1.10 - આદિકાલીન ચારણી સાહિત્યમાં રસ અને અલંકાર / પ્રાચીન ચારણી સાહિત્ય : સ્વરૂપ અને સિદ્ધાંત / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   વિદ્વાનોએ ચારણી સાહિત્યને વીરરસપ્રધાન સાહિત્ય ગણ્યું છે. કાશીરામ શર્મા (કાશીરામ શર્મા, ‘વચનિકા રાઠોડ રતનસિંઘજી રી', પૃ.૧૬), ડૉ.જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ (ડૉ. જગદીશપ્રસાદ શ્રીવાસ્તવ, ‘ડિંગળ સાહિત્ય', પૃ.૧૯), ગોવર્ધન શર્મા (ડો.ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય', પૃ.૧૪૮), ડૉ. મોતીલાલ મેનારિયા (ડો.મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય', પૃ.૬૩), મનોહર પ્રભાકર (મનોહર પ્રભાકર, ‘રાજસ્થાની ભાષા ઔર સંસ્કૃતિ', પૃ.૩૪) ઇત્યાદિ વિદ્વાનોનાં નામો આ મતના સમર્થનમાં ગણાવી શકાય. સાચી પરિસ્થિતિ એ છે કે આ બાબતમાં તો સર્વ વિદ્વાનો વચ્ચે એકમતિ જ છે.

   આદિકાલીન ચારણી સાહિત્યમાં પણ આ જ લક્ષણ સ્કુટ થતું જોવા મળે છે. જન્મથી જ એ વીરરસાત્મક અને ભાવપ્રધાન રહ્યાનું દેખાઈ આવે છે. અલંકાર બાબતમાં એ સાદગીની તરફેણ કરે છે અને તે પણ એટલે સુધી કે મધ્યકાળે જેની બોલબાલા હતી એ ચારણોના પ્રિય અલંકાર ‘વયણ સગાઈ’નું આદિકાળમાં અસ્તિત્વ જોવામાં આવતું નથી. વનબાલા માફક એ કેવળ થોડાક જ અને આયાસ કર્યા વગરના વનપુષ્પ શા અલંકારો વડે જ અલંકૃત છે.

   જોકે ચારણી સાહિત્યમાં વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો અનાદર નથી. પ્રસંગાનુસાર શૃંગાર, શાંત વગેરે રસોને પણ ચારણી કાવ્યોમાં સ્થાન મળ્યું છે. અત્રે થોડાં ઉદાહરણો જોઈએ. મધ્યકાળમાં વીર પતિની પ્રશંસા પત્નીમુખે કરાવીને કાવ્યમાં માધુર્યભાવનું સંમિલન કરાવવામાં આવતું. એ જ પરંપરા આદિકાળમાં પણ પ્રાપ્ત થતી જણાશે. (પુરુષોત્તમ મેનારિયા, ‘રુકમણી હરણ', પૃ.૨૩ )

વિરરસ :
જઈ ભગ્ગા પારકડા, તો સહિં મજ્ઝું પિએણ;
અહ ભગ્ગા અમહહ તણા, તો ? મારીઅ ડેણ’
(નામવરસિંહ, ‘હિંદી કે વિકાસ મેં અપભ્રંશ કા યોગ', પૃ.૩૪૩)
   (સખી ! જો શત્રુઓ નાઠા હશે તો મારા પ્રિયતમને કારણે અને જો આપણા માણસો નાઠા હશે તો તે મારા પ્રિયતમ વીરગતિ પામવાને કારણે.)

ખગ્ગ વિસાહી જહિં લહહુ, પ્રિય તહિ દસહિ જાહુ;
રણદુબિ ભકખે ભગ્ગા, વિણ જુજઝે ન વળાહ’
(મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ. ૭૮)
   (પ્રિય ! જ્યાં સંગ્રામનો વ્યવસાય મળે ત્યાં ચાલો, આપણે યુદ્ધ દુષ્કાળથી ભાગી આવ્યા છીએ, માટે હવે રણખેલ ખેલ્યા વગર પાછળ નથી વળવું.)

