1.3 - ભાયાણીસાહેબનું એક મહત્ત્વનું પ્રદાન – ભાષાવિમર્શ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની
હરિવલ્લભ ભાયાણી (જ.૨૫.૬.૧૯૧૭ – અવ.૧૧.૧૧.૨૦OO)નું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીના સંશોધક તથા ભાષાશાસ્ત્રી તરીકેનું અને સાહિત્યશાસ્ત્રના એક શ્રદ્ધેય વિદ્વાન તરીકેનું પ્રદાન નિઃશંકપણે ઘણું મોટું છે. વળી, ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન ઉપરાંત સૌંદર્યશાસ્ત્ર તથા દાર્શનિક વિચારણા આપતા વિવિધ વિષયોના અદ્યાવધિ વૈશ્વિક પ્રવાહો લગીની એમની જાણકારીનો, ને એ બધાથી પ્રભાવિત થતી પણ અભિભૂત ન થતી સ્થિર- ચિકિત્સક અધ્યયનદૃષ્ટિનો લાભ પણ આપણને એમના સળંગ અભ્યાસગ્રંથોથી લઈને નાનકડા લેખો- નોંધો- ટાંચણોરૂપે મળતો રહેલો. એમનું આવું વિશાળ જ્ઞાનફલક હતું – જે પ્રાચીનથી અદ્યતન સમય સુધીના અભ્યાસમાં, ને પરિણામે, વ્યુત્પત્તિવિચારથી કાવ્યાસ્વાદ સુધીના લેખનમાં વિસ્તરેલું હતું.

એમનાં પુસ્તકોએ, એમના વાર્તાલાપોએ એમની (ખાસ કરીને ભાષાવિજ્ઞાન અને મધ્યકાલીન કૃતિસંપાદનને લગતાં કાર્યોમાં મળેલી) સંશોધનપ્રેરકતાએ નાના-મોટા અનેક જિજ્ઞાસુઓ- અભ્યાસીઓનો રસ્તો નિરવરોધ ને ગતિશીલ રાખેલો છે. ભાયાણીસાહેબ એક પ્રકારના સદ્ય- સંદર્ભ- કેન્દ્ર જેવા હતા- ઘણીવાર તો, કોઈ અભ્યાસીને દિવસો સુધી મૂંઝવનાર સમસ્યાનો ઉકેલ એમની જીભને ટેરવે પણ હોય. રઘુવીર ચૌધરીએ ક્યાંક લખ્યું છે એમ, એ સાચે જ ‘હાજરજ્ઞાની’ હતા.

આ બધા ઉપરાંત, એમનું એક વિશિષ્ટ ને મૂલ્યવાન પ્રદાન તે, ભાષાવિજ્ઞાનના વિષયનું (પરિષદ- પ્રકાશિત) સામયિક ‘ભાષાવિમર્શ’ એમણે પાંચ વર્ષ સુધી ચલાવ્યું – સંપાદિત કર્યું– એ છે. આ વિષયમાં આપણે ત્યાં અભ્યાસીઓ જ ઓછા. એમાંના મોટાભાગના તો ઓછું લખનારા. કેટલાક તો ગુજરાતીમાં લખવાની ટેવવાળા નહીં. સંપાદક તરીકે એમણે એ બધાં પાસેથી કામ કઢાવ્યું – અનુવાદો કરાવ્યા, દોહનો કરાવ્યાં, સ્વતંત્ર લેખો પણ કરાવ્યા. પોતે પણ અનુવાદો – દોહનો - ટિપ્પણો- લેખો અને સંપાદકીય નોંધો આપતા રહ્યા. (આ લખાણો એમણે ‘ભાષાવિમર્શ’ (૧૯૮૭) નામના એમના પુસ્તકરૂપે ગ્રંથસ્થ કરેલા છે.) ફલક પણ એમણે મોટું રાખેલું – સંકુલ દાર્શનિક વિચારણા આપતા લેખો (જેમકે, કશ્યપ મંકોડીના ૩૦ પાનાંના લેખ ‘જે થવાનું હોય તે જ થાય')થી માંડીને સાહિત્યના વિદ્યાર્થીઓને માટે ભાષાવિજ્ઞાનનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ એ વિશેની એમની પોતાની એક નોંધ સુધી. આ ફલક એમણે પહેલા અંકથી જ આંકેલું : ૧૯૭૮ના જાન્યુઆરી-માર્ચના પહેલા અંકના સંપાદકીયમાં, ‘ભાષાવિજ્ઞાનનું સામયિક શરૂ કરવું એ સાહસ જ નહીં દુસ્સાહસ છે, છતાં ત્રણચાર દૃષ્ટિથી આ સાહસ કરવાનું સ્વીકાર્યું છે.' એમ કહીને એમણે એ મુદ્દા સ્પષ્ટ રીતે નોંધી આપ્યા હતા – (૧) ભાષાવિજ્ઞાનના પ્રબળ વિકાસની ગતિવિધિનો જિજ્ઞાસુઓને પરિચય, (૨) પ્રાચીન કાળમાં આપણે ત્યાં થયેલા કામનું અનુસંધાન, (૩) ગુજરાતી ને ઇતર ભારતીય ભાષાઓને લગતાં અર્વાચીન સંશોધનોની જાણકારી અને (૪) ગુજરાતી ભાષાને લગતી સિદ્ધાન્ત તેમજ વ્યવહારના રસની બાબતોની ચર્ચાવિચારણા. જોઈ શકાશે કે ‘સિદ્ધાન્ત’ની સાથેસાથે જ ‘વ્યવહારના રસ’ની ખેવના પણ ભાયાણીસાહેબે કરી છે. ‘ભાષાવિમર્શ'માં પ્રકાશિત થયેલાં લખાણોમાંથી થોડાં મહત્ત્વનાં તારવીએ તો પણ, ‘યુરોપમાં ધ્વનિઘટકનો વિભાવ' (ભારતી મોદી), ‘ભાષાભ્યાસ, વિજ્ઞાન અને દર્શન’ (દિનેશ માહુલકર), ‘પોશીનાપટ્ટાની ભીલી વાર્તાનું ભાષાવિશ્લેષણ' (શાંતિભાઈ આચાર્ય), ‘તત્ત્વજ્ઞાનની ભાષા’ (મધુસૂદન બક્ષી), ‘સ્ફોટવાદ' (ભગવતીપ્રસાદ પંડ્યા), ‘અન્વિતાભિધાનવાદ અને અભિહિતાન્વયવાદ’ (એસ્તર સોલોમન), ‘પતંજલિ મહાભાષ્યના ૧૯મા આહ્નિકનો અનુવાદ’ (જયદેવ શુકલ) - એવી લખાણસમૃદ્ધિ ધ્યાનમાં આવશે. આમાંના કેટલાક અભ્યાસીઓએ, ‘ભાષાવિમર્શ’ને બાદ કરતાં, ભાગ્યે જ ગુજરાતીમાં આ વિષયનાં લખાણો કર્યા હશે. ભાયાણીસાહેબે એ કરાવ્યું. પણ એ થાકી જવાય એવું હતું – લેખો મેળવવા ને ધોરણસરના મેળવવા એ કપરું કામ હતું જ. એટલે, ૧૯૮૨ના એપ્રિલ અંકમાં એક ટૂંકી સંપાદકીય નોંધ છે: ‘ભાષાવિમર્શ’ને યોગ્ય ભાષાવૈજ્ઞાનિક લેખો મેળવવાની ચાલુ મુશ્કેલીને કારણે તેના સ્વરૂપમાં આ અંકથી થોડોક ફેરફાર કર્યો છે. ભાષાવૈજ્ઞાનિક ઉપરાંત સાહિત્યસંશોધનને લગતા લેખો (મધ્યકાલીન સાહિત્ય, લોકસાહિત્ય, તુલનાત્મક સાહિત્ય વિશે) પણ પ્રકાશિત કરવાનું ઠરાવ્યું છે.’ આ જ અંકથી, ‘સાહિત્યકોશ' ના સંપાદન- અનુષંગે જયંત કોઠારીએ લખેલી ‘મધ્યકાલીન સાહિત્ય: શુદ્ધિ-વૃદ્ધિ' નામની સંશોધન- નોંધ- શ્રેણી શરૂ થાય છે.

પાંચ વર્ષ ચલાવીને ૧૯૮૨ના અંતે એમણે 'ભાષાવિમર્શ'નું સંપાદન છોડ્યું. માત્ર એના માનાર્હ પરામર્શક રૂપે રહ્યા. એ પછી તો સંશોધનલેખો ઉપરાંત સાહિત્યવિચારના લેખો વગેરે પણ ઉમેરતાં રહીને 'ભાષાવિમર્શ’ને ચાલતું રાખવાનું થયેલું. પણ એમાં ‘ભાષા’વિમર્શ ઓછો ને ઓછો થતો ગયો ને છેવટે ૧૯૯૦ આસપાસ એને ‘પરબ’માં ભેળવી દેવું પડ્યું. અલબત્ત, ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં બીજાં પાંચસાત વર્ષ ચાલેલા આ સામયિકે સંશોધન- વિવેચનના કેટલાક મૂલ્યવાન અભ્યાસલેખો પ્રગટ કરેલા જ છે.

ભાયાણીસાહેબના સમગ્ર કાર્ય વિશે એક દૃષ્ટિપૂર્ણ આયોજનવાળો અધ્યયનગ્રંથ થવો જોઈએ ને એમાં, એમણે થોડાંક વર્ષ પણ ઉત્તમ રીતે ચલાવેલા આ સામયિકના પ્રદાનની મૂલવણી થવી જોઈએ.

ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૦


0 comments


Leave comment