1.2 - મેઘાણી અને સાહિત્યિક પત્રકારત્વ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની
સાહિત્યધર્મી પત્રકાર સાહિત્યનો તજ્જ્ઞ વિદ્વાન હોય છે એટલું જરૂરી નથી, પરંતુ એ ભાવક અને કૃતિ વચ્ચે, જિજ્ઞાસુ અને સાહિત્યજગત વચ્ચે સેતુરૂપ બનવાની પ્રામાણિક વૃત્તિવાળો તથા ક્ષમતાવાળો હોય એ તો જરૂરી છે જ. છાપાંની કૉલમોનો, આજે તો, ઘણે અંશે ધંધાદારી ઉપયોગ થઈ રહ્યો છે. એમાંથી વળતર વધારે મળે છે એથી અતિલેખન તો થાય જ છે પણ એમાં શિથિલતા ને ફેરલેખનનો પ્રમાદ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. છાપામાં તો કેવું હશે એવું- ઓછી મહેનતે તૈયાર કરેલુંય ચાલશે એવી બેફિકર હળવાશથી લખાપટ્ટી ચાલે છે (‘છાપાનાં ‘લેવલ'નુ લખવાનું હોય ને!’ – એક કોલમિસ્ટ લેખક-મિત્રનો આ મત છે.) એટલે નિષ્ઠા અને નિસબત તો એમાં ક્યાંથી દેખાય? એ જોવું હોય તો કૃષ્ણવીર દીક્ષિતને અને ઝવેરચંદ મેઘાણીને યાદ કરવા પડે.

મેઘાણીએ ‘જન્મભૂમિ’માં (૧૯૩૩થી શરૂ કરીને) વર્ષો સુધી ‘કલમ અને કિતાબી’ વિભાગ ચલાવેલો એ તો જાણીતું છે. એમાંથી પસંદ કરેલાં લખાણો ‘પરિભ્રમણ’ (ભા.૧ અને ૩)ના ગ્રંથોમાં સમાવાયેલાં. પણ વળી, મેઘાણીની ૯૦મી જન્મતિથિ નિમિત્તે, સંક્ષેપ-સંપાદન કુશળ મહેન્દ્ર મેઘાણીએ એમાંથી પસંદ કરેલાં ને ટુંકાવેલાં લખાણોની એક નાનકડી, પચીસેક પાનાની પુસ્તિકા (કિંમત રૂપિયા બે) ‘કલમ અને કિતાબ' પ્રકાશિત કરી છે. એમાંથી પસાર થતાં, આ પૂર્વે લગભગ બધું જ ટુકડેટુકડે વાંચેલું છતાં, એક પ્રકારનો રોમહર્ષક અનુભવ થયો. મહેન્દ્રભાઈએ એવો સઘન સંક્ષેપ કર્યો છે કે એક બેઠકે એ બધું જોવાઈ જાય. મેઘાણીની વિચારસૃષ્ટિનો – ને ખાસ તો એમના ‘હૃદયદ્રવ્ય’નો- તાજગીભર્યો સંસ્પર્શ આ નાનકડી પુસ્તિકાએ આપ્યો.

મેઘાણી કેટલાબધા વિષયોને સ્પર્શ્યા છે ! સાહિત્યરસિક, સર્જક, વિવેચક, બુકસેલર દરેક વિશે ને એ દરેકને સંબોધીને એમને કંઈક અર્થપૂર્ણ, અપીલીંગ ને વેધક કહેવાનું હોય છે : થિયેટર વિશે, જાતીયતા અને જાતીય શિક્ષણ વિશે, સાહિત્યનાં પાઠ્યપુસ્તકો- સંચયો વિશે, લેખકોને મહેનતાણું મળવું જ જોઈએ એ વિશે – એમની પાસે સ્પષ્ટ ધારદાર ને વિચારણીય મંતવ્યો છે.

મોકળાશથી વિચારવું ને એટલી જ મોકળાશથી વ્યક્ત કરવું એ મેઘાણીનો મોટો વિશેષ મને લાગ્યો છે. એમની ભાષામાં જીવંતતા અને ચોટ છે એથી એમનાં આ લખાણોમાં કેટલી બધી અવતરણક્ષમતા છે ! આપણને સાનંદાશ્ચર્ય થાય.....

‘કલમ અને કિતાબ’ના પહેલા જ લેખ (૧૯૩૩)માં એમણે સમગ્ર પ્રજા ‘સાહિત્યસૃષ્ટિને પોતાની જીવનસૃષ્ટિનું એક આંગણું’ સમજે એવી ઈચ્છા વ્યક્ત કરેલી છે અને ફોડ પાડીને એમણે લખ્યું છે કે : ‘પ્રજા જો રોજ બકાલાની પાછળ આઠ આના ખરચે છે તો તેને સુપથ્ય સાહિત્ય પાછળ પણ અધેલો ખરચતી જોવા અમારા અભિલાષ છે.’ (પણ છેક આજેય આવી વૃત્તિ આપણા નાગરિકોમાં જાગી છે ખરી? )

પણ એમણે સૌથી વધુ પસ્તાળ પાડી છે આપણા લેખકો પર છપાતા થયેલા સાહિત્યે–એની પુસ્તકિયા ઠંડીગાર ભાષાએ- જે ગુમાવ્યું છે એ એમણે વેધકતાથી મૂક્યું છે:
‘જીભને સાચો થડકાર લેવરાવનાર શૈલી કેટલાંની? આંખોને જ કેટલો બધો બોજો ઉઠાવવાનો? કાન અને જીભ સાહિત્યમાંથી લગભગ દેશવટો પામ્યાં છે.'

નૈસર્ગિક સર્ગશક્તિનો ને સમજનો અભાવ તથા એમાં ભળતાં મહત્વાકાંક્ષાના અને દંભ- એની સામે એમને ભારે રોષ છે એટલે જાહેરમાં, જરાય ખચકાયા વિના, એ કહે છેઃ ‘આપણે લખનારાઓ આપણી જાતને તેમજ બીજાઓને છેતરીએ છીએ. એ છેતરપિંડીનું સ્વરૂપ સૂક્ષ્મ હોય છે.’

શક્તિ વિનાનાં લોભ-આકાંક્ષા લેખકને કેવો હાસ્યાસ્પદ બનાવે છે એ એમણે ભારે અસરકારકતાથી કહ્યું છે : ‘પોતાનું લખેલું તદ્દન માલ વિનાનું છે એવું એને મોંએ ચડીને કહેવામાં આવે છે છતાં, એ કોઈપણ હિસાબે એક વાર, બસ, પુસ્તકરૂપ ધરે એવી કંગાલ ખ્વાએશને સંતોષવા માટે એ પ્રકાશકોને વિનવે છે, આ ખુશામદ કરે છે. ને એમ કરીને એકવાર કાગળ પર બીબાં પડાવીને પછી એ પોતાને લેખકોના મંડળમાંની એક મહત્ત્વની માન્ય થઈ ચૂકેલી વ્યક્તિ લેખે ખપાવે છે.’ આખા લખાણની ચિત્રાત્મકતા ને એમાંનાં રમૂજ-કટાક્ષ પણ આસ્વાદ્ય બને છે.

પીઢ-પ્રતિષ્ઠિતોનાં પ્રમાદ અને લોભને પણ એમણે છોડ્યાં નથી. લખે છે: ‘નવી રચનાઓ રચતો અટકીને જો હું મારાં વેરણછેરણ પડેલાં જૂનાં લખાણોને એકઠાં કરી છપાવવા બેસી જાઉં, તો હું મને બુઢાપો બેસી ગયો સમજું.’ અન્યત્ર આ જ પ્રકારની વાત કરી છે: ‘માણસોનું લખ્યું તેટલું બધું બહાર પડે, એ આધુનિક હીનવૃત્તિ છે.’

પ્રૌઢ લેખકોને તો એમણે જાણે મોટે અવાજે કહેતા હોય એ રીતે (તો જ એ સાંભળી શકે ને?!) કહ્યું છે: ‘મુરબ્બીઓ, તમે તમારી આસપાસ આંટા મારનારા ગ્રહો-ઉપગ્રહો ન માગો; તમને પણ ભૂલ બતાવી શકે એવા દોસ્તો માગો’

વિવેચન ન સહી શકતા લેખકોને માટે અને વિવેચકોને માટે પણ એમની પાસે સ્પષ્ટપણે કહેવાનું છેઃ ‘વ્યાપક અને એકધારા વિવેચનની ખરી ખોટ છે' એવું ભારપૂર્વક એમણે કહ્યું છે ને કેવળ નૈસર્ગિક શક્તિ-હથોટી પર કામ ચલાવનાર સર્જકોને એમણે રોકડું પરખાવ્યું છે: ‘તાલીમનો અણગમો સેવતા આપણે છતી શક્તિએ પણ દેવાળિયા છીએ.’

મેઘાણીની આ મુખર અને સોંસરી વાણી આજે વાંચતાં બે બાબતો તરત મન પર ઝિલાય છે : એક તો એ કે એમણે કેટલી બધી નિસબત અને મોકળાશથી, સાહિત્ય માટે જીવ બાળીને, પ્રેમ અને વલોવાટથી, લાગ્યું તે ચોખ્ખુંચટ લખ્યું છે ! આટલી નિખાલસતા, અને ખોંખારીને લખવા-કહેવાની હિંમત હવે કેટલાં બચ્યાં છે ? અને બીજું એ કે, એમણે જેને માટે ઉપલંભો આપ્યા છે એ સ્થિતિ આજે પણ એવી જ નથી ? જાણે કે એમણે આપણા માટે પણ લખ્યું છે....

‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ૧૯૯૪


0 comments


Leave comment