11 - ગીતમાં માધુર્ય અને સૌન્દર્યની નજાકત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   સાહિત્યિક ગીતમાં માધુર્યના તત્વને આંગળી મૂકી દર્શાવી શકાય નહિ, પણ ગીતની નિરૂપણરીતિમાં એ તત્વ કેવી રીતે સામેલ થાય છે તે તપાસીએ.

   પ્રારંભનાં ઘણાંખરાં પદો, ઊર્મિકાવ્યો ગેયસ્વરૂપે જ રચાયાં છે. મુદ્રણને અભાવે લોકસાહિત્યનો અને સંતપરંપરાના ગીતોનો આસ્વાદ, ગાન અને શ્રવણ દ્વારા જ થતો, એટલે વિષયની માંડણી અને તેની અભિવ્યક્તિની વિશિષ્ટ રીતિની આવશ્યકતા ઊભી થઈ. જેમ જેમ કાવ્ય કાને પડતું જાય તેમ તેમ શ્રોતાના ચિત્ત પર તેના સંસ્કારો સ્પષ્ટ રીતે અંકાઈ જાય. એટલે કાવ્ય સંભળાય એમ સમજાય.

   સુન્દરમ્ વળી ગીતમાં - ‘રાગીયતા’ને ગીતનિરૂપણરીતિનું પ્રાણતત્વ માને છે, જેના કારણે ગીત ગીતત્વ પ્રાપ્ત કરે છે. “રાગીયતા એ કેવળ સંગીતનો ‘રાગ’ Melody નથી, તથા રાગમાં ગાઈ શકાય કે ગુંજી શકાય તેવી માત્ર પદ્યની ‘ગેયતા’ નથી. કાવ્યનું શ્રવણ દ્વારા સંક્રમણ કરવા જતાં તેનો શબ્દ, બાની – diction અને સમગ્ર અર્થવિન્યાસ એ સર્વમાં આ તત્વ એકીસાથે પ્રગટ થાય છે. તથા વિષયનિરૂપણનાં બધાં ઉપકરણોમાં અને નિરૂપણ પ્રક્રિયામાં સાદ્યંત અને સર્વત્ર વ્યાપક બની રહે છે. ‘રાગ’ તથા ‘ગાન’ થી એની સ્વતંત્ર હસ્તી છે. ‘રાગ’ના સૂક્ષ્મસત્વનો એમાં વિશાળ અને વ્યાપક આર્વિભાવ છે. એ ‘રાગ’ની એક વિશાળ સૃષ્ટિ છે જેમાં તે Melodiousness બનીને કાવ્યમાં પ્રગટ થાય છે.” – સુન્દરમ્ (સા. ચિંતન)

   આપણે આ જ વાતને આગળ જોઈ કે રાગીયતા ગીતનો કોઈ બાહ્ય કે આગંતુક પદાર્થ નથી, પરંતુ એ ગીતનું અંતરંગ છે. કવિચિત્તની એ એક અંતર્ગત બાબત છે. જે ઉપાડ, લય, વર્ણ અને શબ્દ-સંયોજન, તેમાંની કલ્પનાસૃષ્ટિ, ભાવવ્યંજકતા વગેરે સર્વ બાબતોને સંવાદાત્મક રસી દે છે. આ રાગીયતા ગીતના અણુએ અણુમાં, રગેરગમાં વ્યાપી જાય ત્યારે ઉત્તમ પ્રકારનું ગીતત્વ સિદ્ધ થાય છે. લોકગીતોમાં આ રાગીયતા વધુ બળકટ અનુભવાય છે. આપણે દ્રષ્ટાંતો દ્વારા રાગીયતાને ઓળખવાનો પ્રયત્ન કરીએ.

   આંખમાં ઝોકો વાગવાની અળખામણી ઘટના કવિ રાજેન્દ્ર શાહની કલ્પનાના સ્પર્શથી કમનીયતા ધારણ કરે છે. એને જોઈએ આપણે ‘ઝૂંક વાગી ગઈ’(શ્રુતિ,૬૩) ગીતમાં –
‘મને જરા ઝૂંક વાગી ગઈ,
માલતીની ફૂલ-કોમળી તોયે ડૂંખ લાગી ગઈ.’
   - આંખમાં આકસ્મિક જે ઝૂંકવાગી ગઈ, એનું કારણ શું ?માલતી નામના ફૂલની કોમળ ડૂંખની-પ્રીતની જ તો આ ઝૂંક છે ! એનું પરિણામ જોઈએ.

‘થલ મહીં મેં જલને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ-સોમ
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.’

   ઝૂંકને કારણે દ્રષ્ટિની સ્વાભાવિકતા લોપાઈ ગઈ. વાસ્તવિક સૃષ્ટિ અલોપ થઈ ગઈ અને સ્વપ્નની અલબેલી દુનિયા ઊઘડી આવી. બધું અવળ-સવળ થઈ ગયું છે. થલને સ્થાને જળ દેખાય અને જળને સ્થાને વ્યોમ દેખાય એ કેટલી ગંભીર અસર ?? એકાદ ક્ષણમાં હજાર હજાર સૂરજ-ચંદ્રના તેજથી આંખ અંજાઈ ગઈ છે – છે આ મૂંઝવણની કોઈ દવા ?
‘ડંખનું લાગે ઝેર તો હોય ઝેરનું ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.’
  
   -કાંટો વાગ્યો હોય તો કાઢી શકાય, એનું નિવારણ પણ કરી શકાય. આ તો માલતીની ઝૂંક ! ક્યાંક મીટ માંડીને નયનનાં જલને નિતારીને જ વેદનામાંથી છુટકારો મેળવી શકાય અને એમ કરવા જતાં જ તો ઉપાધિ ઊભી થઈ છે. પ્રીતમના મુખ સામે તાકી તાકીને જોઈ રહેતાં તો ‘મોહન એના મુખની’ એમાં ભૂખ જાગી ગઈ છે. ઠેરવેલી નજરને હવે ખસેડવાનું મન નથી થતું. કેવી કલ્પનારસી છે મોહન
પ્યારાના મુખડાની માયા !

   આ ગીતમાં રાજેન્દ્રની તર્કલીલા-કલ્પકતાની રાગીયતા રગેરગમાં વ્યાપી ગઈ છે. ઓળઘોળ થઈ ગઈ છે.
   ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’જેવા મેઘાણીના ઉદ્દગારોમાં જીવનબળના લલિતમધુર, વેદનાવ્યથા કે સ્વાર્પણની જવાંમર્દીના ઉન્મેષોના ગાનમાં રાગીયતા – સુંદરતા વરતાય છે. બીજું એક કાવ્ય જોઈએ – ‘ઝંખના.’
‘ઝંખના’
સૂરજ ઢૂંકે ને ઢૂંકે ચાંદાની આંખડી
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી
પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી – સૂરજ.

મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી;
તલખે પંખીને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયાદવનો ઝંપતા રે હો જી – સૂરજ.

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભના આભૂષણ તોયે ઓછાં પડે રે હો જી,
બ્રહ્માંડ ભરીને પોઢ્યા કીકીમાં માશો શેણે ?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી – સૂરજ
– ઉમાશંકર જોશી

   અહીં ગીતની નજાકત, મધુરતા, સરલતા જળવાઈ નથી, ગીતમાં બરડ તથા ગંભીર કે તાત્વિકવિચાર વિષય તરીકે ખપમાં લેવાય નહિ, એ હકીકતનું ઉલ્લંઘન અહીં થયું છે. આવી વિષમ સ્થિતિમાં ગીત એની નજાકતતા ગુમાવે એમ જરૂર કહી શકાય.

   ગીતમાં વિવિધ ભાવોની અભિવ્યક્તિમાં તો સંવેદનની ઋજુતા એટલે કે લાગણીની સુકુમાર અવસ્થા, રજૂ થતી હોય છે અને તે શબ્દ એનો અર્થ એને આખા ગીતના વણાટ-કામમાં એ કોમળતા કામ કરતીહોય છે. ક્યાંય ગાબડું ન પડે એવી મખમલની ચાદર પર ગીતકાર લયના સોયાથી ગીત ગૂંથતો હોય છે. પછી એ ગીતમાં સૌન્દર્ય ઊતરી આવે, સુંદરતામાં નજાકતતા હોય એમાં નવાઈ શી ?

   ગીતમાં કુમાશભર્યો ભાવ જે રંગદર્શિતા સર્જે છે એને કારણે ગીત કાવ્યાત્મક બને છે, અથવા કુમાશવાળું બને છે. ગીતનો પેલો લય એમાં રાગીયતા લાવે છે;એટલું જ નહિ, એના મુખ્યભાવની આબોહવાને અનુકૂળ હોઈ એ ભાવને પોષે પણ છે. પરિણામે ગીતમાં જે પ્રકારનાં કોમળ ભાવચિત્રો આપણે મેળવી શકીએ એવાં ઋજુ ભાવચિત્રો અન્યસ્વરૂપે સહેલાઈથી મેળવવાં દુષ્કર છે. અલબત્ત કેટલાંક ગીતોમાં પ્રસાદ, ઓજસ અને માધુર્ય ત્રણે ગુણ પણ જોવા મળે છે.

   આમ, ગીતમાં જે ગેયતા છે એની નિરૂપણરીતિમાંથી માધુર્ય જન્મે છે. એટલે કે, ગીતની ભાષા, વિષય, છંદ, શબ્દ-અર્થ સમસ્ત વિન્યાસનો સંકુલ છે. એમાંથી રાગીયતા જન્મ પામતી હોય છે. એ રાગીયતામાંથી માધુર્ય જન્મે છે. ગીત પંક્તિએ પંક્તિએ, ચરણે-ચરણે, શબ્દ-શબ્દ પોતાનો આગવો ધારદાર પિંડ બાંધી આગળ નીકળતું હોય છે. એ તમામ પિંડો અદ્રશ્ય સાંકળથી એકબીજા સાથે સંકળાતા જાય છે અથવા ધ્રુવપદ સાથે અનુસંધાન કેળવતા જાય છે.

    ગીતનો શબ્દ અને ઊર્મિકવિતાનો શબ્દ બંને એકસરખા હોય. એમનો અર્થ પણ એકસરખો હોય, એમની ભાવભંજકતા પણ સમાન હોય તેમ છતાંય ગીતનો શબ્દ ઊર્મિકવિતાના શબ્દથી માધુર્યની બાબતમાં જુદો છે.
    દા.ત. – ‘રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’ એ ગીતમાં ‘કસુંબીનો રંગ’ એ પ્રયોગ જ્યારે આવે છે ત્યારે માધુર્ય લઈને આવે છે.

   ગીતનું શ્રવણ કરતાં કરતાં શબ્દની અને અર્થની જે સંકુલ અનુભૂતિ થાય છે તે રાગીયતા છે. ગીતની પદાવલિ લલિત હોય છે. એની કાવ્યરીતિ લાલિત્યપ્રધાન હોય છે. તેના વર્ણોમાં માધુર્ય હોય છે, એની અર્થરચના કોમળ હોય છે. ગીતમાં હળવો અર્થભાર અને ઊર્મિપ્રધાન વિષયો જ હોય છે એવું નથી, કવિતાના તમામ વિષયો ગીતે પણ ખેડ્યા છે. છતાં ગીતની નિરૂપણ-રીતિનું માધુર્ય વિશિષ્ટ પ્રકારનું છે, એટલે ગીત-માધુર્યથી છલકાતું હોય છે. ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય :
   (૧) બીજી બધી રીતે ગીત ઊર્મિકાવ્યને મળતું આવતું હોવા છતાં માધુર્ય અને નાદસૌન્દર્યની બાબતમાં એક ડગલું આગળ છે.
   (૨) અર્વાચીન કવિઓની ગીતરચનામાં લાલિત્ય, માધુર્ય સંગીતાત્મકતા જેવાં તત્વો જુદી જુદી માત્રામાં આવે છે, જ્યારે ઊર્મિકાવ્યમાં ‘માધુર્ય’ સંયમિત હોય છે.
   (૩) ગીતનું ખરું માધુર્ય એના શબ્દદેહમાંથી જન્મે છે અને ભાવોર્મિના માધુર્ય સાથે જોડાય છે.
   ચંદ્રકાંત શેઠ માને છે કે ગીતમાં જે નિબદ્ધ અને અનિબદ્ધ એટલે કે મુક્ત અને બદ્ધ આવર્તનો (લયાત્મક) આવે છે તેનાથી વિલક્ષણ પ્રકારની ગતિ ગીતમાં આવે છે. પાશ્ચાત્ય સંગીતમાં સંઘર્ષ અને સંઘર્ષમુક્તિ આવે છે એમ ગીતમાં ગતિ-સ્થિતિ, બંધન-મુક્તિનું લીલારૂપ રજૂ થાય છે. આની સાથે ગીતને સંબંધ છે. સૂરમાં રહેવું ને બહેલાવવું એમ બે કાંઠે ગીતને રહેવાનું છે, તેમ છતાં એમાં વૈવિધ્ય લાવવાનું છે, એમાંથી માધુર્ય જન્મે છે.

   ગીતનો શબ્દ ઋજુ હોય છે. એનું અંતરતમ સ્વર, તાલ સાથે સંકળાયેલું છે. બીજી તરફ અર્થની સાથે પણ સંકળાયું છે. અર્થની સંવાદિતા અને શબ્દની સંવાદિતા તથા ગીતના સ્વરૂપની સંવાદિતાઆ ત્રણેનો ચિત્તગત સંવાદિતા સાથે સુમેળ થાય ત્યારે સૌન્દર્યની નજાકત કહેવાય.

   ભારતીય કાવ્યમીમાંસામાં રીતિ, રસ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય અને અલંકાર એમ છ સંપ્રદાયો છે. એમાં આલંકારિકોએ અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણાવ્યો છે. અલંકારનું કામ કાવ્યની – એના અર્થની શોભા વધારવાનું છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ અલંકારને ‘ઘરેણું’ કહ્યું છે. ક્રોચે પણ અલંકારને કાવ્યમાં એકતા પામે તો સ્વીકાર કરે છે. રામનારાયણ પાઠક પણ ‘કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેમને તત્વતઃ ભિન્ન માનવાં એ ખોટું છે’એમ કહે છે. (કાવ્યની શક્તિ.) આ અલંકાર ગીતમાં પણ આવે, એ સૌંદર્યસાધક તત્વ તરીકે આવે છે. જોઈએ :
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યાં
ટગર ટગર તે યાદ
– રમેશ પારેખ
(ટગર ફૂલ જેવી આંખની ઉપમા યોજી સૌંદર્યનિર્માણ કર્યું છે.)

બારણે કૂદાકૂદ કરે અંજવાસ
– ભાનુપ્રસાદ પંડ્યા
(અંજવાસ કૂદતો બતાવી સજીવારોપણ રચી સૌંદર્ય નિમણિ કર્યું છે.)

દર્પણ શી આંખ તમે ફેરવી લીધી છે
– રમેશ પારેખ
(દર્પણ ને આંખ સાથે સરખાવી સૌંદર્ય-નિમણિ સિદ્ધ કર્યું છે.)
   અલબત્ત, કવિ શબ્દાલંકાર અને અર્થાલંકાર ઉભયનું સૌંદર્ય રચે છે. ભાવાનુરૂપ લય-આયોજનમાં અને શબ્દપસંદગીમાં પણ તે તત્વ જોઈ શકાય. અર્થવ્યંજકતાના તત્વમાં પણ સૌંદર્ય હોઈ શકે. સૌંદર્ય એ કેવળ આકારનિર્મિત સંદર્ભની બાહ્ય ઘટના નથી પણ અર્થસંદર્ભની આંતરઘટના પણ છે એ પણ ન ભૂલાવું જોઈએ.

   એનો અર્થ એવો થતો નથી કે કેવળ અલંકારો દ્વારા જ સૌંદર્ય સિદ્ધ થઈ શકે છે. સૂર અને શબ્દ બંનેમાં એના અંશો નિહિત હોય છે, પદાવલિને પણ પોતાનું સૌંદર્ય હોય છે. આમ ગીતમાં પોતાનાં તત્વો લયવાહિતા, ઉક્તિલાઘવ, મુક્તતા-પિંડત્વ અને રાગીયતાનું તત્વ, તેના વિષય-નિરૂપણમાં થતો પરાકાષ્ઠાથી થતો પ્રારંભ અને સંવાદિતા, ઔચિત્ય અને સર્જનાત્મકતાના કવિતાના અંશોમાં સૌંદર્યનું તત્વ અભિન્ન રીતે સંયોજાયેલું હોય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment