18 - ગીતની રસકીય ક્ષમતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   અભિજાત ગીત પોતે સ્વતંત્ર, વિશિષ્ટ સ્વાયત્ત કાવ્યપ્રકાર છે. એના ઉગમકાળથી ગીતનો શબ્દ ‘ગાન’ સાથે સંકળાયો છે. ‘ઉત્કટ ભાવોદ્રેકની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ એટલે ગીત.’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧) – એમ લાભશંકર પુરોહિત યથોચિત માને છે. આપણે અગાઉ જોઈ ગયા કે ગીત ઊર્મિકાવ્યનાં તમામ લક્ષણો ધરાવતું હોવા છતાં એ સ્વતંત્ર અનેસ્વાયત્ત નોખું સ્વરૂપ છે.

   ગીતનો સંબંધ કંઠ અને કાન સાથે ઘનિષ્ઠ છે. કંઠ અને કાન એ બેની અંતરિયાળ કાવ્ય અને સંગીત પ્રકટપણે વિલસે છે – એમ ચંદ્રકાન્ત શેઠે કહ્યું છે ત્યારે ગીતના શબ્દને સંગીત અને કવિતા એ બે કળા-સંસિદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેનો સ્વીકાર છે. ગીત એની પ્રકૃતિથી એટલે વ્યુત્પત્તિથી સંગીતાત્મક આંદોલનો લયલાલિત્ય સાથે સંલગ્ન છે. એટલે ગીતનો જન્મ માનવકંઠમાં અને એમાં રહેલી ખૂબીઓ - લય, સંગીતનું તત્વ. ટૂંકમાં, ગીત ગળથૂથીથી જ સંગીત સાથે નાતો ધરાવે છે. કવિતાના અન્ય પ્રકારોથી એ કારણે એ વિશિષ્ટ છે.

   ગીતના શબ્દમાં સૌન્દર્યનો સાક્ષાત્કાર કરાવવાની ક્ષમતા રહેલી છે. વળી એની અભિવ્યક્તિમાં નાદગતિની અનેકવિધ શક્યતાઓ પણ અસંખ્ય લયભાવનો જન્માવે છે.

   ઊર્મિકાવ્યના પેટાપ્રકાર તરીકે ગીત ઓળખાતું હોવા છતાં ગીતનો કવિ ‘શબ્દ’ને વિશિષ્ટ રીતે પ્રયોજે છે. અન્ય કાવ્યપ્રકારોમાં શબ્દ ભાષાસામગ્રી તરીકે પ્રયોજાય છે, જ્યારે ગીતનો ‘શબ્દ’સંગીત અને કવિતા અથવા સૂર અને સ્વર ઊભયની કસોટીમાંથી પસાર થઈને પરિમાર્જિત થયેલો હોય છે. ગીતને ગળથૂથીમાં જ સાંપડેલું સંગીતનું સૂક્ષ્મ અનુપાન, એની અલાયદી કવિતાકોટિની સ્થાપનામાં ભારે પ્રભાવક રહ્યું છે.

   ‘ગીત’ના સ્વરૂપને જ્યારે કળાત્મક સંસ્કારો મળ્યા નહોતા ત્યારે ‘ગીત’ માત્ર અભિધાસ્તરે, માહિતી કે બોધના નિર્વહણ માટેયોજાતું હતું, પણ એ સ્વરૂપ પાછળ કળાત્મક અભિજ્ઞતા કામ કરતી થઈ ત્યારે એ ગીતનો શબ્દ, એનો લય, એનો નાદધ્વનિ, સૌન્દર્ય, લવચિકતા, એનું રસપુદ્દગલ, એનું વિષયનિરૂપણ બધાં જ અંગો સંસ્કાર પામ્યાં અને એ નવા રૂપનો ભારે મહિમા થયો. એ કળાસંસિદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થયું.
દા.ત. – ભાઈલો મારો ડાહ્યો પાટલે બેસીને નાહ્યો.
સોનલા ગેડી ને રૂપલા દડુલિયો રે
કાનકુંવર ગેડી દડે રમવા જાય
(રઢિયાળી રાત ભાગ-૩ ગેડી-દડે ગીત-૬)

   ઉપરોક્ત બંને રચનામાં માત્ર શબ્દોનાં ચિત્રો છે, એ શબ્દોને પોતાની અર્થવ્યંજકતા નથી જ નથી. એમાં સૌન્દર્ય કે આંતરસૌન્દર્ય જોવા મળતું નથી. એટલે એવા પ્રકારનાં અને જાહેર સરઘસનાં ગીતો રસકીય કોટિનાં નથી.

   ‘ગીત’ની કળા વિશે સભાનતા કેળવાતી ગઈ એમ એ કાવ્યપ્રકાર વધારે પ્રભાવશાળી બન્યો. ‘ગીત ગાયતે ઇતિ’(૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧) (ગવાય તે ગીત) આ ગીતના લાભશંકર પુરોહિત બે પ્રકાર પાડે છે :
૧. નિબદ્ધ,
૨. અનિબદ્ધ.
નિબદ્ધ : – તાલયુક્ત અને રસાત્મક એવું છંદ અને ધાતુના જાણકારોએ વર્ણ વગેરેના નિયમોથી ગ્રથિત કરેલું ગીત તે નિબદ્ધ.
અનિબદ્ધ :- જે ગીત કોઈ નિયમોથી ગ્રથિત નથી તે અનિબદ્ધ.
   ‘શ્રુંગ’, ‘શાલગ’ અને ‘સંકીર્ણ’એ નિબદ્ધ ગીતના મુખ્ય ત્રણ પ્રકાર છે. એમાંય વળી ‘શ્રુંગ’ના વીસ, ‘શાલગ’ના નવ, અને ‘સંકીર્ણ’ના ચૌદ પેટાભેદો ગણાવાયા છે. આ પૈકી ‘દેશી’ ગીતની જે પરંપરામાંથી ઉત્તરકાળે ભાષાગીતો ઊતરી આવ્યાં એની ઘટનામાં પુનરુક્તિ, વર્ગોનું શીઘ્ર ઉચ્ચારણ, વર્ગોનું પ્રસરણ, લિંગપરિવર્તન, સંધિનો અભાવ, સંયુક્ત અક્ષરને છૂટા પાડવા, અક્ષરપરિવર્તન તથા હ્રસ્વ-દીર્ઘની છૂટ ને દોષ ગણ્યા નથી.

   ગીત વિશેની પ્રાચીન વિચારણામાં પણ હેમચંદ્ર જેવા પણ ‘’ગેયતા’ ઉપર ભાર મૂકે છે. ‘ગીત’ નકરી શબ્દરચના પણ નથી કે નરી સૂરઘટના પણ નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ.

   લોકસાહિત્યના સંસ્કારો ઝીલી મધ્યકાળના કવિઓએ પોતાની રીતે ગીતને ગાયું છે. પરંતુ ભાવબિંદુ અને ગેયતા આ બે તત્વોને લીધે એના સ્વરૂપમાં લાઘવ, લવચિકતા, સૌન્દર્ય વગેરેની મેળવણી થઈ છે, ઘાટ બંધાયો છે, એટલે કે ગીતમાં ભાવવ્યંજક શબ્દ લયાત્મક સંસ્કારો લઈને આવે છે. પાછળના ક્રમે કવિતા અને સંગીતની પોતાની અલાયદી રસકોટિઓ વિકસી ત્યારે જે ગીત સંગીતમાં સરી પડ્યું એ ગાયન થયું, જે માત્ર કવિતામાં જ બંને પગ કરી ગયું એ કવિતા બન્યું. પણ જેણે એક પગ કવિતામાં ને બીજો પગ સંગીતમાં રાખ્યોએ ઉત્તમ ગીત તરીકે બહાર નીકળી શક્યું.

   લોકસાહિત્યના સંસ્કારો અને સંતપરંપરાનાં ભાવબિંદુઓ વચ્ચે આપણા સાહિત્ય-સર્જકે અંગ્રેજી કવિતાનો પરિચય કેળવ્યો. પરિણામે એની કળાત્મક અભિજ્ઞતાની નૂતન ક્ષિતિજો ઊઘડી. આજ સુધીનો ‘રાગડા’ તાણતો આપણો કવિ વિચારપ્રધાન કવિતાનો આગ્રહી બન્યો. નરી ઊર્મિલતા અને ગેયતાનાં તત્વો ગૌણ થયાં. કાવ્યનાં તમામ લક્ષણો ગીતમાં એ વખતે જળવાતાં હોવા છતાં ગેયતાને કારણે એની ગણતરી શુદ્ધ કવિતામાં ન થઈ, શુદ્ધ સંગીતમાં પણ ન થઈ. તેમ છતાં વિષયનું નાવિન્ય લઈને ગીતો તો આપણા સાહિત્યમાં લખાતાં જ ગયાં. જોકે એની પ્રતિષ્ઠા જોઈએ તેવી થઈ નહિ. નરસિંહ-મીરાં, દયારામે એમનાં પદોમાં ગેયતાની સાથે ગતિશીલ રસચમત્કૃતિ આણી આપી. ન્હાનાલાલ, લલિત, બોટાદકર, મેઘાણી જેવાએ લોકસાહિત્યના સંસ્કારનો નૂતન આવિષ્કાર કરી કલ્પનોની પુન: સ્થાપના કરી. ઉમાશંકર જોશી અને સુંદરમે પોતાની પ્રતિભાના ગૌણ ઉન્મેષ તરીકે એને જીવતું રાખ્યું. રાજેન્દ્ર, નિરંજન, વેણીભાઈ, બાલમુકુન્દ દવે જેવા કવિઓએ ગીતમાં સૌન્દર્યના તત્વનું અવતરણ કરાવ્યું. પછી ગીત ઉપર અછાંદસ કવિતાઓ છવાઈ જતાં ગીતગ્રહણનો વારો આવ્યો ત્યારે હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, જયંત પાઠક જેવા સશક્ત ગીતકારો અછાંદસ કવિતા વચ્ચે ઢંકાઈ ગયા. જોકે તેમણે સ્વતંત્ર રીતે ગીતની કાયાપલટ કરવામાં ઠીકઠીક શક્તિઓ રેડી પરંતુ ‘ગીત’ને સાહિત્યસ્વરૂપનો સ્વતંત્ર દરજ્જો તો છેક સાતમા દાયકામાં મળ્યો એમ ‘ફલશ્રુતિ’માં લાભશંકર પુરોહિત જે નોંધે છે તે યોગ્ય છે.

   અર્વાચીનકાળમાં સોનેટ, ગઝલ જેવા અતિથિ કાવ્યપ્રકારોની તુલનામાં ગીતે કાવ્યપ્રતિષ્ઠા કરતાં લોકપ્રતિષ્ઠા જાળવી રાખી હતી. ૧૯૫૦ પછી બદલાતો ભાવપરિવેશ અભિવ્યક્ત કરવા માટે છંદની ચુસ્તી અને ગીતની રોમેન્ટિક ‘લિરિસિટી’ટૂંકી પડી. અછાંદસ કવિતાનો મહિમા વધ્યો ત્યારે પણ ગુજરાતી ગીતો લખાતાં રહ્યાં. ૧૯૬૦ના અરસામાં ગીતના ક્ષેત્રે આંતરબાહ્ય ઊભયક્ષેત્રે નવાં કલાત્મક પરિમાણો સાંપડે છે.

   ‘ગીતના ખેડાણને આટલી દીર્ધ પરંપરા હોવા છતાં સ્વતંત્ર રસકીય કોટિ તરીકે તેની તપાસ કરવામાં આપણું વિવેચને ગીતનાં બાહ્ય ઘટકો ઉત્સાહી દેખાતું નથી.’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)
* ધ્રુવપદ
* અંતરાની વિવિધ યોજના
* પ્રાસબદ્ધ ચરણયુમો કરી
   – ની મદદ દ્વારા ગીત રચાય છે, એ ગીતનાં બાહ્ય ઘટકો આપણે જોઈ ગયા છીએ. જ્યારે ગીતનાં આંતરઘટકોની સંક્ષેપમાં નોંધીએ તો –
* ભાવની સઘનતા :ઋજતા : માધુર્ય
* લાઘવ
* ભાવવિવર્તોનાં આંતર વર્તુળો (લય)
   આમ, ગીતની રચનાનો પિંડ ઘડાય છે. ગીતકાર લયની મદદથી અભિવ્યક્તિનું પોત વણતો જાય છે. નિયત એકમોનું નિયમિત આવર્તન, સમ-વિષમ અંશોનું સંનિધિકરણ, ઘટકોની ચડઊતર ગોઠવણી, વિભિન્ન ઘટકો વચ્ચેની સંવાદિતા એ સૌ બાબતોમાંથી ‘લય’ ઉપસે છે, એ સૌન્દર્યશાસ્ત્રનો વ્યાપક અને સર્વસામાન્ય વિભાવ છે. કળાગત સૌન્દર્યના એક વિધાયક તરીકે, કાવ્યકળામાં પણ એનો ઉપયોગ થાય છે.

   ‘ગીત’ની રસકીય કોટિની સાધકતામાં વિષયનિરૂપણનું વૈવિધ્ય તપાસતાં લાભશંકર પુરોહિત નોંધે છે –
  * મધ્યકાળમાં પદ્યકવિતામાં ભક્તિભાવ-સંવેદનો ગીત રૂપે ગવાયાં. થાળ, હાલરડાં, આરતી, પ્રભાતિયાં, ભજન, પદ દરેકસ્વરૂપમાં અધ્યાત્મભાવ નિરૂપાયો.
  * અર્વાચીનકાળમાં ગીતરચનાઓએ પ્રકૃતિ, પ્રણય, રાષ્ટ્રપ્રેમ તથા માનવતાવાદને વિષય બનાવ્યો.
  * સ્વાતંત્ર્યોત્તરકાળમાં જીવનસંદર્ભો, હતાશા, નિર્વેદ, વિચ્છિન્નતા, ભીંસ, એકલતા, જડતા, માનવતાનો હ્રાસ, નગરજીવનની યંત્રણા, જાનપદી વેદના, દર્દો, બ્લડપ્રેશર, ટી.બી., ‘નર્સ’, ‘મિલમાલિકની પત્ની’, ‘રિક્ષાવાળો’, ‘વિધવા ડોશી’, ‘સડક પર વેચાતી છોકરી’, ‘શરબતવાળો’, ‘કામાતુર કૃષક કન્યા’, ‘ત્રીસ વર્ષની કુંવારી કન્યાનું કુંવારું ગીત’, ‘વિધવા’, ‘મુગ્ધા’આદિ અનેકવિધ વિષયો ખપમાં લેવાયા. ગાવાનું અને નહિ ગાવાનું ગીત પણ રચાયું !’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)
   આમ, નવા નવા વિષયો નિરૂપાતા રહ્યા. હકીકતે તો વિષયોનું પાર વગરનું વૈવિધ્ય ગીતોમાં પ્રસ્થાપાયું. એટલે એમ જરૂર કહી શકાય કે, વિષયની નવીનતા એ ગીતનો આગંતુક અંશ છે, અંતર્ગત નહિ.

   લોકગીત અને સાહિત્યિક ગીત એ બેમાં રચના-કૌશલની શિથિલતા, પ્રેરણાસ્ત્રોત, કળાત્મક અભિજ્ઞતા, ગેયતા વગેરેને કારણે લોકગીત – સાહિત્યિક ગીતથી જુદું પડે છે. એ જ રીતે પ્રાચીન – અર્વાચીન-આધુનિક એ સંજ્ઞાઓ સમયસૂચક બને છે. ભક્તિગીત, શૌર્યગીત, રાષ્ટ્રગીત, પ્રણયગીત એ સંજ્ઞાઓ વિષયસૂચક છે.

   એટલે, ગીતનાં રસકીય સ્તરો તપાસતાં વિષયનું વૈવિધ્ય, વિષયની પસંદગી, સમયના સંકેતો કે કર્તુત્વ-નિર્ણય જેવી બાબતો ગણતરીમાં લેવાનું વાજબી નથી, પણ લાભશંકર પુરોહિતના મતે ગીતમાં મહત્વનાં ઘટકો આ ત્રણ છે’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧) –
(૧) લયપ્રવર્તન
(૨) પદબંધ
(૩) ભાષાબંધનું સ્વરૂપ
   - આ ત્રણ બાબતોમાં ગીત અન્ય કાવ્યપ્રકારોથી નોખું પડે છે. એની શાસ્ત્રીય-વૈજ્ઞાનિક તપાસ પણ તેઓ આમ કરે છે.

લય-પ્રવર્તન :
   લય એ ગીતરચનાના ભાષાકર્મનો આંતરિક સર્ગવિશેષ છે. આવર્તક સંધિ એકમોની નિયમિતતાને કારણે એ કાવ્યાત્મક ગદ્યલયથી જુદો પડી આવે છે.
   સમ-વિષમ કૃતિઘટકોનાં આવર્તનથી રચાતી તરેહોની નિયમિત- અનિયમિતતાથી સધાતા પ્રાસયુક્ત પંક્તિબંધોને કારણે એછાંદસ લયથી પણ અળગો દેખાય છે.

   ‘રસસિદ્ધ’કાવ્યઘટના તરીકે ગીતને સાવંતપણે સંચારિત કરનારું ને વાણીગત દ્રવ્યને સૌન્દર્યરસિત કરનારું સૌથી મહત્વનું ગીતઘટક છે ‘લય-ઢાળ-રાગ’. ગીતમાં લયપ્રવર્તન કેવળ બાહ્ય સપાટી પરની ભાષા-ભૂમિકા પૂરતું જ સીમિત નથી, પણ ભાવસૌન્દર્યની દ્યુતિવ્યંજનાપણ તેમાંથી પ્રગટ થાય છે. ગીતમાં ભીતરી લયવિવર્તતાની ઉપકારકતા પણ મહત્વની હોય છે. એટલે ગીતના સંદર્ભે લય અત્યંત સંકુલ અને વ્યાપક વિભાવ તરીકેની સત્તા ધરાવે છે.’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)
  * લય એટલે ગીતનો સંઘટક વિભાવ
  * લય એટલે લીન થઈ જવું
  * લય એટલે ગીતનો વેગ તીર - ગતિએ
  * લય એટલે માત્રિક સંધિએકમોનાં નિયમિત આવર્તનો.
  * લયને સરળ ભાષામાં ‘ઢાળ’, ‘ચાલ’, ‘રાહ’, ‘બાંધો’, ‘દેશી’કહે છે.
  * લય એટલે ધ્વનિના પ્રભેદો. પઠન-ગાનના આરોહ- અવરોહથી સિદ્ધ થતી સંવાદપૂર્ણ આકૃતિ.
  * લય એટલે શબ્દ અને અર્થનાં ઘટકોની સંવાદિતા.
  ડૉ. ભાયાણી ‘લય’માં પાયાનું તત્વ ક્રમબદ્ધ આવર્તનોનું માને છે.
   આમ, લાભશંકર પુરોહિતે (‘પરબ’ – ૧૯૮૩-૩) માં પૃષ્ઠ-૨૫ ઉપર આ પ્રમાણે ‘લય’ વિશે વાત કરી છે.

   જોકે માત્રામેળ છંદમાં લયનાં આવર્તનો ઉત્પન્ન થાય છે, જે આપણે જોયું. લયમાં પ્રતીત થતી મૃત્યાત્મક ગતિશીલતા અને સંચરણક્ષમતા એને રસમીમાંસાની હદમાં લઈ જાય છે. માત્રિક છંદોથી ચરણનું માપમાન નીકળે છે. માત્રાઓનો ઉપયોગ ગીતકવિ કરે છે, એમાં લય પ્રયોજાય છે, જેની ભાવવ્યંજકતા એ એની રસસિદ્ધિ છે.

   ગીતના લયની એકતા માત્ર પંક્તિનિર્ભર નથી, પણ કૃતિના સાદ્યંતનિબંધન પર પણ આધારિત છે.

   ધ્રુવપદ અને અંતરાનો લય અલગ જણાય, પણ એ તો કવિની યુક્તિ છે. એણે તો વૈવિધ્યની ભાત ઉપસાવવી હોય છે. કેટલીક વાર પંક્તિબંધને વચ્ચેથી તોડી, પ્રાસનું સાંધણ જોડી, આંશિક પુનરુક્તિ દ્વારા લયછટાનું એ નિર્માણકરતો હોય છે. જેમ કે –
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગને ઓવારે
કે તેજને ફુવારે
અનંતના આરે હો, રંગરંગ વાદળિયાં
– સુન્દરમ્

   ‘આખ્યાતિક અંતવાળી સાદી વાક્યરચનાઓ જ્યારે ગીતમાં પ્રવેશે છે ત્યારે એના પઠનથી/ગાનથી એ વિશિષ્ટ ભાવવલયો રચે છે.’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)
૧. કૈં મીઠું કે’જો કે મોળું કે’જો
જે જોઈએ તે માંગી લે’જો
૨. ‘રુખડ બાવા, તું હળવો હળવો હાલજે !
- લોકગીત
   (ઉપરોક્ત ઉદાહરણો લાભશંકર પુરોહિત ‘ફલશ્રુતિ’ પૃષ્ઠ-૮ ના લેખમાંથી લીધાં છે.)
 
