1 - નિવેદન / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની


સમીક્ષા-સામયિકના સંપાદક તરીકેની બાર વર્ષની કામગીરીએ એક મૂલ્યવાન અનુભવ એ આપ્યો છે કે સાહિત્યના સામ્પ્રતથી – એના પ્રવાહોથી જ નહીં, એમાં બંધાતી-બદલાતી જતી આબોહવાથી – સતત નિકટ રહેવાની બલકે એકદમ અનુબંધિત રહેવાની આ સૌથી અસરકારક પ્રવૃત્તિ છે. સાહિત્ય-વિવેચન સાથે સંકળાયેલાને માટે તો આ પ્રવૃત્તિ વિશેષ ઉપરકારક બનતી હોય છે - એ તેમને સાહિત્યની ઘટનાઓ તેમજ સમસ્યાઓના સીધા સંપર્કમાં રાખીને વાયવ્ય થતા બચાવી લે છે. સાહિત્યિક પત્રકારત્વની એ જ તો વિશેષતા છે – સાહિત્યતત્ત્વના અમૂર્તથી પોષણ પામવું અને સ્વસ્થ-સ્પષ્ટ રીતે વિચારોને મૂર્ત રૂપ આપવાની જવાબદારી નિભાવવી. એ આખી વાત જ સંપાદક માટે તાલીમશાળા બની રહે છેઃ પરોક્ષે રહેલી સત્વસમૃદ્ધિને પ્રત્યક્ષ કરવી ને પ્રત્યક્ષ કરાવતા જવું.

સંપાદકીય લેખોને માટે એટલે જ મેં ‘પ્રત્યક્ષીય’ સંજ્ઞા યોજી છે. છેલ્લાં દસ-બાર વરસ દરમ્યાન ‘પ્રત્યક્ષ’ના એ સંપાદકીય લેખો રૂપે જે લખાતું રહ્યું એમાંથી પસંદ કરીને, તથા વિષયાનુસાર વિભાજિત કરીને, અહીં ગ્રંથસ્થ કર્યું છે.

શરૂઆતથી જ એવું વિચારેલું કે કેવળ પ્રાસંગિક નોંધો કરવાને બદલે સામ્પ્રત સાહિત્યિક સંચલનોમાંથી કોઈ મુદ્દો લઈને એનો વિમર્શ કરતા રહેવું – સ્પષ્ટ દૃષ્ટિકોણ મૂકી આપવો. એમાં કોઈક ને કોઈક બિંદુએથી ઊહાપોહ પણ ઊપસતો રહેલો. એટલે મિત્રો અવારનવાર આ પ્રત્યક્ષીય લેખોને ગ્રંથસ્થ કરવા કહેતા હતા. પણ હું રાહ જોતો હતો એક પુસ્તકના બરની સામગ્રી ઊભી થાય એની.

આજે એ શક્ય બન્યું છે.
અહીં ‘પ્રત્યક્ષીય’માંથી પસંદ કરેલા ૩૪ લેખો છે. ને છેલ્લાં ત્રણ, મારી વિવેચન ને સંપાદનની પ્રવૃતિને મિષે થયેલી ગોષ્ઠિઓચર્ચાઓ-મુલાકાતો – એ માટે ડંકેશ ઓઝા, વીનેશ અંતાણી અને હર્ષદ ત્રિવેદીનો પ્રસન્નતાપૂર્વક આભાર માનું છું.

લેખોને સમયાનુક્રમે ગોઠવ્યા નથી – દરેક લેખને અંતે માસ-વર્ષ નોંધેલાં જ છે – પણ તે તે મુદ્દામાં ઊપસતા મુખ્ય વિષયને ક્રમે કર્યા છે. આમ કરવાથી પુસ્તકનો એક નિશ્ચિત આકાર થશે એવી આશા છે.

રાધેશ્યામભાઈએ ઉપરણા પર આ પુસ્તકનો માર્મિક પરિચય આલેખી આપ્યો છે એનો પ્રતિભાવ તો પ્રસન્નતાનો જ હોય – આભારની ઔપચારિકતાનો નહીં.

પ્રકાશન માટેના આર્થિક સહયોગ બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો અને વિક્રેતાની જવાબદારી પ્રેમપૂર્વક સ્વીકારવા બદલ ભાઈ હંમેશ મનહર મોદી (રન્નાદે પ્રકાશન)નો હૃદયપૂર્વક આભાર માનું છું.
રમણ સોની
વડોદરા
૭ જુલાઈ ૨૦૦૪


0 comments


Leave comment