1.7 - પ્રાચીન ચારણી સાહિત્યના છંદો / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
પ્રાચીનકાલીન ચારણી સાહિત્યમાં મુખ્યત્વે બે છંદો સર્વાધિક પ્રિય રહ્યા છે. એક દોહો અને બીજું કવિત. એક રીતે જોઈએ તો આચાર્ય હેમચંદ્રે પોતાના અપભ્રંશ વ્યાકરણમાં પણ આ જ છંદોમાં ઉદાહરણો સર્વાધિક આપ્યાં છે. ત્રીજો છંદ છે ગાહા કે ગાથા, એ પ્રાકૃતમાંથી ચારણી સાહિત્યમાં આવ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન ચારણી સાહિત્યમાં એ “ગાહા” નામે મળે છે. હિંગળી છંદશાસ્ત્રમાં એ શાવક અડલ્લ અને ગાહા ચોસર નામે ગીતરૂપે પ્રવેશી ગયેલ છે, આમ એનો વ્યાપ આદિથી મધ્યકાળ સુધી અવિચ્છિન્ન જોવા મળે છે.
તે ઉપરાંત હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણમાંથી પ્રમાણ મળે છે કે સોલંકીકાળ ચારણી સાહિત્યના ગીત નામક છંદનો પ્રસૂતિકાળ પણ હશે, કેમકે એમાંથી ચારણીના નાના સાણોર છંદનું એક ઉદાહરણ પણ પ્રાપ્ત થાય છે.
ઢોલ્લા સામલા ધણ ચંપા વણ્ણી.
ણઈ સુવણ્ણદેહ કસવટુઈ દિણ્ણી.
(ડો. ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય', પૃ.૨૨૮)
પણ આ સિવાય ગીત નામક ચારણી છંદોનાં બીજા ઉદાહરણો અમને જોવા મળ્યાં નથી.
જ્યારે છપ્પય છંદ જેને કવિત પણ કહે છે, પ્રાચીન સાહિત્યમાં ઠીક ઠીક પ્રમાણમાં દર્શન દે છે. જેમકે માણવલ્લીનાં કવિત (ગુજરાતી ભવન, સૌ.યુનિ. હસ્તપ્રત ભંડાર ૩૨/૧૭૩૮-૨૬૨/૪૩૩૦), આણંદ-કરમાણંદના કવિત (ગુજરાતી ભવન, સૌ.યુનિ. હસ્તપ્રત ભંડાર ૩૨/૧૭૩૮-૨૬૨૪૩૩૦) ઇત્યાદિ.
કવિતનું માપ આચાર્ય કવિ હમીરજી રત્નું પોતાના ગ્રંથ ‘હરિજશ પિંગળ'માં આ પ્રમાણે આપે છે :
કાઈવ પાયા ચારિ કહિ, ઊભૈ પાઈ ઉલ્લાલ;
કરિ ઈણિ પરિ છયૈ કવિત, વાણી વિમલ વિસાલ.
(ગુજરાતી ભવન, સૌ. યુનિ. હસ્તપ્રત ભંડાર, ૩૨૮-૪૩૯૮)
અર્થાત્, પ્રથમ અગિયાર માત્રાએ અને પછી તેર માત્રાએ યતિ આવે એવાં ચાર ચરણો અને પછીના પ-૬ ક્રમનાં ચરણો (પંક્તિઓ) તેનાથી ઊલટાં એટલે કે પ્રથમ ૧૩ અને પછી ૧૧ માત્રાએ યતિ આવે તે છપ્પય અથવા કવિત છંદ થયો. આમ, આ એકમારિક છંદ થયો. પિંગળાચાર્યોએ એના પણ પાછળથી ભેદો-પ્રભેદો કર્યા છે. વસ્તુતઃ જોઈએ તો આ છંદ પ્રથમ બે દુહાઓને ઊલટા મૂકીને પછી એક દુહાને સવળો મૂકવાને કારણે ત્રણ દુહાનો બનેલો એક છંદ જ છે. એની વિશેષતા એ છે કે દુહાને ઊલટાવવાથી સોરઠો થાય છે, તેમાં પહેલા અને ત્રીજા ચરણનો પ્રાસ મળે છે, તો ક્યાંક નથી મળતો, પણ કવિતના ૧-૨ અને ૩-૪ પંક્તિના પ્રાસો મળે છે, જે સોરઠામાં નથી મળતા. એક રીતે આ કાવ્યછંદ એ જેના બીજા અને ચોથા ચરણનો પ્રાસ મળે છે એવો સોરઠો છે.
દુહો :
ચારણી સાહિત્યનો આ સર્વાધિક પ્રિય છંદ છે. ચારણી સાહિત્યમાં ઊર્મિઓના આલેખન માટે મુક્તકોનાં વાહન તરીકે આ દુહા છંદ સર્વાધિક સફળ રહ્યો છે. એ કારણે એનું સર્જન પણ વિપુલ પ્રમાણમાં થયું છે. આમ તો એ પ્રાકૃતની ગાહાનો આછેરો અણસાર આપે છે. સંભવતઃ પ્રાકૃત કાળમાં ચારણોએ ગાહા છંદનો વિપુલ પ્રમાણમાં પ્રયોગ કર્યો હશે, પણ પછી અપભ્રંશનું વાહન દોહો થયો. આમ, અપભ્રંશનો એ આગવો છંદ છે. આ કારણે અપભ્રંશને ‘દુહાવિઆ' (દુહાવિદ્યા) કહી છે. (ડો. હજારીપ્રસાદ ત્રિવેદી, ‘હિંદી સાહિત્ય કા આદિકાલ', ૯૯)
દુહો એકમાત્રિક છંદ છે. કવિ રામચંદ્ર મોડે પોતાના ગ્રંથ ‘હરિ પિંગળ'માં દુહાના ૨૧ ભેદ બતાવ્યા છે (સૌ. યુનિ. ગુજરાતી ભવન, ચા. સા. હ. પ્ર. ભંડાર, ૬/૧૮૦), પણ એ બધા ભેદો વ્યવહારમાં નથી. વ્યવહારમાં તો મોટો દુહો, તુંવેરી દુહો, ખોડો દુહો, દુહો, સોરઠો એવા પાંચેક ભેદો છે. તેમાં સોરઠો કવિજનોને સવિશેષ પ્રિય રહ્યો છે અને તેમાંયે સૌરાષ્ટ્રના સોરઠિયા ચારણો તો છેલ્લાં ૧૦૦૦ વર્ષ થયાં સોરઠાને સવિશેષ મહત્ત્વ આપે છે.
(૧) દુહો : એનાં પ્રથમના અને ત્રીજા ચરણમાં ૧૩/૧૩ માત્રા હોય છે. બીજા અને ચોથા ચરણનો પ્રાસ મળે. તેમાં ૧૧/૧૧ માત્રા હોય.
(૨) મોટો દુહો : એને સાંકળિયો પણ કહે છે, એના પ્રથમ અને ચોથા ચરણમાં ૧૧/૧૧ માત્રાઓ, બીજા અને ત્રીજા ચરણમાં ૧૩/૧૩ માત્રાઓ હોય છે, તેના પહેલા અને ચોથા ચરણનો પ્રાસ મળે.
(૩) સોરઠો : એનું નામ સૌરાષ્ટ્ર પરથી પડ્યું લાગે છે. તેના પહેલાં અને ત્રીજા ચરણમાં ૧૧/૧૧ માત્રા હોય છે અને બીજાં અને ચોથાં ચરણમાં ૧૩/૧૩ માત્રાઓ હોય છે, તેના પહેલા અને ત્રીજા ચરણનો પ્રાસ મળે છે, પણ કેટલાક સોરઠા એમાં અપવાદ પણ હોય છે, જેમાં કોઈ ચરણનો પ્રાસ મળતો હોતો જ નથી.
(૪) તુંવેરી : એમાં પહેલા અને ચોથા ચરણમાં ૧૩/૧૩ માત્રાઓ હોય છે. બીજા-ત્રીજા ચરણની ૧૧/૧૧ માત્રાઓ હોય છે. તેમાં બીજા અને ત્રીજા ચરણોનો પ્રાસ મળે છે.
(૫) જેનું ચોથું ચરણ ૧૧થી ઓછી માત્રાવાળું હોય તે ખોડો દુહો. ખોડો એટલે લંગડો. પણ કવિજનો એને ભાગ્યે જ પ્રયોગમાં લાવ્યા હશે. આ અંગે અમારો મત એવો છે કે, ઓછી માત્રાવાળા ગમે તે દુહાને ખોડો દુહો કહેવાય, પછી ભલે ગમે તે ચરણમાં માત્રા તૂટતી હોય.
આદિકાલીન દુહાઓમાં સોરઠો, દુહો, તુંવેરી દુહો મળે છે. એટલે એમ માની શકાય કે સોલંકીયુગમાં દુહો જે સ્વરૂપે હતો એ સ્વરૂપે આજે પણ કેટલેક અંશે જળવાઈ રહ્યો છે.
દુહો :
કરવતય જલ બિંદુઆ, પંથિય હિયઈ નિરુહ;
સા રોઅંતી સભરી, નયરિ જ મુકી મુદ્ધ
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૯૮)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૯૮)
સોરઠો :
જેસલ મોડિમ બાંહ, વલિ વલિ વિરૂએ ભાવિયઈ;
નઈ જિમ નવા પ્રવાહ, નવધણ વિણે આવઈ નહીં.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
તુવેરી :
ભોલી મુન્ધિ મ ગવ્વું કરિ, પિકિખવિ પડ્ડ ખ્યાઈ;
ચવજહ સઈ છહુત્તરઈ, મુંજહ ગય ગયાઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
ખોડો :
સઈરુ નહિ સ રાણા, ન કુ લાઈઈ;
સઉ ષંગારિહિં પ્રાણ, કિ ન વઈસાનરિ હોમીઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૧)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૧)
પણ ચારણી સાહિત્યના આદિકાળમાં કેટલાક દુહાપ્રકારો એવા મળે છે કે જે પછી પ્રચલિત ન રહ્યા. આમાં યમક સાંકળીવાળા ‘વસંતવિલાસ'ના દુહાઓ તો ખરા જ, પણ તે ઉપરાંત પણ કેટલાક એવા દુહાપ્રકારો છે કે જે મધ્યકાળમાં ભુલાઈ ગયા છે. આપણે એ પ્રકારો જોઈએ. જો કે આપણે એ જાણતા નથી કે આદિકાળમાં તે તે દુહાપ્રકારને કયા અભિધાને ઓળખાવવામાં આવતો એટલે એના સ્વરૂપ પરથી એનાં નામો આપીને તેની પિછાણ કરીએ.
દ્ધિપ્રાસી સોરઠો :
આમાં પહેલા અને ત્રીજા, બીજા અને ચોથા ચરણનો પ્રાસ મળે છે,
જેમકે :
તઈ ગરુઆ ગિરિનાર, કાહુ મણિ મત્સર ધરિઉ;
મારીતાં ખંગાર, એકુ સિહરુ ન ઢાલિયઉં.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૩)
દ્ધિપ્રાસી દુહો :
જા મતિ પરછઈ સમ્પજજઈ, સા મતિ પહિલી હોઈ;
મુંજ ભણઈ મુણાલ વઈ, વિધન ન વેઢઈ કોઈ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૧)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૧)
આ દુહામાં ચાર ચરણોના પ્રાસ મળે છે, જે વિશેષતા છે. જ્યારે નીચેના દુહામાં પહેલા અને ત્રીજા, બીજા અને ચોથા ચરણોનો પ્રાસ મળે છે.
કવણિહિ વિરહ કરાલિ અઈ, ઉડડાવિઉ વરાઉ;
સહિ અચ્ચબ્ભુવ દિઠુ મઈ, કણિઠ તિલુલઈ કાઉ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૨)
(અગરચંદ નાહટા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૦૨)
મોટા અને તુંવેરી દુહાનું મિશ્ર રૂપ :
આ પ્રકારમાં પહેલા અને ચોથા ચરણનો, બીજા અને ત્રીજા ચરણનો પ્રાસ મળે છે.
તઉ વીસ-હથિ વિરોળિ, તંઈ વીસ-હથિ વિરોળિયઈ;
ભાવડિ ભામઈ તુ તણઈ, હિજયઉં સુકાંઈ હિંગોળિ.
(દીનાનાથ ખત્રી, ‘અચળદાસ ખીચીરી વચનિકા', પૃ.)
(દીનાનાથ ખત્રી, ‘અચળદાસ ખીચીરી વચનિકા', પૃ.)
(ક્રમશ :...)
0 comments
Leave comment