   ગીતનો લય સંગીતના લયથી જુદો પડે છે. ગીત અર્થસાપેક્ષછે, જ્યારે સંગીત એ સ્વરસૃષ્ટિ છે. ગીત આ રીતે બંધાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
* ધ્રુવપદ
* અંતરા
* પંક્તિયુગ્મો (ચરણમાલા)
   ઉપરોક્ત યોજના પરસ્પર પ્રાસાનુસંધાનથી સંયોજાય છે. ગીતપંક્તિઓની દીર્ઘતા, માત્રિક સંધિ-એકમોનાં આવર્તનોથી સધાતી હોય છે. દરેક કંડિકા મૂળ ધ્રુવભાવને વફાદાર તેમ જ અનુકૂળ હોય છે. પંક્તિની દીર્ઘતા એ પ્રલંબિત લયનો પર્યાય નથી. પ્રલંબ લયમાં ક્યારેક આકલનની મુશ્કેલીઓ સર્જાય, ચિત્ર ચહેરાય એમ બને છે. દા.ત. –
   ‘વેરણ છેરણ ફળિયા વચ્ચે મલકાતું કોઈ ધીરેથી ડોકાય અનેઓ... દૂર ઊભેલી સાંઢણિયું આ કોર ઊપડતી થાય પછી તો આંખોને મીંચાઈ જવાનું મન અચાનક થાય ઘડીભર કોઈ વારતા માંડો.’
   – નવનીત ઉપાધ્યાય

   ગીતમાં લય નીચેની પ્રક્રિયા કરે છે.
  - લયનો પિંડ કડીએ કડીએ શ્રુતિમૂલક નાદસ્પંદનોથી ભાવવ્યંજકતા ઊભી કરે છે.
  - શ્રુતિગત લયબિંદુઓ ગીતના પંક્તિબંધોમાં ગતિશીલતા લાવેછે તથા સાંભળેલો લય/સાંભળી શકાય એવો લય, સમગ્ર રચનામાં લયનો કેફ ભાવવર્તુળો ખડાં કરે છે.
  - વર્ણમાંથી લય, શબ્દમાંથી લય, પંક્તિમાંથી લય – આ સર્વે નાદાત્મક સ્વરોમાંથી સર્જાય છે. વર્ણ, શબ્દ, પંક્તિ એ લયનું મૂર્ત વસ્તુલક્ષી સ્વરૂપ છે.
  - ધ્રુવપદ અને અંતરામાં લય પરસ્પર અનુવર્તી બનીને અલંકાર, પ્રતીક, કલ્પનો દ્વારા ભાવનાં વિશિષ્ટ વર્તુળો રચે છે.
  - વ્યંજનાનાં આવર્તક વલયો લયની મદદથી રચાય છે ને કૃતિ સ્વયં લયસંવાદની રચના બને છે. નીચેની પંક્તિઓનો એ અર્થમાં લય તપાસીએ.
* મુખડાની માયા લાગી રે મોહન પ્યારા
– મીરાં

* ઝીણા ઝરમર વરસે મેહ
–નાનાલાલ

* શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
–બાલમુકુન્દ

* સમી સાંજનો ઢોલ ઢબૂકે
જાન ઉઘલતી મ્હાલે
– અનિલ જોશી
   પ્રથમ બે પંક્તિઓમાં વર્ણસગાઈ દ્વારા રજૂ થતું માધુર્ય અને બીજી બે પંક્તિઓમાં રજૂ થતા શ્રવ્યાત્મક નાદસ્પંદનોથી ઊભું થતું શબ્દ-ભાવચિત્ર.

ગીતમાં પદબંધ -
   નિયંત્રિત લય ઉપરાંત પદ્યનાં કેટલાંક વિશેષ લક્ષણો છે. નિયંત્રિત લય એ તો પદ્યનું ગદ્યથી તેને જુદું પાડતું, વ્યાવર્તક લક્ષણછે. બીજાં લક્ષણો તે આ –
  (૧) એનું શ્ર્લોકબદ્ધ રૂ૫, ગદ્યની જેમ ન લખતાં વિશિષ્ટ રીતે લખાય.
  (૨) ગદ્યાળું વ્યાકરણસિદ્ધ અન્વયનો અભાવ.
  (૩) આંતરપ્રાસ કે વર્ણસગાઈથી શ્રવણસુભગતા.
  (૪) શબ્દની પુનરુક્તિ
  (૫) વાણીરચનામાં ગદ્યના જેવી તાર્કિકતાનો અભાવ
  (૬) ઉક્તિલાઘવ થી ઉપરનાં લક્ષણોમાં કેટલાંક સ્વયંસિદ્ધ હોય છે. કેટલાંક કવિ પદ્યની યુક્તિઓ તરીકે અપનાવે છે એમ ભૃગુરાય અંજારિયા ‘કવિતા વિચાર’ નામના પુસ્તકમાં લખે છે.
   ‘ગીતમાં પદ્યીકરણ (પદબંધ)નો મુદ્દો લયથી અલગ તો નથી જ. લય એના ભાષિક આવિષ્કરણમાં પદ્યની દિશા નક્કી કરે છે,(૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)લાઘવ લાવે છે, ગેયતા આપે છે, જ્યારે પદ્યીકરણ ગીતને રાગ-ઢાળ આપે છે. રાગ-ઢાળનો ગેયતાથી અલગ વિચાર થઈ શકે.

   ‘ઝૂલણા, સવૈયા, હરિગીત જેવા માત્રામેળ છંદો ઉપરાંત સોરઠો, દોહરા, ચોપાઈના ખંડકોને થોડાક ઢીલા કરીને ‘ચાલ’ કે ‘દેશી’ના ઘાટ વિકસી આવ્યા એ પણ ગીતમાં ઉપયોગમાં લેવાયા.

   ચતુષ્કલ/અષ્ટકલ જેવાં વિભિન્ન સંધિઓનાં સતત આવર્તનોથી પણ ગીતો રચાયાં લાગ્યાં. પિંગળની સંધિઓ વચ્ચે સંગીતની સંધિઓ ઉમેરીને નવા નવા પદબંધો વણાતા રહ્યા.’ (૧ થી ૮ ફલશ્રુતિ – લાભશંકર પુરોહિત પૃ. ૨૬ થી ૫૧)

   રૂપમેળ-અક્ષરમેળ વૃત્તોમાં અક્ષરનાં સ્થાનની ચોકસાઈ હોવાને કારણે લયના ફુવારાને એ કડક શિસ્ત કામ ન લાગી, માત્રામેળ છંદો કામ લાગ્યા. તેમ છતાં ગીતને ગેયતાના ગઢમાંથી મુક્ત કરવા નિરંજન ભગત, રાજેન્દ્ર, મનોહર ત્રિવેદીએ સફળ પ્રયત્નો કર્યા. મનોહરના ‘મિતવા’ અને ‘ડૂકેનવાણ’માં શિખરિણી અને મંદાક્રાન્તાનો પ્રયોગ થયો છે. જોકે આવા પ્રયોગો જાણીતા બન્યા નથી.

   ગીતના કેન્દ્રભાવને આકારતો ધૃવખંડ પ્રારંભે કે વચ્ચે કે અંતમાં કવિ કુશળતાથી પ્રયોજે છે. અંતરા એની સાથે પોષક અને વફાદાર રહીને આવે છે. ધ્રુવપદની વ્યંજક માંડણી એ જ ગીતની સફળતા છે. આમ, ગીતની રચનાગત માંડણીમાં સંગીતનું તત્વ ભળેલું છે. એનાં કેટલાંક દ્રષ્ટાંત જોઈએ.
(૧) દવ તો લાગેલ ડુંગરમેં કહોને ઓધાજી ! હવે કેમ કરીએ ?
– મીરાંબાઈ

(૨) ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ !
તમ માટે મેં ગાળી છે જાતડી બિહારીલાલ !
– દયારામ

(૩)ફૂલનો લાગ્યો ફટકો અમને ફૂલનો લાગ્યો ફટકો

(૪) સુક્કો દુકાળ તારા દેશમાં છતાંય
અરે, સુક્કો દુકાળ મારા દેશમાં છતાંય
કૈંક લીલુચટ્ટાક કૈંક લીલુચટ્ટાક કૈંક લીલુચટ્ટાક તારી આંખમાં
– રમેશ પારેખ
   (આજે ગીતના પદબંધની નવી તરેહો થઈ રહી છે. દા.ત. – દાન વાઘેલાએ ગઝલગીતિ લખવા પ્રયત્ન કર્યો છે. ગઝલના પ્રત્યેક શેરને ગીતના અંતરાના આંતરઘટક તરીકે વણીને ગઝલનિર્ભર ગીતનો નમૂનો સર્જ્યો છે.)

   ગીતના પદ્યીકરણમાં બીજાં બે તત્વો છે : (૧) પૂરકો, (૨) પ્રાસ. પૂરકોને લટકણિયાં એવા નામે ઓળખવામાં આવે છે. ‘રે’, ‘કે’, ‘હો’, ‘જી’વગેરે. નાનાલાલે તેનો મહત્તમ ઉપયોગ કર્યો. આજે પણ એ બહિંગત લાગતાં પૂરકો આંતરદ્રવ્યની સાથે એકરસ થઈ જાય છે. તેમનું કામ લયપૂર્તિ કરવાનું છે, દા.ત. - છે .
(૧) અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં
– અનિલ જોશી

(૨) આજની ઘડી રે રળિયામણી
- રાજે

(૩) અમે રે સુકું રૂનું પૂમડું
- મકરન્દ દવે

(૪) હળવે તે હાથે ઉપાડજો રે, અમે કોમળ કોમળી .
– માધવ રામાનુજ
   એ જ રીતે પ્રાસ (અંત્યાનુપ્રાસ) પણ ગીતના પદ્યવિધાનમાં સેન્દ્રિય ઘટક છે. ગીતના બાહ્ય સંવિધાનની વિભિન્ન તરેહોમાં, એની કામગીરી પ્રયુક્ત તરેહની આકૃતિ નિપજાવવામાં નિર્ણાયક બને છે. પ્રાસનું કામ સંધિ-આવર્તનના સાતત્ય પછી ચરણના અંતને વ્યક્ત કરવાનું છે. પૂર્વચરણમાંના અંતિમ પદની વર્ણઘટના, અંતરાનાં અનુવર્તી ચરણોના અંતના કાલમાન અને ધ્વનિ-પ્રકૃતિ નિશ્ચિત કરી આપે છે. આ પ્રાસતત્વની કેટલીક ખાસિયતો જોવા જેવી છે. બે વર્ષોથી વધારે વર્ગોનું પ્રાસતત્વ –
(૧) ચલમન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી
– નિરંજન ભગત છે.

(૨) ખરી પડે તે ફૂલ ન ચૂટું મરી મટે તે મીત
મનસા મારી સદા સુહાગણ પામી અમરત પ્રીત
-મકરંદ દવે

* ચરણાન્તે પ્રાસયોજનામાં વરતાતું ધ્વનિસામ્ય –
– હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ
- વિનોદ જોશી
   આમ, પૂરકો અને પ્રાસ ગીતના પદ્યીકરણમાં સસ્તી કરામત નહિ, પણ સર્ગશક્તિના સૂઝભય ઉપયોગ સાથે સંકળાયેલાં કિંમતી ગીતદ્રવ્યો છે.

   ગીતની ભાષા માત્ર અર્થ રચવા માટે નથી, એથીય આગળ ગેયતાની ગળણીથી ગળાઈને પસાર થાય છે. એટલે કે ગીતકાર લયનાં આવર્તનો સાચવે છે. નિશ્ચિત વર્ણોવાળા શબ્દો વડે નાદલયનાં ગુંજનો- અનુગુંજનો રચીને અર્થને વળ ચઢાવી બળ આપે છે. ભાષાની તળપદી તરેહોથી શરૂ કરી શિષ્ટ-માન્યભાષામાં અર્થપૂર્ણ સરળતાઓ રચી આપવાનો ખ્યાલ એનો કવિ રાખે છે.

   અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં ગીતનો શબ્દ નાદલયનો વધુમાં વધુ કસ-રસ ધરાવે છે. અર્થ અળપાઈ ન જાય અને સંવેદનની નજાકત નંદવાઈ ન જાય અને ગેયતા ખંડિત ન થાય. આવી ત્રિવિધ તારસાંધણી ગીતમાં વિશિષ્ટ રીતે થયેલી છે. એ માટે ગીતકવિ પ્રતીક, કલ્પનનો તથા લક્ષણા શબ્દશક્તિનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે.
– ઊંચા મંદિરે જૂનાં જાળિયાં જી રે
- રાજેન્દ્ર શાહ

-ઓલા અવતારે ...
– રમેશ પારેખ

- ત્રાજવે ત્રોફાવ્યો મોર, મોભારે કાગડો બોલે
- અનિલ જોશી

કોરીને કાંથમાં ખરીઓની છાપ,
ગાયો ભાંભરતો જૂનો સહવાસ
– ભાનુપ્રસાદ પંડ્યા

– હો રાજ, હું તો તળાવ પાણી ગૈતી
– વિનોદ જોશી
   આમ, ઉપરોક્ત પંક્તિઓમાં લોકગીતના સંસ્કારો છે. પણ આજનો ગીતકવિ ભિન્ન આશયથી એ લય ખપમાં લે છે. આજનો ગીતકવિ એ લોકઢાળોને સ્હેજસાજ વળોટ આપીને અતિચંચલ ભાવસ્પંદનની વ્યંગ્ય અભિવ્યક્તિ સાધે છે, અને અર્થની વ્યંજના ખુલે છે. આમ, વિવિધ પ્રક્રિયામાંથી સૂક્ષ્મ રીતે પસાર થઈને સાહિત્યિક ગીતમાં રસાત્મક કોટિ સુધી પહોંચી શકાય છે.
(સંપૂર્ણ )


0 comments


Leave comment