ગએઉ કેસરી પિઅહુ જલુ, નિશ્ચિતઈ હરિણઈ;
જસુ કેરઈ હુંકારઉ, મુહહુ પડંતિ તૃણાઈ.
(ડૉ.ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય', પૃ. ૨૭૮)
   (જેની ગર્જનામાત્રથી હરણોના મુખમાંના ઘાસના તણખલાં પડી જાય છે એ વનરાજ જળપાન અર્થે જતાં હરણોને શાંતિ થઈ.)

   આ જ ભાવનો દુહો ‘સદેવંત સાવળિંગાની વાત'માંથી મળે છે :
જણિ વાટિ કેસરી ગિઉ, રજ લાગી તરણાં;
તે ખડ ઊભાં સૂકશી, નહી ચરે હરણાં.. ૬૯
(ગુજરાતી ભવન, સૌ. યુનિ. હ.પ્ર. નં. ૫-૮૬)
   (જે રસ્તે વનરાજ સંચર્યા અને જે ઘાસ પર તેમની પદરજ પડી તે ખડ ઊભાં ઊભાં સુકાઈ જશે, પણ હરણો તેને ચરશે નહીં.)

સુન્દર સર અસુરાહ દલિ, જલ પીધઉ વયણેહિ;
ઉદય નરિંદિહિ કટઢીઉં, તીહં નારી નયણેહિ.
(અગરચંદ નાહટા, ‘પરંપરા’ ૧૨, સને ૧૯૬૧, પૃ. ૧૧૪ )
   (સુંદરસર તળાવનું જે જળ અસુરોએ (તુર્કોએ) પોતાના મુખે પીધેલું તે જળ ઉદયસિંહે તેમની સ્ત્રીઓનાં નયનોમાંથી (તુર્કોને હણીને) અશ્રુરૂપે કાઢ્યું. )

શૃંગાર :
   આદિકાલીન ચારણી સાહિત્યમાંથી વ્યક્તિની રચનાઓનો ભારે પ્રમાણમાં લોપ થઈ ગયો છે. જે કાંઈ બચ્યું છે તે જૈન હેમચંદ્રાદિના ગ્રંથોમાંથી ઉદાહરણો કે પ્રબંધોરૂપે પ્રાપ્ત થાય છે. પણ લોકમુખે પ્રચલિત હોવાને કારણે આદિકાલીન લોકકથાઓ ઠીક ઠીક પ્રમાણમાં સચવાઈ રહેલી પ્રાપ્ત થાય છે અને એમાં પ્રણયકથાઓ જ પ્રધાન સંખ્યામાં હોવાને કારણે શૃંગારરસનાં પદ્યો વીરરસનાં પદ્યોને મુકાબલે વધુ પ્રાપ્ત થાય છે. પણ આનો અર્થ એવો નથી કે ચારણી સાહિત્યનો આદિકાલીન મુખ્ય રસ શૃંગાર હતો, પણ વ્યક્તિપૂજાની અને પૌરાણિક વિષયવસ્તુવાળી રચનાઓનું અપ્રાપ્યપણું જ આ માટે કારણભૂત છે. વિયોગ અને સંયોગ શૃંગારનાં થોડાં થોડાં ઉદાહરણો જોઈએ.

વિયોગ :
મુંજ ભણઈ મૃણાલવઈ, કેસા કાંઈ ચૂયંતિ;
લદ્ધઉ સાઉ પયોહરઈ, બંધાણ ભણીસ રુઅંતિ.
(અગરચંદ નાહટા, પરંપરા” ૧૨, સને ૧૯૬૧, પૃ. ૧૦૪)
   (મુંજ કહે છે, મૃણાલવતી ! આ કેશો શાને જળ સ્ત્રવે છે ? જવાબ મળ્યો : તેઓ મારા સ્તનો પર લુબ્ધ થયા છે, પણ હવે અંબોડારૂપે બંધન થતાં સ્તનવિયોગ થશે એ કારણે રુદન કરે છે.)

જઈ સસણેહી તો મુઅહ, અહ જીવઈ નિન્નેહ;
વિહિં વિ પચારેહિં ગઈઅ, ઘણ કિં ગજ્જહિ ખેલ મેહ
(ડો. ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય', પૃ. ૧૧૩-૧૧૪)
   (જો સુંદરી મને પ્રેમ કરતી હશે તો તે નિશ્ચે મરી ગઈ હશે અને કદાચ જીવિત હશે તો એ સ્નેહ વગરની હશે. આમ, બંને રીતે મેં એને ગુમાવી છે. હે દુષ્ટ મેઘ, તું શાને ગર્જે છે ?)

જે મહ દિણ્ણા દિઅહડા, દઈએ પવસન્તેણ;
તાણ ગણન્તિએ અંગુલિઉ, જજ્જરિઆઉ નહોણ.
(મનોહર શર્મા, ‘પરંપરા' ૧૨, સને ૧૯૬૧, પૃ. ૬૬)
   (પ્રિયજને પ્રવાસે જતાં જેટલા દિવસો (રોકાવા)નું કહ્યું હતું એને ગણતાં ગણતાં મારી આંગળીઓ ઘસાઈને જીર્ણ થઈ ગઈ.)

ટોળાં સૂં ટળિયાંહ, હિરણાં મન માઠાં હુવા;
વાલમ વિછડિયાંહ, જીવે કિણ વિધ જેઠવા.
(ડૉ. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય', પૃ. ૭૮)
   (હે જેઠવા ! હરણાં જેવાં જાનવરોને પણ પોતાનાં ટોળાંથી અલગ પડી જવું બહુ વસમું લાગે છે, તો પછી હું તો માનવ છું તે પ્રિયજનના વિયોગમાં કઈ રીતે જીવી શકું?)

સંયોગ :
જિવૈ જિવૈ બંકિમ લોઅણહ, ણિરુ સામલિ સિકશેઈ;
તિવૈ તિવૈ વમ્મહુ નિઅય, સરુખર પત્થરિ તિકખેઈ.
(ગોવર્ધન શર્મા, ‘ડિંગળ સાહિત્ય', પૃ.૧૧૩)
   (જેમ જેમ એ શ્યામા નેત્રથી વક્રતા-કટાક્ષ પ્રહાર શીખે છે, તેમ તેમ કામદેવ પોતાનાં બાણોને પથ્થર પર સજાવીને તીક્ષ્ણ કરે છે.)

   તો નીચેના દુહામાં સૌરાષ્ટ્રના ગોપજીવનની ઝાંખી છે. સાથે ગોપાંગનાના લાવણ્યની પણ પ્રશંસા છે. જે કાળનો દુહો છે, એ કાળે તો સૌરાષ્ટ્રમાં ગોપજીવન જ પ્રધાન હતું. ઝૂંપડામાં રહેતાં અને ખડપાણીની શોધમાં ભ્રમણશીલ જીવન ગાળતાં નેસવાસી માનવોનું આ ચિત્ર છે.

લાણ વિલિજ્જઈ પાણિએણ, અરિખલ મેહુમ ગજ્જુ;
વાલિઉ ગલઈસુ ઝુંપડાં, ગોરી તિમ્મઈ અજ્જુ.
(ગોવર્ધન શર્મા, હિંગળ સાહિત્ય', પૃ. ૧૧૩)
   (હે શઠ મેઘ ! ગર્જના ન કર, જળપ્રપાતથી સૌંદર્ય નષ્ટ થાય છે અને ઝૂંપડીમાં ચૂવાક થાય છે, જેને કારણે ગોરી ભીંજાય છે.)

સજાગ મળિ ધીરત થઈ, કાજ સહિ સરિઆ;
પૂનિમ કેરા મિઅંક જું, ચહુદશ પરવરિઆ.
(રતુદાન રોહડિયા – ‘ઢોલામારુ રી વાત'ની અંગત હસ્તપ્રતમાંથી)
   (પ્રિયજન મળ્યા, મનમાં ધૈર્ય આવ્યું અને સર્વ કાર્ય સિદ્ધ થયાં. મનનો આનંદ પૂર્ણિમાના ચંદ્રકિરણો માફક ચારે બાજુ પ્રસર્યો.)

અલંકાર :
   મધ્યકાળે પણ ચારણી સાહિત્યમાં સાયાસ અલંકારપ્રાચુર્ય લાવવાના પ્રયાસો નથી થયા. ચારણી સાહિત્ય એ ભાવ અને ઊર્મિપ્રધાન સાહિત્ય છે. ડૉ. મોતીલાલ મેનારિયા આ અંગે લખે છે કે :
‘ડિંગળ કવિતા સીધી-સાદી કવિતા હૈ | ઈસમેં અલંકારો કી પ્રધાનતા નહિ હૈ, ભાવ યા અર્થ કી પ્રધાનતા હૈ અલંકારો કા પ્રયોગ ભી ડિંગળ કે કવિયોને કિયા હૈ | પરન્તુ બહુત થોડા ઔર સંયમ કે સાથ અલંકાર જ્ઞાન કે પ્રદર્શન હેતુ ભાવ કો ભ્રષ્ટ કરને કી પ્રવૃત્તિ ઈનમેં દિખાઈ નહીં દેતી I અર્થાલંકારો મેં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા આદિ સાદેશ્યમૂલક અલંકાર ડિંગળ મેં અધિક દેખને મેં આતે હૈ, ખાસ કર ઉન સ્થાનો પર જહાં સેના, યુદ્ધ, પ્રકૃતિ ઓર રૂપ-સૌંદર્ય કા વર્ણન કિયા ગયા હૈ | સાંગરૂપક ડિંગળ કવિયોં કે વિશેષ રૂપ સે બહુત સુન્દર બન પડે હૈ | ઈનમેં બડી કાંતિ, સ્વાભાવિકતા ઔર પૂર્ણતા હૈ !
(ડો. મોતીલાલ મેનારિયા, ‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય', પૃ. ૮૩-૮૪)
   આ સાદગીપ્રધાનતા ચારણી સાહિત્યમાં આદિકાળથી સ્કુટ થતી જોવા મળે છે.

યમક અને વિપ્સા :
પુતે જાએ કવણ ગુણુ, અવગુણ, કવણ મુએણ;
જા બપ્પીકી ભૂંહડી, ચમ્પિજઈ અવરેણ.
(અનંતરાય રાવલ, ‘ગુજરાતી સાહિત્ય', પૃ.૫૨)
   આમાં ‘ગુણ-અવગુણ'ની યમક સાંકળી અને ‘કવણ’ની પુનરુક્તિ વિપ્સા અલંકાર છે. ‘મુએણ' અને ‘અવરેણ' અનુપ્રાસ છે. આમ, પ્રાસ દરેક કાવ્યમાં મળવાનો જ એ સ્વાભાવિકપણે અંલકારયોજના થઈ.

દૃષ્ટાંત :
મુંજ ભણઈ મુણાલવઈ, જુવાણ ગયઉન ઝૂરિ;
જઈ સક્કર સયખંડ થિય, તોઈ સમીઠ્ઠી ચૂરિ.
(અનંતરાય રાવલ, ‘ગુજરાતી સાહિત્ય', પૃ.૫૨)

પુન:
તાહરૌગ ફુલ તણાહ, લાખા જસ અંબર લગૌ;
ઉપરિ જગતિ અથાહ, જિગિઓ કિરણાપતિ જિહિ.
(રતુદાન રોહડિયો, ‘ઊર્મિ નવરચના’ માસિક, નવેમ્બર ૧૯૭૮)
    ક્રમશ: સાકર અને સૂર્ય દૃષ્ટાંત ઉત્પ્રેક્ષા છે.

રૂપક :
પેલાં પાંખ પખે, જેઠી ! પે જીવારિયાં;
પાંખ પર ગયે ઈ, ભોમિ ઘણેરી ભાણુઆ.
(રતુદાન રોહડિયાની અંગત હસ્તપ્રતમાંથી. આ દુહાનું પાઠાંતર પૃ.૭૫ પર અપાયેલ છે.)

   ચારણી સાહિત્યમાં મધ્યકાળે બોલબાલા હતી એ વયણ સગાઈ અલંકાર આઈ વરુડીના રચાયેલા ગીતમાં પ્રાપ્ત થાય છે. આમ, વયણ સગાઈની ચારણી સાહિત્ય સાથેની સગાઈ આદિકાળ જેટલી જૂની છે. સંભવતઃ છસો વર્ષ જેટલી.

એળા ચિતૌડા સહૈ ધર આસી,
હું થારાં દોખિયાં હરું ;
જણણી ઈસૌ કહૂં નહ જાયૌ,
કહવૈ દેવી ધીજ કરું.
(કરાવડા, તા.ડુંગરપુર, રાજસ્થાનનાં શ્રી વિજયસિંહ સોઢાનાં મુખેથી. ૨૧-૧૨-૧૯૭૯. રતુદાન રોહડિયાની શોધયાત્રા – ૭૮-૭૯)
(ક્રમશ :...)


0 comments


Leave comment