8 - જે કોઈ પ્રેમ અંશ / બિપિન પટેલ


એમ તો માનવેન્દ્રની પત્નીનું મૃત્યુ કંઈ અચાનક થયું નહોતું. છેલ્લા છ મહિનાથી પથારીવશ હતી. પેટની કોઈક બીમારી. ડૉક્ટરો રોગનું નામ પાડી શકતા ન હતા. એ ડૉક્ટરોને સતત ગાળો ભાંડતો. આમ પણ હુતો- હુતી સિવાયની દુનિયા એને મન ખારી ઝેર. વહુઘેલો, હેનપેકડ, ચેલો અને એક બીજાં પાંચસાત ઉમેરી શકાય એવાં ઉપનામો માનવેન્દ્ર પચીસ વર્ષનાં લગ્નજીવનમાં કમાયો હતો. આવતા જુલાઈમાં સિલ્વર જ્યુબિલી આવતી હતી એમનાં લગ્નની. કંઈકેટલાય પ્લાન વિચારી રાખ્યા હતા. મિત્રોની અલગ પાર્ટી, સગાંઓને તિથિ પ્રમાણે જમાડવા, સોસાયટીમાં પેંડા વહેંચવા, પેંડા વહેંચવાની બાબતે, ‘સાવ મૂરખના મૂરખ જ રહ્યા એમ પારકાં પેટ ભરવાની શી જરૂર છે?’ એમ કહીને સુમને તતડાવી કાઢેલો. છેવટે બે એકલાંએ કોઈ હિલસ્ટેશન પર જઈને મોજ કરવી એમ નક્કી કર્યું.

પણ અચાનક માંચડો નીચે આવી ગયો. હજુ તો હમણાં ગઈ કાલ સુધી હાલતો ચાલતો દેહ પરવશ થઈને પડ્યો હતો. ચિબુક પરનો કાળો તલ લાંબા શ્યામ દેહમાં ભળી ગયો હતો. બરડા પરના કાળા અને લાલ મસા ઓળખી ન શકાય તેમ એકબીજામાં ભળી ગયા હતા. રડ્યા સિવાય માનવેન્દ્રનાં આંસુ સુકાઈ ગયાં હતાં. ચોકો કરતાં પહેલાં નવડાવતા સુમનના દેહના બધા કર્વ્સ, બધાં સૌંદર્યબિંદુઓને સ્મૃતિ સાથે સરખાવી જોવાં હતાં. એને તનુભાભી સાથે કરેલો સંવાદ યાદ આવ્યો. ભાભી કહેતાં, ‘આમ વાંદરાના બચ્ચાની જેમ વળગેલા ને વળગેલા રહો છો તે તમારી સુમનને ગમે તે સ્થિતિમાં ઓળખી શકો ? ભયંકર એક્સિડન્ટ પછી પણ ?’ એણે સહેજ છૂટ લઈને કહ્યું, ‘એક જ સેકન્ડમાં. એનાં ભરાવદાર સ્તન ઉપરના તલ ઉપરથી.’ ‘મૂઆ શરમાતાય નથી.’ કહી ભાવી બીજા રૂમમાં ચાલ્યા ગયેલાં. એ રાતે સુમનને મનાવતાં ભારે થઈ પડી હતી.

ભાભી અને અન્ય સ્ત્રીઓ સુમનને ડ્રૉઇંગરૂમમાં લાવ્યાં. લીંબુપીળી સાડીમાં સુમન બ્લેક બ્યુટી લાગતી હતી. માનવેન્દ્ર હંમેશાં કહેતો, ‘આપણે લોકો ધોળી ચામડીને મોહી જઈએ છીએ. બાકી, ખરેખર તો આપણા સંસ્કૃત સાહિત્યની ઘણી નાયિકા શ્યામા જ છે. પછી વિદ્વત્તાભર્યા ઉત્સાહથી ઉમેરતો: ‘મહાભારતમાંનું દ્રૌપદીનું વર્ણન વાંચી લેજો’ સુમન અને એ પોળમાં જ રહેતાં, પણ સગાઈ પછીના કોર્ટશિપ પિરિયડમાં માનવેન્દ્ર સુમનને લાંબા પત્રો હાથોહાથ આપતો. બધા પત્રોનું સંબોધન માત્ર ‘બ્લેક બ્યુટી'. સુમન અકળાઈને કહેતી પણ ખરી, થોડો ક્રિયેટિવ થા તો સારંઉ લાગે. આ તારા બીબાંઢાળ સંબોધનથી નાવીન્યનો અનુભવ નથી થતો. માનવેન્દ્ર એના બચાવમાં કહેતો, ‘જો, ભાઈ અમે ઇકોનોમિક્સવાળા, lies, demand lies and statistics વાળા, અમારે ને ભાષાને આડવેર. સુમન પગે લાગી ‘નેક નમાવી સૉરીજી' કહીને વાત પૂરી કરતી.

