16 - ગીતસર્જન પાછળ કળાત્મક અભિજ્ઞતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   મધ્યકાલીન ભક્તિપરંપરામાં શિષ્ટ કવિતાના અંગ તરીકે વિકસેલું ‘પદ’ અને કંઠ્ય પરંપરામાં વિકસેલું લોકગીત – એ બે પરંપરાઓમાંથી પ્રેરણા લઈને અર્વાચીનગુજરાતી કવિઓએ ગીતપ્રકારનું ખેડાણ શરૂ કર્યું. જોકે છંદોબદ્ધ કાવ્યસાહિત્યની સમાંતરે અર્વાચીન કાવ્યકળાના સંસ્કારોથી ગીતસ્વરૂપની માવજતમાં કેફ પ્રગટે છે, તેમ પરંપરામાં તેનાં સ્થાન બદલાતાં રહ્યાં છે. ખરેખર તો, ૧૯૪૦ના અરસામાં રાજેન્દ્ર, પ્રહલાદ આદિ કવિઓએ ગીતની જે સૂક્ષ્મ કળાત્મક માવજત કરી તે પછી આપણા કાવ્યસાહિત્યમાં અન્ય છાંદસ રચનાઓની સમાંતરે ગીતનું પણ આગવું ગૌરવ થવા લાગ્યું. અને પછી તો સર્જકશક્તિના અવનવા સમૃદ્ધ આવિષ્કારો પણ ગીતરચનામાં પ્રાપ્ત થવા લાગ્યા. પણ અહીં સુધીના ઇતિહાસમાં ગીતના સ્વરૂપ અને સ્થાન વિશે કંઈક અનિશ્ચિતતા રહી જતી દેખાય છે. કવિ નર્મદ અને દલપતરામે ગીતરચનાઓ કરી ત્યારે એમાં મધ્યકાલીન પદોના સંસ્કારો વિશેષ હતા. દલપતરામે જોકે નવાયુગના વિષયો અને વિચારો લઈને ગીતો લખ્યાં, પણ કલાતત્વની દ્રષ્ટિએ એમાં એટલી સૂક્ષ્મ રસદ્રષ્ટિ નહોતી. દા.ત. – ‘ઊંટ કહે.............. તથા
'કારતક મહિને અબળા કહે છે કંથને
હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો
આ મહિને નવ જઈએ પિયુ પરદેશમાં’

   – આમાં સીધુંસાદું વિધાન જ છે. જ્યારે કવિ કાન્ત ‘સાગર અને શશિ’ જેવું એક સીમાચિહ્ન સમું ગીત આપ્યું. એનું દેખીતું માપ તો ઝૂલણા છંદનું છે. એ રીતે ગેયરચનાઓની પરંપરામાં એ નોંધપાત્ર પ્રયોગ પણ છે, પરંતુ કવિએ એના મથાળે ‘શંકરાભરણ’રાગનું નામ મૂકેલું છે. કવિ નાનાલાલે પોતાની ગીતરચનાઓને ‘રાસ’ સંજ્ઞાથી ઓળખાવેલી છે. એમાં લોકગીતના પ્રચલિત ઢાળો તેમણે ખપમાં લીધા છે. એ ઉપરાંત લોકગીતમાં સિદ્ધ થયેલાં ભાવચિત્રો, અલંકારો, પ્રતીકોનો ઉપયોગ તેમણે પોતીકી રીતે કર્યો. બલકે શિષ્ટ, અભિજાત બાનીના સંસ્કાર આપી તેને અનોખા કળાત્મક સંસ્કાર આપ્યા.. ગુજરાતી ગીતરચનાના વિકાસમાં એ રીતે નાનાલાલનું પણ વિશિષ્ટ અર્પણછે. ગાંધીયુગમાં ઉમાશંકર, સુન્દરમ્, સ્નેહરશ્મિ, ઝવેરી, બેટાઈ જેવા કવિઓએ ચિંતનલક્ષી - છાંદસ રચનાઓની સમાંતરે થોડીક ગીતરચનાઓ આપી. એમાં સુંદરમ્ અને સ્નેહરશ્મિનાં થોડાંક ગીતો આસ્વાદ્ય છે. પણ, એકંદરે, આ ગાળામાં ગીત કુંઠિત રહ્યું છે. એને હૃદયની નિર્વ્યાજઊર્મિઓનો તાજગીભર્યો સંસ્પર્શ મળ્યો નથી. એ પછી અગાઉ નિર્દેશ કર્યો તેમ રાજેન્દ્ર, નિરંજન, વેણીભાઈ, બાલમુકુન્દ, પ્રિયકાન્ત વગેરે કવિઓમાં ગીતની ઠીક ઠીક માવજત થઈ. બલકે રાજેન્દ્ર, નિરંજનમાં તો વિશિષ્ટ કળાત્મક અભિજ્ઞતાને કારણે ગીતનીઅનોખી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.

   ગીત કલાપ્રવૃત્તિ છે. ગીતકાર સભાનપણે ગીતની રચના કરતો હોય છે. વિદગ્ધ ભાવે એ ગીતમાં સંવેદનો ગૂંથતો હોય છે. કવિ પોતાનાં ઓજારો અને લક્ષ્ય પરત્વે સભાનતા રાખતો હોય છે. વસ્તુજગતમાં જેમ વસ્તુઓ અને ઘટનાઓના સંબંધના તંતુઓ શિથિલ હોય છે તેમ ગીતમાં પણ વસ્તુ-ઘટનાના સંબંધો ચિત્તવૃષ્ટિમાં હોય છે. કલા આ બન્ને સૃષ્ટિઓને કૃતિમાં ઉતારીને વ્યવસ્થા અને સંવાદ અર્પેછે. કવિ સંવેદનને કલાનો આવિષ્કાર બનાવે છે ત્યારે એને ચકાસે છે. કવિ ચિત્તના અજ્ઞાત પ્રદેશોમાં પહોંચી જઈને તેની ગતિવિધિને ત્રીજા નેત્રના પ્રકાશમાં જુએ ને એમાં રહેલી સંકુલતાનો આલેખ આપે, એ ખરું, પણ કલાકૃતિનાં તત્વોનો સંવાદ પણ રચે છે. કવિ આમ પોતાનાં સંવેદનો પ્રતીક-કલ્પનની મદદથી રજૂ કરે છે. કલ્પન-કલ્પન સાથે, પ્રતીક-પ્રતીક સાથે સંબંધ જોડવાની મુશ્કેલી ભલે જણાય પણ કવિએને જોડીને સંકુલતા રચે છે, અને કળાત્મકતા સિદ્ધ કરે છે.

   લોકગીતના સંસ્કારો ધરાવતા અભિજાત ગીતમાં કળાત્મક અભિજ્ઞતા ઉમેરાતાં કાવ્યત્વ વણાય છે. કવિ ભાવની સૂક્ષ્મતા આણવા, સંકુલતા સિદ્ધ કરવા, પ્રતીક, કલ્પન, અલંકાર દ્વારા વૈયક્તિક ઊર્મિને કાવ્યમાં વાચા આપે છે, ત્યારે એનું ધ્યેય કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે. એમાં ગેયતાનું તત્વ ગૌણ બને તો સહ્ય ગણાય, લય ન જળવાય કે કોઈ ભારેખમ શબ્દની પસંદગી થઈ જાય તો પણ વાંધો નહિ. ટૂંકમાં, ગીતના સ્વરૂપમાં રહીને બને તેટલી ચુસ્તી જાળવી કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ સ્વાતંત્ર્યોત્તર ગીતકવિ કરતા હોય છે. સુરેશ દલાલે, ગીતની ભાષાની વાત કરતાં ગીતકાર કેવું વિદગ્ધ કામ કરે છે તે નોંધ્યું છે : ‘ગીત કવિ શબ્દમાં રહેલા સૂરના રેશમી અને સૂક્ષ્મ તંતુને, એની સુંવાળપને સ્હેજ આંચ ન આવે એ રીતે, પકડીને ભાવને પોષક એવો વણાટ વણવાનો હોય છે. ઉત્તમ ગીતમાં શબ્દલય અને ભાવલયનો રસમેળ જોવા મળે છે. એમાં જ કવિકર્મની સિદ્ધિ છે.’તેઓ કોઈ પણ કલાકૃતિનો હેતુ ભાવસંક્રાન્તિ કરવાનો હોય છે, પણ ગીતમાં અન્ય પ્રકારને મુકાબલે quick communication થતું હોય છે. આ પ્રકારમાં construction કરતાં creation ને વધારે અવકાશ મળે છે. ભાષા માટેની એની પ્રીતિ ગીત દ્વારા જ સાહજિક રીતે અભિવ્યક્તિ પામે છે. કવિપ્રતિભા માટે ગીત એ અર્થમાં પડકાર છે.

   કવિ શબ્દને એના રૂઢ અર્થથી વિખૂટો પાડે છે, અને પોતાનો આગવો એક અર્થ સર્જે છે. એટલે કવિનો શબ્દ નૂતન અર્થમાં પરિણમે છે. ભારતીય કાવ્યવિચારમાં જેને ‘પ્રતીયમાન અર્થ’ કહ્યો છે, એવો અગોચર અર્થ વ્યક્ત કરે એવી ક્ષમતાવાળો શબ્દ કવિને અભિપ્રેત હોય છે એમ ડૉ. સતીશ વ્યાસ સ્પષ્ટપણે માને છે. એ જ વ્યાપારના અંગરૂપે કવિ અલંકાર, પ્રતીક, પ્રતિરૂપ વગેરે યોજે છે. એવી રીતે એ બધાં યોજાય છે કે, એ બાહ્યાંગ રહેતાં નથી. ગીતભાષાનો એ અંતર્ગત ભાગ બની જાય છે. ગીતમાં આવતો રેશમીયો વર્ણ કેવળ ઉપયોગી હોય, યોગ્ય હોય એટલું જ પૂરતું નથી, પણ એ એની નાજુકાઈને કારણે અનિવાર્ય હોવો જોઈએ. અલંકાર, પ્રતીક કે પ્રતિરૂપ આવી અનિવાર્યતા લેખે આવે તો તે ઉત્તમ.

   ‘ગીતની ભાષાનો સંબંધ સંવેદન કે ભાવ સાથે રહ્યો છે. વિશિષ્ટ ભાવસંવેદન હંમેશાં વિશિષ્ટ લય શોધે છે.’આથી જ્યારે વિશિષ્ટ ચેતનાને પ્રકટ થવું હોય ત્યારે વિશિષ્ટ લયની આવશ્યકતા સર્જાય છે. ઊર્મિનો ઘસમસતો પ્રવાહ સંસ્કૃત વૃત્તોમાંથી સર્જાયેલા છંદોમાં સમાવિષ્ટ ન થઈ શક્યો હોય ત્યારે તેણે નવો જ લય ઊભો કર્યો છે – શોધ્યો છે. એમાંથી ભાષાની લવચિકતા જળવાઈ.

   ગીતમાં પ્રાસ, અનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, વર્ણનાદિ, આદિ ગીતના નાદતત્વને તથા અલંકાર, પ્રતીક, પ્રતિરૂપ, પુરાકલ્પન વગેરે કાવ્યના અર્થતત્વને વ્યક્ત કરવા પ્રયોજાય છે. એ બધું અખંડ એકમ તરીકે આવે છે. ભાવને ઢાંકવા માટે નહિ, પણ ભાવને અભિવ્યક્ત કરવા માટે એનો ઉપયોગ થયો હોય છે. પ્રત્યેક વર્ણ સાથે એનું નાદતત્વ પણ છે. ગીતની ભાષા નાદસૌન્દર્યથી ભાવકને વશ કરતી હોય છે. સંક્રમણ અને ધ્વનિબોધ એમ ઊભય રીતે ગીત કામ કરતું હોય છે. જેમ શબ્દ નાદવાહક છે તેમ વિવિધ કલ્પનોનો પણ વાહક છે, જ્યારે શબ્દ શ્રુતિકલ્પન બને છે ત્યારે સંગીતના માધ્યમ સાથે સ્પર્ધામાં ઊતરે છે. શ્રુતિકલ્પનની જેમ શબ્દ ચિત્રકલ્પના પણ બની શકે છે. ગીતમાં શ્રુતિકલ્પન અને ચિત્રકલ્પન દ્વારા ઇન્દ્રિય-સ્પર્શિતાનું નિર્માણ થતું હોય છે. આ બધું સર્જક વિદગ્ધતાભાવે પ્રયોજે છે.

   લોકગીતમાંથી પ્રેરણા મેળવીને વિકસતું રહેલું અભિજાત શિષ્ટ-પ્રશિષ્ટ ગીત આજની પેઢીના કવિઓને હાથે કળાના અસાધારણ સંસ્કાર પામીને રસની અનન્ય કોટિ પ્રગટ કરવા માંડે છે, એનો આપણે દ્રષ્ટાંતોથી અભ્યાસ કરીએ :
(૧) ‘જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ’
– બોટાદકર
(કવિકર્મ : સૃષ્ટિમાં માતૃપ્રેમની અતુલ્યતા વ્યક્ત કરવા ખપમાં લીધેલી વર્ણસગાઈ)

(૨) ‘રાજ ! કોઈ વસંત લ્યો.’
–નાનાલાલ
(કવિકર્મ :‘હો રે કોઈ માધવ લ્યો’ જેવા લોકગીતના પાનથી પુષ્ટ બનીને આવેલું એક જીવનગીત)

(૩) ગાણું અધૂરું મેલ્ય મા,
‘લ્યા વાલમા’
– ઉમાશંકર જોશી
(કવિકર્મ : બોલચાલના લહેકા દ્વારા સાહજિક પ્રણયાભિવ્યક્તિ)
(૪) ‘હો સાંવર થોરી અંખિયનમેં
જોબનિયું ઝૂકે લાલ નાગર સાંવરિયો’
– રાજેન્દ્ર શાહ
(કવિકર્મ : રાજસ્થાનનાં પ્રચલિત ‘હોરી ગીતો’ના પરિવેશમાં લોકગીતનો લય-ઢાળ. જીવંત ભાષાના લહેકા સહિત કવિ નિજી સંવેદનામાં અહીં પ્રગટાવે છે.)

(૫) ગોર્યમાને પાંચે આંગળીએ પૂજ્યાં
કે નાગલાં ઓછા પડ્યા રે લોલ
– રમેશ પારેખ
(કવિકર્મ : નાયિકાના અંતરની ગહન સૂક્ષ્મ ઊર્મિઓનું નિરૂપણ, આરત, પ્રતીજ્ઞા, સ્વપ્નિલતા, ભણકાર વગેરે લોકસંસ્કૃતિના સંસ્કાર છે. એમાંની સંવેદના સાથે સર્જકતાનું સહચર્ય જોવા મળે છે.)

(૬) ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’
–રાવજી પટેલ
(કવિકર્મ : ‘મારે આંગણ સોનાનો સૂરજ ઊગિયો’ના લગ્નગીતના ઢાળમાં મૃત્યુની કરુણતાનું લીંપણ નકશીભરત જેવું)

(૭) હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ
ભડકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ
– વિનોદ જોશી
(કવિકર્મ : પ્રચલિત દુહાનો ઢાળ, શૃંગારભાવની અણિયાળી અભિવ્યક્તિ)

(૮) ‘છલ્લાક્ હોલ્લો, છલ્લાક્ કાબર, ધ્રુમ્બક્ધ્રુમ્બા’
– જયેન્દ્ર શેખડીવાળા
(કવિકર્મ : રવાનુકારી શબ્દરચનાથી ઊભું થતું નાદમાધુર્ય.)
   કથન-ઘટનાપ્રધાન ગીતમાં ‘ઊંબરે લઈ ચાલ્યો બજારમાં’વાળું વિનોદ જોશીનું ગીત સુંદર છે, જેમાં ભાવની ક્રમિક ગતિ વ્યંજિત થઈ છે. તો ‘વિષમતા’ ને સ્પષ્ટ કરવા સુરેશ દલાલે આપેલું ગીત જુઓ –
આંધળાની સામે તમે અરીસો મૂક્યો
ને પાંગળાની પાસે મૂક્યો પ્હાડ
બહેરાની આસપાસ સૂનમૂન ઊભા છે અહીં
પંખીના ટહુકાનાં ઝાડ !

   પછી તો ફૂલોને પથ્થરની લાગણી, દરિયો અને કાંઠો, રેતી અને પાણી જેવા અધ્યાસો લઈને ‘વિષમતા’ને પુષ્ટ કરવામાં કવિ સફળ થયા છે.

   રાવજી પટેલનું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’નામક ગીત કળાત્મક અભિજ્ઞતાનાં ઘણાંખરાં લક્ષણો ઝીલે છે. જોઈએ –
(૧) મૃત્યુની ઘટના – કરુણ ભાવ સૂક્ષ્મ રીતે પ્રગટ કર્યો છે.
(૨) લગ્નગીતનો ઢાળ મૃત્યુને મંગલમય બનાવવાના પરિવેશમાં આવે છે.
(૩) ગીતનો પ્રત્યેક શબ્દ પરિમાર્જિત
(૪) કલ્પન, પ્રતીક, અલંકાર
(૫) આકૃતિનો દ્રઢબંધ

(૬) નાટ્યાત્મક ઉઘાડ
(૭) પ્રાસ-આયોજન
(૮) માધુર્ય
(૯) ભાષાકર્મ
(૧૦) ઇન્દ્રિયગ્રાહ્યતા.
   આમ, ગીતરચનાનો સર્જક જે સર્જકકર્મ કરે છે. તેમાં ભાષાના બાહ્યપડળ નીચે બળવાન, બળકટ અર્થ, લય, પ્રાસ, અનુપ્રાસ, અલંકાર, ભાવચિત્ર, પ્રતીક અને ક્યારેક સરરિયલતત્વને એવી તો સૂક્ષ્મ રીતે સાંધતો જાય છે કે જેથી ગીતની અભિવ્યક્તિ અનુપમ, અનન્ય બને છે. એમાં જ ગીતની સાર્થકતાનો આધાર રહેલો છે. વળી ગીતકાર ગીતને પાઠ્યતાની કક્ષાએ લઈ જવાના હેતુથી સુદીર્ઘ લય પણ યોજે છે. અનિલ જોશીના ‘સાંજ’નો પ્રલંબ લય જુઓ ‘ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હીંચકા ખાય’ આ પંક્તિ ગાવા માટે નહિ, પણ પઠન માટે છે એમ કહી શકાય. ચતુર્માત્રિક દાદાનાં આવર્તનોને આધારે વિવિધ લયભાત ઉપસાવાઈ છે. પ્રચલિત લયલઢણમાં નૂતન ભાવબોધ ગૂંથવાનું કામ નવો ગીતકાર કરે છે. માનવીના અસ્તિત્વની સમસ્યાને યશવંત ત્રિવેદી ‘હાં રે અમે સરનામું વગરના કાગળ’માં રજૂ કરે છેતો અતિવાસ્તવને ‘એક સરરિયલ ગીત’માં સિતાંશુ રજૂ કરે છે. ટૂંકમાં ગીતમાં હવે કેવળ ગેયતા જ નહિ પણ ભાષાકર્મ – અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રગટાવવા તરફ વિશેષ ધ્યાન અપાય છે તે પણ નોંધવું જોઈએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment