1 - કવિતાકળાનો સામાન્ય પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   સંસ્કૃત મૂળના ‘कु’ કે ‘कव’ ધાતુ પરથી ‘કવિતા’, ‘કાવ્ય’ અને ‘કવિ’ શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ ‘અવાજ કરવો’ થાય છે જે શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. કવિતાના મૂળમાં શ્રુતિગમ્ય સ્ફોટનો બોધ રહ્યો છે.

   કવિનું કર્મ એટલે કવિતા. કવિ સર્જન કરે છે, અક્ષરતત્ત્વની ઉપાસના કરે છે. એ શબ્દબ્રહ્મનો સાધક છે, કવિનું સર્જન ‘કવિતા’ કહેવાય છે જેમાં સર્જક ભાવ-વિચારના સંપૃક્ત સત્ત્વને લયાન્વિત વાણીમાં અભિવ્યક્ત કરે છે. મોટે ભાગે કવિતાની વાણી પદ્યાત્મક હોવાનું આપણે માનીએ છીએ પણ સાવ એવું નથી; ક્યારેક ગદ્યાત્મક કે ગદ્યપદ્યાત્મક પણ એ હોઈ શકે. છાંદસ અને અછાંદસ પણ હોઈ શકે, એની ખાસ તો અ-નિવાર્યતા લયાત્મિક હોવા અંગેની છે. તેમાં શબ્દ અને આથી ઉભયનો મહિમા છે. જોકે બળવંતરાયે અર્થતત્ત્વને વધારે મહત્ત્વ આપ્યું હતું. કુંતક સૂચવે છે તેવું, શબ્દ-અર્થનું સહિતત્વ જ કવિતામાં અભીષ્ટ મનાયું છે. કોલરિજે પણ કહ્યું છે તેમ ઉત્તમ શબ્દોનો ઉત્તમ રીતિનો વિન્યાસ કવિતામાં હોય છે. કવિમાં શબ્દપ્રભુત્વ અને કળાપ્રભુત્વ અનિવાર્યપણે હોવાં જોઈએ.

   કવિતા સર્જનમાં પ્રેરણા, સંવેદના અને કલ્પના ત્રણેયનું અત્યંત મહત્ત્વનું સંવાદસંકુલ રચાય છે. કવિમાં ક્રોચેકથિત સ્વયંસ્ફુરણા તો પ્રેરણાનો ધક્કો થઈને પ્રગટે છે. નર્મદે ‘જોસ્સા’ની વાત કરેલી એ જ અર્થમાં છે. કવિતાના પ્રાકટ્ય અને નિર્વાહમાં ઊર્મિતત્ત્વનો સૌથી વધુ મહિમા છે. એડગર એલન પોએ તો ઊર્મિકવિતાને જ સાચી કવિતા માનેલી. વાલેરીએ ‘શુદ્ધ કવિતા’નો ખ્યાલ રજૂ કરેલો ત્યારે પણ ‘ઊર્મિ’નો સ્વીકાર કર્યો છે. કવિતામાં ઊર્મિ-વિચારનું તેમ કલ્પનાનુંય મહત્વ છે. કલ્પનાને કારણે એ કળાત્મક બને છે. એઝરા પાઉન્ડે તો કવિતાની રૂપકનિષ્ઠ અને કલ્પનનિષ્ઠ વાણીનો યોગ્ય મહિમા કર્યો છે.

   કવિતામાં દર્શન અને વર્ણનનું પણ મહત્ત્વ ઓછું નથી. ભટ્ટ તૌતે વર્ણન અને લોન્જાઈનસે ઉદાત્તતાની સાથે વર્ણનની ભવ્યતાની આવશ્યકતા પર ભાર મુકેલો. કવિનો શબ્દ જીવનવ્યવહારની ભાષાથી ઉપર ઊઠેલો હોય છે. કવિ પોતાની પ્રતિભાને બળે વૈયક્તિક કાવ્યભાષામાં વ્યવહારભાષાને રૂપાંતરિત કરે છે. આઈ. એ. રિચાર્ડઝ કહે છે તેમ, ભાવવાહી વાણી જ ક્ષર દ્વારા અક્ષરનો - લૌકિક દ્વારા અલૌકિકનો - ઈન્દ્રિયગ્રાહ્ય દ્વારા ઈન્દ્રિયાતીતનો, શબ્દ દ્વારા શબ્દાતીતનો અનુભવ કરાવે છે. ઉત્તમ કવિની વાણી કૃતિએ કૃતિએ એના સર્જકના સમૃદ્ધ આંતર વ્યક્તિત્વનો પરિચય પણ કરાવે છે. આમ સર્જકની ‘કવિતા’માં આ બધાં જ તત્ત્વોનો સુમેળ-સંવાદ રચાય છે. અનુભવગત તાદાત્ય અને કલાગત તાટસ્થ્યનો સંગમ પમાય છે. કલ્પન, પ્રતીક, છંદ-અલંકાર કવિતામાં આવિર્ભાવ પામતાં તે કૃતિ આસ્વાદનો વિષય પણ બને છે. સર્જનનો અને આસ્વાદનો અનુભવ એમાંથી પામી શકાય છે - અલબત્ત એ અવ્યાખ્યેય છે.

   વેદકાલીન ઋચાઓથી સાંપ્રત સમસ્યાઓ સુધી કવિતાનું સાતત્ય છે. આદિમ કાળથી માનવજીવન સાથે સંકળાયેલી છે - અનેક ભાવરૂપો એણે ઝીલ્યાં છે. કવિતાકલા રવીન્દ્રનાથ કહે છે તેમ, જીવનનું ઉત્ - શિષ્ટ છે. હાલરડાં, પ્રભાતિયાં, ઉત્સવગીતો, શ્રમગીતો, રણગીતો, લગ્નગીતો, નૃત્યગીતો એ કવિતાનાં રૂપો છે. માનવની અસ્ખલિત યાત્રામાં કવિતા લોકગીત રૂપે ટકી છે. અથવા લોકગીત જ આપણી કવિતાનું ગર્ભગૃહ છે. કવિતા-પદાર્થને વિવિધ દૃષ્ટિએ તપાસી શકાય એ ‘આત્માની માતૃભાષા’ છે તો બીજી બાજુ ‘મૌનનો સનાતન શબ્દ” પણ છે.

   કવિતાની લેખિત પરંપરા પૂર્વે મૌખિક પરંપરા અસ્તિત્વમાં હતી. એટલે લોકગીતની પરંપરાનો સંસ્કારવારસો આપણી અભિજાત કવિતાએ જરૂર ઝીલ્યો છે. મધ્યકાલીન ગેય પ્રકારો, પદ ગરબા-ગરબી, રાસ, રાસડાની આકર્ષક લેખિત-ગેય પરંપરા હતી અને છે. બીજી તરફ પ્રાસંગિક લગ્નગીતો, લોકગીતોની સમૃદ્ધ મૌખિક પરંપરા પણ હતી.

   અંગ્રેજી-પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કે ‘ઊર્મિકાવ્ય’ – Lyric નો ખ્યાલ સાહિત્યમાં સ્વતંત્ર કવિતાસ્વરૂપ તરીકે વિકાસ પામ્યો છે. પાશ્ચાત્ય કાવ્યના પ્રભાવથી જે લિરિક આવ્યાં તેમાં સૉનેટ, ગઝલ, હઝલ, રુબાઈ, હાઈકુ જેવાં સ્વરૂપો ગુજરાતીમાં ખેડાયાં. એનાં લક્ષણો નિયત થયાં. અલબત્ત તે પૂર્વે નરસિંહ, ભાલણ, મીરાં, આનંદઘન, બ્રહ્માનંદ, શામળ, પ્રીતમ, ગૌરીબાઈ, રણછોડ અને દયારામનાં પદો - ભજનોમાં પણ એ જ લક્ષણો દેખાય છે. ગુજરાતી કવિતાનો પિંડ લોકગીતના સંસ્કારબળે બંધાયો છે. અર્વાચીન કવિતાનો દેહાત્મા લોકકવિતા અને મધ્યકાલીન કવિતાનો સંસ્કાર-વારસો લઈને આવે છે એ ન ભૂલવું જોઈએ. અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રથમ તબક્કામાં શબ્દ દ્વારા સંસાર-સુધારાનું લક્ષ્ય હાંસલ કરાયું છે તો બીજા તબક્કામાં અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી કવિતાનાં અનેક તત્ત્વોના મિશ્રણથી કવિતાનો કાયાકલ્પ થયો છે અને ‘શબ્દ’ કરતાં ‘અર્થ’નો મહિમા વધવા માંડ્યો છે, જે સ્વાતંત્ર્યોત્તરકાળમાં શબ્દાર્થમાં સંયુક્ત સૌંદર્યની સાધના રૂપે દેખાય છે.

   આમ, કવિ કવિતામાં શબ્દ દ્વારા કળાત્મક રીતે ભાવસંવેદનનાં શિલ્પો રચે છે.
   વળી, સ્થૂળજગતના રસ કરતાં સૂક્ષ્મ જગતના રસ વધારે હોય છે એટલું જ નહિ એમની આનંદ પ્રાપ્ત કરાવવાની શક્તિ પણ વધારે છે. માણસના હૃદયમાં જે પ્રેમ છે – તે પ્રેમ તેની અંગત વસ્તુ છે, પરંતુ તે પ્રેમ કવિતામાં રૂપાંતર પામે છે ત્યારે એ અંગત રહેતો નથી, બિનંગત અથવા ‘યુનિવર્સલ’ બને છે. આમ કવિતા દ્વારા સંકુચિત જીવનનાં બંધનોમાંથી મુક્ત થઈ બંધનહીન મુક્તિની અવસ્થાનો ભાવક પરિચય કરે છે. આમ, કળાની સૃષ્ટિમાં પ્રવેશી. તે નિગૂઢ સત્યના સંપર્કમાં આવે છે. જાણે જીવનનો સમાવેશ કરનાર જે પરમતત્ત્વ છે એના ઉંબરે જઈને ઊભો રહે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment