1.8 - ચારણી સાહિત્યની જન્મભૂમિ / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
સીતારામ લાળશ જેવા રાજસ્થાની વિદ્વાનો એમ માને છે કે, ચારણો સિંધમાં થઈ રાજસ્થાનમાં આવ્યા (શ્રી સીતારામ લાગશ, ‘રાજસ્થાની શબ્દકોશ', પૃ.૮૩) પણ તેમણે આ માટે કોઈ પ્રમાણ નથી આપ્યાં, જ્યારે પિંગળશી પાયક જેવા વિદ્વાનોનો મત એવો છે કે, ચારણોનું મૂળ વતન સૌરાષ્ટ્ર અને કચ્છ છે, (શ્રી પિંગળશી પાયક, કાગવાણી-ભૂદાનમાળા ભા. ૬, પૃ.૨૩-૨૪) પણ એમણે પણ પ્રમાણો નથી આપ્યાં.
જ્યારે વાસ્તવમાં હકીકત એ છે કે સોલંકીકાળમાં ચારણો ગુજરાતમાં હોવાનું પ્રમાણ છે. હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં ગુજરાતના ચારણોના રચેલા દુહાઓ મળે છે, જેની ચર્ચા આ પહેલાં થઈ છે.
માવલ વરસડા જેવા ચારણકવિઓ સોલંકીકાળે ગુજરાતમાં હોવાનું રાજસ્થાની વિદ્વાનો સ્વીકારે છે. જેમકે, મોહનલાલ જિજ્ઞાસુએ ‘ચારણ સાહિત્ય કા ઇતિહાસ’માં માવલ વરસડાને ચારણી સાહિત્યનો કવિ ગણ્યો છે. ‘નેણસીની ખ્યાત'માં પણ માવલ વરસડો રા’લાખા ફુલાણીનો કવિ હોવાનો ઉલ્લેખ છે (બદરીપ્રસાદ સાકરિયા ‘મુંહતાં નેણસી રી ખ્યાત' ભા.૨, પૃ.૨૩૨-૨૩૩) અને આજ પણ માવલ વરસડાનો વંશવેલો સૌરાષ્ટ ગુજરાતમાં મોજૂદ છે; જેમકે, સૌરાષ્ટ્રના માત્રાવડ ગામે, જામનગર જિલ્લાના ઓટાળા અને ખંભાલિડા ગામે; ઉત્તર ગુજરાતના લીલછા, કુવાવા, મધ્ય ગુજરાતના પૂનાજ અને રામોદડી ગામે; કચ્છના કોટડા ગામે.
તાત્પર્ય એ છે કે સોલંકીકાળમાં ગુજરાતમાં ચારણો હોવાનાં પ્રમાણ છે. સૌરાષ્ટ્ર તો ચારણોનું પિયર ગણાયું છે, (ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય’ પૃ.૨૧) જે પણ સૂચક છે. ચારણોની રચનાઓ પણ સૌથી જૂની ગુજરાતમાંથી જ હેમચંદ્રાદિના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે અને તે પણ ગુજરાત-સૌરાષ્ટ્રના રાજવીઓ, મહા અમાત્યો અને હેમચંદ્રાદિ જેવા સાધુવરોની પ્રશંસામાં અને એ કાળે તો સૌરાષ્ટ્રમાં ચારણી સાહિત્ય એટલું વ્યાપક હતું કે ત્યાંના ચારણોમાં દુહાની સ્પર્ધાઓ પણ થતી. જેનાં પ્રમાણો પણ પ્રબંધોમાં મળે છે. (પ્રો.ઓમાનંદ રુ. સારસ્વત, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૧૪૨) પ્રબંધોની સાક્ષીએ અને ચારણોના વહીવંચા રાવળોની વહીની સાક્ષીએ જોઈશું તો છેલ્લાં એક હજાર વર્ષ થયાં ગુજરાતમાં ચારણોને રાજ્યાશ્રમ પ્રાપ્ત થતો જ રહ્યો છે. મેઘાણી જેવા વિદ્વાનો પણ એ વસ્તુ સ્વીકારે છે. (ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય', પૃ.૨૬-૨૭)
આ જોતાં નિઃસંદેહ એમ કહી શકાય તેમ છે કે, ગુજરાત-સૌરાષ્ટ્ર ચારણી સાહિત્યની જન્મભૂમિ છે. અહીંથી એ સાહિત્ય રાજસ્થાનમાં ગયું છે.
આટલા પરથી જોઈ શકાય છે કે, પ્રાકૃતના ગાથા કાળમાંથી અપભ્રંશની ‘દુહાવિઆ'-દુહાવિદ્યા જન્મી અને એણે અપભ્રંશ સાહિત્ય પર પોતાનો અમીટ પ્રભાવ પાડ્યો. સૌતી સાહિત્યરૂપે સંસ્કૃતમાંથી તેનો પ્રવાહ આ રીતે નવી ભાષાના વાઘા પહેરીને - નવા છંદને સજીને અવતર્યો, પણ હજી પ્રાકૃત કાળમાં ચારણી સાહિત્ય ક્યા સ્વરૂપે હતું ? તે એક પ્રશ્ન છે. શું જન્મજાત કાવ્યસંસ્કારવાળા ચારણ-બારોટો એ સમયે તદ્દન મૂક રહ્યા હશે ? નિઃસંદેહ, પ્રાકૃતના ગાથા સાહિત્યના દરિયામાં ચારણી સાહિત્યનાંય નીર સમાયાં હશે. હજારોમાંથી સેંકડો ગાથા રચનારા ચારણો-ભાટો હશે, પણ આજ એના સીમાડા દોરવા દોહ્યલા થયા છે એવાં એ કાવ્યજળ એકાકાર થઈ ગયાં છે.
જૈન સંપ્રદાય માફક ચારણી સાહિત્યે પણ સદાય લોકભાષાનો આદર કર્યો છે, પણ એમાં ગુજરાતનો મધ્યકાળ અપવાદ છે. સંસ્કૃતને બદલે જૂની ગુજરાતી નામે કહેવાતી ૧૫-૧૬મી સદીની ભાષાને રાજદરબારે પહોંચાડીને મધ્યકાળમાં રાજદરબારે વ્યાપી જનારો ચારણ એ પછી ગુજરાતી ભાષાને પ્રેમાનંદ અને શામળ જેટલી અપનાવી નથી શક્યો એ હકીકત છે, તો સામે રાજદરબારે પણ ગુજરાતી ભાષાનો આદર મધ્યકાળે નથી થયો એ સત્ય પણ સ્વીકારવું રહ્યું અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગોહિલ, શિશોદિયા રાઠોડ જેવાં રાજકુળો મૂળ રાજસ્થાનમાંથી આવ્યાં છે. અહીંથી રાજસ્થાનમાં પણ એ જ પ્રમાણે રજપૂતો ગયા છે અને ગુજરાત-રાજસ્થાનનાં રજપૂત કુળો વચ્ચે ગાઢ લગ્ન વહેવાર પણ રહ્યો છે. એ કારણે તેઓ ડિંગળ સાહિત્યને ઉત્તેજન આપે તે ભાવનાત્મક રીતે સમજી શકાય તેવું છે અને ડિંગળ સાહિત્યના મુખ્ય સર્જકો ચારણો પણ રાજસ્થાનમાંથી અત્રે આવી વસ્યા છે. તેઓ પણ ડિંગળીને ઉપાસે તે પણ સમજી શકાય તેવું છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment