1.6 - ચારણી સાહિત્ય - ઉદ્ભવ અને વિકાસ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
ચારણી સાહિત્યનો આદિકાળ કચ્છના રા'લાખા ફુલાણીના કવિ માવલ વરસડાથી શરૂ થાય છે. ઇતિહાસ પ્રમાણે લાખા ફુલાણીનો સમય વિ.સં. ૯૧૧ થી ૧૦૩૫ સુધીનો છે. (શંભુદાન ગઢવી, કચ્છદર્શન', પૃ.૨૨) એ હિસાબે માવલ વરસડાનો પણ એ જ સમય ગણાય. એને પાટણપતિ મૂળરાજ સોલંકીનો નિર્ધારિત સમય (વિ.સં. ૯૯૮ થી ૧૦૫૩(દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ‘ગુજરાતનો મધ્યકાલીન રજપૂત ઇતિહાસ', પૃ. પર૧) પણ ટેકો આપે છે. એ માવલ વરસડાના કેટલાક દુહાઓ મળે છે :
ભવ જીપણ અથ ભોગવણ, ગુણ જાણણ ગહગીર,
ભૂજા ધન માઉલ ભણે, લેહરિ રવ લખધીર. ૧
(જિંદગીને જીતી લેનારો, ધન ભોગવનારો, ગુણને જાણનારો, સાગર સમાન રાવ લાખાની ભૂજાઓને ધન્ય છે એમ માવલ કહે છે.)
તાહરૌ ફુલ તણાહ, લાખા જસ અંબર લગૌ;
ઉપરિ જગતિ અથાહ, જિગિઓ કરણાપતિ જિહિ. ૨
(રતુદાન રોહડિયાના અંગત સંગ્રહને આધારે)
(હે ફુલના પુત્ર લાખા ! તારો યશ આકાશે જઈ પહોંચ્યો અને અપાર એવા સંસાર પર તે યશ સૂર્યરૂપે પ્રકાશ્યો.)
તો સોલંકી યુગના સાહિત્યમાં પણ લાખો ફુલાણીના દુહાઓ મળે છે. જેમ કે
ઊગ્યા તાવિઉ જહિ ન કિઉ, લકણઉ ભણઈ નિધટ્ટ;
ગણિયા લભઈ દીહડા, દહક અહવા અઠ્ઠ.
(મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨ : સન ૧૯૬૧, પૃ.૬૬ )
વસ્તુતઃ આ દુહો પણ માવલ વરસડાની જ રચના છે, એમ સૌરાષ્ટ્રન ચારણ વિદ્વાનોનો મત છે. (રતુદાન રોહડિયા, 'ઊર્મિ નવરચના', એપ્રિલ, ૧૯૮૦, પૃ. ૯૧)
તે ઉપરાંત અનેક જૈનાચાર્યોએ પોતાની રચનાઓમાં સોલંકીકાલીન ચારણી સાહિત્યનાં અનેક પદ્યો ઉદધૃત કર્યા છે, જેમાં મુખ્યત્વે આચાર્ય હેમચંદ્રનું અપભ્રંશ વ્યાકરણ કે જેમાં અપભ્રંશના સેંકડો દોહાઓ ઉદાહરણ રૂપે મૂક્યા છે, એમાંથી કેટલાંક શૈલીદૃષ્ટિએ ચારણી સાહિત્ય જ છે. તે ઉપરાંત ‘પ્રભાવક ચરિત, પ્રબંધ ચિંતામણિ કોશ, પુરાતન પ્રબંધ સંગ્રહ, કુમારપાળ પ્રતિબોધ અને ઉપદેશ શપ્તસતિ એ ૬ ગ્રંથોમાં પણ એમના રચનારાઓએ એ સમયના અન્ય કવિઓનાં રચેલાં પ્રચલિત એવાં અનેક પદ્યોનું ઉદ્ધાહરણ કર્યું છે. (અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨ : સન ૧૯૬૧, પૃ.૯૬)
એ કાળમાં પ્રધાનપણે બે છંદો પ્રચલિત હતા - દોહા અને છપ્પય (અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨ : સન ૧૯૬૧, પૃ.૯૫). આ સમય જ દોહાનો જન્મકાળ ગણી શકીએ. અધિકાંશ ચારણ કવિઓએ દોહાનો પ્રયોગ કર્યો છે એમાંથી કેટલાકે આણંદ-કરમાણંદ અને ચાંદણ-હાહણિયા જેવાએ છપ્પયનો પણ પ્રયોગ કર્યો છે. આપણે જે સમયરેખા બાંધી છે એની પહેલાંનું ચારણી સાહિત્ય પ્રાપ્ત થતું નથી. સોલંકીકાલીન જે કાંઈ ચારણી સાહિત્ય પ્રાપ્ત થાય છે એ હેમચંદ્રાદિ જૈનાચાર્યોની કૃપા અને ઔદાર્યનું ફળ છે. એટલે લાખો ફુલાણીના સમયથી ચારણી સાહિત્યનો ઉદ્દભવકાળ માનીએ તો તે સવિશેષ યોગ્ય કહેવાશે. આ કાળના કવિઓમાં કેટલાકનાં નામ ન મળતાં કેવળ પદ્ય મળે છે, પણ એ પદ્યના કર્તાનું નામ એ પછીના મધ્યકાલીન સાહિત્યમાંથી મળે છે. દા.ત.,
સુન્દર સરિ અસુરાંહ (દલિ) જલ પીધઉ વયણે હિ;
ઉદય નરિંદિહિ કઢીઉં, તહ નારી નયણે હિ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨ : સન ૧૯૬૧, પૃ.૧૦૭) (મંત્રી યશોવીર પ્રબંધ., પૃ. ૫૦) ,
આ દુહો ‘નેણસી રી ખ્યાત' ભા. ૧માં પૃ. ૨૦૩ પર આવા પાઠાન્તર સાથે મળે છે :
સુંદર સર અસુરાહ દળે, જળ પીયો વૈણેહ;
ઊર્દે નરચંદ કાઢિયૌ, તસ નારી નયણેહ.
(બદરીપ્રસાદ સાકરિયા, ‘મુંહતા નેણસી રી ખ્યાત', પૃ. ૨૦૩)
(સુંદર સર તળાવનું પાણી મુસલમાન સૈનિકોએ મુખેથી પીધેલું, તેને ઉદયસિંહે શત્રુઓને મારીને તેમની પત્નીઓનાં નેત્રોમાંથી પાછું વહાવ્યું.)
આ દુહાના કર્તા લેખે નેણસી ‘ફુંદૈ કાંચડ' એવું નામ સૂચવે છે (બદરીપ્રસાદ સાકરિયા, ‘મુંહતા નેણસી રી ખ્યાત', પૃ. ૨૦૩). આ વિષે અમારો નમ્ર મત એવો છે કે એ “ફુંદૈ કાંચડ' ફુલ કુંચાળાનું વિકૃત રૂપ છે. કુંચાળા શાખાના ચારણો સૌરાષ્ટ્રમાં સોલંકી યુગથી જ હોવાનું પ્રમાણ છે (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૪૧). કુંચાળા એ મિશણ શાખાના ચારણોની પેટાશાખા છે અને કુંચાળા મિશણના ગાલ સિદ્ધરાજના સમકાલીન જૂનાગઢના રા'ખેંગારે હીરા-માણેક ભરીને ફાડી નાખ્યાની ઇતિહાસમાં નોંધ પણ છે. (‘ભારત રાજ્યમંડળ', પૃ. ૪૨)' વસ્તુતઃ એ “કુંદૈ કાંચડ’ વા, ફુલ કુંચાળો એ કુંચાળા મિશણના વંશનો જ કોઈ કવિ હશે. આવા નામના ગોટાળા કંઠોપકંઠ ફરતાં થઈ જાય તે શક્ય છે અને ગુજરાતમાંથી મારવાડમાં ગયેલું નામ વિકૃત થાય તે માની શકાય તેમ પણ છે. ‘નેણસીની ખ્યાત'માં આવા બીજા અનેક નામાંતરો પણ મળે છે. કચ્છના રા'લાખા ફુલાણીની રાજધાની કેરાકોટ માટે નેણસીએ ‘કેહલા કોટ' શબ્દ વાપર્યો છે.' (બદરીપ્રસાદ સાકરિયા, ‘મુંહતા નેણસી રી ખ્યાત', પૃ. ૨૦૬૯)
તે ઉપરાંત સોલંકીકાલીન પ્રબંધોમાં જેવા કે, પુરાતન પ્રબંધ સંગ્રહ, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ, કુમારપાળ પ્રતિબોધ અને ઉપદેશ શપ્તસતિમાં સ્થળે સ્થળે રામચંદ્ર, ચાગણ, ગાઝિલ, હટ્ટોપવિષ્ટ અને ઉદયસિંહ જેવા ઇત્યાદિ ચારણોનાં નામો પ્રાપ્ત થયા છે. જેમકે :
રામચન્દ્ર ચારણ :
હેમસુરિ મૂ કરિ કિસિઉં, હરડઈ કાંઈ રડેઈ;
જિણિ કારણિ હું ઘા લિપઉ, સવહ વંજણ છે હિ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૧૨)
એ જ રીતે ‘ઉપદેશ તરંગિણી'માં પણ સોલંકીકાલીન ચારણ કવિ ઢુમણ અને એના દુહાનો ઉલ્લેખ છે કે :
જીવ વધંતા નરયગઈ, અવધતાં ગઈ સગ્ગિ;
હું જાણું દુઈવટ્ટડી, જિણિ ભાવૈ તિણિ ભગ્ગિ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૧૨)
અત્યારે ચારણોમાં જે બારહઠ્ઠ પદવી, તે સોલંકીકાળે ‘દ્વારભટ્ટ’ રૂપે ઉપસ્થિત હતી, તેનાં પણ પ્રમાણ એ સાહિત્યમાંથી મળે છે :
દ્વારભટ્ટેનોકતમ :
કીડી રક્ખ કરંતુ, ચડિઉ રણિ મઈગલ મારઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૬)
અનામી ચારણોનાં તો વિપુલ પદ્યો એ પ્રબંધોમાંથી પ્રાપ્ત થાય છે. જેમકે :
કુમારપાલે ચારણોક્તિ :
કુમારપાલ ! મત ચિંત કરિ, ચિંતિઉ કિંયિ ન હોઈ;
જિણિ તઝ રાજ સમપ્પિઉ, ચિન્ત કરેસિ સોઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૧૩)
તો એ પ્રબંધોમાં ક્યાંક દુહામાં જ કર્તા કવિનું નામ પણ પ્રાપ્ત થાય છે. જેમકે :
સાત સમુદ્ર લીલા તરઈ, સુક્કી નઈ બુડુવી મરઈ;
રામ કવીસર ઈમ કહઈ, સ્ત્રી વિસાસ મતિ કો કરઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૧૫)
તે ઉપરાંત એ પ્રબંધોમાં આજે પ્રચલિત ‘રાણકદેવી-રા’ખેંગારની લોકકથા'ના કેટલાક દુહાઓ ‘સોનલવાક્ય' નામે પ્રાપ્ત થાય છે.
જેમકે :
રાણા સવ્વે વાણિયા, જેસલુ વડડઉ સેઠિ;
કાહૂં વણિજડુ માણ્ડીયઉં, અમ્મીણા ગઢ હેઠિ
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
એ દુહો અત્યારે આ સ્વરૂપે મળે છે :
અમારા ગઢ હેઠ, કોણે તંબુ તાણિયા;
સુધરો મોટો શેઠ, બીજા બધા વાણિયા.
(ઝવેરચંદ મેઘાણી, ‘સોરઠી ગીતકથાઓ', પૃ. ૧૧૮)
આ રીતે અત્યારની ચારણીકથાઓનાં મૂળ પણ આપણને સોલંકીકાળમાંથી પ્રાપ્ત થાય છે.
એ જ રીતે એ પ્રબંધોમાંથી ધારાપતિ મુંજ અને મૃણાલવતીની પ્રણયકથાના પણ અનેક દુહાઓ પ્રાપ્ત થાય છે, જે આજે તો મળતા નથી, પણ જૈનાચાર્યની કૃપાદૃષ્ટિથી એ કથા સોલંકીકાળે પ્રચલિત હતી તેમ સપ્રમાણ કહી શકાય છે.
મુંજુ ભણઈ મુણાલવઈ, જુવ્વણ ગયઉન ઝૂરિ,
જય સક્કર સય ખણ્ડ થિય, તોઈ સ મીઠી ચૂરિ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ. ૧૦૦)
પુન:
વેસા છંડિ વડાયતી, જે દાસિહિં રચ્યંતિ;
તે નર મુંજ નરિન્દ જિમ, પરિભવ ઘણા સહંતી.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ. ૧૦૧)
તે ઉપરાંત બીજા અનેક દુહાઓ મળે છે. એ સૌ ચારણી મરોડ અને શૈલીના છે, એથી એમ માની શકાય કે એ કાળે પણ આજે છે એવી અનેક ગીતકથાઓનું અસ્તિત્વ હશે. આ રીતે એ કાળનું ચારણી સાહિત્ય સારી પેઠે સમૃદ્ધ પણ હશે.
‘મુંજુ ભણઈ મુણાલવઈ' એ ચરણને કારણે કોઈ કોઈ આ દુહાઓને ધારાપતિ મુંજની રચના માનવા પ્રેરાયા હોય તે સ્વાભાવિક છે, પણ અમારી માન્યતા એવી છે કે, એ દુહા-ચરણમાં આવેલ મુંજનું નામ વિષયપરક છે, નહિ કે કર્તાપરક. મુંજ અને મૃણાલવતીને લગતા બધા જ દુહાઓ એ કાળે પ્રચલિત ચારણી શૈલીની મુંજ અને મૃણાલવતીની પ્રણયકથાના દુહા છે. એ જ પ્રમાણે સોનલવાક્યના દુહા, કચ્છના રા' લાખા ફુલાણીને મુખે મુકાયેલ દુહાઓ એ સૌ ચારણી સાહિત્યના જ અંગરૂપ છે. તે ઉપરાંત નીચેના દુહાઓ નિઃસંદેહ સોલંકીકાલીન ગીતકથાઓના જૈનાચાર્યોની કૃપાથી સચવાઈ રહેલા અવશેષમાત્ર જ છે.
અમીણઉ સંદેસડઉ, નારય કન્હ કહિજ્જ;
જગુ દાલદિહિં દુત્થિયઉ, બલિ બન્ધણ મુઈજ્જ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ. ૧૦૦)
પસુ જેમ પુલિંદઉ પીઅઈ જલ, પંથિઉ કમણિહિં કારણિણ,
કર બેવિ કરંબિય કજ્જલિણ, મુંદ્ધહિ અંસુ નિવારણિણ
(આ દુહા ‘સદેવંત સાવળિંગાની વાત'માં આ રીતે મળે છે.
પશઆં જપું પાણી પીઈ, જળે ન બોળે હાથ્ય,
હું તુઝ પૂછું હે સખી, પહીઆ મન કાંઈ કથ.
રતો થો પર નારસ્યું, ગયો વળગો સથ;
ઉ રોહી એણ લોહીઉ, તેરે કાજલ લગો હથ,
-સૌ. યુનિ. ગુજરાતી ભવન, ચા. સા. હ. પ્ર. ભંડાર ૩૬૯/૬૮૮૨)
નવજલ ભરીયા મગ્ગડા, ગયણિ ઘડુક્કઈ મેહુ
ઈત્યન્તરિ જંઈ આવિસિઈ, તઉ જાણીસિઈ નેહુ
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૯૧, પૃ. ૧૦૨)
આજે જેને ચારણી સાહિત્ય નામે ઓળખવામાં આવે છે અને જેનું સોલંકીકાલીન સ્વરૂપ આપણે જોઈ ગયા તે જૂની ગુજરાતી કે ગૌર્જર અપભ્રંશ જે કહો તે પણ આદ્ય ગુજરાતી ભાષાના વળોટને સાચવીને તેમાં જન્મેલ, સાચું કહીએ તો ભાષાના વાઘા બદલીને જેમ એકનો એક નટ અન્ય વેશે રંગભૂમિમાં પ્રવેશે તેમ સંસ્કૃતમાંથી અપભ્રંશમાં અવતરિત થયેલું આ સાહિત્ય છે.
વિદ્વાનો માને છે કે, ચારણી સાહિત્યનાં મૂળ આમ ઊંડાં છે. કાશીરામ શર્મા માને છે કે, ચારણી સાહિત્ય એ સૌની સાહિત્યની પરંપરા છે. મહાભારતનું વર્તમાન રૂપ પણ એવા કોઈ કવિની કલમમાંથી સર્જાયું છે. પુરાણોની હજારો કથાઓ એમના દ્વારા જ ગવાતી રહી અને રાજદરબારે એમનું સન્માન થતું રહ્યું, મધ્યકાળમાં પણ એ પરંપરા જેવી ને તેવી જ રહી અને ચારણ ભાટ વર્ગના કવિઓ એ સૂત પરંપરાનો નિર્વાહ કરતા રહ્યા. (કાશીરામ શર્મા, ‘વચનિકા રાઠોડ રતનસિંઘજી રી', પૃ. ૧૭)
કે. કા. શાસ્ત્રીનો મત પણ એ જ તરફેણ કરે છે. તેઓ પણ મહાભારત, રામાયણ, પુરાણો અને ઉપપુરાણોને સૂત પરંપરાની રચનાઓ ગણાવીને તેઓ લખે છે કે, ઈ.પૂ. બીજી સદીથી લઈ લગભગ દસમી સદી સુધીમાં સૂતો દ્વારા લોકો સમક્ષ મૂકેલી ઇતિહાસ-પુરાણ-ધર્મ-સમાજને લગતી પરંપરાએ લોકોમાં ઊતરી આવેલી કથાઓ ગ્રંથાકારે સુલભ બની છે. ઉપપુરાણો એ જ પ્રકારે એવી જ પરંપરાએ સુલભ થયાં છે. આ સૂતોનું ભાટ ચારણોનું સમૃદ્ધ સાહિત્ય - પૃથ્વી પર અન્યત્ર જોટો ન મળે તેવું - અધિકાંશ લોકસાહિત્ય છે. મૂળમાં ‘ઇતિહાસ' પડ્યો જ છે, પણ એના ઉપર કાળનો ભારે મોટો અંચળો પથરાયેલો છે. (કે. કા. શાસ્ત્રી, ‘ઊર્મિ નવરચના', એપ્રિલ ૮૦, પૃ. ૬૬)
રતુદાન રોહડિયા પણ એ જ મતનું સમર્થન કરતાં પુરાણો અને મહાભારતાદિમાં ચારણોને ઋષિજન અને દેવ તરીકે જે મહત્ત્વ આપેલ છે તેને સૂચક ગણે છે. (રતુદાન રોહડિયા, ‘ઊર્મિ નવરચના’, એપ્રિલ ૧૯૮૦, પૃ. ૯૧)
જ્યારે સમસ્ત દેશની બોલચાલની ભાષા જ સંસ્કૃત હતી ત્યારે પુરાણાદિની વીરરસાત્મક કથાઓ રૂપે જે ચારણી સાહિત્ય વિશાળ લોક-સમુદાયને ધર્મસંસ્કાર અને વીરતાના પીયૂષ પાતું હતું તે જયારે સંસ્કૃત લોકભાષા મટી ત્યારે પુનઃલોકભાષામાં નવાં ક્લેવર ધરીને પ્રગટ્યું. એક રીતે કહીએ તો આ રીતે ચારણી સાહિત્યે પોતાનું સમાજોપયોગીપણું સિદ્ધ કર્યું મનાય.
ડૉ. મોતીલાલ મેનારિયા આ પ્રક્રિયાને આ રીતે વર્ણવતાં : પ્રથમ સંસ્કૃત એ લોકસમાજની બોલી હોવાનું સ્વીકારતાં અને પછી લોકભાષા લેખે જ્યારે જૂની ગુજરાતી-ડિંગળી વિકસી ત્યારે એ નવોદિત ભાષાને રાજદરબારે પહોંચાડવામાં ચારણોના ફાળાનો સ્વીકાર કરતાં લખે છે કે, પછી જ્યારે ડિંગળ (તાત્પર્ય કે જૂની ગુજરાતી ૨. ગ.) સારી રીતે વિકસિત થઈ પ્રૌઢાવસ્થામાં પહોંચી ત્યારે તેનો પણ રાજદરબારે પ્રવેશ થયો અને સંસ્કૃતની સાથે એને પણ સન્માન મળવા લાગ્યું. ડિંગળને રાજસભામાં પહોંચાડવામાં મુખ્ય હાથ ચારણ આદિ વિશેષ જાતિના લોકોનો હતો. (ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય', પૃ. ૩૧.)
આટલી ચર્ચા પછી ચારણી સાહિત્યનો ઉદભવકાળ વિક્રમની અગિયારમી સદીના પહેલા ચરણથી માની શકાય. જોકે દુહા જેવા ચારણીશૈલીના માત્રિક છંદો તો એ સમય પહેલાં જ જન્મી ચૂક્યા હતા, પણ એ દુહાનું લોકપ્રિયપણું તો વિક્રમની અગિયારમી સદીથી જ સ્થાપિત થયું એમ માની લેવામાં વાંધો નથી, કેમકે સંશોધકો તો દોહાની રચનાને ઠેઠ પાંચમી શતાબ્દી લગી પહોંચાડે છે, પણ પંડિત રાહુલજી સરહપાદના દોહાઓને આઠમી શતાબ્દી સુધીના માને છે. (પ્રો, ઓમાનન્દ રુ. સારસ્વત, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૩૦-૧૩૨). એ જ સપ્રમાણ છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment