3.1 - ગીત : લોકગીત / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   અન્ય કાવ્યપ્રકારોની જેમ ગીત વિદેશી કાવ્ય-પ્રકાર નથી. ગીતનો જન્મ લોકગીતની નાભિમાંથી થયો છે, કારણ કે લોકગીતના ઘણાખરા સંસ્કારો આ પ્રકારમાં ઝીલાયા છે. એ વાતને સમર્થનો પણ મળ્યાં છે, તે જોઈએ.

   રણજિતરામ મહેતાના કથન પ્રમાણે ‘લોકગીતોનો ઉષઃકાળ એ સાહિત્યનો ઉષઃકાળ છે, વસ્તુતઃ સાહિત્યનો ઉદ્ભવ લોકસાહિત્યમાંથી થયો છે.’ (૧) શ્રી રમણલાલ મહેતાના વિધાનને જોઈએ – ‘લયની ગતિલીલાઓના પ્રવાહના ઇતિહાસમાં પહેલાં લોકગીત આવે અને એ પછી માત્રામેળ કે દેશીબંધ આવે.’ (૨) સુરેશ દલાલ પણ કહે છે : ‘ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય છે પણ એનો ભાવ હોય છે સ્વાભાવિક અને માર્મિક.’ (૩) આ ત્રણેય વિધાનો વિશે વિચારતાં એમ કહેવાનું મન થાય કે જેને આપણે ગીતકાવ્ય કહીએ છીએ એનાં મૂળિયાં લોકગીતમાં પડ્યાં છે.

   આદિકાળમાં લોકજીવનની સરળ અને ઊર્મિલ અભિવ્યક્તિ ગીતરૂપે જ થઈ હશે. એ સંવેદનને લોકોના પારિવારિક અને વૈયક્તિક જીવન સાથે નાતો હોય છે. ગીત, લોકગીતના સંસ્કારપિંડ લઈને જ ગમે તે ભાષામાં જન્મે એ ઘટનાતર્ક સમજી શકાય એવો છે. વેદના મંત્રો એ ઋષિમુખેથી પ્રગટેલી જ્ઞાનગીતની પંક્તિ-માલાઓ છે. એનાથીય પૂર્વે જ્યારે માનવી પાસે ભાષા પણ નહિ હોય ત્યારે પણ પ્રસન્નતા અને આનંદના-વેદનાના ભાવોના પ્રગટીકરણ માટે જે સંકેતો તેણે પ્રયોજ્યા હશે એમાં લોકસંગીતના સંસ્કારો જરૂર જણાવાના. લયયુક્ત અભિવ્યક્તિ જ ગીતનો પ્રથમ ફણગો છે. લોકગીત એના મૂળ સ્વરૂપમાં તો મળતું જ નથી, એ અનેક કંઠની યાત્રા કરતું કરતું આપણા કાને પડે છે ત્યારે પણ એના શબ્દદેહનું એ આખરીરૂપ (અંતિમ) હોતું નથી એ સ્વીકારી લેવું જોઈએ. જનસમાજે એની જરૂરિયાતો, વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પ્રમાણે ઘાટ ઘડ્યો છે એ યાદ રાખવું જોઈએ. એટલે એમાં ‘સંઘોર્મિ' છે, સમાજની ભાવનાઓ અને આદર્શોનું પ્રતિબિંબ છે. ‘લોકગીત’નું બીજું લક્ષણ વ્યાપન છે; તે સ્થાયી થતાં નથી, સમયમાં બંધાઈ અટકી જતાં નથી. સમયખંડની બહાર નીકળી ચિરંજીવ બને છે. વ્યાપકપણે તેમાં લોકાનુભૂતિનું પ્રતિનિધિત્વ થતું હોય છે. જ્યારે રામનારાયણ પાઠકે સાહિત્યની કાચી સામગ્રી ‘લોકસાહિત્ય’માં પડેલી છે એમ કહ્યું ત્યારે પણ એ જ વાતને સમર્થન મળતું હતું કે સાહિત્યનાં મૂળિયાં લોકસાહિત્યમાંથી શોધી શકાય.

   લોકગીત અને તેમાંથી સંસ્કારાયેલું અભિજાત ગીત એ તો ખરું, પણ એ બંનેની વચ્ચે બેસી શકે એવું લોકપ્રિય ગીતનું પણ સ્વરૂપ છે જેમાં, કાવ્ય કરતાં સંગીતનો ઝાઝો મહિમા હોય. અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ ત્રિવેદી, ‘પાગલ’ જેવા ગીતકારોનાં ગીતો લોકપ્રિય ગીતો છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment