1.4 - સાહિત્યકારની વિદાયઃ આપણું ઉત્તરદાયીત્વ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની


હજુ હમણાં તો ભાયાણીસાહેબ અને જયંતભાઈ કોઠારી આપણી વચ્ચેથી વિદાય પામ્યા એનો આઘાત શમ્યો નથી ત્યાં બીજા બે શક્તિમંત લેખકો ભોગીભાઈ અને દિગીશભાઈની વિદાય આપણા અવકાશને વધારે મોટો ને ભારઝલ્લો બનાવી દીધો.

લેખકોનાં અવસાન એમના મહત્તાભર્યા આખાય કામને આપણી સામે ખડું કરી દે છે – વ્યક્તિ વિદાય પામે છે ને એનાં કાર્યો, એના બધા લક્ષણવિશેષો ને વિલક્ષણતાઓ સમેત, જાણે કે એકસાથે મૂર્ત થઈ ઊઠે છે. અને એ આપણી સંપત્તિ બનવાની સાથે જ આપણું ઉત્તરદાયીત્વ પણ બની રહે છે. એમના કામને મૂલવીને, એની રેખાઓ ચોખ્ખી કરીને, પછી એક પ્રકારનું, મમત્વ વિનાનું અનુસંધાન કેળવવાનું રહે છે.....

ભોગીભાઈ, અને ‘મિતાક્ષર'


ભોગીલાલ ગાંધી (જ. ૨૬.૧.૧૯૧૧-અવ. ૧૦.૬.૨૦૦૧) જેટલા કર્મશીલ એટલા જ વિચારક ને એવા જ સક્રિય લેખક-સંપાદક. સ્વાતંત્ર્ય સત્યાગ્રહી તરીકે જેલવાસ લીધો, ત્યાંથી નીકળી સામ્યવાદી પક્ષના કાર્યશીલ સભ્ય બન્યા ને પ્રગતિશીલ લેખકમંડળ સ્થાપ્યું. પ્રતીતિઓ બદલાતાં સામ્યવાદ છોડ્યો, વિનોબા-જયપ્રકાશના માર્ગે વળ્યા. જનતા મોરચાની રચનામાં સંકળાયા ને છેલ્લે, કટોકટી સામેના આંદોલનમાં સક્રિય થયા. અરધી સદી સુધીની આ સક્રિયતા જેટલી સ્ફૂર્તિ-વેગવાળી એટલી જ સમજપ્રેરી – બલકે ઊંડાં વિચાર-વાચન-વિમર્શથી પ્રેરાયેલી રહી.

લેખક-સંપાદક તરીકેની કારકિર્દી પણ વિવિધ અને વિલક્ષણ ! કવિતા, વાર્તા જેવા સર્જનાત્મક લેખન સાથે જ એમણે પ્રવાસ, ચરિત્ર, ઇતિહાસ, ચિંતન, વિવેચન, અનુવાદ ને સંપાદનમાં શક્તિઓ પ્રયોજી. ૧૯૫૮થી ‘વિશ્વમાનવ’નું સંપાદન આરંભીને સામ્પ્રત સાહિત્ય અને જીવન- વિચારના બલિષ્ઠ પ્રવાહોને ઝીલવા-ઉપસાવવાની મહત્ત્વની કામગીરી કરી, ને એથીય મહત્ત્વની એમની સંપાદનસેવા તે ૧૯૬૭થી આરંભાઈને, એમના સંપાદનમાં ૨૭ ગ્રંથો આપતી, વિવિધ વિદ્યાક્ષેત્રોનાં કામનો હિસાબ આપતી, અત્યંત ઉપયોગી, ‘જ્ઞાનગંગોત્રી' ગ્રંથશ્રેણી.

સીધા સાહિત્ય-વિવેચનના નહીં પણ સાહિત્યની દિશાના કેટલાક વ્યાપક સંદર્ભોને લઈને અભ્યાસો રજૂ કરતા– ઉમાશંકરે કહેલું એમ ‘આપણી સાહિત્યવિચારણામાં ખૂબ ઉપયોગી પીઠિકા રચી આપતા' –એમના પુસ્તક ‘મિતાક્ષર’ (૧૯૭૦) વિશે બે વાત.