અત્યારે એ સુમન નિશ્રેષ્ટ પડી હતી. એનું મૃત્યુ કોઈ મહાકાવ્યની માફક શાંતરસથી થયું હતું. ચહેરાની એકેય રેખા તંગ નહોતી. જીવ જાણે આંખમાંથી સરીને જતો રહ્યો હતો. પોપચાં તનુભાભીએ બંધ કર્યા હતાં. માનવેન્દ્રને એ હંમેશાં કહેતી,
‘તું સૂતો હોય છે ત્યારે કેવો નિર્દોષ લાગે છે?’
‘વાહ, નિર્દોષ લાગું છું – ખરેખર નથી?’
એ તો ભૂતોભાઈને ખબર.

સુમન નખશિખ નિર્દોષ હતી એની માનવેન્દ્રને ખબર હતી. તો અત્યારે એને serene beauty લાગે એમાં શી નવાઈ? પણ એવો સુંદર દેહ જેણે માનવેન્દ્રને આનંદમાં ઓળઘોળ કર્યો છે, કુટુંબની પ્રત્યેક વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં એના હંમેશાંના આછા સ્મિતથી આવકારી છે, છોકરાંઓને વહાલ કર્યું છે, એ એના દેહ પર બેઠેલી માખી પણ ઉડાડી શકતી નથી. બસ પડી છે અવશ. માનવેન્દ્રનું ધ્યાન જતાં ઊભો થઈને સુમનને પ્રિય ઇન્ટીમેટ અત્તર લઈ આવ્યો. આમ તો એણે જાતે જ છાંટવું હતું પણ ભાભીના ઇશારાને પામીને એમના હાથમાં થમાવી દીધું.

સુમનનું અવસાન સાંજે સાત વાગ્યે થયું હતું તેથી આખી રાત એની સાથે બેસીને કાઢવાની હતી. માનવેન્દ્ર વારંવાર આંખો બંધ કરીને સુમન સાથેની પળો યાદ કરતો હતો.

સુમને એને એક વાર પૂછ્યું હતું, તમે મને જોવા આવ્યા ત્યારે કયા કારણે મને પસંદ કરી હતી ?
માનવેન્દ્રે પટ કરતો જવાબ આપ્યો હતો. ‘સૌંદર્ય, સંસ્કાર અને ચારિત્ર્ય.’
સુમને વળતો એને ગૂંચવવા પ્રશ્ન કર્યો હતો,
‘ચારિત્ર્યની એમ પહેલી મુલાકાતે કેમ ખબર પડે ?’
‘સ્ત્રીની આંખ પરથી અને આમ પણ છિનાળા માણસો કંઈ એમ ઝાઝો વખત છૂપા રહી ન શકે, ખબર પડી ?’ બોલતાં માનવેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો.

સુમને હાથ હાથમાં લઈને પસવારતાં-પંપાળતા કહ્યું હતું: ‘કૂલ યંગમેન કૂલ ! તારી વાત સો ટચની છે બસ ?’ ત્યારે ઠંડો પડ્યો હતો...
માનવેન્દ્ર અને તેના મિત્રોએ ડ્રિક્સ પાર્ટી ગોઠવી હતી. પાર્ટી હોય એટલે જાતભાતની વાતો થાય. પૉલિટિક્સ, શેરબજાર અને લિટરેચરની વાતમાંથી ક્યારે આ સેન્સેટિવ ટૉપિક ઊછળ્યો એની સરત કોઈને ન રહી. વાત પ્રેમ, શુદ્ધ પ્રેમ અને ચારિત્ર્ય વિશે થવા લાગી. માનવેન્દ્ર એની હંમેશની થીસિસ પ્રમાણે જણાવી દીધું, પ્રેમ, શુદ્ધ પ્રેમ એટલે ગમે તેટલાં વિઘ્નો આવે, અવરોધો આવે, અરે આંધી-તોફાન આવે કે લપસી પડાય એવાં લોભામણાં આકર્ષણો આવે તો પણ ટકી રહે એ પ્રેમ, બાકી બધાં દેહાકર્ષણો. જયેશે માનવેન્દ્રને કહ્યું, ‘તારી એ વાત સાચી કે લગ્ન કર્યા પછી બીજી કોઈ સ્ત્રી સાથે ભૈબંધી અને અફેર ન થવો જોઈએ, પરંતુ તું એ વાત સ્વીકારે છે કે બસમાં, ટ્રેનમાં કે પ્લેનમાં કોઈ સહપ્રવાસી સ્ત્રી પહેલ કરે કે આપણે પહેલ કરીએ ને એ વિરોધ ન કરે, સહેજ દબાઈને બેસે અને એમ આગળ વધવાનો સંકેત આપે તો પણ તું ટાઇટ લિપ્ત, અદબવાળેલા આજ્ઞાંકિત બાબાની જેમ બેસી રહે કે પછી તત્કાલ થોડી મજા માણી લે, પર્મિસિબલ, રોમાન્સ કરી લે ?’ માનવેન્દ્રને સપોર્ટ કરતો હોય એમ પરિતોષે ચુપકીદી તોડતાં કહ્યું: ‘ચારિત્ર્યશીલ અને એનું ગૌરવ કરનારને ‘બાબા' કહીને આમ ઉતારી પાડવાની જરૂર નથી. તમને ગમતી, જેની સાથે તમે સ્વેચ્છાએ સંબંધાયા છો એ વ્યક્તિ તમારા ચિત્તમાં રમતી હોય; જીવનમાં કમિટમેન્ટને તમે મહત્ત્વ આપતા હો તો આવી તુચ્છ ઘટનાને લેખામાં લીધા વિના પસાર થવા દઈને તમે અણીશુદ્ધ બહાર નીકળી શકો; અલબત્ત, તમારી ઇચ્છાશક્તિ હોય તો !’ પરિતોષે પૂરું કર્યું ત્યાંથી જ આગળ વધતાં માનવેન્દ્ર ઉમેર્યું: ‘બાકી પછી તો જેવું જેનું ચારિત્ર....’

‘એય ભાવેશ તું કેમ કંઈ કહેતો નથી? અમસ્તો તો કોઈનો વારો આવવા દેતો નથી. તારું ‘ઇન્ડિયા ટૂડે' શું કહે છે?’ પૂછાયું છે તો કહું છું એવી સહદેવ જોશીની અદાથી ભાવેશે કહ્યું : ‘વેલ તમને હમણાં તાજેતરમાં થયેલા એક સર્વે વિશે કહું. એ લોકોએ જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાંથી ત્રણ હજાર કપલ્સનો ઇન્ટરવ્યુ લીધો. બધાંને એક પ્રશ્ન પૂછ્યો, ‘તમે તમારા પાર્ટનરની સાથે સેક્સની સીમાની ક્ષણે પૂરેપૂરા હાજર હો છો? કે પછી મન મનનું કામ કરે ? એ પળે કોઈ યાદ આવે છે? તમને ખબર છે શું તારણ આવ્યું? અઠ્ઠાણુ ટકા પાર્ટનરોએ એમ કહ્યું કે અમે ઘણી વાર અમને પ્રિય પાત્રો મનોમન કલ્પ્યાં છે અને એને કારણે વધારે આનંદ આવ્યો છે, અમારા પાર્ટનર સાથે.’

માનવેન્દ્ર ઉત્સાહમાં આવી ગયો. ‘બે ટકા તો નીકળ્યા ને? ખરા ઇલ્મી, ખરા શૂરા.’ ભાવેશે એની વાત ધરમૂળમાંથી કાપી નાખતાં કહ્યું, ‘જગતના દરેક સમાજમાં બે ટકા દંભીઓ તો મળી જ રહે. બાકી અઠ્ઠાણુ ટકા કંઈ ઓછા ન કહેવાય.’ માનવેન્દ્રને થયું કે આ ચર્ચાનો કોઈ અંત નથી. એ લોકો અત્યારના સમાજની વાતો કરે છે જ્યારે પોતે તો એક આદર્શ સમાજની જે રચાવો બાકી છે. એના ચિત્તમાં ચરમ પળે કે વિષમ ક્ષણે સુમન સિવાયની કોઈ સ્ત્રી ક્યારેય નથી આવી તે નથી જ આવી !

