1.2 - પ્રમોદકુમાર પટેલ : જિજ્ઞાસાભરી વિદ્યાસાધના / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની


સાહિત્ય પરિષદના રાજકોટ અધિવેશન(૧૯૮૯)માં, વિવેચન વિભાગના અધ્યક્ષ તરીકે આપેલા વક્તવ્યને આરંભે પ્રમોદભાઈએ કહેલું: ‘હું તો સાહિત્યક્ષેત્રનો એક જિજ્ઞાસુ વિદ્યાર્થીમાત્ર છે.’ એ કોઈ ઔપચારિક નમ્રતા ન હતી, એમનો સહજ-નિખાલસ ઉદ્દગાર હતો. મોટા ગજાના અભ્યાસી વિદ્વાન હોવા છતાં એ હંમેશાં સરળ જિજ્ઞાસુ રહ્યા. પોતાનું વક્તવ્ય ન હોય એવાં પણ અનેક નાનામોટાં સંમેલનો-સેમિનારોમાં એ જતા, તબિયતનો ઘસારો વેઠીનેય જતા. કંઈ ને કંઈ તકલીફ તો રહ્યા કરતી, એ તકલીફ વધી ત્યારે પણ કહેતા કે, કોઈક વક્તવ્યમાંથી કે ચર્ચામાંથી એકાદ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો મળી પણ જાય. એટલાક લાભ ખાતર પણ જવું, એવી જિજ્ઞાસાવૃત્તિ. સાહિત્યકાર મિત્રોને મળવાનું મન પણ ખરું. એની પાછળ પણ પેલી જિજ્ઞાસાવૃત્તિ, અને માનવીય ઉષ્મા. હાથ મેળવે ત્યારે એ ઉષ્માનો સઘન દાબ અનુભવાય ! સાહિત્ય-બાહ્ય હેતુઓથી સંપર્કો વધારવાની કશી ગણતરી નહીં, એવો તો વિચારસુદ્ધાં નહીં.

પહેલી વાર એમને જોયેલા મુંબઈમાં અધ્યાપક સંઘના સંમેલનમાં. કદાચ ૧૯૭૭ આસપાસ. એ વખતનું એક ચિત્ર આજ પણ મનમાં અંકાયેલું છે : મુલાયમ, નિર્દોષ, પ્રસન્ન સ્મિતવાળો ચહેરો, દૂબળું નહીં પણ પાતળું શરીર. બૂટ, પેન્ટ-કોટ અને ગળામાં મફલર. મુંબઈમાં ઠંડી જરાય ન હતી. મફલરવાળા એ એક જ હશે કદાચ. એટલે મફલર સાથેના પ્રમોદભાઈની મુદ્રા મનમાં બરાબર દૃઢ થઈ ગયેલી. બૂટ પણ એમનું કાયમી પરિધાન. ચપ્પલમાં એમને મેં કદી જોયા નથી. અમસ્તા, ગામમાં જ કોઈને મળવા નીકળે તો પણ બૂટ હોય જ. વરણાગી સ્વભાવના કે એટીકેટના ખ્યાલવાળા તો એ હતા નહીં. પણ શરદીનો કોઠો. એટલે સહજ રીતે, જરૂરિયાતના ભાગ રૂપે પણ, આ બધું સ્વીકારી લીધેલું હશે.

પછી તો વિદ્યાનગરમાં એમને મળવાનું થયા કરતું. ઉમળકાપૂર્વક મળે ને પછી વિધા-સાહિત્યની વાતો. એ થાકે નહીં. નિવૃત્તિ બાદ તે વડોદરા આવ્યા એ પછી મળવાનું વધતું ગયું, સંબંધો વધુ અંતરંગ બન્યા. એમને ઘરે જઈએ એટલે અરધો કલાકનો કલાક-દોઢ કલાક થઈ જાય. ખબરઅંતર પૂછે. ત્યારે મોં પર સૌમ્ય સ્મિત હોય. પછી નવું વાંચ્યા- લખ્યા- વિચાર્યાની વાતે ચડે. મુદ્દામાં ઊંડા ઊતરી જાય. નીચલો હોઠ સંકોચાઈને જરાક ત્રાંસો થાય. આવી લાક્ષણિક મુખમુદ્રા પર તરલ ગંભીરતા તર્યા કરે. વળી પાછા બહાર આવે, પેલું સૌમ્ય સ્મિત લઈને. ક્યારેક કોઈ વાતચીતમાં ખડખડાટ હાસ્ય પણ આવી જાય. પૂરું પ્રસન્ન વ્યક્તિત્વ. ઊઠીએ ત્યારે મળ્યાનો સાર્થક સંતોષ મળે. એટલું જ નહીં, દરમ્યાનમાં, સવિતાબહેનનું આતિથ્ય પણ તમને અનિવાર્યપણે મળે જ- ચા/કૉફી, નહીં તો ઉકાળો, નહીં તો શરબત, છેવટે કેળું તો લેવું જ પડે. (એમના ઘરમાં કેળું તો લગભગ હોય જ), એમના સરળતાભર્યા પ્રેમગ્રહને ઠેલી ન શકાય.

વિવેચક તરીકેની વધતી જતી પ્રતિષ્ઠાએ પણ એમનાં આ સરળતા, નિખાલસતા અને આત્મીયતાને ઓછાં કર્યા ન હતાં. પહેલો વિવેચનસંગ્રહ ‘વિભાવના'(૧૯૭૭) પ્રગટ થયો ત્યારે તો એ વિવેચક તરીકે ઘણા પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા. વિવેચન -કારકિર્દી તો સાતમા દાયકાના શરૂઆતનાં વર્ષોથી, અધ્યાપન- કારકિર્દીની સાથે જ આરંભાઈ હશે. વિવેચક તરીકેની એમની આ મુખ્ય દિશા પહેલા સંગ્રહના સુદીર્ઘ લેખોમાં જ અંકાઈ ગઈ હતી- ‘સાહિત્યવિવેચન અને કળામીમાંસાના મૂળભૂત પ્રશ્નો’માં એમનું મન ગૂંથાતું ગયું હતું. તીવ્ર જિજ્ઞાસાવૃત્તિથી ને તર્કકઠોર ચિંતકદૃષ્ટિથી કળા રહસ્યોની દિશામાં મથતા આ શોધક- વિવેચકની એક લાક્ષણિક મનસ્થિતિ ‘વિભાવના’ની પ્રસ્તાવનામાં ઝિલાઈ છેઃ ‘ઘણીયે વાર આ (કળામીમાંસા) વિશેના અતિ દુર્ભેદ્ય અને કૂટ પ્રશ્નો આગળ હું ધૂંધળા પ્રાંતમાં પહોંચી ગયો છું અને દિગ્મૂઢ બનીને પાછો ફર્યો છું.’ વિવેચકની આ મથામણ; અને આ સચ્ચાઈ ને સન્નિષ્ઠા પ્રમોદભાઈમાં કાયમ રહ્યાં. જયંત કોઠારીએ છેક ‘વિભાવના’ના આવકારટાણે આપેલી એમની સાદી-સીધી પણ સચોટ ઓળખ પ્રમોદભાઈની સાચી ને પૂરી ઓળખ છે: “તપ વધે છે ને?” એવો પ્રશ્ન જેમને માટે સાર્થક રીતે પૂછી શકાય એવી એ વ્યક્તિ.’ પછી તો જયંતભાઈએ કહ્યું છે એમ, એમના આ અવિરત ‘વિદ્યાતપનાં ફળ’ એક પછી એક ઝડપથી મળવા માંડે છે. ૧૯૮૦ સુધીમાં જ ચાર વિવેચનગ્રંથો એમણે પ્રકાશિત કરેલા. એ પછી આજ સુધીમાં બીજાં પંદરેક પુસ્તકો એમણે આપ્યાં – પૂરાં અભ્યાસ-સમૃદ્ધ.

એમની વિવેચન- સજ્જતા મુખ્યત્વે પશ્ચિમી સાહિત્ય ને વિવેચનના અધ્યયનથી સમૃદ્ધ બનતી રહેલી. (અલબત્ત, ‘રસસિદ્ધાન્ત’ વિશે પણ એમણે એક પુસ્તિકા ને એક દીર્ઘ લેખ આપ્યાં છે.) એમના લગભગ દરેક પુસ્તકમાં તાત્ત્વિક ચર્ચાના ધ્યાનાર્હ લેખો મળ્યા કરે – ‘સર્જકતાની નવી વિભાવના', 'વિવેચનનું તત્ત્વજ્ઞાન', ‘કાવ્યતત્વવિચારના તાત્ત્વિક સંદર્ભો’, ‘સંશોધનનું સ્વરૂપ' વગેરે. અલબત્ત, આ તત્ત્વચર્ચાની સમાન્તરે જ ગુજરાતી સર્જન-વિવેચનના પ્રવાહોની તપાસ એમણે કરી છે. મિથ, કલ્પન, પ્રતીક થીમ આદિ સંજ્ઞા- વિભાવોની ચર્ચામાં ગુજરાતી સાહિત્યની કૃતિઓનું ચર્ચા-દૃષ્ટાંત લેખે સતત વિનિયોજન એમના ઘણા લેખોમાં થતું રહ્યું છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એમનામાં પ્રકલ્પરૂપ અધ્યયન-આયોજનમાં પરિણમતો રહ્યો છે. એનાં બે મહત્ત્વનાં પરિણામો એમની પાસેથી મળ્યાં છે : એક તે એમના સંશોધનકાર્યનું ફળ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા'ને બીજું તે ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર'. ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ નામનો એમનો એક સંગ્રહ પણ, જુદેજુદે સમયે લખેલા લેખોને એકસાથે મૂક્યા હોવાથી લાંબા ગાળા સુધી ચાલતી રહેલી એક સળંગ વિચારણાને રજૂ કરી આપે છે.

સમકાલીન સર્જન અને વિવેચનને તથા સામ્પ્રતકાલીન પ્રશ્નોને એમણે વિવેચકની જવાબદારીથી ને સજ્જતાથી હંમેશાં હાથ ધર્યા. સુરેશ જોશીની કળાવિચારણા, ઉમાશંકર અને સુંદરમની વિવેચનપ્રવૃત્તિ, શેખ- લાભશંકર- સિતાંશુ- રાવજી- રમેશ પારેખની કવિતા; ઘનશ્યામ દેસાઈ, કિશોર જાદવની વાર્તાઓ, તથા ‘બાહુક', ‘સ્વપ્નતીર્થ', 'ઉપરવાસ કથાયત્રી' આદિ કૃતિઓ વિશે લાંબા ફલક પરના દીર્ઘ લેખો એનાં થોડાંક દૃષ્ટાંત છે. ચિંતનશીલ વિવેચકની પર્યેષણાત્મકતાથી ને છતાં સર્જક ને સર્જન માટેના પ્રેમાદરભાવથી એમણે આ વિવેચન કર્યું ને સાહિત્યપ્રવાહનાં તેમજ સર્જકતાનાં માર્મિક બિન્દુઓ ચીંધી આપ્યાં. એમના એક અભ્યાસલેખનું શીર્ષક પણ આ દૃષ્ટિએ સૂચક છે- 'ઉશનસની કવિતાના મર્મકોષોમાં’

પ્રશ્નોને વિશ્લેષણપૂર્વક સમજવા ને સમજાવવાની એમની સતત મથામણ. એક બાજુ પર્યેષકબુદ્ધિ, ને સાથે જ, બીજી બાજુ શિક્ષકવૃત્તિ. સ્પષ્ટીકરણ ને વિશદતાનો આગ્રહ અનેક વાર પ્રસ્તારી વક્તવ્યો- લખાણોમાં પરિણમ્યો છે. આ પ્રસ્તાર, ક્યારેક સમગ્રના આકલનને શક્ય ન બનવા દેતો હોઈને વિશદતાને ધૂંધળી કરનાર પણ બન્યો છે. પણ એમની તત્ત્વનિષ્ઠાએ એ પ્રસ્તારને સહ્ય પણ બનાવ્યો છે. વિવેચક તરીકેની એ એમની લાક્ષણિક્તા હતી.

વૈચારિક ભૂમિકાએ એમની ચિકિત્સા આકરી હતી એ સાચું, ને કૃતિ-વિવેચનમાં પણ એ વિનિયોગ પામતી જોઈ શકાતી, પરંતુ પ્રમોદભાઈ તીખા કે આક્રમક ક્યાંય બન્યા નથી. સ્પષ્ટ નિદાન આપતાં એમનાં વિવેચનાત્મક વિધાનમાં પણ એમની શૈલીનો વિનમ્રતાભર્યો લાક્ષણિક મરોડ હોય, જેથી કોઈને એ ભાગ્યે જ વાગ્યો હોય. ક્યારેક એમ પણ લાગે કે પ્રમોદભાઈ માત્ર નિર્દેશ કરીને સૌજન્યથી પાછા વળી ગયા છે.

એ રીતે પ્રમોદભાઈ લગભગ અજાતશત્રુ વિવેચક રહ્યા. અલબત્ત, ગણતરીપૂર્વક અજાતશત્રુ રહેનાર ચતુરજાતિના નહીં, સહજ સ્વભાવથી જ અજાતશત્રુ. સામે પક્ષે, કોઈ પ્રત્યે શત્રુભાવ તો શું, કડવાશનો ભાવ પણ રાખ્યો નહીં. ‘વિભાવના’ની આલોચના કરનાર વિવેચકો વિશે એમણે ‘શબ્દલોક'ની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે, એમણે ત્રુટિઓ બતાવી એથી મારા જેવા અભ્યાસીને તો લાભ જ થયો છે – બીજા પક્ષોને શું કહેવું છે એ વિશેની સભાનતાનો લાભ. એથી ‘એ સૌને આદરથી યાદ કરું છું ને તેમને માટે આભારની ઊંડી લાગણી પ્રગટ કરું છું.'

એમની લાગણીભરી સૌજન્યશીલતાનો ને વિદ્યાપ્રીતિનો છેલ્લો અનુભવ એમના અવસાનના બે દિવસ પૂર્વે પણ થયો હતો. ‘પ્રત્યક્ષ' માટે જયંત ખત્રીના ‘ખરા બપોર’ વિશે એ લખી આપવાના હતા. હું ને જયેશ ભોગાયતા એ માટે ચર્ચા કરવા ગયેલા (‘પ્રત્યક્ષ’ના પરામર્શક તરીકે પણ એમની પાસેથી ઘણી ચર્ચા-વિચારણાનો લાભ મળતો રહેલો). એમને તાવ હતો. એટલે મેં કહ્યું કે, ‘પ્રમોદભાઈ, આજે આરામ કરો. બે-ચાર દિવસ પછી નિરાંતે મળીને વાત કરીશું’ છતાં એમણે ઊલટભેર વાત કરવા માંડી. સાહિત્ય- ચર્ચા જાણે એમનો થાક ઉતારી દેતી હતી. અમારે વારવા પડ્યા. એમના ચહેરા પર વાત કર્યાની, મળ્યાની પ્રસન્નતા હતી. ત્રીજે જ દિવસે, આવી ટૂંકી માંદગીમાં જ વિલીન થઈ જઈને આ સૌમ્ય વ્યક્તિ આમ આંચકો આપી જશે એવું કલ્પ્યું ન હતું....

કોઈ વ્યવહારુ સંપર્કો ઊભા ન કરેલા. પહેલો સંગ્રહ ‘વિભાવના’ નવભારતે પ્રકાશિત કરેલો એ પછીનાં બધાં જ પુસ્તકો (વિવેચનતત્ત્વવિચાર વિશેનું સરદાર પટેલ યુનિવર્સિટીએ કરેલું એ સિવાય) એમણે જાતે, ગુજરાત સાહિત્ય અકાદમી સહાય લઈ, બાકીના પૈસા જાતે ઉમેરીને પ્રકાશિત કર્યા. આટલા મોટા વિવેચકનેય કોઈ પ્રકાશક ન મળ્યો ! અલબત્ત, એની કશી ફરિયાદ પણ એમણે કરી નથી. એમ થાય કે કયા આંતરિક બળે એ આ વિષમ પરિસ્થિતિમાં પણ અવિરતપણે લેખનપ્રવૃત્તિ કરી રહ્યા હતા? એમના વિવેચનગ્રંથ પ્રતીતિ’માં એક જુદા સંદર્ભે કરેલા ઉદ્ગારમાં એનો એક જવાબ કદાચ મળે.... ‘આ પ્રકારનાં લખાણો પાછળ કયું બળ છે?' એમ પ્રશ્ર કરીને એમણે જ ટૂંકો ઉત્તર આપ્યો છે- ‘શબ્દમાં આસ્થા'. આ આસ્થાએ પ્રેરેલી ચાર દાયકાની વિદ્યાસાધનાએ ગુજરાતી સાહિત્યવિવેચન ક્ષેત્રે એમનું ગણનાપાત્ર પ્રદાન આંકી આપ્યું છે. એમને આપણી સૌની ભાવભરી અંજલિ.

એપ્રિલ-જૂન ૧૯૯૬
• પ્રમોદકુમાર પટેલ (જ. ૨૦-૯-૧૯૩૩; અવ.૨૪-૫-૧૯૯૬) ના પ્રકાશિત
ગ્રંથો:
વિવેચન :
વિભાવના (૧૯૭૭),
શબ્દલોક (૧૯૭૮),
રસસિદ્ધાન્ત- એક પરિચય (૧૯૮૦),
સંકેતવિસ્તાર (૧૯૮),
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨),
પન્નાલાલ પટેલ (૧૯૮૪ બીજી આ. ૧૯૯૫),
અનુભાવન (૧૯૮૪),
ગુજરાતીમાં વિવેચનતત્ત્વ- વિચાર (૧૯૮૫),
વિવેચનની ભૂમિકા (૧૯૯૦),
પ્રતીતિ (૧૯૯૧),
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ (૧૯૯૩),
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર-ભાગ : ૧' (૧૯૯૫), ભાગ : ૨ (૧૯૯૯),
કથાવિચાર (૧૯૯૯),
તત્વસંદર્ભ (૧૯૯૯),
કળા, સાહિત્ય અને વિવેચન (૨૦00),
અનુબોધ (૨૦૦૦).

અન્ય:
પરિશેષ: યશવંત ત્રિવેદીની કવિતાનું સંપાદન (૧૯૭૮),
ગદ્યસંચય – અન્ય સાથે (૧૯૮૨),
શેષ-વિશેષ: ૧૯૮૫ની કવિતાનું સંપાદન- અન્ય સાથે (૧૯૮૫),
પન્નાલાલ પટેલ: પરિચયપુસ્તિકા (૧૯૮૭),
પન્નાલાલનું વાર્તાવિશ્વ(૧૯૯૦),
જયશંકર પ્રસાદ (અનુવાદ, ૧૯૯૦)
* * *


0 comments


Leave comment