આ પુસ્તકના લેખોની વિશેષતા એ છે કે એમાં વિચારણાનાં ચુસ્તી ને લાઘવ તો છે જ, ઉપરાંત એમાં અધ્યયન-લેખના સ્વરૂપની (પદ્ધતિની) શાસ્ત્રીય ચુસ્તી પણ છે. વીસ પાનાંનો લેખ હોય એમાં પણ કશું શિથિલ કે લહેરાતું નહીં – સંદર્ભસજ્જતા ને અભ્યાસનિષ્ઠાથી એ સઘન-સુબદ્ધ હોય. ‘અસ્તિત્વવાદ-એક વિશ્લેષણ’, ‘પશ્વિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ ને તેની મથામણ’ જેવા અગત્યના લેખોમાં પુષ્કળ સંદર્ભનિર્દેશો છે, સમર્થક અવતરણો છે (પણ ઉદ્ધરણઅતિરેક નથી). સાર્ત્ર, કામૂ-કાફકા, બૉદલેર- મલાર્મે- રિલ્કેના સાહિત્યના સંદર્ભો સાથે એમનાં ‘રિબેલ', ‘મિથ ઑફ સિસિફસ', ‘બિયોન્ડ એક્ઝીસ્ટન્શયાલિઝમ' આદિ પુસ્તકોના પણ સંદર્ભોથી લેખ સમૃદ્ધ ને વ્યાપક ફલકવાળો થયો હોય. ભોગીભાઈનો લેખ મુદ્દાસર લેખનના આયોજનવાળો હોય : ૧, ૨, ૩ એવા વિભાગો ને ૩(૧), ૩(૨) જેવા પેટાવિભાગો- પૂર્વકનું એમના લેખનું માળખું રચાયેલું હોય. માંડણી લક્ષ્યગામી, અને પર્યાપ્ત સઘન ભૂમિકા. (ભોગીભાઈની લખાવટમાં વિશદતાનો ભોગ લેવાયેલો હોય એવું, ક્યારેક, લાગે ખરું.) સંશોધન- દીક્ષિતોએ એમના લેખોના પરિરૂપનો પણ અભ્યાસ કરવા જેવો છે.

સાતમા દાયકામાં થયેલાં પરિષદનાં પાંચ જ્ઞાનસત્રોમાંથી ચાર જ્ઞાનસત્રોમાં ભોગીભાઈએ અભ્યાસનિબંધો રજૂ કરેલા, એ એક વિગત તરીકે પણ દ્યોતક છે. ઉપર નિર્દેશેલા બે લેખો ઉપરાંત ‘સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મકતા' તથા ‘સમૂહ માધ્યમો’ એમનાં જ્ઞાનસત્ર-વક્તવ્યો છે. એમના ઘણા લેખોમાં વિચારણા સ્પષ્ટ, ને ઉત્તેજક હોય છે. ૧૯૬૪માં લખાયેલા ‘સમૂહ માધ્યમો’ માંથી બે-ચાર વિચાર ટાંકવા પર્યાપ્ત થશે : (૧) માસ-સોસાયટીએ કેન્દ્રવાદ રચીને આભાસી ઉન્નતતા ભલે દેખાડી હોય પણ નીચેથી તો એ ઊખડેલી-‘ઉન્મૂલ’–છે. (૨) માસ-મીડિયાએ સાહિત્ય પર આક્રમણ કર્યું. કલાસાહિત્યક્ષેત્રે સસ્તા ને સર્વભોગ્ય ઉત્પાદન પર ઝોક આવ્યો, ‘છીછરા-પહોળા આકારોમાં ઉપસાવેલી એકધારી કૃતિઓ' પૉપ્યુલર લિટરેચરરૂપે મળી. (૩) સ્ટાન્ડર્ડ ક્લોથ જેવા સ્ટાન્ડર્ડ વર્જનવાળી નિઃસામાન્ય જીવન- ફિલસૂફીનું વહન કરતા ‘પોપ્યુલર નોવેલિસ્ટો’ અને વર્તમાનપત્રોપજીવી નિબંધકારો રૂપે માસ- એલિટો આવ્યા.... વગેરે.

છેક ૧૯૪૦માં, ભોગીભાઈ માર્કસવાદી હતા એ વખતે લખેલા ‘માર્કસવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ એ લેખમાં એમણે, માર્કસવાદી વિચારણાના પ્રવેશે સાહિત્યસર્જન સીમિત થઈ જશે એવો (પન્નાલાલે સેવેલો) ભય ‘માર્ક્સવાદની અણસમજ ને ગેરસમજમાંથી ઊભો થયો છે' એવું દૃઢ મંતવ્ય વ્યક્ત કરીને તરત જ એ પણ કહ્યું કે, એ ભય એટલો જ અધકચરા માર્કસવાદીઓ અને ખોટા માર્કસવાદીઓને કારણે ઊભો થયો છે. એમનો અતિઉત્સાહનો અતિરેક સાહિત્ય એક વિશેષ કસબ છે એ વિસરાવી દે છે.’ ૧૯૬૬માં થયેલા એમના દીર્ઘ લેખ ‘ગુજરાતી વિવેચન-સાહિત્ય પર માર્કસવાદીની અસર' તો ઘણો વધારે સ્વસ્થ ને સુચિંતિત લેખ છે. લેખનો ઉપસંહાર ભોગીભાઈના વ્યાપક દૃષ્ટિકોણને ઉપસાવે છે. એ કહે છે, ‘માર્કસવાદ જ શું કામ, કોઈપણ ‘વાદ' કલાસર્જનને અણઘડ રીતે સ્પર્શવા જતાં, વર્ચસ્વનો પ્રયાસ કરવા જતાં, સર્જનના આત્માને જ ગૂંગળાવી માર્યા વિના ન રહે.’
‘મિતાક્ષર' વિશે વધારે ચર્ચા થવી જોઈએ, હવે.

દિગીશભાઈ, અને ‘ઈંગ્લિશ ! ઈંગ્લિશ !’


દિગીશ મહેતા (જ. ૧૨.૭.૧૯૩૪ – અવ. ૧૪.૬.૨૦૦૧) આપણા એક અચ્છા, બહુ ટિપિકલ ગદ્યકાર – એકદમ લો પ્રોફાઈલવાળા માણસ, ને લેખક. મિતભાષી અને, એમ કહી શકાય તો, મર્મભાષી. ઉત્તર ગુજરાતનું ‘લોક' મનમાં અકબંધ રાખીને આવેલા નાગર; જબાન નાગરની, મરમાળી – પણ ચળકતી નહીં. પછી અભ્યાસે જ નહીં, મિજાજે પણ ઈંગ્લિશ. (એમણે ક્યારેય ‘અંગ્રેજ’ કે ‘અંગ્રેજી’ એવો પ્રચલિત શબ્દ વાપર્યો નથી – શુદ્ધ, અસલ, ‘ઇંગ્લિશ' જ.) મિજાજ ને ભાષા જ નહીં, વિચાર ને સર્જકતા પણ અરૂઢ. નવલકથાઓ ‘આપણો ઘડીક સંગ’ કે ‘શત્રુધ્નની પહેલી સફર' જુઓ કે નિબંધસંગ્રહો ‘દૂરના એ સૂર’ કે ‘શેરી’ જુઓ - એટલું જ શા માટે? વિવેચનપુસ્તકો ‘પરિધિ’ કે ‘પશ્ચિમની નવલકથા’ પણ જુઓ - તે તે સ્વરૂપની પૂરી શિસ્ત સાથે પણ દિગીશભાઈ ગદ્યકાર લાગવાના. ઊંડાં અભ્યાસ- નિરીક્ષણ- સમજને ઝાંખાં- પાતળાં કર્યા વિના ભાર વિનાનાં, હળવાં રાખીને એ ચાલ્યા છે. ટૂંકાં વાક્યો તો ખરાં જ; પણ વાક્યના ખંડો પડે – અટકતા, અચકાતા, ટમકો મૂકતા, મરમાળા, ક્યારેક દબાયેલું ટીખળ- તોફાન- જરાક મીસચીફ- ને સંડોવતા ખંડો – એની ભાત એક શૈલી નીપજાવે (પણ સમૃદ્ધિનો, પ્રજ્ઞાનો ક્યાંય અભાવ નહીં). એટલે, સ્વરૂપનું રેખા-માળખું ધારોકે સ્હેજ ઉઠાવી લઈ શકીએ, તો બધે જ દિગીશભાઈ નિબંધકાર. એ સ્વરૂપની રેખાઓ પણ લઈ લેવી હોય તો, નિતાન્ત ગદ્યકાર લાગે.... લલિતગદ્ય-કાર.

‘ઈંગ્લિશ ઈંગ્લિશ' (૧૯૯૯) એ રીતે એમના લેખક- વ્યક્તિત્વનું સ-રસ પ્રતિનિધિત્વ કરતું, એમણે લીધેલા વિષય પરનું તો બેનમૂન કહેવું પડે એવું પુસ્તક છે. ‘ઈંગ્લિશ ભાષા સાથોસાથ ઇંગ્લિશ સંસ્કાર, સાહિત્ય, એવો એનો સમગ્રતયા, holistic પરિચય કરાવાય તો યોગ્ય થશે એ દૃષ્ટિએ આ લેખો લખાયા છે’ (‘પ્રવેશક'). વિચાર્યું, અભ્યાસ પણ કર્યો, ઈંગ્લિશના કેટલાક તજ્જ્ઞ સ્નેહીઓ- વડીલોની ક્યાંક પરોક્ષ, ક્યાંક પ્રત્યક્ષ ‘દોરવણી’ લીધી. બરાબર. પણ આમ જોઈએ તો ઇંગ્લીશ શીખવવા માટેનું આ કોઈ પ્લાન્ડ સુઆયોજિત પુસ્તક, એવી લેખશ્રેણી, નથી. લેખો ક્રમમાં આમતેમ થોડોક ફેરફાર કરીએ તોય ચાલે, એવી ચુસ્ત સાંકળ વિનાના, છતાં દૃષ્ટિ ખોડેલી રાખી હોય તેવા છે; લહેરાતા છે ને છતાં માહિતી- જાણકારી- નિરીક્ષણો ઓછાં નથી એમાં. ‘રોઝેટનો થેસોરસ’, ‘પ્રોનાઉન્સીંગ ડિક્શનરી', 'ડિપ્લોમસીની ભાષા', 'પાઠમાલા પદ્ધતિ.’ અને સ્પોર્ટસ- બિઝનેસ- પોલિટિક્સની વાત કરતાં પ્રકરણોમાં બહુવિધ જાણકારી છે – બધું સાવધાનીથી સાંભળેલું, વિચારેલું છે. પણ જે મજા છે તે હળવાશની, અનૌપચારિકતાની, લગીરે દાબ- ભાર વિના કહેવાની રીતની છે. લેખોનું રૂપ એકેડેમિક, કે પ્રવચન પ્રકારનુંય, નથી; જાણે કે રેડિયો ટૉક પ્રકારનું છે – ‘તમે’ -‘આપણે' ‘જોજો-સાંભળજો’-વાળું રૂપ છે. એથીય વધારે તો એ કોઈની સાથે, નિરાંતને સમયે, બેસીને કરેલી વાતચીત જેવું છે.

જેમકે, શબ્દોના અર્થ-મર્મ સમજાવતાં, ‘ફ્યુરીઅસ’ શબ્દ આગળ વાત પૂરી કરતાં કહે છે: ‘અને છેલ્લે ક્યુરીયસ તમારા બૉસ માટે... માય બોસ વોઝ એબ્સોલ્યુટલી ફ્યુરીયસ ! વીશ યુ વેલ, બીજું શું, જો આ છેલ્લું સાચું હોય તો!’ શબ્દનો સ્વાદ લેવો- આપવો, એના અધ્યાસો સાથે, એ કેવુંક મુકાયું છે! જુઓ – ‘પણ આવો ભરચક ભર્યોભર્યો ‘એક્ઝિક્યુટીવ' શબ્દનો ઉચ્ચાર મેં કોઈ દિવસ સાંભળ્યો નહોતો. આખા અમેરિકન કલ્ચરનો ધબકાર, એનું પ્રેશર તેમાં તોળાયેલું હતું. કોઈની સાથે ઈંગ્લીશમાં વાતચીત કરવી એ, દિગીશભાઈ કહે છે, એક પર્ફોર્મન્સ છે ને એમાં કાળજીથી, મહાવરાથી ને એથી આવેલા આત્મવિશ્વાસથી સફળ થવાય છે. આ વાત, દિગીશભાઈ હૂંફાળી રમૂજવૃત્તિથી, વિશ્વાસ પ્રેરતાંપ્રેરતાં ને સ્હેજેક ચેતવી દેતાં આમ મૂકે છે : વાતચીત કરવામાં ‘.....અમુક ઈંગ્લીશ અવાજો કરવાના છે. ગાડું ગબડાવવાનું છે. આમાં ભૂલ થાય તો કોઈ એના માર્ક કાપી લેવાનું નથી. પણ પેલો રાજુ પદ્મનાભન ધાણી ફૂટે એમ નહીં તો ઘરમાં ભાંગેલું મિક્સર અવાજો કરે તે રીતે કંઈક ભેળસેળિયા ઉચ્ચાર ને શબ્દોવાળું પણ ઈંગ્લીશ નામે ઓળખાતું કચ્ચરિયું પીરસ્યે જઈ શકે છે, એટલી આવડત તેનામાં છે, જ્યારે આ રમેશ લુહાર, કદાચ મારા કવિ સુંદરમનો દૂરનો સગો હોય તો પણ, તેની ભુજા એકવાર પણ ઘણ ઉઠાવતી નથી.’ પહેલું પ્રકરણ ટીખળી વાર્તા જેવું: ‘ખરો ખૂની કોણ ઉર્ફે હુ-ડન-ઈટ?’ અને છેલ્લું, લહેરાતું છતાં ગંભીર વાત મૂકતું વિશ્વાસ પ્રેરવા – ‘ઈંગ્લીશ એક કારકિર્દી તરીકે.' આ રેન્જ છે આની. પુસ્તક વાંચવું જ પડે. વાંચતાં વાંચતાં દિગીશભાઈ એકદમ નિકટ બેઠેલા લાગે. સહસા પૂછી દેવાયઃ ‘દિગીશભાઈ, મજા આવી; પણ આમાં મુદ્રણની થોડીક ભૂલો છે, કેટલીક ગંભીર, તે જોવા- સુધારવાની કદાચ રહી ગઈ લાગે છે....’
જૂન ૨૦૦૧


0 comments


Leave comment