કદાચ માનવેન્દ્રને ચીડવવા ખાતર એના રોમેન્ટિક મિત્ર પરાગે એક વાર પૂછ્યું હતું, નાનકડો પણ અફેર કર્યો છે, અમારાં સુમનભાભી સિવાયની સ્ત્રી સાથે? માનવેન્દ્રની સ્પષ્ટ સાફ ના સાંભળીને પરાગે જરા ગંભીર થઈને સૂચન કર્યું હતું, છેવટે કેવળ ચેઇન્જ ખાતર પણ તને એવું નથી થતું કે હો જાય એક બાર? તને ખબર નથી દોસ્ત, એક વાર કોઈ બીજી સ્ત્રીની સુગંધ ચાખીશ તો બત્રીસ કોઠે દીવા થઈ જશે. બાકી આમ ને આમ નીતિબાળ રહેશો તો ઘરડે ઘડપણ પસ્તાવો થશે અને એ વખતે કોઈ ઉપાય નહીં હોય. બાકી બચ્યું હશે માત્ર અંગમ ગલિતમ પલિતમ મુંડન, દશન વિહિનમ જાતમ તુંડમ.... માનવેન્દ્રે પળની વિપળમાં કહી દીધું હતું ના, એવું ના કરાય, ન જ કરાય. એ બ્રીચ ઑફ ટ્રસ્ટ કહેવાય. પણ પરાગે પીછો ન છોડ્યોઃ ‘સુમનભાભી કરે તો?’ ‘ના, એ શક્ય જ નથી, કદાપિ નહીં. એને એવો વિચાર પણ ન આવે. એના કેરેક્ટરની તને ખબર જ નથી.’

એકની એક જગ્યાએ બેસીને માનવેન્દ્ર કંટાળ્યો. સુમનને પણ જોઈ જોઈને કેટલી જુએ, જેટલી વાર જુએ એટલી વાર આંસુનો બંધ છૂટી જતો. વારંવાર એક પછી એક સાંત્વન આપવા આવે એની શરમ આવવા લાગી. એ ઊભો થઈને બીજા રૂમમાં ગયો. ત્યાં અલગ અલગ ગ્રૂપમાં વાતોના તડાકા ચાલતા હતા. વાતોમાં મશગૂલ એના મિત્રોથી સહેજ દૂર એ બેઠો. એ લોકોને ખબર નહોતી કે માનવેન્દ્ર પાછળ જ બેઠો હતો. માનવેન્દ્રને સુમનની વાતો થતી હોય એમ લાગ્યું. એને થયું મિત્રો પણ એના દુઃખમાં સહભાગી છે. અરધીપરધી સંભળાતી વાતોમાંથી એના દુઃખી મને સંવાદ કલ્પ્યો: ‘આમ અધવચ્ચે પત્ની ચાલી જાય એટલે તકલીફ તો પડે જ. એ તો ઠીક છે છોકરો, છોકરી મોટાં થઈ ગયાં છે એટલે બીજી પળોજણ ઓછી છે. પણ સેક્સનું શું? માણસ ઘરડો થાય છે પણ સેક્સ ઘરડો નથી થતો.’ કલ્પિત સંવાદ ને બોલાતી વાતો પાછી સેળભેળ થતી હોય એમ માનવેન્દ્રને લાગ્યું. એને સંભળાયું, ‘બાકી કહેવું પડે હોં, સુમનભાભી ચુસ્ત રહ્યાં છેક સુધી. મનિયાને જલસા કરાવતી હશે અને પેલા પરિતોષનેય. હોતું હશે? કંઈ નહીં, ન માને તો પણ પૂછવું હોય તો પરિતોષનું ઈ-મેઇલ એડ્રેસ આપું અમેરિકાનું. – અરે ! – ત્યારે વાત એમ છે. એનું, પરિતોષનું ને સુમનનું ખાસું બેત્રણ મહિના ચક્કર ચાલેલું. એ લોકો મિત્રો, ગાઢ મિત્રો હતા ને ? એ જે હોય તે. પણ બંનેનું જામેલું એ વાત સો ટકા સાચી. માનવેન્દ્રને ગંધ સુધ્ધાં આવવા નહોતી દીધી.

માનવેન્દ્રનું નાક ગંધથી ઊભરાઈ ગયું. એના માથે વીજળી તૂટી પડી. એને સૂધબૂધ ન રહી. મારી સુમન એવું કરે ? ના, એ કદાપિ નહીં. એ રસોડામાં કામ કરતી ભજન ગાતી ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ.’ સાલાઓ ગપ્પે ચડ્યા લાગે છે. આ સમયે આવી વાતો ? સ્ત્રીઓ વિશે લૂઝલી બોલવાનું વધતું ચાલ્યું છે. સાલાઓની પાસે પુરાવા માગું તો બોલતી બંધ થઈ જાય. ભૂતકાળના પોપડા ઉખેડવા આવ્યા છે કે મારું દુ:ખ હળવું કરવા માટે ? પણ એ તો સુમનમાં ભલીવાર નહીં ત્યારે ને ? બાકી આપણું નામ કેવી રીતે આવે આવા સ્કેન્ડલમાં ?

ઑફિસમાં મારી અને સત્યભામાની વાત ઉડાડી હતી ઑફિસના સહકાર્યકરોએ. હશે કોઈ અસંતુષ્ટ જીવ. હું તો હાજર નહીં, પણ તમે માનશો, પેલી ચાલુ બાઈ ઇલાક્ષીએ રોકડું ચોપડાવી દીધું'તું, ‘બીજા ગમે તેની વાત કરી તો હું માનું પણ માનવેન્દ્રભાઈ વિશેની આવી વાત રજ પણ ન સ્વીકારું. મારી સામે આંખ ઊંચી કરીને જોયું નથી. એ માણસ સંપૂર્ણ જેન્ટલમેન છે. એને ને લફરાને આડવેર. આવી ખોટી વાત ફેલાવશો નહીં. ત્યારે આવું છે. આપણામાં પાપ ન હોય તો શેનું કોઈ આંગળી ચીંધે?’

કદાચ સુમન લપટાઈ પણ હોય. એની આંખો તમે ધારીને જોઈ છે? મેં તો ધરાઈને પીધી છે. સહેજ માંજરી ભૂરી છે. માંજરી આંખોવાળા લુચ્ચાં હોય એમ કહેવાય છે. સ્ત્રીનું ચરિત્ર એટલે સ્ત્રીનું. બ્રહ્મા પણ પાર ન પામી શક્યા. મને ટીબી થયો ત્યારે ડૉક્ટરે સખત મનાઈ ફરમાવી હતી સ્ત્રીસંગની. સુમન પથારી સામે ખુરશીમાં બેઠી બેઠી પલપલિયાં પાડતી હતી. મને તો લાગે છે સાલી દંભ કરતી હશે. પેલો પરિયો પણ એ વખતે પેંધી ગયેલો. સાલાને વિઝા માટેની બધી કાર્યવાહી અંગ્રેજીમાં કરવાની. ઢબૂ પૈસાનો ઢ હતો તેથી વારંવાર મારી પાસે આવતો. બહાનું સારું મળી ગયેલું. ડોક્ટર પાસે મને લઈ જાય, દવાઓ આપી જાય. એમ કરતાં પેંધી ગયેલો. મારો વાલો દોડી દોડીને મારાં કામ કરે બધાં. સુમન પણ એનાં વખાણ કરવામાંથી ઊંચી ન આવે. જગતનો કનિષ્ઠ દ્રોહ એ મિત્રદ્રોહ છે. પણ નફ્ફટોને શો ઉપદેશ આપવો ? એને, મિત્રને શું કહેવું? પણ સુમનેય અડગ ન રહી શકી ત્યારે પેલો દાણા નાખી ગયો ને ? હું ખોટો ગુસ્સે થાઉં છું. વાતના વહેણમાં તણાતો માનવેન્દ્ર અટક્યો. કદાચ બંને જણાં અણીશુદ્ધ પણ હોય. હું કારણ વગર લોકોની વાતોમાં આવી જઈ રામાયણના રામ જેવો વ્યવહાર કરું છું.

