1.9 - આદિકાળમાં ચારણી સાહિત્યનું સ્થાન / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   ગુજરાતનું પ્રાચીનકાલીન ચારણી સાહિત્ય જે પ્રાપ્ત થાય છે એ ગુજરાતના જ સાધુવરો દ્વારા લખાયેલા, ગુજરાતમાં જ લખાયેલા ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. જેમકે, આચાર્ય હેમચંદ્રનું ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ અને સોમપ્રભસૂરિ વિરચિત ‘કુમારપાલ પ્રતિબોધ' તેમ જ આચાર્ય મેરુતુંગે વઢવાણમાં સં.૧૩૬૧માં લખેલ પોતાના સંસ્કૃત ગ્રંથ ‘પ્રબંધ ચિંતામણિ'ને (મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૬૩) અહીં ઉદાહૃત કરી શકાય તેમ છે.

   એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ગુજરાતના સાધુવરો દ્વારા ગુજરાતમાં જ રચાયેલા ઉપરોક્ત ગ્રંથોમાં જે કાંઈ પ્રાપ્ત થાય છે તે કેવળ ગુજરાતનું જ છે અને ગુજરાતના ચારણકવિઓ દ્વારા રચાયેલ એ પદ્યાંશોનું જ ઉદ્ધરણ છે.

   ચારણી સાહિત્ય એ યુગમાં રાજદરબારે માન-સન્માન પામ્યું હોવા છતાંયે એ લોકનું મટ્યું નથી. એનું સ્થાન લોકડાયરાથી રાજદરબાર સુધી વ્યાપી રહેલું દેખાય છે. આજ પણ લોકમાં કોઈ પ્રિયજનની રાહ જોવામાં કાગડો ઉડાડવાનું ગ્રામજીવનમાં જોવા મળે છે. એ જ પરંપરા હેમચંદ્રના સમયમાં પણ પ્રાપ્ત થાય છે.
વાયસુ ઉડ્ડાવન્તિએ, પિઉ દિઠ્ઠઉ સહસતિ;
અધ્ધા વલય મહિહિ ગય, અધ્ધા કુટુ તડતિ.
(મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૬૫)
   (કાગ ઉડાવતી નારીએ હાથ વિંઝ્યો ત્યાં પ્રિયવિયોગે સુકાઈ ગયેલા કરમાંથી અર્ધી બંગડીઓ નીકળી ગઈ. ત્યાં અચાનક એણે પ્રિયને જોયો અને હર્ષથી પ્રફુલ્લિત થવાને કારણે એના હાથની બાકીની બંગડીઓ તડ તડ તૂટી ગઈ.)

   તો એક દુહામાં સૌરાષ્ટ્રનું માલધારી જીવન, સૌરાષ્ટ્રની લોબડીધારી નારીના મનભાવન રૂપનું વર્ણન આ રીતે મળે છે :
સિરિ જરખણ્ડી લોબડી, ગળિ મનિઅડા ન વીસ;
તો વિ ગોઠુડા કરાવિઆ, મુદ્રએ ઉઠ્ઠબઈસ.
(મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ.૭૨)
   (માથે જર્જરિત લોબડી છે અને ગળાની માળામાં પૂરા વીસ મણકા પણ નથી એવી આ મુગ્ધાએ ગોઠ – ગાયોના નેસ - માં જુવાનોમાં ઊઠ્ઠબેસ (હલચલ) કરાવી દીધી.)

   આમ, આદિથી જ ચારણી સાહિત્યની લોકનિષ્ઠાનાં દર્શન થાય છે, કેમકે ચારણી સાહિત્યના જન્મદાતા ચારણો નગરસંસ્કૃતિનું સંતાન નથી, તેઓ પ્રકૃતિનાં બાળકો અને પહાડના પુત્રો છે. એથી જ કહેવાયું છે કે :
સિંહ સિંધર સુગંધમૃગ, ચારણ અરૂ સિદ્ધ,
એતાં નગરાં ન નીપજે, સો પહાડાંમાંહ પ્રસિદ્ધ.
(રતુદાન રોહડિયાના અંગત સંગ્રહમાંથી)
   (સિંહો, હાથીઓ, કસ્તૂરી મૃગ, ચારણો અને સિદ્ધો એ નગરોમાં નથી નિપજતા, એમની પ્રસિદ્ધિ પહાડોમાં છે.)

   આમ, લોકડાયરે આદર પામતો ચારણ રાજદરબારે પણ એ કાળે સન્માનિત હતો. મેઘાણી આ વિષે લખે છે કે :
“છલ્લોછલ સંસ્કૃત ભાષામાં વહી રહેલી પ્રબંધ સાહિત્યની સરિતામાં આમ ચારણ એકલો જ પોતાની જૂની ગુજરાતી કહો, અપભ્રંશ કહો, પશ્ચિમી રાજસ્થાની કહો કે ડિંગળી કહો, તે ન્યારી અને ચમત્કૃતિભરી કાવ્યરચના વિના સંકોચે કરી રહ્યો દેખાય છે અને તે ગ્રામીણ, ગમાર અથવા અસંસ્કારી હેવાનું કોઈ ચિહ્ન જવાને બદલે જડે તો છે આ રીતે. તેની વાણીનાં પણ સંપૂર્ણ સમોવડી સંસ્કારી વાણી તરીકેના અંગીકારનાં ચિહ્નો. ગદ્યવાહી પ્રબંધોમાં એ ચારણનાં દેશ્ય મૂકતકો પણ અન્ય ગિવણ શ્લોક સુભાષિતોની જોડાડમાં સોનામાં નિલમ-માણેક શાં મઢાયાં છે. તે બતાવે છે કે, પ્રબંધકાળનો ચારણ વિદ્યાના મણિમંડપમાં પૂરેપૂરો પ્રતિષ્ઠિત હતો.''
(
ઝવેરચંદ મેઘાણી, ‘ચારણો અને ચારણી સાહિત્ય', પૃ.૨૬)
(ક્રમશ :...)


0 comments


Leave comment