૨)

   ડો.મેનારિયા અને ડો.શ્રીવાસ્તવ આના વિપક્ષમાં કહે છે કે, ડિંગળનાં બે-ચાર પદોમાં ક્યાંક ‘ડ’કારની પ્રધાનતા જોઈને એને એની વિશેષતા બતાવવી અને એ પાયા પર એનું ડિંગળ નામ પડ્યાની કલ્પના કરવી એ તર્કદોષ સિવાય બીજું કશું જ નથી. કોઈ ખાસ વર્ણની વિશેષતાને લઈને કોઈ ભાષાનું નામ રાખવામાં આવ્યું હોય એવું હજી સુધી જાણવામાં આવ્યું નથી. કદાચ બિહારી ‘લ’ કાર પ્રધાન ભાષા હશે, પણ એથી શું ? એના નામકરણ પર તો એનો કોઈ પ્રભાવ પડ્યો નથી. તે તો ‘બિહારી’ જ કહેવાય છે. બીજો વાંધો એ છે કે, પિંગળના સામ્ય પર ડિંગળ શબ્દનું નિર્માણ થયું એવો મત છે, પરંતુ જેનું કોઈ પ્રમાણ નથી. (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૪-૨૫)

   (૪) પુરુષોત્તમદાસ સ્વામીના મતે ડિંગળ શબ્દ ડિમ+ગળથી બન્યો છે. ‘ડિમ’નો અર્થ ડમરુનો ધ્વનિ અને ‘ગળ’નો અર્થ ગળું થાય છે. ડમરુનો ધ્વનિ રણચંડીનું આહવાન કરે છે તથા વીરોને પ્રોત્સાહિત કરે છે. ડમરુ વીરરસના દેવતા શિવનું વાજિંત્ર છે. જે કવિતા ગળામાંથી નીકળીને ડિમડિમની રીતે વીરોનાં હૃદયોને ઉમંગથી ભરી દે એને ડિંગળ કહે છે. ડિંગળ ભાષામાં એ પ્રકારની કવિતાનું પ્રાધાન્ય છે. એ માટે એ ડિંગળ નામથી પ્રસિદ્ધ થઈ. (‘નાગરી પ્રચારિણી પત્રિકા’, ભા.૧૪, પૃ.૨૫૫)

   ડો.મેનારિયા મતનો આધાર લઈને ડો. શ્રીવાસ્તવે પુરુષોત્તમદાસ સ્વામીના મતનું ખંડન કરતાં કહ્યું છે કે, મહાદેવ રૌદ્રરસના દેવતા છે; વીરરસના નહીં. વળી, ડમરુના ધ્વનિ પ્રમાણે ઉત્સાહપૂર્વક અને ગળામાંથી નીકળેલી કવિતાની છેડાછેડી બાંધવી એ તો તદન યુક્તિશૂન્ય અને હાસ્યાસ્પદ છે. એથી એ મતનું કોઈ પ્રમાણ નથી. (क. ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૫ : ख. જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૬)

   (પ) ઉદયરાજજી ઉજ્જવલ જે ડિંગળના કવિ તેઓ પિંગળને પાંગળી ભાષા માને છે અને પિંગળના મુકાબલામાં ડિંગળને ઊડણી-ઊડવાવાળી ભાષા કહે છે, કેમકે પિંગળની અપેક્ષા ડિંગળના વ્યાકરણ, છંદશાસ્ત્રાદિના નિયમો વધુ સરળ છે અને કવિની ઇચ્છાનુસાર શબ્દોના મનમાન્યા પ્રયોગ કરવાની સગવડ પણ એમાં ઘણી વધારે છે. ‘ડગળ’ શબ્દ જે ડિંગળ ભાષાની ઉક્ત વિશેષતાઓનો સૂચક છે, તેનાથી ડિંગળ શબ્દ બન્યો છે ! ડગર પાંખ લ = વાળી ડગલ = પાંખવાળી = ઊડણી = સ્વચ્છંદપણે વિચરનારી અર્થાત્ સુગમતાથી પ્રયોજી શકાય તેવી. (ઉદયરાજ ઉજ્જવલ, ‘ક્ષાત્રધર્મ સંદેશ’, વર્ષ ૧ : અંક ૬-૭, પૃ. ૧૮)

   ડો. મેનારિયા આ મતની સમીક્ષા કરતાં કહે છે કે, ડિંગળને પિંગળ કરતાં વધુ સરળ માનીને આ તર્ક કર્યો છે, પણ હકીકત એનાથી ઊલટી છે. ડિંગળનાં વ્યાકરણ અને છંદશાસ્ત્ર વગેરેના નિયમો પિંગળની તુલનામાં વધુ જટિલ છે. સાથે સંખ્યામાં પણ વધુ છે. દા.ત., છંદો લઈએ. પિંગળમાં જેટલા છંદો છે એ સર્વ છંદો ડિંગળમાં પણ છે અને એથી વધારામાં ૯૪ જાતિનાં ગીત છંદો પણ છે, જેનો પિંગળમાં ક્યાંય પત્તો નથી લાગતો. એ સિવાય ડિંગળનો ‘વયણ સગાઈ’ નિયમ એવો કઠોર છે કે જેની સામે પિંગળના સર્વ નિયમો પણ ઓછા પડે. ડિંગળના કવિ પોતાની રચનાઓ વગેરે એ માટે આ ભાષામાં નહોતા લખતા કે એ પિગળથી વધુ સરળ છે, પણ એ માટે લખતા હતા કે એ એમના દેશની ભાષા છે. (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૫-૨૬)

   તે ઉપરાંત ડૉ. સુનીતિકુમાર ચેટરજી ડિંગળ શબ્દનો જન્મ ‘ડુંગર’ શબ્દ પરથી થયો માને છે, (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૫-૨૬) પણ એ માન્યતાનું કોઈ પ્રમાણ નથી. એટલે ડો.શ્રીવાસ્તવ એ મતને અસ્વીકાર્ય ગણે છે. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૮-૯)

   મૂર્ધન્ય વિદ્વાન સ્વ.મેનારિયાજીનો મત ‘ડીંગ’ શબ્દ પરથી ડિંગળ થયાનો છે, જે ખરેખર તો ડિંગળનું પરિવર્તિત રૂપ જ છે, જે ‘ડીંગ’ શબ્દ સાથે ‘લ’ પ્રત્યય જોડાવાથી થયો છે. (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય’, પૃ.૨૭-૨૮)

   આ પણ એક કલ્પના છે. ડો. શ્રીવાસ્તવ જેવા વિદ્વાનો એને પણ અસ્વીકાર્ય ગણે છે. (જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય’, પૃ.૯-૧૦)

   આ બધી ચર્ચાની કેડીએ શ્રી ઝવેરચંદ મેઘાણી પણ ચડ્યા છે. એમણે પણ ઉપરોક્ત બધા જ મતો વાચકો સામે રજૂ કર્યા છે, પણ કોઈ નિષ્કર્ષ પર તેઓ આવ્યા નથી. (ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ.૪૨-૪૪)

   ડો. ગોવર્ધન શર્મા ચર્ચાના મેદાનમાં ઊતરેલા. (ડૉ.ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય’ પૃ.૧૧૯-૧૨૩) તેઓની પણ સ્થિતિ મેઘાણી જેવી જ રહી છે.

   આ રીતે નામકરણનો સવાલ અણઉકેલ જ રહે છે. રાજસ્થાની સાહિત્ય માટે ભલે ડિંગળ શબ્દ પ્રયોજાય, પણ સમગ્ર ચારણી સાહિત્યને ડિંગળનું ભાષાકીય અભિધાન શા માટે લગાડવું ? તે એક પ્રશ્ન છે, કેમકે વિદ્વાનોએ જે કાંઈ ચર્ચા કરી છે એ ડિગળને ભાષા ગણીને જ કરી છે. આવી સ્થિતિમાં રાજસ્થાન-ગુજરાતના સમગ્ર ચારણી સાહિત્યને ડિંગળના ઢાળામાં ઢાળી શકાય એવું નથી. આનું કારણ એ છે કે ચારણી સાહિત્ય રાજસ્થાની અને ગુજરાતી બંને ભાષામાં રચાયું છે. એટલે ડિંગળી ભાષાનું સાહિત્ય ચારણી સાહિત્ય ગણીએ તો ગુજરાતી ભાષામાં રચાયેલા ચારણી સાહિત્યને શું કહીશું ? વળી, એ પણ વસ્તુ છે કે સૌરાષ્ટ્રમાં જેને ચારણી ભાષા કહે છે, તે પછી ભલે તેને ડિંગળને અભિધાને ચિહ્નિત કરે, એ રાજસ્થાની ડિંગળથી ઘણી રીતે જુદી પડે છે. એના સરસ નમૂના સૌરાષ્ટ્રના મારૂ સિવાયના અન્ય ચારણોની, વિશેષત: સોરઠિયા ચારણોની રચનાઓમાં પ્રાપ્ત થાય છે, જે રાજસ્થાનના વિદ્વાનોને પણ કઠિન લાગે. એમાંના ઘણા શબ્દો આજે વર્તમાન ગુજરાતીમાં નહિ મળે પણ કાઠી, બોરિચા, મેરો અને ચારણોની લોકબોલીમાં એ ભાષાના ઘણા અવશેષો આજેય જળવાઈ રહ્યા છે. જોકે એ પણ હવે શિક્ષણના પ્રસાર સાથે વિલાઈ જવાનો ભય રહ્યો છે.

   આવી સોરઠી અને ગુજરાતી ભાષાનાં કેટલાંક ઉદાહરણો જોઈએ. રા’માંડલિક ૩જાનો સમય ઇતિહાસ પ્રમાણે ઈ.સ.૧૪૫૧-૧૪૭ર છે. (શ્રી મુગટલાલ પી. બાવીશી, ‘ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ’, ખંડ ૭, પૃ.૩૨-૩૩) એના જ સમકાલીન આઈ નાગબાઈ અને રા'માંડલિકના કવિ સાજણશી સુરુએ રચેલા દુહાઓ જોઈએ.

સાજણશી સુરુ :
“લાખે ઉપરે લા, સુ દરે નીસરતાં નરે;
આંકે કુણ અણઆંક, પ્રાણ તાળા પાલાઉત.”
(હે મહીપાળદેના પુત્ર ! માંડલિક ! હે નર ! તેં દ્વાર ખોલીને નીકળતાં સાથે જ સુલતાનના લાખોનાં દળ માથે લા નાખી. હે અણઆંક (ગુલામીના ચિહ્ન વગર)ના આત્માવાળા રાજા, તારા પ્રાણને પરતંત્રતાના નિશાન વડે આંકી શકે એવો કોણ છે ?)

“ધારાળે ધારણ સુત, રેતુ રોધ તણે;
વાએ વીખ ડગે, મોદળ ડગે ન માંડલિ(ક)”
(શ્રી રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રત સંગ્રહને આધારે)
(શસ્ત્રો અને શસ્ત્રધારીઓનો ઘણો અવરોધ રહ્યો, પણ હે માંડલિક ! એવાં શસ્ત્રવર્ષાનાં વાવાઝોડાંથી વૃક્ષો ચલાયમાન થાય, પણ ગિરનારરૂપ તું ન ડોલે.)

આઈ નાગબાઈ :
“વંસ છાત્રિસ વડુ, આવુ ઘર તાળુ છે;
જુનુગઢ જાતે, માંડલિ(ક), મરવું હતું.”
(હે રા'માંડલિક ! જૂનાગઢની રાજગાદી જતાં તારે (કેસરિયાં કરીને) મરવું જોઈતું હતું, (આમ નિષ્ક્રિય નહોતું બેસવું) કેમકે ક્ષત્રિયોનાં છત્રીશેય કુળોમાં પરાપૂર્વથી જ તારું ઘર મોટું છે.)

‘નવઘણ દુવેલ નઈ, વડ મેપે વસરા,
કવિચન કારડીઆ, મું પર કેવાં માંડલિ(ક)”
(શ્રી રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રત સંગ્રહને આધારે)
(હે બાપ ! હે માંડલિક ! તારા પૂર્વજ નવઘણે પણ પોતાના વસમા સમયમાં પણ અમને ચારણોને દુભાવેલ નહિ, તો હે મજૂર (કારડિયા) થઈ ગયેલા રા' મારા પર તારાં કડવાં વેણ કઈ રીતે હોય ?)

   પ્રસિદ્ધ લોકકથા ‘શેણી-વિઝાણંદ’ના એક પાત્ર વિઝાણંદ ભાંચળિયો પણ એ જ સમયમાં થઈ ગયો મનાય (આ શેણી જોગમાયા શેણીથી જુદી છે) એ વિઝાણંદ ભાંચળિયાએ કહેલા રેશમિયા આહિરના દુહા લ્યો :
“બોલે બેને થિઆં, વાંકાં એકણી વારમાં,
મેહલાએ મૂકાં, રે હલિઆં રેશમિયા.”
(હે રેશમિયા ! એક વાર વાતમાં વાંકું પડ્યું અને આ વર્ષાદે પણ અમને રખડતાં કરી મૂક્યાં. આમ, અમે વતન તજીને હાલ્યાં.)

“ડુંગર ડળિયો નાંહ, ઓભત ઉખાણું થિઉં;
ભેડો ભો મૂકાંહ, સમંદ્ર ન ફાટ્યો સુરઉત.”
(ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિ. હસ્તપ્રત ભંડાર, ૯૬-૩૩૫૪)
(આ ડુંગર ડોલ્યો નહિ અને નિંદા કાવ્ય ઉખાણું (કોયડારૂપ) થઈ રહ્યું. રેશમિયા ભેડા ! સૂરના પુત્ર ! તારા જવાથી સાગર કાં ન ફાટ્યો ?)

   ઈસુની પંદરમી સદીની સૌરાષ્ટ્રી ભાષાની આ રચનાઓ છે. એને રાજસ્થાની ડિંગળ કહેવાનું કોઈ કારણ નથી. વાસ્તવમાં એ આદિ ગુજરાતીનું સ્વરૂપ છે. એને ગુજરાતી જ કહેવાય.

   ચારણી સાહિત્યના આદિકવિ ઈસરદાસે પણ ગુજરાતીમાં રચના કરી છે.
“કાંન આગળ પંચ દીપગ જળે,
કેરંટી કુંડળ ઝળહળે;
આગે અંબ સાએર ઉછળે,
ધરણીધર સર ચંમર ઢળે.”
(શ્રી રતુદાન રોહડિયાના હસ્તપ્રત ભંડારમાંથી)

   આ જ રીતે સત્તરમી સદીમાં ઈસરદાસજીના વંશજ ગુંદા, તા. કાલાવડ, જિ. જામનગરના હમીર બારહઠ્ઠે રચેલ નીલજી ઘોડીનું ગીત તત્કાલીન સૌરાષ્ટ્રની ગુજરાતીમાં રચાયું છે.
“દલે રિઝવી ઘોડીને લાવિઓ દાનમાં;
રૂપાળી વાનમાં પંડ રોઝી
નીમ ધારી ક’દિ લાત મારે નહીં,
શીલમાં જોઉં તો ઘણી સોજી.”
(શ્રી રતુદાન રોહડિયાના હસ્તપ્રત ભંડારમાંથી)

   એ જ પ્રમાણે અઢારમી સદીમાં પુનાજ, તા. સાણંદ, જિ. ખેડાના કવિ મેદ વરસડાએ હળવદ અને વઢવાણ વચ્ચે થયેલી એક બકરી માટેની લડાઈની વ્યંગરંગી ઝમાળ ગુજરાતીમાં રચી છે
“પળ ખાધે પળ ચડે, પળ ખાધે બળ થાય,
મેલું તો મુંઝાય મન, વેધું તો વખ થાય;
વેધું તો વખ થાય, બરુથાં વતડી,
ગઢાં બેહુ બિચ રાડ થયાં રી હોય ઘડી,
હળવદ હુંતાં ફોજ ચડે પંથ હોહળી,
વેધી અજા નીજ હાથ વેહદ હદ વાવળી.”
(क. ગુજરાતી ભવન, સૌ. યુનિ.નો હસ્તપ્રત ભંડાર, ૧૧૬-૩૭૪૧,
ख. ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ. ૯૩)

   આ તળપદી સોરઠી ભાષાના બાહુલ્યવાળું કાવ્ય છે.
   એ પ્રવાહ ઓગણીસમી સદી સુધી રેલાતો અને વિસ્તુત થતો આવ્યો. કવિ વજમાલજી મહેડુ કે જેમણે ‘વિભાવિલાસ’ જેવા મહાગ્રંથની રચના કરીને ભૂતપૂર્વ જામનગર રાજ્યના ઈતિહાસની અપૂર્વ સેવા કરી છે તેમણે પણ ગુજરાતીમાં રચનાઓ કરેલી. શરાબ જેવા જ નશાકારક શરાબના ગીતની એક કડી લ્યો.
“મદછક પિયો પિયાલા મારુ,
આજ કો દારૂ પખેણો અંગ;
કંચન ખાટ કસણ કસકસીયા,
રસિયા સેજ ન જામે રંગ.”
(ગુજરાતી ભવન, સૌ. યુનિ.નો હસ્તપ્રત ભંડાર, ૫૩-૨૭૪૯)

   વીસમી સદીમાં પણ એ પ્રવાહ અવિચ્છન્નપણે વહ્યો. જો એમ કહીએ કે વીસમી સદીમાં ચારણી સાહિત્ય સંપૂર્ણપણે રાજસ્થાની ભાષાથી મુક્ત થઈ ગયું તો તે વધુ ઉચિત કહેવાશે. જોકે એ પ્રક્રિયાનો પ્રારંભ તો ૧૯મી સદીથી થઈ જ ચૂક્યો હતો, જયારે સોરઠિયા અને અન્ય ચારણો તો પરાપૂર્વથી સૌરાષ્ટ્રની તળપદી ભાષા જે ૧૬મી સદીથી તેમના હાથમાં આવેલી તેને દૃઢતાથી વળગી રહેલા. તેમાં કશિયાભાઈ લીલા જેવા ઘઉંમાં કાંકરા જેવા કવિઓ અપવાદરૂપ ખરા. ત્યારે મારૂ ચારણો પરાપૂર્વથી રાજસ્થાની ભાષામાં કાવ્યરચના કરતા આવેલા, તેમણે પણ ૧૯મી સદીથી રાજસ્થાની ત્યજીને ગુજરાતી પ્રત્યે ઢળવાનું શરૂ કરેલું, જેની પૂર્ણાહુતિ વીસમી સદીમાં થઈ. વીસમી સદીમાં થયેલા દેગામ, તા. દશાડા, જિ. સુરેન્દ્રનગરના કવિ ડોસા ઝીબાએ રચેલ ‘પાળિયાદનાં લગન'નાં વ્યંગ કવનનાં ગીતની બે કડી લ્યો :
“વીવા એક કમંધજ નાજે વરતાવ્યો,
હેદળ પેદળ જાનહ લાવ્યો,
વડે નગારે ઘાવ બજાવ્યો;
ઓઢો ભૂપ જાનમાં આવ્યો.... ૧

સુણ ડંકા કે બાહર સારા,
ખાચર હુવા ઝેરથી ખારા,
આંખે ઝરિયા ખેર અંગારા,
નાજો લાવે કેમ નગારા. . . . ર
(ગુજરાતી ભવન, સૌ યુનિ.નો હસ્તપ્રત ભંડાર, ૩૨-૧૭૬૬)

   મેઘાણીએ ‘સોરઠી ગીતકથાઓ’ આપી છે. (ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, બીજી આવૃત્તિ, ૧૯૭૯) વસ્તુત: એ ચારણી સાહિત્યની ગીતકથાઓ જ છે. એના દુહાઓની ભાષા પણ ગુજરાતી જ છે. આપણે એમાંથી વિવિધ કથાઓના એક એક દુહાને જોઈએ.

સોન હલામણ :
કાઠિયાણી કેડ પાતળી, હલકતી માથે હેલ્ય,
બરડા હંદી બજારમાં, ઢળકતી જાણું ટેલ્ય
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, બીજી આવૃત્તિ, ૧૯૭૯, પૃ.૩૨)

મેહ-ઉજળી :
મોટે પણગે મેહ, આવ્યો ધરતી ધરવતો;
આમ પાંતીનો એહ, ઝાકળ ન વરસ્યો જેઠવા....(૧૦)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૬૬)

રાણો-કુંવર :
પાતાળ પેટી પીળા રંગાં, પસવને પારે;
કુંવર કુંપો કાચનો. ઉતર્યા કર્યે આરે.... (૨૫)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૯૯)

શેણી-વિજાણંદ :
મારગ કાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ;
ગોતું દેશ-વિદેશ, (કોઈ) વાવડ દો વિઝાણદના... (૧૪)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૮૬)

રતન ગયું રોળ :
કાયા કંકુની લોળ, (અમે) સાંચવતાં સોનાં જી;
પડ્યાં રાંકને રોળ, પાદર તારે પોરસા... (૭)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૧૦૮)

રાણક-રા'ખેંગાર :
કાં ટૌકે ગરજ છ મોર ! ગોખે ગરવાને ચડી;
કાપી કાળજ કોર, પિંજર દાઝયો પાણીએ... (૧૭)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૧૨૦)

સૂરનો-હેમીઓ :
ઉંબર લગ આવે, દુ:ખ નો પૂછેલ દેઈનાં,
કાંઉ નગણ સગે, હેત મઠાં થ્યાં હેમીઆ. . . (ર)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૧૩૭)

લોડણ-ખીમરો :
મારગ કાંઠે મસાણ, ઉજળડાં આાયર તણા;
પોઢેલ અમણાં પ્રાણ, રાવલિયો રીસાવી ગયો . . . (૧૫)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૧૫૨)

નાગ-નાગમદે :
નાગ નજરે કર્યે, (મારા) પંડ માથે પાલવ નહીં,
અછતનાં અમે, દુબળ ક્યાં જઈ દાખીએ... (૧ર)
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ’, પૃ.૧૮૨)

   આટલાં પ્રમાણો પરથી એ જોઈ શકાય છે કે ચારણી સાહિત્ય રાજસ્થાન અને ગુજરાતના સીમાડાને ન ગણકારતાં બંને પ્રદેશોમાં સમાન રીતે પ્રસર્યું છે, વિકસ્યું છે અને બંને પ્રદેશો વચ્ચે આ રીતે ભાવાત્મક એકતાની એક ગૌરવમયી સંસ્કારસાંકળ રચી છે. જેમ ગુજરાતી અને રાજસ્થાની ભાષાનો ઉદ્દભવ એક સમાન ભાષામાંથી થયો છે તેમ ગુજરાત અને રાજસ્થાનના ચારણી સાહિત્યની પરંપરાનાં મૂળ પણ સમાન જ છે. આ કારણે એને કોઈ ભાષાકીય કે પ્રાદેશિકપણાનાં ખોખાંમાં પૂરી શકાય તેમ નથી. સાચું એ છે કે એને પોતાની આગવી વિશિષ્ટતાઓને લઈને ચારણી સાહિત્ય એવું અભિધાન આપવું એ જ સર્વાશે યોગ્ય છે.

ચારણી સાહિત્યની વ્યાખ્યા :
   ચારણી સાહિત્ય એ નામાભિધાન નક્કી કર્યા પછી વિચારીએ કે ચારણી સાહિત્યની વ્યાખ્યા શી ? આનો ઉત્તર એ છે કે, “ચારણી સાહિત્યને પોતાનાં આગવાં છંદશાસ્ત્ર, અલંકારના નિયમો અને કાવ્યરીતિ છે. એ કોઈ એક કોમનું નહિ, પણ એક શૈલીવિશેષનું સાહિત્ય છે. એનો ઉદ્ભવ ભલે ચારણની જીભે થયો, પણ એના સર્જકોમાં ચારણ, ભાટ, રાવળ, મોતીસર, મીર, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વણિકો અને હરિજનો એ સર્વનો સમાવેશ થાય છે. એ કોમ અને ધર્મના વાડાથી પર એવું વિશાળ સ્તર પરનું સાહિત્ય છે.”

   અનેક વિદ્વાનોએ ચારણી સાહિત્યને એક શૈલીવિશેષનું સાહિત્ય ગણ્યું પણ છે. સીતારામજી લાળશ કહે છે : “ચારણી સાહિત્યનું તાત્પર્ય અહીં ચારણી શૈલીમાં લખાયેલ સાહિત્ય છે.” (સીતારામ લાળશ, ‘રાજસ્થાની શબ્દકોશ’, પૃ.૮૪)

   એ ચારણી સાહિત્યના સર્જકો કેવળ ચારણો જ નથી; રાવળ, મોતીસર, રજપૂત, બ્રાહ્મણ, મીર વગેરે પણ છે. (સીતારામ લાળશ, ‘રાજસ્થાની શબ્દકોશ’, પૃ.૮૪)

   આ કારણે જ ડિંગળીનું મુખ્ય સાહિત્ય ચારણી છે. (મનોહર પ્રભાકર, ‘રાજસ્થાની સાહિત્ય ઔર સંસ્કૃતિ', પૃ.૩૪)
(ક્રમશ :...)


0 comments


Leave comment