એ વાત છોડો. હવે યાદ આવે છે. એક વાર બધા મિત્રોની ડ્રિક્સ પાર્ટી હતી. કાયમ કરતાં બધાએ બે પેગ વધારે ફટકાર્યા હતા. સત્યનો બંગલો આઠ બેડરૂમનો હતો તેથી બધા મિત્રો ક્રિકેટરોની જેમ પત્નીઓને લઈને સામેલ થયા હતા પાર્ટીમાં. સુમન તો પાછી મોડર્ન એટલે ‘વાઇનનો વાંધો નહીં’ કરીને બે પેગ મારી ગઈ હતી. હું ક્યારે ઢળી ગયો એની સરત ન રહી. મારી બાજુમાં કોક હળવેથી ગોઠવાતું હોય એમ લાગ્યું. આંખો ખૂલી તો સુમન સહેજ અમળાતી હોય એવું લાગ્યું. એના ચહેરા પર તૃપ્તિનું સ્મિત ફરકતું હતું. એને ખબર નહોતી કે હું જાણું છું. એ ન સમજી શકાય તેમ બબડતી હતી. એ એટલી બધી સેક્સી લાગતી હતી કે મેં પૂછ્યું, ‘હો જાય?’ એના ચહેરા પર હકાર છે કે નકાર એ હું સમજી ન શક્યો. જ્યારે મેં એને સ્પર્શ કર્યો ત્યારે એ ભીંજાયેલી હોય એવી લાગી, રોમેરોમ. અમને બંનેને એ દિવસે પહેલી વાર મજા ન આવી.

મારી મેમરી હાથી જેવી છે. કેટલા બધા પ્રસંગો મન પર સવાર થઈ ગયા છે ? એ બધું યાદ કરી કરીને શું પામીશ દુઃખ સિવાય? વળી, પાછું થયું, સાલાને કૉલર પકડીને એક ઝાપટ મારીને પૂછું, ‘પુરાવો હોય તો રજૂ કર. બાકી આવી ફાલતુ- નિરાધાર વાત કરીને સુમનનું મોત બગાડવાનો તને શો અધિકાર?’ આવેગમાં ને આવેગમાં ઉગામી બેઠેલો મારો હાથ પકડી લઈને મારો કઝીન કહેતો હતો. માનવેન્દ્રભાઈ આવી પડેલું દુઃખ સહન કર્યા સિવાય છૂટકો નથી. બધા તૈયાર છે. ભાભીને કાંધ આપી આગળ થાઓ. વિચારોના વંટોળિયામાંથી બહાર આવીને હું કોઈ અજાણી વ્યક્તિને કાંધ આપવા ઊભો થયો હોઉં એમ ઊભો થયો. અર્થી ઉપાડી ત્યારે બધી પરિચિતતા જાણે ઓગળી ગઈ હતી. મારી – મારી પોતાની સુમન સાવ અજાણી બની રહી.

સ્મશાનગૃહમાં સુમનની અંતિમ ઇચ્છાને માન આપીને ખર્ચની પરવા કર્યા વિના ચંદનનાં લાકડાંની ચેહ તૈયાર કરી હતી. મને પલભર થયું એના ચાલી ગયા પછી એકાદ વચન તોડીએ તો શો ફરક પડશે ? આમ એક કલાક સુધી એનું રોમેરોમ ઓગળતું જોવું એના કરતાં ઇલેક્ટ્રિક સગડીમાં સુમનને ટ્રોલી પર સુવડાવી જાતે જ ધકેલું તો. પણ બધાને આઘાત લાગશે. જે માણસ વહુને વાંદરીના બચ્ચાની જેમ વળગેલો ને વળગેલો રહ્યો એ જ માણસે વચન ન નિભાવ્યું ? મૃત્યુ પછી કેવા બધા સંબંધો પૂરા થાય છે? ના, જીવન પછી પણ જીવન છે સ્મૃતિઓનો સંસાર. સુમન આમ કરતી અને સુમન તેમ કરતી... સુમનને આ ભાવતું અને આ ન ફાવતું... સુમન સરળ હતી હા, શરદઋતુના સ્વચ્છ- નિરભ્ર આકાશ જેવી સરળ અને સ્વચ્છ હતી. તો પછી પરિતોષ ? પરિતોષ હોય તો હોય, પણ મારી સુમન તો હવે નથી ને ? અને જે છે જ નહીં તેનું આવુંતેવું, આમતેમ હોવું – મને શું કામ બાંધે ? પજવે ? વિચારો મને પજવતા હતા અને કઝીને મારા હાથમાં દૂધની કોથળી આપતાં કહ્યું – મોટાભાઈ ટાઢી વાળી દો એટલે ભાભી શાંતિ પામે અને બધાને હાથ જોડીએ એટલે એ બધા પણ મુક્ત થાય.
(‘ખેવના'–૯૫-૯૬ ટૂંકીવાર્તા-પ્રતિર્ભાવ વિશેષાંક)


0 comments


Leave comment